સુરત : 'સમજાતું નથી ઘર કેમ ચલાવવું', હીરાઉદ્યોગમાં મંદી આવતાં રત્નકલાકારોના પરિવારોની કફોડી હાલત

    • લેેખક, શીતલ પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે, સુરતથી

"છેલ્લા ત્રણ મહિનાથી બેરોજગાર રહેવાના કારણે નિકુંજનો સ્વભાવ ખૂબ જ ચીડિયો થઈ ગયો હતો. તે સતત ચિંતામાં રહેતો હતો. અચાનક એક દિવસ તેણે આત્યંતિક પગલું લઈ લીધું. કંઈ સમજાતું નથી કે હવે અમે દિવસો કઈ રીતે કાઢીશું?"

"ઘરની તમામ જવાબદારી નિકુંજ પર હતી. તેની 14 મહિનાની દીકરી છે. હવે તેના પરિવારનું અને અમારું શું થશે?"

રત્નકલાકાર પુત્રના આપઘાત બાદ રડતી આંખે જેન્તીભાઈ ટાંક સવાલ કરે છે. નજીકમાં બેસેલાં નિકુંજનાં માતા અને તેમનાં પત્ની ગુમસૂમ છે.

સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા રત્નકલાકાર નિકુંજભાઈ ટાંકે 2 ઑગસ્ટના રોજ આત્મહત્યા કરી લીધી હતી. હીરાઉદ્યોગમાં ચાલતી મંદીના કારણે તેમની નોકરી છૂટી ગઈ હતી અને ત્યારબાદ કોઈ કામ મળ્યું નહોતું. સંબંધીઓ અને સમાજ તરફથી થોડીઘણી મદદથી હાલ પરિવારના સભ્યો કોઈક રીતે દિવસો કાઢી રહ્યા છે.

સુરતના કતારગામમાં રહેતાં વૈશાલીબહેન પટેલની કહાણી પણ કંઈક આવી જ છે. તેમના પતિ નીતિન પટેલે 2022ની એપ્રિલ મહિનામાં આપઘાત કરી લીધો હતો. એ વખતે તેઓ 40 વર્ષના હતા. આજે પણ એ દિવસોને યાદ કરતાં વૈશાલીબહેનની આંખનાં આંસુ સુકાતાં નથી.

બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે, ''આત્મહત્યા કરી તેના પાંચ મહિના પહેલાં જ તેમની નોકરી છૂટી ગઈ હતી. તેઓ સતત ચિંતામાં રહેતા હતા. હું તેમને કહેતી કે નોકરી મળી જશે પરંતુ તેઓ કહેતા કે મંદીના કારણે કોઈ નોકરી નથી મળી રહી. અમારી ઉપર દેવું પણ થઈ ગયું હતું. અંતે તેઓ હિંમત હારી ગયા. નીતિને આત્મહત્યા કર્યા બાદ અમે સાવ એકલાં પડી ગયાં છીએ.''

કૅટરિંગ કંપનીમાં કામ કરતાં વૈશાલીબહેન હાલ પોતાનાં બે બાળકો સાથે એક નાનકડા ઓરડામાં રહે છે. 14 વર્ષની પુત્રી વેદાંશી ધોરણ આઠમાં અભ્યાસ કરે છે અને દસ વર્ષનો પુત્ર હેતવ ધોરણ ચારમાં અભ્યાસ કરે છે.

ભારતમાં નવરાત્રી અને દિવાળી જ્યારે વિશ્વમાં નાતાલ અને નવા વર્ષના સમયગાળામાં સામાન્ય રીતે હીરાઉદ્યોગમાં તેજી જોવા મળતી હોય છે.

જોકે, આર્થિક સંકડામણ અનુભવતા રત્નકલાકારો, નાનાં યુનિટો બંધ થવાં, કારીગરોને છૂટા કરવા, કામના કલાકો ઘટાડી દેવા અને સમયસર પગાર ન થવાની ફરિયાદો એ વાતની સાબિતી આપી રહ્યા છે કે હીરાઉદ્યોગ હાલ સંકટનો સામનો કરી રહ્યો છે.

(નોંધ: આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઇન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમારે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.)

મંદી પાછળનાં કારણો શું છે?

સુરત હીરાના ઉત્પાદનમાં વૈશ્વિક પાવરહાઉસ છે. સુરતમાં લગભગ 3500 જેટલાં યુનિટો છે જેમાં આઠ લાખ રત્નકલાકારો કામ કરે છે. હીરાની 15 મોટી કંપનીઓનું વાર્ષિક ટર્નઓવર હજારો કરોડો રૂપિયામાં છે. પાંચ હજાર હીરાદલાલો અને આઠ હજાર જેટલા વેપારીઓ પણ આ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે.

એટલા માટે જ વૈશ્વિક સ્તરે હીરાઉદ્યોગમાં થતી હિલચાલની સૌથી વધુ અસર સુરતમાં જોવા મળે છે. પરંતુ આટલી મોટી મંદી પાછળ શું કારણો છે?

બીબીસી સાથે વાત કરતા ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચૅરમૅન દિનેશ નાવડિયા જણાવે છે, "આપણે ત્યાં જે પણ હીરા તૈયાર થાય છે, તેના મુખ્ય આયાતકાર અમેરિકા, ચીન અને યુરોપિયન દેશો છે. આ દેશો ડાયમંડ જ્વેલરીનાં મુખ્ય બજારો છે. કોવિડ1 બાદ ચીનનું માર્કેટ ઊભું થયું નથી. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધને કારણે અમેરિકા અને યુરોપમાં મંદીનો માહોલ છે, જેથી ડાયમંડ અને ડાયમંડ જ્વેલરીની માગ ખૂબ ઘટી ગઈ છે.''

"મંદી પાછળનું બીજું મુખ્ય કારણ રશિયા-યુક્રેન યુદ્ધ છે. આપણા ત્યાં તૈયાર થતા હીરા માટે 29% રફ (કાચા હીરા) રશિયાથી આવે છે. અહીં પૉલિશ થયા બાદ 80 ટકા હીરા અમેરિકા, યુરોપ, યુએઈ અને હૉંગકૉંગમાં નિકાસ થાય છે. રશિયા-યુક્રેન યુદ્ધના કારણે અમેરિકા અને યુરોપિયન દેશોએ રશિયાની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. આની સીધી અસર એકસ્પૉર્ટ પર પડી છે."

મુંબઈસ્થિત 'કિરણ જૅમ્સ' સુરત ડાયમંડ બુર્સમાં પણ ઑફિસ ધરાવે છે. તેણે હાલમાં જ મંદીના કારણે રત્નકલાકારો માટે દસ દિવસના વૅકેશનની જાહેરાત કરી હતી.

કિરણ જૅમ્સના ચૅરમૅન વલ્લભ લાખાણી બીબીસી સાથે વાત કરતા કહે છે કે "આ દસ દિવસની રજા રાખવા માટે અમે મજબૂર હતા. વૈશ્વિક સ્તરે આવેલી મંદી અને યુદ્ધની અસરને કારણે ડાયમંડ ઉદ્યોગ હાલ ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે.''

"પૉલિશ્ડ ડાયમંડના વેચાણમાં 25-30 ટકાનો ઘટાડો આવ્યો છે. એટલા માટે કંપનીમાં 30% સ્ટાફને 17 ઑગસ્ટથી 27 ઑગસ્ટ સુધી વૅકેશન આપવામાં આવ્યું હતું."

હીરાવેપારી અનુસાર મંદીના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં હીરાની માગ ઘટી છે. બીજી બાજુ તૈયાર હીરાની કિંમત ઓછી થઈ ગઈ છે, જેના કારણે ઉત્પાદન નુકસાનનો સોદો બની ગયું છે.

'ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી'માં ડાયમંડ કમિટીના ચૅરમૅન કીર્તિ શાહ જણાવે છે કે, "ડાયમંડ પૉલિશિંગ યુનિટો જાતે પૉલિશ્ડ હીરાની કિંમત નક્કી કરી શકતાં નથી અને તે રેપોપોર્ટ નક્કી કરતું હોય છે. છેલ્લા છ મહિનામાં સરેરાશ પૉલિશ્ડ ડાયમંડના ભાવમાં 5 - 27 ટકાનો ઘટાડો આવ્યો છે. તેની પાછળનું કારણ છે ઓછી માગ અને ઓવર પ્રોડક્શન જેના કારણે વેપારીઓને મોટું નુકસાન થયું છે. મંદીનાં વાદળો ઘેરાતાં હવે હીરાઉદ્યોગ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.''

રત્નકલાકારો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને હીરાદલાલ સહિત ડાયમંડ ઍસોસિયેશન અને જીજેઈપીસી સ્વીકારે છે કે હીરાઉદ્યોગમા આવેલી મંદી સાલ 2008માં આવેલી મંદી કરતાં પણ મોટી છે.

સૌથી વધુ અસર નાનાં એકમોને થઈ છે જ્યાં માલિકો દ્વારા રત્નકલાકારોને બીજી જગ્યાએ નોકરીની વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું હોવાના અહેવાલ છે.

દિનેશ નાવડિયા કહે છે કે, ''2008માં જે મંદી હતી તે ફક્ત ચાર પાંચ મહિના સુધી રહી હતી અને પછી માર્કેટ ઊભું થઈ ગયું હતું. પરંતુ આ વખત પરિસ્થિતિ 2008 કરતાં પણ ખરાબ છે. 2021થી સતત આ મંદીનો માહોલ છે. અત્યાર સુધી ઘણા કારખાનેદારોએ યુનિટ ચલાવવાની કોશિશ કરી પરંતુ માર્કેટમાં કોઈ સુધારો ન દેખાતાં હાલ કેટલીક જગ્યાએ કારીગરોની છૂટા કરવામાં આવી રહ્યા છે. કેટલાક લોકોના કામમાં ઘટાડો કરવામાં આવ્યો છે.''

સુરત ડાયમંડ ઍસોસિયેશનના પ્રમુખ જગદીશ ખૂટ પણ સ્વીકારે છે કે વૈશ્વિક સ્તરે યુદ્ધ અને મંદીને કારણે હીરાબજારમાં મંદી છે. તેમણે સુરતમાં હીરાનાં કેટલાં કારખાનાં બંધ થયાં અને કેટલા રત્નકલાકારોને છૂટા કરી દેવામાં આવ્યા તે વિશે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.

ધારાસભ્ય કુમાર કાનાણીએ હીરાઉદ્યોગમાં આવેલી મંદી મામલે બીબીસી સાથે વાત કરી છે.

તેમણે જણાવ્યું, ''એ હકીકત છે કે હીરાઉદ્યોગમાં મંદીનો માહોલ છે. હું રત્નકલાકારો, વ્યાપારીઓ સહિત હીરાઉદ્યોગ સાથે સંકળાયેલી દરેક વ્યક્તિને રજૂઆત કરવા માટે વિનંતી કરું છું જેથી રાજ્ય સરકાર યોગ્ય મદદ કરી શકે.''

  • 2022ની સરખામણીમાં 2023માં* ગોલ્ડ જ્વેલરીની નિકાસમાં 20.89 ટકાનો ઘટાડો આવ્યો છે
  • આ જ સમયગાળા દરમિયાન ચાંદીની જ્વેલરીના નિકાસમાં 50.94 ટકાનો ઘટાડો આવ્યો છે
  • લેબગ્રોન ડાયમંડમાં પણ આવી જ સ્થિતિ છે. 2022ની સરખામણીમાં 2023માં નિકાસમાં 22.95 ટકાનો ઘટાડો આવ્યો છે.
  • કટ અને પોલિશ્ડ ડાયમંડના નિકાસમાં 28.26 ટકાનો ઘટાડો નોંધાયો છે
  • સાલ 2022માં 23 બિલિયન ડૉલરના હીરાની નિકાસ થઈ હતી, જે સાલ 2023માં ઘટીને 16 બિલિયન ડૉલર થઈ ગઈ હતી. આ વર્ષે પણ હીરામાં વિવિધ કારણસર મંદી છે અને ડાયમંડ ઍક્સપૉર્ટ 12 બિલિયન ડૉલર રહેવાનો અંદાજ છે
  • જાન્યુઆરી 2024માં વિશ્વ બૅન્કના રિપોર્ટ પ્રમાણે અમેરિકાનો આર્થિક વિકાસદર 2024માં 1.4 ટકા રહેવાનો અંદાજ છે. 2023માં વિકાસદર 2.3 ટકા હતી
  • યુરોપિયન યુનિયનના દેશો પણ વિવિધ આર્થિક પડકારોનો સામનો કરી રહ્યાં છે જે 2024માં પણ ચાલશે

*(એપ્રિલથી ડિસેમ્બરના સમયગાળામાં)

શું સિન્થેટિક ડાયમંડ પણ એક કારણ છે?

હીરાઉદ્યોગમાં હાલની મંદી માટે લૅબગ્રોન ડાયમંડને એક કારણ માનવામાં આવી રહ્યું છે. અસલ હીરાની સરખામણીમાં લૅબગ્રોન ડાયમંડ ઘણો સસ્તો હોય છે અને એના કારણે આ સ્થિતિ ઉદ્ભવી હોવાનું મનાય છે. છેલ્લાં પાંચ વર્ષથી ભારતના હીરાઉદ્યોગમાં લૅબગ્રોન ડાયમંડની શરૂઆત થઈ છે.

સુરત ડાયમંડ બ્રોકર્સ ઍસોસિયેશનના પ્રમુખ નંદલાલ નાકરાણી કહે છે, ''જુલાઈ 2022માં લૅબગ્રોન ડાયમંડ 300 અમેરિકન ડૉલરની કિંમતે વેચાઈ રહ્યો હતો અને આજે તેની કિંમત 78 ડૉલર અથવા તેના કરતાં પણ ઓછી છે. જ્યાં સુધી રફ ડાયમંડની કિંમત નહીં ઘટે અને પૉલિશ્ડ હીરાની કિંમતમાં વધારો નહીં થાય ત્યાં સુધી હીરાઉદ્યોગમાં મંદી જોવા મળશે.''

સુરતના હીરાઉદ્યોગકારો માને છે કે જો લૅબગ્રોન ડાયમંડનું યોગ્ય રીતે ઉત્પાદન નહીં કરવામાં આવે તો ત્યાં પણ મંદી જોવા મળશે.

અમારી પાસે કોઈ વિકલ્પ નથીઃ રત્નકલાકારો

'ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત'ના ઉપપ્રમુખ ભાવેશ ટાંક કહે છે, "રત્નકલાકારોને નોકરીમાંથી કાઢી મૂકવાની ઘટનામાં વધારો નોંધાયો છે. કેટલીક જગ્યાએ કામના કલાકો ઘટાડી દેવામાં આવ્યા છે. ફિક્સ પગારધારક તેમજ છૂટકકામ કરતા રત્નકલાકારોને હવે કામ માટે ફાંફાં પડી રહ્યાં હોય તેવો માહોલ ઊભો થયો છે."

તેમનું કહેવું છે, "આર્થિક સંકડામણને લીધે છેલ્લા એક વર્ષમાં અંદાજે 63 રત્નકલાકારોએ આપઘાત કર્યો છે અને લગભગ 50 હજાર રત્નકલાકારો બેરોજગાર બન્યા છે. અમને દરરોજ 100થી 150 રત્નકલાકારોના ફોન આવે છે જેમની નોકરી છૂટી ગઈ હોય અને આર્થિક સહાયની જરૂર હોય."

34 વર્ષના કેસર રબારી 14 વર્ષથી હીરા પૉલિશ કરવાનું કામ કરે છે. આઠ વર્ષ પહેલાં તેઓ સુરત આવ્યા હતા. તેઓ મૂળ દિશા આગડોલ ગામના વતની છે. પરિવારમાં બે બાળકો અને પત્ની છે.

બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે, ''છ મહિના બેરોજગાર રહ્યા બાદ મને નોકરી મળી છે. નોકરી માત્ર બે મહિના પહેલાં જ મળી છે અને એ પણ ઓછા પગારમાં. આટલાં વર્ષો રત્નકલાકાર તરીકે કામ કર્યા બાદ હવે હું બીજી નોકરી કઈ રીતે શોધું? મને કોણ કામ આપશે?''

મંદીના કારણે કેટલાક રત્નકલાકારોએ હવે અન્ય રોજગારીના વિકલ્પો શોધી રહ્યા છે. છેલ્લાં 11 વર્ષથી હીરાનું લેસર જોબવર્ક કરતા અતીશ હીરપરા હાલ ભજિયાંની લારી ચલાવે છે.

તેઓ કહે છે, ''મંદીને કારણે ખર્ચ વધી રહ્યો હતો જેના કારણે કારીગરોનો પગાર કાઢવો પણ મુશ્કેલ બની રહ્યો હતો. મેં કારીગરોને છૂટા કરીને કારખાનું બંધ કરી દીધું. હાલ ભજિયાંની લારી ચલાવું છું.''

જ્યારે અમે પ્રશ્ન કર્યો કે શું સ્થિતિ સુધારતાં તેઓ ફરી હીરાના લેસરનું કામ કરશે?

ક્ષણનોય વિચાર કર્યા વગર તેઓ કહે છે, ''ના. હવે ફરી હીરામાં નથી જવું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.