ભારત-ચીનના અધિકારીઓ વચ્ચે મુલાકાતો, પણ સરહદે કેવી સ્થિતિ છે?

    • લેેખક, જુગલ પુરોહિત
    • પદ, બીબીસી સંવાદદાતા, નવી દિલ્હી

ભારત અને ચીનની સરકાર વચ્ચે તાજેતરમાં ઘણી ઉચ્ચ સ્તરીય બેઠકો થઈ છે.

વર્ષ 2020માં બંને દેશો વચ્ચેના સંબંધમાં તણાવ પેદા થયો હતો, જેને ઘટાડવા માટે સતત પ્રયાય થઈ રહ્યા છે.

જોકે, તણાવની જ્યાંથી શરૂઆત થઈ હતી તે વાસ્તવિક નિયંત્રણ રેખા (લાઇન ઑફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ અથવા એલએસી) પર કેવી સ્થિતિ છે?

ખાસ કરીને લદાખમાં શું ચાલી રહ્યું છે? શું બધા મુદ્દા ઉકેલાઈ ગયા છે? આ બેઠકો અને સમજૂતિઓ પછી પણ એવા કયા સવાલ છે જેના જવાબ હજુ નથી મળ્યા?

ડોભાલ અને ચીનના વિદેશમંત્રી વચ્ચે બેઠક

18 ડિસેમ્બરે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે ચીનની રાજધાની બેઇજિંગમાં ત્યાંના વિદેશમંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી હતી.

આ મુલાકાતનું મહત્ત્વ સમજવા માટે એ જાણવું જરૂરી છે કે બંને ડિપ્લોમેટ ભારત અને ચીનના વિશેષ પ્રતિનિધિ તરીકે મળ્યા હતા.

આ સ્તરની વાતચીતમાં માત્ર સરહદ સાથે સંકળાયેલા મુદ્દા કેન્દ્રસ્થાને હોય છે. બીજી મહત્ત્વની વાત એ છે કે 2020માં લદાખમાં ભારત અને ચીન વચ્ચે તણાવ પેદા થયો, ત્યારથી અત્યાર સુધીમાં આ સ્તર પર પહેલી વખત વાતચીત થઈ છે.

આ બેઠક અગાઉ ઘણી મહત્ત્વની મુલાકાતો પણ થઈ છે.

ઉદાહરણ તરીકે ગત 23 ઑક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે રશિયામાં કઝાન ખાતે બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન મુલાકાત થઈ હતી. પાંચ વર્ષમાં બંને નેતાઓ વચ્ચે આ પહેલી દ્વિપક્ષીય બેઠક હતી.

આ ઉપરાંત બંને દેશોના વિદેશ મંત્રીઓ અને સંરક્ષણ મંત્રીઓ વચ્ચે પણ ઘણી બેઠકો થઈ છે. આંકડા દર્શાવે છે કે જૂન 2020 પછી બંને દેશોના વિદેશ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓ વચ્ચે અત્યાર સુધીમાં 38 બેઠકો થઈ છે.

મુલાકાતો બાદ સ્થિતિ બદલાઈ?

ભારતના વિદેશ મંત્રાલયે પાંચમી ડિસેમ્બરના નિવેદનમાં જણાવ્યું છે કે વર્ષ 2020માં સરહદે જે સમસ્યાઓ પેદા થઈ હતી તે હવે સમાપ્ત થઈ ગઈ છે. ચીનના વિદેશ મંત્રાલયે પણ સરહદી વિસ્તારો સાથે સંકળાયેલા 'સમાધાન'ની વાતને સ્વીકારી છે.

વાસ્તવમાં આખો વિવાદ પૂર્વ લદાખના કેટલાક સરહદ નજીકના વિસ્તારો સાથે સંકળાયેલ હતો. ડેપસાંગ અને ડેમચોક વિશે ઑક્ટોબરમાં સમજૂતી થઈ હતી. સપ્ટેમ્બર 2020માં હૉટ સ્પ્રિંગથી બંને સેનાઓ પાછળ ખસી ગઈ હતી.

આ અગાઉ વર્ષ 2021માં ગોગરા અને પેંગોંગ તળાવ અંગે સહમતિ સધાઈ હતી. વર્ષ 2020માં જુલાઈ મહિનામાં સૌથી પહેલાં ગલવાન ઘાટીમાં બંને દેશોએ પોતાની સેનાને પાછળ ખસેડી હતી. જોકે, તેનાથી અગાઉ 15 જૂન 2020ના દિવસે બંને દેશો વચ્ચે ગલવાનમાં હિંસક અથડામણ થઈ હતી. તેમાં ભારતના 20 સૈનિકોના મોત થયાં હતાં અને ચીને પણ પોતાના ચાર સૈનિકોનાં મોત થયાં હોવાની પુષ્ટિ કરી હતી.

ડેપસાંગ અને ડેમચોકને બાદ કરવામાં આવે તો આ સહમતિ હેઠળ બાકીના ઘણા વિસ્તારોમાં 'બફર ઝોન'ની રચના કરાઈ હતી. 'બફર ઝોન' એટલે જ્યાં બંને સેનાઓ આમને-સામને હતી, પરંતુ પછી પાછળ ખસી ગઈ હતી. તે જગ્યાએ એવા વિસ્તારો નક્કી થયા જ્યાં બંને સેનાઓને ઘૂસવાનો અધિકાર નથી.

સરકારે જણાવ્યું કે હવે ડેપસાંગ અને ડેમચોકમાં સેના પહેલાંની જેમ પેટ્રોલિંગ કરી શકે અને પશુપાલકો આવ-જા કરી શકે તે માટે ચીન સાથે સહમતિ થઈ છે.

પરંતુ બીબીસી હિંદી સાથે વાત કરતા સેનાના અધિકારીઓએ એ વાતની પુષ્ટિ કરી કે બફર ઝોનના વિસ્તારોમાં હજુ પણ પહેલા જેવી સ્થિતિ, એટલે કે 2020 અગાઉ જેવી સ્થિતિ સર્જાઈ નથી.

વિદેશ મંત્રી એસ જયશંકરે ચોથી ડિસેમ્બરે રાજ્યસભામાં નિવેદન આપ્યું હતું જેમાં આ વાત તરફ ઇશારો કરાયો હતો.

તેમણે જણાવ્યું, "કેટલીક જગ્યાએ વર્ષ 2020માં સેનાઓ આમને-સામને આવી ગયા હતા. ભવિષ્યમાં આવું ન થાય તે માટે સ્થાનિક પરિસ્થિતિના આધાર પર કામચલાઉ અને મર્યાદિત પગલાં લેવામાં આવ્યા હતા. હું એ વાત પર ભાર મૂકીશ કે આ પગલાં બને પક્ષ પર લાગુ થાય છે. પરિસ્થિતિ મુજબ તેના પર ફેરવિચારણા કરી શકાય છે."

શું ભારતે પોતાનો વિસ્તાર છોડીને પીછેહઠ કરી?

કૉંગ્રેસના નેતા અને લોકસભાના સાંસદ મનીષ તિવારીએ તાજેતરમાં સરકારને સવાલ પૂછ્યો હતો કે શું 'બફર ઝોન'ના કારણે ભારતને પોતાના જ વિસ્તારમાંથી પીઠે હઠ કરાવવામાં આવી રહી છે?

ચીનમાં ભારતના રાજદૂત રહી ચૂકેલા અશોક કંઠે તાજેતરમાં એક લેખમાં ઘણા સવાલ ઉઠાવ્યા છે અને સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. 'બફર ઝોન' ઉપરાંત તેમને એ વાતની ચિંતા છે કે ચીન યુદ્ધ કરીને નહીં પણ અતિક્રમણ દ્વારા ભારતના વિસ્તાર પર ધીમે ધીમે કબ્જો વધારતું જાય છે.

સેનાના ઉત્તર કમાન્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ લેફ્ટનન્ટ જરનલ (રિટાયર્ડ) ડી એસ હુડા માને છે કે પાયાના સ્તરે પરિસ્થિતિ આટલી ઝડપથી બદલાવાની નથી.

તેઓ કહે છે, "મને એ વાતની નવાઈ છે કે ભારત અને ચીનના સંબંધો છેલ્લા કેટલાક દિવસોમાં ઝડપથી બદલાયા છે. જોકે, એલએસી પર ખાસ ફરક નહીં પડે. અમે જ્યાં આમને-સામને હતા, ત્યાંથી આપણે થોડા પાછળ ખસી ગયા છીએ."

"શું ડિએસ્કલેશન થયું છે, એટલે કે જેટલું સૈન્યબળ હતું તેમાં ઘટાડો થયો છે? ના. ત્યાર પછી ડિઈન્ડક્શન એટલે કે લદાખમાં વર્ષ 2020માં જેટલું સૈન્યબળ લાવવામાં આવ્યું હતું તે પાછું જતું રહ્યું છે? ના. આ મુદ્દા પર તો વાત પણ નથી થતી. તેનો અર્થ એ થયો કે બંને તરફ સેના રહેશે કારણ કે ભરોસો નથી રહ્યો."

હુડાનું કહેવું છે, "હું એ પણ માનું છું કે ભારત ત્યાં રોડ અને પુલનું બાંધકામ ચાલુ રાખશે જેથી કરીને સરહદી વિસ્તારમાં પોતાના નિયંત્રણને વધુ મજબૂત બનાવી શકાય."

તાજેતરમાં અમેરિકાના સંરક્ષણ મંત્રાલયનો એક રિપોર્ટ આવ્યો હતો. તેમાં જણાવાયું છે કે વર્ષ 2020 પછી લદાખના વિસ્તારમાં ચીને પોતાના મોરચા કે સૈનિકોની સંખ્યામાં કોઈ ઘટાડો નથી કર્યો. એટલું જ નહીં, ચીને આ વિસ્તારમાં પોતાના સૈનિકો માટે મૂળભૂત સુવિધાઓ પણ વધારી છે.

'બફર ઝોન' વિવાદ શું છે?

જનરલ હુડા જણાવે છે, "સૌથી પહેલાં તો આ કોઈ નવી વાત નથી. વર્ષ 2014માં ચૂમરમાં જ્યારે ચીનના સૈનિકોએ સરહદનો ભંગ કર્યો હતો, ત્યારે ત્યાં થોડા સમય માટે આવો 'બફર ઝોન' બનાવાયો હતો. આ વખતે કેટલા બફર ઝોન બન્યા છે, કયા માપદંડથી બન્યા છે અને ક્યાં બન્યા છે, તે આપણે નથી જાણતા. તેથી તેના કારણે ભારતને વધારે નુકસાન છે કે ચીનને તે કહેવું મુશ્કેલ છે."

અપર્ણા પાંડે હડસન ઈન્સ્ટિટ્યૂટમાં રિસર્ચ ફેલો છે અને વોશિંગ્ટન ડીસીમાં રહે છે. સરહદ પર શાંતિ જળવાશે કે નહીં તેવા સવાલના જવાબમાં તેઓ કહે છે કે તેનો આધાર ચીન પર રહેલો છે.

તેઓ કહે છે, "આપણે આવું અગાઉ પણ જોયું છે. ચીન પહેલાં પોતાના સૈનિકો મોકલે છે. પછી સેના અને ડિપ્લોમેટ વચ્ચે ઘણી બેઠકો પછી શિખર મંત્રણા અગાઉ તે પાછળ ખસી જાય છે. તેથી મને લાગે છે કે અત્યારે જે થાય છે તેને એક કામચલાઉ રાહત તરીકે જોવું જોઈએ."

તેમના કહેવા પ્રમાણે, "ચીન આ સ્થિતિને જ્યારે બદલવા માંગશે ત્યારે બદલી નાખશે. આપણે એ સવાલ પૂછવો જોઈએ કે શું ચીનમાં સ્ટ્રેટેજિક સ્તરે હૃદય પરિવર્તન થયું છે? નથી થયું. તે હજુ પણ આ ક્ષેત્રનો પોતાનો માને છે. ભારત નિરાંતનો શ્વાસ નહીં લઈ શકે."

અપર્ણા પાંડે કહે છે, "મને લાગે છે કે ચીન જે કરે છે તે વ્યાપક વૈશ્વિક પરિસ્થિતિ સાથે સંકળાયેલ છે. ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા તેનાથી તે ચિંતિત છે. ટ્ર્મ્પે પોતાની ટીમમાં એવા લોકોને સ્થાન આપ્યું છે જે ચીનના વિરોધી માનવામાં આવે છે. તેને લાગે છે કે તેઓ ચીનના વિકાસને ધીમો પાડવા અથવા અવરોધવા માટે તમામ સંભવિત કોશિશ કરશે. આ સ્થિતિમાં તેમણે લદાખમાં ભારત સાથેના સંઘર્ષને કામચલાઉ ધોરણે અટકાવવાનો વિકલ્પ પસંદ કર્યો છે."

શાંતિ જાળવવા માટે બંને સેનાઓએ પણ ઘણા પગલાં લેવા પડશે એવું જનરલ હુડા માને છે. તેમણે જણાવ્યું કે બંને સેનાઓ વચ્ચે હવે વિશ્વાસ નથી રહ્યો. 2017 પછી બહુ ઝડપથી ભરોસો જતો રહ્યો છે.

વર્ષ 2017માં ડોકલામમાં ભારત અને ચીન વચ્ચે તણાવ વધ્યો હતો અને બંને સેનાઓ સામસામે આવી ગઈ હતી. વાસ્તવમાં ડોકલામ એ ભારત, ચીન અને ભૂટાનની સરહદને જોડે છે અને લગભગ ત્રણ મહિના સુધી ત્યાં સેનાઓ વચ્ચે તણાવની સ્થિતિ રહી હતી.

હુડા જણાવે છે, "અજાણતા અથવા સ્થાનિક સ્તરે થયેલી ભૂલના કારણે શાંતિભંગ થવો ન જોઈએ. વર્ષ 2020માં ગલવાનમાં જે થયું તેમાં આ પાઠ ભણવા મળ્યો છે. ગલવાનમાં સ્થાનિક સ્થરે સ્થિતિ બગડી અને લોકોના જીવ ગયાં. મને લાગે છે કે બંને સેનાઓએ પરસ્પર ભરોસો સ્થાપિત કરવો પડશે. પરંતુ શાંતિ કાયમ માટે જળવાશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. બંને દેશ સરહદ અંગે સહમત નથી. તેથી ગમે ત્યારે સ્થિતિ કથળી શકે છે."

સંબંધો કઈ દિશામાં આગળ વધશે?

એક વાત સ્પષ્ટ છે. ચીન ભારત સાથે પોતાના સંબંધોને સરહદના પ્રશ્નથી આગળ લઈ જવા માંગે છે. ભારત પણ આગળ વધવા ઈચ્છે છે.

આ વાત એટલા માટે સ્પષ્ટ છે કારણ કે 18 ડિસેમ્બરની બેઠક પછી એલએસી ઉપરાંત બીજા મામલે પણ બંને દેશો વચ્ચે સંમતિ સધાઈ છે. જેમાં માનસરોવરની યાત્રાને ફરી શરૂ કરવી, બંને દેશો વચ્ચે વહેતી નદીના વહેણના ડેટાનું શેરિંગ અને સરહદી વિસ્તારમાં વ્યાપાર શરૂ કરવા પર સહમતિ સામેલ છે.

ભારતે અગાઉ એલએસી પર કોઈ પણ પ્રકારના ઉલ્લંઘનને સૌથી મોટો મુદ્દો બનાવ્યો હતો. બાકીના મુદ્દા કોરાણે રાખી દેવાયા હતા.

ભારતનું વલણ નરમ પડ્યું છે?

મીરા શંકર અમેરિકા અને જર્મની જેવા દેશોમાં ભારતના રાજદૂત રહ્યાં છે.

તેઓ માને છેકે ભારતે સાવધાન રહેવાની જરૂર છે.

તેઓ કહે છે કે, "વાસ્તવમાં એલએસી પર જે સહમતિ સધાય તેનું આપણે સ્વાગત કરવું જોઈએ. જોકે, તેના મહત્ત્વને બહુ વધારી-ચઢાવીને દેખાડવું ન જોઈએ. મને લાગે છે કે ઘણી બધી ચીજો હજુ પણ ચીનના વર્તન પર નિર્ભર રહેશે કારણ કે તેમણે જ અગાઉની સમજૂતિઓનો ભંગ કર્યો હતો. બીજી એક વાત, ટ્રમ્પના સમયગાળામાં અમેરિકાનું વલણ કેવું રહેશે તેના પર ચીન ચિંતિત છે."

મીરા શંકર કહે છે, "ચીન અત્યારે અમેરિકા ઉપરાંત બીજા બજારોની પણ શોધમાં છે. તેમની પાસે ઉત્પાદન ક્ષમતા છે. ચીન ઈચ્છે છે કે તે બીજા દેશોમાં પોતાના માલની નિકાસ કરે. ભારત પહેલેથી ચીન સાથે વ્યાપાર ખાધ ધરાવે છે.ચીનના સસ્તા માલની આયાતથી આપણા ઉદ્યોગોને નુકસાન જાય છે. તેથી આપણે આ દૃષ્ટિકોણથી સાવધાની રાખીને આગળ વધવાની જરૂર છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.