દર્દીની આંખમાં દાંત કેવી રીતે ઊગી નીકળ્યો, આખરે કેવી રીતે બહાર કઢાયો?

    • લેેખક, સીટૂ તિવારી
    • પદ, બીબીસી સંવાદદાતા, પટણા

હાલમાં જ પટણાના ઇંદિરા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિઝ (આઇજીઆઇએમએસ)માં એક વિચિત્ર મામલો સામે આવ્યો.

અહીં એક દર્દીની જમણી આંખમાં દાંત ઊગવા લાગ્યો હતો. આ દર્દીનું ઑપરેશન કરનાર ડૉક્ટર આને મેડકિલ સાયન્સના અમુક દુર્લભ મામલા પૈકી એક માને છે.

11 ઑગસ્ટના રોજ દર્દીની સર્જરી કરીને આંખમાંથી દાંત કાઢવામાં આવ્યો છે અને તેઓ હાલ સ્વસ્થ છે. બીબીસીએ આ દર્દી અને તેમના ઑપરેશનમાં સામેલ ડૉક્ટરો પાસેથી આ મામલાને સમજવાનો પ્રયાસ કર્યો છે.

આ રિપોર્ટમાં અમે આઇજીઆઇએમએસની ગુપ્તતા નીતિનું પાલન કરીને દર્દીની ઓળખ છુપાવી છે અને તેમનું નામ બદલી દીધું છે.

શું છે મામલો?

રમેશકુમાર (બદલેલું નામ) બિહારના સિવાન જિલ્લાના રહેવાસી છે. 42 વર્ષીય રમેશને ગત વર્ષે ઑક્ટોબર માસમાં ઉપરની તરફના એક દાંતમાં લોહી પડવાની સમસ્યા થઈ.

ગામ્રીણ પરિવેશમાંથી આવતા રમેશે સ્થાનિક ડૉક્ટરને બતાવ્યું તો તેમણે રમેશનો ઇલાજ કર્યો અને ડિસેમ્બર 2024 સુધી રમેશ બિલકુલ સ્વસ્થ થઈ ગયા.

પરંતુ માર્ચ 2025માં રમેશે અનુભવ્યું કે તેમની જમણી આંખ અને દાંત વચ્ચે એટલે કે ગાલ પર ગાંઠ થઈ ગઈ છે. રમેશે ફરી વાર સ્થાનિક ડૉક્ટરને બતાવ્યું. જોકે, આ વખત ડૉક્ટરે રમેશને પટણા જઈને દેખાડવાની સલાહ આપી.

રમેશે બીબીસી હિંદીને જણાવ્યું, "ગાંઠને કારણે મને ઝાંખું દેખાવા લાગ્યું હતું અને માથામાં જમણા ભાગે દુખાવો રહેતો. આના કારણે ચક્કર આવતા અને આળસ રહેતી, જેને કારણે હંમેશાં સૂઈ જવાની ઇચ્છા થતી રહેતી."

"મારું બધું કામ બંધ થતું જઈ રહ્યું હતું. જે બાદ મેં જૂનમાં આઇજીઆઇએમએસમાં દાંતના ડૉક્ટરને બતાવ્યું. ડૉક્ટરે મારો સીબીસીટી સ્કૅન કરાવ્યો. પછી ખબર પડી કે મારી આંખમાં તો દાંત છે. 11 ઑગસ્ટના રોજ ડૉક્ટરે મારું ઑપરેશન કર્યું. હવે હું સંપૂર્ણપણે સ્વસ્થ છું."

સીબીસીટી એટલે કે કોન બીમ કમ્પ્યૂટેડ ટોમોગ્રાફી. સરળ શબ્દોમાં આ એક પ્રકારનો ઍક્સ-રે છે. જે મૅક્સિલોફેશિયલ એરિયાનો ઍક્સ-રે કરીને થ્રી ડી તસવીરો બનાવે છે.

આંખમાં દાંત કેવી રીતે ઊગી નીકળ્યો?

રમેશનો ઇલાજ ડેન્ટલ વિભાગ મૅક્સિલોફેશિયલ, ઓએમઆર (ઓરલ મેડિસિન ઍન્ડ રેડિયોલૉજી) અને એનેસ્થીસિયા સેક્શને મળીને કર્યો.

મૅક્સિલો એટલે કે જડબું અને ફેશિયલ એટલે ચહેરો. મૅક્સિલોફેશિયલ સર્જન બ્રેન, આંખ અને કાનના અંદરના ભાગ સિવાય માથાથી ગળા સુધીના ભાગમાં જે સંરચના બચી જાય છે, એ આ બધાની સર્જરી કરે છે.

આવી જ રીતે ઓએમઆરનું કામ ઍક્સ-રે જેવી તકનીકનો ઉપયોગ કરીને દાંત, મોં, જડબો અને ચહેરાની એ સમસ્યાઓ શોધી કાઢે છે, જે સામાન્ય તપાસમાં નથી દેખાતી.

દર્દીની આંખમાં દાંત કેવી રીતે ઊગી નીકળ્યો?

આ સવાલના જવાબમાં હૉસ્પિટલના ઓએમઆર ડિપાર્ટમેન્ટનાં હેડ નિમ્મીસિંહ જણાવે છે કે, "આ એક ડેવલપમેન્ટલ એનોમલીઝ (વિસંગતિ) છે. એટલે કે જ્યારે બાળકનો વિકાસ થઈ રહ્યો હોય છે ત્યારે તેના શરીરની સાથોસાથ દાંતનો પર વિકાસ થઈ રહ્યો હોય છે. એ જ સમયે આ દાંત ખોટી જગ્યાએ વિકસિત થવા લાગે છે."

ઑપરેશનમાં સામેલ મૅક્સોફિશિયલ સર્જન પ્રિયાંકરસિંહ જણાવે છે કે, "આપણા શરીરની સંરચનામાં ઘણી વસ્તુઓ એવી છે જે નૉર્મલ જગ્યાએ ન બનીને અલગ જગ્યાએ પણ બની જાય છે."

"બાળક જ્યારે ગર્ભમાં હોય કે ચહેરો જ્યારે મોટો થઈ રહ્યો હોય અને દાંત બનાવતું તત્ત્વ છટકીને ક્યાંક જીવિત અવસ્થામાં જતું રહે તો એ શરીરના એ ભાગમાં પણ વિકસી શકે છે. આ મામલામાં પણ આવું જ થયું અને દાંત 'ફ્લોર ઑફ ધ ઑર્બિટ'માં વિકસવા લાગ્યો."

આંખની સપાટીમાં હતાં દાંતનાં મૂળ

માનવખોપરીમાં જ્યાં આપણી આંખ સ્થિત હોય છે એ બોન સેલને ઑર્બિટ કહે છે. સરળ શબ્દોમાં કહીએ તો આંખને ચારેકોરથી રક્ષણ પૂરું પાડતું સૉકેટ જ ઑર્બિટ છે.

આંખના નીચેના ભાગના ઑર્બિટને 'ફ્લોર ઑફ ધ ઑર્બિટ' કહેવાય છે.

દર્દી રમેશકુમારે જ્યારે સીબીસીટી કરાયા બાદ ખબર પડી કે ફ્લોર ઑફ ધ ઑર્બિટમાં દાંતનાં મૂળ છે.

પ્રિયાંકર કહે છે કે, "આ મામલામાં દાંતનાં મૂળ ફ્લોર ઑર્બિટમાં હતાં. જ્યારે તેનો ક્રાઉન પોર્શન (દાંતનો સફેદ ભાગ) મૅક્સિલરી સાઇનસમાં હતો. આ દાંત પોતાની નૉર્મલ જગ્યાએ નહોતો બન્યો તેથી શરીર માટે એ ફૉરેન બૉડી હતો."

"શરીરના સુરક્ષા તંત્રે આ ફૉરેન બૉડીથી બચવા માટે તેની આસપાસ સિસ્ટ (એક પ્રકારની થેલી) બનાવી લીધી હતી. આ સિસ્ટે સમગ્ર મૅક્સિલરી સાઇનસના એરિયાને ઘેરી રાખ્યો હતો, જેના કારણે ચહેરા પર સોજો થઈ ગયો હતો અને ઉપરના જડબાનું હાડકું ગળી રહ્યું હતું."

મૅક્સિલરી સાઇનસ, ફ્લોર ઑફ ધ ઑર્બિટ અને આપણા ઉપરના ભાગના જડબાની વચ્ચેનો ભાગ છે. સરળ શબ્દોમાં આ ગાલનો એક ભાગ છે.

દાંત આંખના ફ્લોર ઑફ ધ ઑર્બિટમાં ઊગી રહ્યો હતો, તેથી જ્યાંથી ઘણી બધી નસો નીકળે છે, તેથી આ એક મુશ્કેલ સર્જરી હતી.

દાંતનો આકાર શું હતો?

જ્યારે હું દર્દી રમેશકુમારને મળી ત્યારે તેઓ સામાન્ય દેખાઈ રહ્યા હતા. તેમના ચહેરા પર કોઈ પ્રકારનો કોઈ નિશાન નહોતું.

ખરેખર આ તેમના મોંની અંદરથી કે જડબામાં ચીરો મારીને સર્જરી થઈ હતી. જેમાં દસથી 12 ટાંકા લાગ્યા છે.

સર્જન પ્રિયાંકરસિંહે અગાઉ નક્કી કરેલું કે તેઓ આંખની નજીક ચીરો મારીને આ ઑપરેશન કરશે. પરંતુ દર્દી રમેશની ઓછી ઉંમર અને તેમના વ્યવસાયને જોતાં નિર્ણય લેવાયો કે ઇન્ટ્રા ઓરલ એટલે કે મોંની અંદરથી સર્જરી કરાય.

આ ઑપરેશન બાદ દર્દીની આંખો બિલકુલ ઠીક છે અને વિઝન પણ પહેલાંની માફક જ છે. દર્દીનો જે દાંત કઢાયો છે, તેનો આકાર કેવો હતો?

આ પ્રશ્નના જવાબમાં કહ્યું કે, "દર્દીના આ દાંતનો આકાર પ્રીમોલર દાંત જેટલો હતો."

પ્રી મોલર દાંત, આપણા મોંની પાછળની તરફ હોય છે. આ સામેથી દેખાતા કેનાઇન દાંત અને મોંમાં સૌથી પાછળ સ્થિત મોલર (દાઢ) દાંત વચ્ચે હોય છે.

પ્રિયાંકરસિંહ જણાવે છે કે, "દર્દીમાં દાંતની કોઈ કમી નહોતી. જ્યારે બધા દાંત મોજૂદ હોય, એ બાદ પણ નવો દાંત બને તો અમે એને સુપરન્યૂમરી ટૂથ (અસામાન્ય દાંત) કહીએ છીએ."

શું આ પ્રકારના મામલા અગાઉ રિપોર્ટ થયા છે?

નિમ્મીસિંહ અને પ્રિયાંકરસિંહ, બંને આને અત્યંત દુર્લભની શ્રેણીમાં મૂકે છે.

પ્રિયાંકરસિંહ જણાવે છે કે, "ભારતમાં આવા બે કે ત્રણ કેસ રિપોર્ટેડ છે. વર્ષ 2020માં ચેન્નાઈમાં ખ્યાત સર્જન એસએમ બાલાજીએ આવું જ ઑપરેશન કર્યું હતું. આ કેસમાં પણ દાંત ખૂબ મહત્ત્વપૂર્ણ શારીરિક સંરચનાની નજીક હતો, જેવું અમારા દર્દીના કેસમાં હતો."

શું ફરી વાર ઍક્ટોપિક ટૂથ બની શકે?

પ્રિયાંકરસિંહ કહે છે કે, "ફરી વાર આવા દાંત બનવાની સંભાવના નથી. પરંતુ અમે દર્દીનું ફૉલો અપ સતત કરીએ છીએ. દર્દીની સિસ્ટ અમે ખૂબ સાવધાનીપૂર્વક હઠાવી છે. પરંતુ અમે એ પણ માનીને ચાલીએ છીએ કે કેટલાક અંશ બચી પણ શકે છે."

"આવી સ્થિતિમાં અમે એ એરિયા એટલે કે મૅક્સિલરી સાઇનસને કૉટરાઇઝ કરી દીધો છે એટલે કે સિસ્ટના કોઈ પણ વધી ગયેલા ભાગને બાળી દેવાયો, જેથી ભવિષ્યમાં ચેપ ન થાય."

બીબીસીની ટીમ જ્યારે રમેશને મળી તો ટાંકાના કારણે તેમને બોલવા અને સ્મિત કરવામાં થોડી મુશ્કેલી પડી રહી હતી. પરંતુ તઓ પોતાના ઇલાજથી ખુશ અને સંતુષ્ટ હતા.

રમેશ જણાવે છે કે, "પત્ની ખૂબ પરેશાન હતી અને રોતી રહેતી. આસપાસના ગામલોકોને પણ જ્યારે ખબર પડી તો લોકો મારા હાલચાલ જાણવા માગતા હતા. પરંતુ મારા માટે હાલ ઝાઝું બોલવું ઠીક નથી. હું મારું જીવન ફરી વાર સ્વજનો સાથે શરૂ કરવા અને મારી પત્નીને મળવા માટે ઉત્સુક છું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન