મોદી સરકારના બજેટમાંથી યુવાનો અને ખેડૂતોને શું મળ્યું, બજેટની ખાસ પાંચ બાબતો

મંગળવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે ત્રીજી નરેન્દ્ર મોદી સરકારનું પહેલું બજેટ રજૂ કર્યું હતું. જેમાં તાજેતરના લોકસભા ચૂંટણીપરિણામોની અસર સ્પષ્ટ જોવા મળી હતી.
કેન્દ્ર સરકારને યુવાનોને રોજગાર તથા કૌશલ્યવર્ધનની તાલીમ મળે, તેના માટે વિવિધ જાહેરાતો કરી હતી. તાજેતરની ચૂંટણીમાં વિપક્ષ દ્વારા બેરોજગારીનો મુદ્દો વ્યાપકપણે ઉઠાવવામાં આવ્યો હતો.
સિવાય બજેટમાં 'બિહાર' અને 'આંધ્ર પ્રદેશ' શબ્દ વારંવાર સાંભળ્યા હતા. એનડીએ સરાકરની સ્થિરતા માટે જનતા દળ-યુનાઇટેડ તથા તેલુગુ દેશમ્ પાર્ટીના સમર્થનની જરૂર છે, જેઓ અનુક્રમે આ બંને રાજ્યમાં પ્રભુત્વ ધરાવે છે.
સીતારમણે નવા કરમાળખાની જાહેરાત કરી હતી, જેના કારણે પગારદાર વર્ગને વાર્ષિક રૂ. 17 હજાર 500 સુધીની વધારાની બચત થશે.

શું સસ્તું, શું મોંઘું

ઇમેજ સ્રોત, Getty Images
દવા તથા મેડિકલ ઉપકરણો ઉપરની કસ્ટમડ્યૂટી ઘટાડવામાં આવી છે. આ સિવાય કૅન્સરની અમુક દવાઓ સસ્તી થશે. પીસીપી તથા ચાર્જર ઉપર કરના દર ઘટીને 15 ટકા થવાને કારણે તે સસ્તાં થશે. સોના-ચાંદી ઉપરની કસ્ટમડ્યૂટી છ ટકા કરી દેવામાં આવી છે.
માછલી અને ઝીંગાના ખોરાકની આયાત પરની ડ્યૂટી ઘટાડવામાં આવી છે. આ સિવાય અવકાશ, સંરક્ષણ, ઇલેક્ટ્રૉનિક્સક્ષેત્રે મહત્ત્વપૂર્ણ 25 જેટલા ખનીજોની ઉપર ડ્યૂટી નહીં લાગે.
શૉર્ટ (15થી વધીને 20 ટકા) તથા લૉંગ (10થી વધીને 12.5 ટકા) ટર્મ કૅપિટલ ગેઇન લાગશે. અમુક પ્રકારના ટેલિકૉમ ઉપકરણો ઉપરની ડ્યૂટી 10 ટકાથી વધારીને 15 ટકા કરવામાં આવી છે.
આવકવેરાના દર

નવી કરવ્યવસ્થામાં રૂ. ત્રણ લાખ સુધી કોઈ કર નહીં, રૂ. ત્રણથી સાત લાખ સુધી પાંચ ટકા, સાતથી 10 લાખ સુધી 10 ટકા, 10થી 12 લાખ સુધી માટે 15 ટકા, 12થી 15 લાખ સુધીમાં 20 ટકા તથા રૂ. 15 લાખથી વધુ માટે 30 ટકાનો દર લાગુ થશે. આને લીધે પગારદારોને વાર્ષિક રૂ. 17 હજાર 500 સુધીની બચત થશે એવો દાવો સીતારમણે કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
છ મહિનામાં 1961ના ઇન્કમટૅક્સ કાયદા-1961ની સર્વાંગી સમીક્ષા કરવામાં આવશે, જેના પગલે ત્રણ ફોજદારી કાયદાની તર્જ ઉપર આવતાં નાણાકીય વર્ષના બજેટ દરમિયાન આ દિશામાં કોઈ નવી જાહેરાત થઈ શકે છે, એમ માનવામાં આવે છે.
ટીડીએસ ભરવામાં મોડું થશે તો તે દંડનીય અપરાધ નહીં રહે. આર્થિકવિવેક જળવાય રહે તથા સામાન્ય નાગરિકોને પણ લાભ થાય એ રીતે નવી પૅન્શન યોજનામાં રહેલી ત્રુટિઓને દૂર કરવામાં આવશે
આ જાહેરાતોને કારણે ચાર કરોડ પગારદારો તથા પૅન્શનરોને લાભ થશે એવો કેન્દ્ર સરકારનો દાવો છે. વિદેશી કંપનીઓ ઉપરનો કૉર્પોરેટ ટૅક્સ દર ઘટાડીને 35 ટકા કરવામાં આવ્યો છે. દેશમાં ક્રૂઝક્ષેત્રનો વિકાસ થાય તે માટે કરપ્રણાલીને સરળ બનાવાશે.
શૉર્ટ ટર્મ કૅપિટલ ગેઇનનો દર 20 ટકા તથા લૉંગ ટર્મ કૅપિટલ ગેઇનનો દર 12.5 ટકા (આર્થિક કે બિનઆર્થિક) જાહેર કરવામાં આવ્યો છે. આ સિવાય કૅપિટલ ગેઈનની મર્યાદા રૂ. 25 હજારથી વધારીને એક લાખ 25 હજાર કરવામાં આવી છે.
યુવા તથા રોજગાર

આગામી પાંચ વર્ષ દરમિયાન વાર્ષિક 20 લાખ યુવાનોને તાલીમ આપવામાં આવશે. મુદ્રા યોજના હેઠળ મળતી લોનને રૂ. 10 લાખથી વધારીને રૂ. 20 લાખ કરવામાં આવી છે.
સરકારનું કહેવું છે કે આગામી પાંચ વર્ષ દરમિયાન રૂ. બે લાખ કરોડનો ખર્ચ કરીને ચાર કરોડ 10 લાખ યુવાનોને રોજગાર, કૌશલ્યવર્ધન તથા અન્ય પ્રકારની સુવિધા મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
'હબ' અને 'સ્પૉક' વ્યવસ્થા હેઠળ આગામી પાંચ વર્ષ દરમિયાન એક હજાર આઈટીઆઈને અપગ્રૅડ કરવામાં આવશે.
ઈપીએફઓમાં નામ નોંધાવીને પહેલી વખત રોજગાર મેળવનારાં યુવાને તેમનો એક મહિનાનો પગાર રૂ. 15 હજાર સુધી ત્રણ હપ્તામાં ડાયરેક્ટ બૅનિફિટ ટ્રાન્સફરથી આપવામાં આવશે. આ માટે પગારની ટોચમર્યાદા રૂ. એક લાખ રાખવામાં આવી છે. તેનાથી બે કરોડ 10 લાખ યુવાનોને લાભ મળશે.
ખાનગીક્ષેત્ર દ્વારા સંશોધન થાય અને તેને વ્યવસાયિક ધોરણે બજારમાં ઉતારી શકાય તે માટે રૂ. એક લાખ કરોડનું ભંડોળ ઊભું કરવામાં આવશે. કોઈપણ ક્ષેત્રમાં થયેલા રોકાણ ઉપર 'એંજલ ટૅક્સ' નહીં લાગે.
ચુનંદા શહેરોમાં દર અઠવાડિયે 100 જેટલા હાટ કે સ્ટ્રીટ ફૂડ હબ શરૂ કરાશે.
કૃષિક્ષેત્ર માટે

ઇમેજ સ્રોત, Getty Images
કૃષિ તથા આનુષંગિકક્ષેત્ર માટે રૂ. એક લાખ 52 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 400 જિલ્લામાં ડીપીઆઈનો ઉપયોગ કરીને ખરીફ પાકોનું ડિજિટલ સર્વેક્ષણ કરવામાં આવશે.
પાંચરાજ્યમાં જનસમર્થ આધારિત 'કિસાન ક્રૅડિટકાર્ડ' આપવામાં આવશે. સરકારી અને ખાનગીક્ષેત્રના સહયોગથી 30થી વધુ બાગાયતી અને 100થી વધુ કૃષિપાકોની ઉચ્ચગુણવત્તાવાળી, ઓછા પાણીની જરૂર પડે તેવી તથા જળવાયુ પરિવર્તનની સામે ટકી શકે તેવી જાતોને બજારમાં ઉતારવામાં આવશે.
એક કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવામાં આવશે, તેના માટે પ્રમાણ નક્કી કરવામાં આવશે તથા તેનું બ્રાન્ડિંગ પણ કરવામાં આવશે.
ગ્રામીણક્ષેત્રના વિકાસ માટે રૂ. બે લાખ 66 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. છ કરોડ ખેડૂતો તથા તેની જમીનની નોંધણી માટે કાર્યવાહી હાથ ધરાશે.
શું મોંઘું
અમોનિયમ નાઇટ્રેટ પર કસ્ટમ ડ્યૂટી 10 ટકા વધશે
નૉન બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિમાં કસ્ટમ ડ્યૂટી 25 ટકા વધશે
શેર બજારમાં એક વર્ષ કરતાં ઓછા સમય માટે કરવામાં આવેલા રોકાણ પર ટૅક્સ 15 ટકાથી વધારીને 20 ટકા કરવામાં આવ્યો.
શેર બજારમાં એક વર્ષથી વધુ સમયના રોકાણ પણ ટૅક્સને વધારીને 10 ટકાથી વધારીને 12.5 ટકા કરવામાં આવ્યો.
કેટલાંક ખાસ ટેલિકૉમ ઉપકરણો પર કસ્ટમ ડ્યૂટી 10 ટકાથી વધારીને 15 ટકા કરવામાં આવી છે.
અન્ય મહત્ત્વપૂર્ણ જાહેરાતો
- પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરોમાં એક કરોડ સહિત ત્રણ કરોડ ઘરોનું નિર્માણ કરવામાં આવશે.
- સગીરો માટે નવી પૅન્શન સ્કીમ 'વાત્સલ્ય' જાહેર કરવામાં આવી છે. જે હેઠળ વાલી કે માતા-પિતા તેમનાં સગીર સંતાનો માટે રોકાણ કરી શકશે, જેથી કરીને પુખ્ત થયા બાદ તેનું સાતત્ય જળવાય રહે.
- રૂ. 11 લાખ 11 હજાર 111 કરોડનો મૂડીખર્ચ કરવામાં આવશે. જે જીડીપીના 3.4 ટકા છે.
- ચાલુ વર્ષે નાણાખાધ જીડીપીના 4.9 ટકા રહેશે, જે આવતાં નાણાંકીયવર્ષ દરમિયાન ઘટીને 4.5 ટકા તથા પછીના વર્ષો દરમિયાન સતત ઘટશે, એવું અનુમાન મૂકવામાં આવ્યું છે.
- ઈ-શ્રમને અન્ય પૉર્ટલ સાથે જોડી દેવામાં આવશે, જેથી કરીને એક જ સ્થળે એકિકૃત સેવાઓ મળી રહે.
- બૅન્કો દ્વારા ટર્ન-ઑવર અને સંપત્તિના આધારે નહીં, પરંતુ ડિજિટલ ફૂટપ્રિન્ટના આધારે આગવી ક્રૅડિટવ્યવસ્થા ઊભી કરવામાં આવશે. જે લઘુ અને મધ્યમક્ષેત્રના ઉદ્યોગો માટે ધિરાણને સુગમ બનાવશે.












