એ અંતિમ ઓવરની કહાણી જેણે ગુજરાતને લખનૌ સામે હારેલી બાજીમાં જીત અપાવી

ઇમેજ સ્રોત, Getty Images
આઇપીએલમાં લખનૌના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં શનિવારે ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપરજાયન્ટ્સ વચ્ચે ખૂબ રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો.
લૉ-સ્કોરિંગ હોવા છતાં અંતિમ બૉલ સુધી ખેંચાયેલી મૅચમાં ગજબ રસાકસી જોવા મળી. આ મૅચમાં દર્શકોની સાથોસાથ ખેલાડીઓ પણ છેલ્લી ઘડી સુધી જકડાયેલા રહ્યા, એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.
આખરે આ રોમાંચક મૅચમાં ગુજરાત ટાઇટન્સની જીત તો થઈ પરંતુ જીત એટલી અણધારી અને ચમત્કારિક હતી કે ખુદ કૅપ્ટન હાર્દિક પંડ્યાએ જીતને લઈને કહ્યું કે, “ભગવાને અને જીતવાની તક આપી.”
સમગ્ર મૅચમાં સૌથી વધુ રોમાંચક બીજી ઇનિંગની અંતિમ ઓવર રહી હતી.
ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપરજાયન્ટ્સ વચ્ચેની મૅચની છેલ્લી ઓવરમાં જીત માટે માત્ર 12 રનની જરૂર હતી.
ગુજરાત ટાઇટન્સનો કિલ્લો બચાવવાની જવાબદારી મોહિત શર્માના ખભે હતી.
તેમણે છેલ્લી ઓવરના બીજા અને ત્રીજા બૉલમાં વિકેટ લીધી અને ચોથા તથા પાંચમા બૉલમાં લખનૌ સુપરજાયન્ટ્સના બૅટ્સમૅન રન આઉટ થયા.
આમ છેલ્લી ઓવરમાં લખનૌની ટીમે ચાર વિકેટ ગુમાવીને જીતની નજીક પહોંચીને પણ હારનું મોઢું જોવું પડ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મોહિત શર્માએ છેલ્લી ઓવરમાં માત્ર ચાર રન આપ્યા અને ટીમને રોમાંચક જીત અપાવી.
ગુજરાત ટાઇટન્સ માટે આ જીત એટલે વધુ ખાસ બની જાય છે કારણ કે આ મૅચ લખનૌના મેદાન પર રમાઈ રહી હતી જે કે. એલ. રાહુલના સુકાનવાળી લખનૌ સુપરજાયન્ટ્સનું હોમ ગ્રાઉન્ડ કહેવાય.
લખનૌને કૅપ્ટન કે. એલ. રાહુલ પાસેથી આશા હતી કે તેઓ છેલ્લી ઓવરમાં ટીમને જીત અપાવી દેશે પરંતુ તેમની ટીમ 136 રનનું લક્ષ્ય પ્રાપ્ત ન કરી શકી.
કે. એલ. રાહુલે છેલ્લી ઓવરના પ્રથમ બૉલ પર બે રન લીધા હતા પરંતુ બીજા બૉલે તેમણે છગ્ગો ફટકારવાનો પ્રયત્ન કર્યો અને તેઓ જયંત યાદવના હાથે કૅચ આઉટ થયા.
કે. એલ. રાહુલે 61 બૉલમાં 68 રન ફટકાર્યા હતા.
માર્કસ સ્ટોઇનિસે પણ છગ્ગો ફટકારવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ ડેવિડ મિલરના હાથે કૅચ આઉટ થયા.
જોકે લખનૌના દીપક હુડાએ મોહિત પાસેથી હેટ્રિકનો મોકો છીનવી લીધો હતો. તેમણે આ બૉલ પર એક રન લીધો હતો.
પછીના બૉલે આયુષ બડોનીએ રન લેવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ પણ રન આઉટ થયા.
દીપક હુડાએ પાંચમા બૉલે ફરી એક રન કર્યો.
જોકે રિદ્ધિમાન સાહાએ બીજો રન લેવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ નિષ્ફળ ગયા અને રન આઉટ થયા હતા.
લખનૌનું જીતનું સપનું ચાર બૉલ પર ચાર વિકેટ ગુમાવીને તૂટી ગયું.
છેલ્લી ઓવરના છેલ્લા બૉલ પર એક પણ રન આપ્યા વગર મોહિતે ગુજરાત ટાઇટન્સ માટે એક શાનદાર જીત અપાવી.

હાર્દિક પંડ્યાની ‘કપ્તાની ઇનિંગ’
ગુજરાત ટાઇટન્સે ટૉસ જીતીને પ્રથમ બૅટિંગનો નિર્ણય લીધો હતો.
પીચ ધીમી હોવાને કારણે ગુજરાતના બૅટ્સમૅનોએ પણ સંઘર્ષ કરવો પડ્યો હતો.
કૅપ્ટન હાર્દિક પંડ્યા ત્રીજા ક્રમે રમવા આવ્યા હતા અને તેમણે 50 બૉલમાં 66 રન કર્યા હતા.
ગુજરાત ટાઇટન્સના કૅપ્ટન હાર્દિક પંડ્યાએ બે ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. ઓપનર રિદ્ધિમાન સાહાએ મહત્ત્વપૂર્ણ 47 રન બનાવ્યા હતા.
આ બંને ખેલાડીઓ સિવાય ગુજરાત ટાઇટન્સ ટીમના એક પણ ક્રિકેટરમાં આ પીચ પર આત્મવિશ્વાસ નહોતો દેખાયો.
લખનૌએ ગુજરાત ટાઇટન્સને 135 રન પર અટકાવી દીધી હતી. લખનૌના કૃણાલ પંડ્યા અને માર્કસ સ્ટૉઇનસે બે-બે વિકેટ ઝડપી હતી.
કમેન્ટેટર્સે પહેલાં જ ભવિષ્યવાણી કરી હતી કે આટલી ધીમી પીચ પર માત્ર 136 રનનો ટાર્ગેટને પ્રાપ્ત કરવો એ પણ સહેલું નહીં રહે.
ઓપનર કાઇલ માયર્સ અને કે. એલ. રાહુલે 55 રન બનાવ્યા હતા.
રાશિદ ખાને આ જોડીને તોડી હતી. કૃણાલ પંડ્યા જેમને ત્રીજા સ્થાને મોકવામાં આવ્યા હતા , તેમણે કૅપ્ટન સાથે મળીને બીજા વિકેટ માટે પાર્ટનરશિપ કરી હતી.
ડાબોડી સ્પિનર નૂર અહમદે કૃણાલને આઉટ કર્યા અને ખતરનાક બૅટિંગ માટે જાણીતા નિકોલસ પૂર પણ નૂર અહમદના બૉલે આઉટ થયા હતા.
આ વખતની આFપીએલ સિઝનમાં કે. એલ. રાહુલની તેમના સ્ટ્રાઇક રેટ માટે સતત ટીકા થઈ છે.
ટી20 ફૉર્મેટમાં ઓછામાં ઓછા બૉલે વધુમાં વધુ રન કરવા જરૂરી હોય છે. રાહુલે લગભગ 20 ઓવર સુધી બેટિંગ કરી એટલે કે મૅચની એક સંપૂર્ણ ઇનિંગ પરંતુ તેઓ ટીમને જીત ન અપાવી શક્યા.

હાર્દિક પંડ્યાએ જીતને ગણાવી ‘યાદગાર’

ઇમેજ સ્રોત, Getty Images
કે. એલ. રાહુલે મૅચ બાદ કહ્યું હતું કે, “મને નથી ખબર કે શું થયું. બધું જ ખૂબ ઝડપથી થયું. મૅચ કેમ હારી ગયા એ કહેવું અઘરું છે. અમારી બૉલિંગ બહુ અનુશાસિત હતી. અમે સાતમાંથી ચાર મૅચ જીત્યા છીએ પરંતુ આ હાર સમજતા વાર લાગશે. અમે સ્પર્ધામાં આગળ છીએ. મારી રણનીતિ બૉલરો સામે આક્રમકતાથી રમવાની હતી.”
સામેની બાજુએ ગુજરાત ટાઇટન્સના કૅપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું કે, “બે મૅચ હાર્યા બાદ ભગવાને કહ્યું હું આવું દર વખતે નહીં કરું. તેમણે અમને જીતવાનો મોકો આપ્યો. અમે વિકેટ લીધી પછી માહોલ બદલાઈ ગયો. આઇપીએલ જેવી મોટી ટુર્નામેન્ટમાં હારથી ઘણું હતાશ થઈ જવાય છે.”
“પરંતુ આવી જીતથી મનોબળ વધે છે. અમે વધુ દસ રન બનાવી શક્યા હોત. આ પીચ એવી હતી કે અમે સ્ટ્રૅટેજિક ટાઇમ આઉટમાં વિચાર્યું હતું કે જે બૅટ્સમૅન સેટ થઈ ગયા છે એ જ અંત સુધી રમશે કારણે નવા બૅટ્સમૅન તાત્કાલિક આક્રમક નહીં રમી શકે.”
હાર્દિક પંડ્યાએ કહ્યું કે, “જ્યારે 30 રન બાકી હતા ત્યારે તેઓ આગળ દેખાતા હતા. જ્યારે ચાર ઓવરમાં 27 રન બાકી હતા ત્યારે અમારામાં આશા જાગવા લાગી. અમને થયું કે ભૂલ કરશે તો તેમને ભારે પડશે. ત્યારે અસલ રમત શરૂ થઈ. મોહિત શર્મા અનુભવી ખેલાડી છે. તેમણે દબાણમાં ઘણી વખત બૉલિંગ કરી છે. એટલે મારે કંઈ કહેવાની જરૂર નહોતી.”
હાર્દિક પંડ્યાએ કહ્યું કે, “તેમના સ્પષ્ટ વિચારો, યોજના અને પછી તેને મેદાનમાં કરી બતાવવું. આ એક યાદગાર જીત હતી. મોહમ્મદ શમીએ પણ ખૂબ સરસ બૉલિંગ કરી. જયંત પણ લાંબા સમય બાદ ટીમમાં હતા. તેમણે પણ સારી બૉલિંગ કરી. નૂરનો ઉલ્લેખ જરૂરી છે. તેઓ અસાધારણ પ્રતિભા ધરાવતા ખેલાડી છે.”














