કચ્છ : દલિત ખેડૂત સાથે 10 કરોડની કથિત છેતરપિંડીથી ખરીદાયેલા બૉન્ડ ભાજપ પાસે કઈ રીતે પહોંચ્યા?

    • લેેખક, ઋષિ બેનરજી
    • પદ, બીબીસી સંવાદદાતા

‘‘અમારી જમીન વેલ્સપન કંપનીની બાજુમાં આવેલી છે. જમીન સંપાદન પેટે જે રકમ મળી તે બૅન્કમાં જમા કરાવ્યા બાદ મારા પિતાને કહેવામાં આવ્યું કે આટલી મોટી રકમ બૅન્કમાં રાખશો તો આવકવેરાની નોટીસ મળી શકે છે. જો તમે ઇલેક્ટોરલ બૉન્ડમાં રોકાણ કરશો તો દોઢગણા પૈસા મળશે.’’

કચ્છ જિલ્લાના વરસામેડી ગામે રહેતા હરેશભાઈ મણવરના આ શબ્દો છે જેમણા પરિવાજનોએ 11 કરોડ 14 હજાર રૂપિયા ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યાં છે.

સમગ્ર દેશમાં ઇલેક્ટોરલ બૉન્ડમાં રોકાણ વિશે થતી ચર્ચાઓમાં કચ્છ જિલ્લાના નાના એવા ગામ પણ સામેલ થઈ ગયો છે. હરેશભાઈના પરિવાજનોએ જે બૉન્ડ ખરીદ્યા તે રાજકીય પક્ષોએ વટાવી પણ લીધાં છે.

દલિત ખેડૂત પરિવાર પ્રમાણે તેઓ કથિત છેતરપિંડીનો ભોગ બન્યાં છે. પરિવારે અંજાર પોલીસને અરજી કરીને ન્યાયની માગ કરી છે. પરિવારે પોલીસમાં અરજી કરી હોવા છતાં હજી સુધી આ મામલે પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી નથી.

સમગ્ર મામલો શું છે?

કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના વરસામેડી ગામમાં રહેતા સવા મણવર અને તેમના ભાઈ ખમુ મણવર બાપ દાદાના વખતથી ગામમા સ્થાઈ થયાં છે. તેઓ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

સવા મણવર અને તેમના ભાઈ ખમુ મણવરની 43605 ચોરસ મીટર વારસામાં મળેલી જમીન ગામમાં સ્થિત વેલ્સપન અંજાર એસ. ઈ. ઝેડ લીમીટેડએ ખરીદી કરી છે.

જમીન સંપાદનની પ્રક્રિયા છેલ્લા 8 વર્ષથી ચાલતી હતી અને કંપનીએ 5 વર્ષ પહેલા બે કરોડ 80 લાખ રૂપિયા કન મણવર અને સવા મણવરના વરસામેડી ગામમાં સ્થિત બરોડા ગ્રામીણ બૅન્કમાં જમા કરાવ્યા હતા.

થોડા સમય પહેલા જમીન સંપાદન અધિકારીએ જમીનની કિંમત 16 કરોડ 61 લાખ 24 હજાર અને 877 રૂપિયા નક્કી કરતાં કંપનીએ બાકીની બાકીની રકમ ચૂકવવા માટે પરિવારના સભ્યોના અંજારની ઍક્સીસ બૅન્કમાં ખાતાં ખોલાવ્યાં હતા. હરેશભાઈ કહે છે કે અહીંથી જ કથિત છેતરપિંડીની શરૂઆત થઈ.

બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે કે, ‘‘બાકીની રકમ જમીનના સાત ભાગીદારોના ખાતામાં જમા કરાવવામાં આવી હતી. રકમ જમા થયા બાદ વેલ્સપન કંપનીના અધિકારી મહેન્દ્રસિંહ ફતેહસિંહ સોઢાએ આવકવેરા વિભાગની કાર્યવાહી થઈ શકે છે એવો ડર મારા પિતાને બતાવીને પૈસાનું રોકાણ કરવા માટે કહ્યું હતું.’’

‘‘મારા પિતાને અગાઉ પણ આવકવેરાની નોટીસ મળી ચૂકી છે અને એટલે તેઓ ગભરાઇ ગયા હતા. મહેન્દ્રસિંહએ કહ્યું કે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની ગાંધીનગર શાખામાં મારા ઓળખીતાં છે અને ત્યાં જો તમે ઇલેક્ટોરલ બૉન્ડમાં રોકાણ કરશો તો ફાયદો થશે. મારા પિતા રાજી થઈ ગયા.’’

એક જ દિવસમાં બધા બૉન્ડ ખરીદવામાં આવ્યાં

સવા મણવરના ઍક્સિસ બૅન્કના સ્ટેટમેન્ટ પ્રમાણે નવમી ઑક્ટોબરના રોજ તેમના ખાતામાં છ કરોડ 90 લાખ 54 હજાર 941 રૂપિયા જમા થયાં હતા. બીજા જ દિવસે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયામાં પાંચ કરોડ 50 લાખ અને 6 હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યાં હતા.

આવી રીતે ખમુ મણવરના પરિવારનાં છ સભ્યો માલીબહેન મણવર, હીરીબહેન હરીજન, દેવાભાઈ મણવર, લખીબહેન, ભચીબહેન અને દેવલબહેન મણવરને એક કરોડ 15 લાખ નવ હજાર અને 156 રૂપિયાના ચેક આપવામાં આવ્યાં હતા.

હરેશભાઈ અનુસાર મહેન્દ્રસિંહ ફતેહસિંહ સોઢાએ પરિવારના એક સભ્યના નામે પાવર ઑફ ઍટર્ની બનાવીને એક જ દિવસમાં એટલે કે 11 ઑક્ટોબર 2023ના રોજ સવા મણવર અને તેમના પરિવારના 5 સભ્યોનાં નામે રૂપિયા એક હજાર, 10 હજાર, એક લાખ, 10 લાખ અને 1 કરોડ રૂપિયાના 120થી પણ વધુ ઇલેક્ટોરલ બૉન્ડની ખરીદી કરવામાં આવી હતી.

પરિવારના સભ્યોએ આપેલી માહિતી અનુસાર સવાભાઈ મણવર, દેવાભાઈ મણવર, હીરીબાઈ હરિજન, દેવલબહેન મણવર, લખીબહેન રાઠોડ અને બચીબહેન ખમુભાઈ મણવરનાં નામે ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદવામાં આવ્યાં હતા.

સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ઇલેક્ટોરલ બૉન્ડ અંગેના વિગતો જાહેર કરી છે. ડેટા અનુસાર મણવર પરિવારના સભ્યોએ જે ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યાં છે, તેનાં બૉન્ડ નંબરોની તપાસ કરતાં બહાર આવ્યું છે કે દસ કરોડ રૂપિયાનાં બૉન્ડ ભારતીય જનતા પાર્ટીએ વટાવી લીધા છે અને એક કરોડ 14 હજાર રૂપિયાનાં બૉન્ડ શિવ સેનાએ વટાવી લીધા છે. બીબીસીએ આ માહિતી ચકાસી છે.

હરેશભાઈ કહે છે કે, ‘‘મારા પિતા બહુ ભણેલા નથી અને તેમને છેતરીને બૉન્ડમાં રોકાણ કરાવવામાં આવ્યું છે. અમારી માગ છે કે દોષિતોને સજા કરવામાં આવે અને અમારી મૂડી અમને પાછી મળે.’’

હરેશ મણવર અનુસાર તેઓ વેલસ્પન કંપનીમાં પૅકેજિંગ વિભાગમાં કૉન્ટ્રૅક્ટ પર કામ કરે છે. તેમના બંને ભાઈઓ પણ આ જ કંપનીમાં કામ કરતા હતા અને હાલ બંને કામ શોધી રહ્યા છે. હાલ તેઓ નાનીમોટી નોકરી કરીને ગુજરાન ચલાવી રહ્યા છે.

મહેન્દ્રસિંહ સોઢાની ભૂમિકા

પરિવારનો આક્ષેપ છે કે જમીનના વળતરની રકમ મળવાની હતી તેના એક અઠવાડિયા પહેલાં વેલસ્પન કંપનીના અધિકારી મહેન્દ્રસિંહ સોઢાએ સવા મણવર અને તેમના ભત્રીજા દેવાભાઈ મણવરને કંપનીના ગેસ્ટ હાઉસમાં ત્રણથી ચાર વખત બોલાવીને ઇલેક્ટોરલ બૉન્ડમાં રોકાણ કરવા માટે સમજાવ્યા હતા. રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી વાત કરતા સવા મણવર અને અન્ય સભ્યો રાજી થઈ ગયા હતા.

મહેન્દ્રસિંહે નોટરીને કંપનીમાં બોલાવ્યો હતો અને મણવર પરિવારના સભ્ય દેવાભાઈના નામે પાવર ઑફ ઍટર્ની તૈયાર કરાવ્યો હતો. પાવર ઑફ ઍટર્ની પ્રમાણે મણવર પરિવાર તેમની મૂડી ઇલેક્ટોરલ બૉન્ડમાં રોકણ કરવાની સત્તા દેવાભાઈને આપવામાં આવી હતી.

શા માટે મહેન્દ્રસિંહ પર આટલો ભરોસો મૂકવામાં આવ્યો હતો?

તેના જવાબમાં સવા મણવર કહે છે કે, ''મહેન્દ્રસિંહ સાથે છેલ્લાં આઠ વર્ષથી સંપર્કમાં છીએ. તેમણે કંપની વતી ગામમાં ઘણી જમીનોનો સોદો કર્યો છે. અમને તેમના પર ભરોસો હતો એટલે તેમણે જે કહ્યું એ પ્રમાણે કરતા ગયા.''

તેઓ વધુમાં જણાવે છે કે પાવર ઑફ ઍટરની માટે દેવાભાઈ મણવરનું નામ મહેન્દ્રભાઈએ સૂચવ્યું હતું જેને બધાએ સ્વીકારી લીધું હતું.

દેવાભાઈ મણવર અને અન્ય છથી સાત લોકો ગાંધીનગરના બ્લૉક નંબર 13, ઉદ્યોગ ભવન રોડ. જી. એચ – 4, સેક્ટર 11માં આવેલ સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની શાખામાં ગયા હતા અને ઇલેક્ટોરલ બૉન્ડ ખરીદ્યા હતા.

ત્રણ મહિના બાદ મણવર પરિવારે તપાસ કરી ત્યારે ઇલેક્ટોરલ બૉન્ડ વિશેની હકીકત માલુમ પડી હતી. મહેન્દ્રસિંહ સોઢાએ પણ યોગ્ય જવાબ ન આપતા પરિવારે કાયદાકીય રીતે લડવાનું નક્કી કર્યું હતું અને પોલીસમાં અરજી કરી છે.

ખેડૂત પરિવાર પોલીસના શરણે

આખી ઘટના બાદ ન્યાયની આશાએ સવા મણવરે અંજાર પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. પોતાની અરજીમાં વેલસ્પન કંપની લિમિટેડના અધિકૃત અધિકારી મહેન્દ્રસિંહ ફતેહસિંહ સોઢા અને સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા સામે ભારતીય ફોજદારી ધારાની વિવિધ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવા માટે વિનંતી કરી છે.

પરિવારનો આક્ષેપ છે કે તેમની મૂડી પડાવી લેવા માટે મહેન્દ્રસિંહ સોઢા અને અન્યોએ ગુનાહિત ષડ્યંત્ર રચીને અને ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરીને કથિત છેતરપિંડી કરી છે.

મણવર પરિવારના વકીલ અજમલ સોલંકી બીબીસી સાથે વાત કરતા કહે છે કે, ‘‘અમે પોલીસને આ કેસમાં ફરિયાદ દાખલ કરવા માટે વિનંતી કરી છે. અંજાર પોલીસનું કહેવું છે કે તેઓ તપાસ બાદ ફરીયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરશે. અમે થોડા દિવસો રાહ જોઈશું અને એ બાદ આગળની કાર્યવાહી કરીશું.’’

‘‘જો પોલીસ ફરીયાદ નોંધવાની કાર્યવાહી નહીં કરે તો અમે કોર્ટમાં અરજી કરીશું અને અન્ય કાયદાકીય વિકલ્પો અપનાવીશું. ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. સવા મણવર અને તેમના પરિવારજનો એટલા ભણેલાં નથી અને એવાં કોઈ કામ પણ કરતાં નથી. જેથી તેમને રાજકીય પક્ષોને 11 કરોડ અને 14 હજાર રૂપિયાના ઇલેક્ટોરલ બૉન્ડ આપવા પડે. ’’

તેઓ વધુમાં જણાવે છે કે ઇલેક્ટોરલ બૉન્ડમાં રોકાણ કર્યા બાદ સવા મણવર અને તેમના પરિવારજનોએ જમીન અને પૈસા બંને ગુમાવી દીધાં છે.

શું પૈસા પરત મળી શકે?

સવા મણવર અને તેમના પરિવારજનોએ ઇલેક્ટોરલ બૉન્ડની ખરીદ્યાં છે અને તે રાજકીય પક્ષોએ વટાવી પણ લીધાં છે ત્યારે શું પરિવારને તેમની મૂડી પાછી મળી શકે છે?

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં અજમલ સોલંકી કહે છે, ‘‘જો પોલીસ તપાસ થાય અને કોર્ટ તરફથી સવા મણવરના હકમાં ચુકાદો આવે તો જરૂર પૈસા પરત મળી શકે એમ છે. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાને કોર્ટ આદેશ કરી શકે છે.’’

અંજારમાં પ્રેક્ટિસ કરતા વકીલ ગોવિંદ દાફડા પણ આ વાત સ્વીકારે છે. બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે કે, ‘‘છેતરપિંડીની ફરીયાદ થઈ શકે અને રીકવરી સ્યૂટ ફાઇલ કરી શકાય. કોર્ટ ઇલેક્ટોરલ બૉન્ડ વટાવનાર પક્ષ પાસેથી રકમની વસૂલાત કરવાનો આદેશ આપી શકે છે. જો રકમ નહીં ચૂકવાય તો મિલકત જપ્ત કરીને અને તે વેચીને પણ પૈસા રીકવર કરી શકાય છે.’’

પોલીસ અને વેલસ્પન કંપનીનું શું કહેવું છે?

સવા મણવરની અરજી વિશે પૂછતા અંજારના નાયબ પોલીસ અધીક્ષક મુકેશ ચૌધરીએ બીબીસી સહયોગી પ્રશાંત ગુપ્તાને જણાવ્યું કે અંજાર પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે, જેમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

વેલસ્પન કંપનીમાં પણ આ વિશે પૂછતાં કંપનીના અધિકારી જસ્મીન પટેલે બીબીસી ગુજરાતીને કહ્યું કે, ‘‘મને આ વિશે કોઈ માહિતી નથી. આ વિશે મુંબઈસ્થિત મુખ્ય ઑફિસનો સંપર્ક કરવો.’’

બીબીસી ગુજરાતીએ વેલ્સપન કંપનીને આ વિશે ઈમેલ કર્યો છે. જવાબ આવ્યા બાદ અહીં અપડેટ કરવામાં આવશે. બીબીસી સહયોગી પ્રશાંત ગુપ્તાએ પણ વેલસ્પન કંપનીનો સંપર્ક કર્યો હતો પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો.

વેલસ્પન કંપનીના ઑડિટ રિપોર્ટ અનુસાર વેલસ્પન અંજાર એસઈઝેડ લિમિટેડ ફેકટરી બિલ્ડિંગને લીઝ પર આપવાનું કામ કરે છે. કંપનીની રજિસ્ટર્ડ ઑફિસ વેરસામડીમાં આવેલ વેલસ્પન સીટીમાં છે. વેલસ્પન અંજાર એસઈઝેડના 99.88 ટકા શેયર વેલસ્પન ઇન્ડિયા લિમિટેડ પાસે છે.