અમિત શાહે કહ્યું, 'બાંગ્લાદેશી ઘૂસણખોરોને આધાર કાર્ડ આપે છે ટીએમસી'- ન્યૂઝ અપડેટ્સ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળની તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી) સરકાર પર બાંગ્લાદેશી ઘૂસણખોરોને આધાર કાર્ડ આપવાનો કરવાનો આરોપ લગાવ્યો છે.

લોકસભામાં ઇમિગ્રેશન ઍન્ડ ફૉરેનર્સ બિલ,2025 પર જવાબ આપતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળની ટીએમસી સરકાર પર નિશાન સાધ્યું હતું.

અમિત શાહે કહ્યું છે કે, "બાંગ્લાદેશી ઘૂસણખોર હોય કે રોહિંગ્યા, પહેલાં તેઓ આસામના રસ્તે ભારતમાં પ્રવેશતા હતા, જ્યારે કૉંગ્રેસ સત્તામાં હતી. હવે તેઓ પશ્ચિમ બંગાળના રસ્તે ભારતમાં ઘૂસે છે જ્યાં ટીએમસી સત્તામાં છે."

શાહે આગળ કહ્યું કે, "તેમને આધાર કાર્ડ કોણ આપે છે? નાગરિક ક્યાંના બન્યા છે? જે બાંગ્લાદેશી પકડાયા તેમની પાસે 24 પરગના જિલ્લાના આધાર કાર્ડ છે."

તેમણે કહ્યું કે, "તમે (ટીએમસી) જે આધાર કાર્ડ જારી કરે છે, તે આધાર કાર્ડ લઈને, તેઓ વોટ કાર્ડ લઈને દિલ્હી સુધી આવે છે. તમે તેમને આધાર કાર્ડ જારી ન કરો, તો માણસ તો શું પક્ષી પર નહીં ફરકી શકે."

દક્ષિણ કોરિયા: જંગલોમાં ભયાનક આગથી 27 લોકોનાં મોત, અનેક પ્રાચીન મંદિરો ખાખ

દક્ષિણ કોરિયાના જંગલોમાં લાગેલી ભીષણ આગમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછાં 27 લોકોનું મૃત્યુ થયું છે.

દક્ષિણ કોરિયાના ગૃહ મંત્રાલયે 27 માર્ચ, ગુરુવારના રોજ એક નિવેદનમાં આ માહિતી આપી હતી. સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે મોટાભાગના મૃતકોની ઉંમર 60 કે 70ની છે.

આ જંગલની આગમાં 32 લોકો ઘાયલ થયા છે. અગાઉ, 26 લોકોનાં મોત અને 30 લોકો ઘાયલ થયાની પુષ્ટિ થઈ હતી.

આગને કારણે હજારો લોકો વિસ્થાપિત થયા છે. આ આગથી ઘણાં પ્રાચીનસ્થળો પણ પ્રભાવિત થયાં છે. તેમાં 1300 વર્ષ જૂનાં બૌદ્ધ મંદિરનો સમાવેશ થાય છે, જે જંગલની આગને કારણે નાશ પામ્યું હતું.

દક્ષિણ-પૂર્વ દક્ષિણ કોરિયાના જંગલોમાં 21 માર્ચે આગ લાગી હતી. આ જંગલની આગ એક અઠવાડિયામાં 35,000 હેક્ટરથી વધુ વિસ્તારને પોતાની લપેટમાં લઈ ચૂકી છે.

અધિકારીઓનું માનવું છે કે ભારે પવન અને સૂકીભઠ્ઠ જમીનને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. ભારે પવનને કારણે હેલિકૉપ્ટર ઉડાવવાનું પણ જોખમી બની ગયું છે. મંગળવારે આગ ઓલવવાનો પ્રયાસ કરતી વખતે એક હેલિકૉપ્ટર ક્રેશ થયું હતું.

રાહુલને સંસદમાં બોલવા ન દેવાતું હોવાના દાવા વચ્ચે અન્ય સાંસદોએ શું કહ્યું?

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમને સંસદમાં બોલવા દેવાતું નથી.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, "વિપક્ષના નેતાને સામાન્ય રીતે સંસદમાં બોલવા દેવામાં આવે છે. પરંતુ જ્યારે હું બોલવા માટે ઊભો થાઉં છું, ત્યારે મને બોલવા દેવામાં આવતું નથી. ખબર નહીં આ લોકો સંસદ કેવી રીતે ચલાવી રહ્યા છે. અમે જે કહેવા માગીએ છીએ એ અમને કહેવા દેતા નથી."

રાહુલ ગાંધીના આ નિવેદન પછી રાજકારણ ગરમાઈ રહ્યું છે.

શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે, "રાહુલ ગાંધી વિપક્ષના નેતા છે. જો તેઓ આ વાત વારંવાર કહી રહ્યા છે તો આપણે વિપક્ષના નેતાની વાતને ગંભીરતાથી લેવી જોઈએ. રાજ્યસભા હોય કે લોકસભા હોય ત્યાં ઉપર બેઠનારા લોકો સત્તાધારી પાર્ટીના પ્રવક્તાની જેમ કામ કરે છે. આવું ન થવું જોઈએ."

તો બીજી તરફ શિવસેના (શિંદે જૂથ)ના નેતા નરેશ મ્હસ્કેએ ટિપ્પણી કરી હતી કે, "રાહુલ ગાંધી વિપક્ષના નેતા હોવા છતાં જો તેમની જવાબદારી સંભાળી ન શકતા હોય તો તેમને સરકારની ટીકા કરવાનો શું અધિકાર છે? રાહુલ ગાંધી વિપક્ષના નેતા હોવા છતાં લોકસભામાં આવતા નથી, વિપક્ષના નેતાનું કામ હોય છે કે અંત સુધી બેસી રહે."

કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે એમએસપી પર ખરીદી અંગે શું કહ્યું?

કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગુરુવારે જણાવ્યું કે કેન્દ3 સરકારે નિર્ણય લીધો છે કે તુવેર, મસૂર અને અડદને એમએસપી એટલે કે ન્યૂનતમ સમર્થન મૂલ્ય પર ખરીદવામાં આવશે.

આ માટે ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું, "કેન્દ્ર સરકારના કૃષિમંત્રાલયે રાજ્ય સરકારોને પરવાનગી આપી દીધી છે. તુવેર દાળની ખરીદીનું કામ ચાલી રહ્યું છે. આંધ્ર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તેલંગાણામાં નાફેડ અને એનસીસીએફ દ્વારા દાળોની ખરીદી ચાલી રહી છે."

તેમણે જણાવ્યું, "ચણા, સરસવ અને મસૂરની ખરીદી પણ પીએમ આશા યોજના અંતર્ગત કરાશે. અમે જુદાં જુદાં રાજ્યો જેમ કે, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાતને સરસવની ખરીદીની મંજૂરી આપી દીધી છે."

કેન્દ્રીય મંત્રીએ કહ્યું, "તામિલનાડુમાં ટોપરાની ખરીદીની પણ મંજૂરી આપી દેવાઈ છે. ખેડૂતોનું રજિસ્ટ્રેશન સરળ બનાવવા માટે અમે નાફેડ અને એનસીસીએફ પૉર્ટલોનો ઉપયોગ સુનિશ્ચિત કર્યો છે."

તેમણે કહ્યું, "હું તમામ રાજ્યોને અપીલ કરું છું કે ખેડૂતોને તુવેર, મસૂર અને અડદની યોગ્ય કિંમત મળી શકે, આ માટે અસરકારક અને પારદર્શક ખરીદીની વ્યવસ્થા કરો."

અમેરિકા: ટ્રમ્પે કાર પર 25 ટકા ટેરિફ લાદી, વેપારયુદ્ધનો ખતરો વધુ ઘેરો બન્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ અંગે નવી જાહેરાત કરી છે. આ મુજબ, અમેરિકા આવતી કાર અને કારના ભાગો પર 25 ટકા ટેરિફ લાદવામાં આવશે.

ટ્રમ્પના આ પગલાથી વૈશ્વિક વેપારયુદ્ધ શરૂ થવાની શક્યતા વધી ગઈ છે.

ટ્રમ્પે કહ્યું છે કે નવા ટેરિફ 2 એપ્રિલથી અમલમાં આવશે. કારના ભાગો પરના આ ટેરિફ મે મહિનામાં અથવા તેના પછીથી શરૂ થશે.

રાષ્ટ્રપતિએ દાવો કર્યો હતો કે તેમના આ પગલાથી કાર ઉદ્યોગમાં 'જબરદસ્ત વૃદ્ધિ' થશે. તેમણે વચન આપ્યું હતું કે આ પગલાથી અમેરિકામાં રોજગાર અને રોકાણ પણ વધશે.

નિષ્ણાતો શું કહે છે?

પરંતુ, આ બાબતે નિષ્ણાતોનો અભિપ્રાય અલગ છે.

તેમનું માનવું છે કે ટ્રમ્પના આ પગલાથી અમેરિકામાં કારનું ઉત્પાદન અસ્થાયી રૂપે બંધ થઈ શકે છે, કિંમતોમાં વધારો થઈ શકે છે અને સાથી દેશો સાથેના સંબંધોમાં તણાવ આવી શકે છે.

યુનાઇટેડ સ્ટેટ્સે ગયા વર્ષે આશરે આઠ મિલિયન કારની આયાત કરી હતી, જેનો વેપાર લગભગ $240 બિલિયનનો હતો.

અમેરિકામાં કાર મોકલવામાં મૅક્સિકો સૌથી આગળ છે. આ પછી, દક્ષિણ કોરિયા, જાપાન, કૅનેડા અને જર્મનીનો સમાવેશ થાય છે.

ટ્રમ્પના આ નવા પગલાથી વૈશ્વિક કાર વેપાર અને તેની સપ્લાય ચેઇન પર અસર થવાની આશંકા છે.

યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ યુદ્ધવિરામ પર રશિયાની શરતો વિશે શું કહ્યું?

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે તેમને આશા છે કે અમેરિકા હવે રશિયાની માંગણીઓનો સામનો "મજબૂત રીતે " કરશે .

હકીકતમાં, રશિયાએ કાળા સમુદ્રમાં યુદ્ધવિરામની શરત તરીકે તેના પર લાદવામાં આવેલા પશ્ચિમી પ્રતિબંધોને દૂર કરવાની માંગ કરી છે.

બુધવારે પેરિસમાં એક પૅનલ ઇન્ટરવ્યૂમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ યુરોપિયન પત્રકારો સાથે વાત કરી.

આ દરમિયાન, બીબીસીએ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને પૂછ્યું કે શું અમેરિકા રશિયન દબાણનો પ્રતિકાર કરશે?

આના જવાબમાં તેમણે કહ્યું, "મને આશા છે કે તે થશે. ભગવાનની ઇચ્છા હોય તો, તેઓ તે કરશે. પણ આપણે જોઈશું."

અગાઉ, અમેરિકાએ મંગળવારે કહ્યું હતું કે રશિયા અને યુક્રેનના પ્રતિનિધિમંડળો સાઉદી અરેબિયામાં અમેરિકન અધિકારીઓ સાથે ત્રણ દિવસની અલગ-અલગ વાતચીત બાદ કાળા સમુદ્રમાં યુદ્ધવિરામ પર સંમત થયા છે.

જોકે, થોડા કલાકો પછી, રશિયા દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું, જેમાં શરતોની યાદી સામેલ હતી.

રશિયાએ કહ્યું હતું કે કાળા સમુદ્રમાં વાણિજ્યિક જહાજોને સુરક્ષિત માર્ગ આપવા માટે દરિયાઈ યુદ્ધવિરામ ત્યારે જ શરૂ થશે જ્યારે રશિયાના ખાદ્ય અને ખાતરોના વેપાર પર પશ્ચિમી પ્રતિબંધો હઠાવવામાં આવશે.

કોલકાતા નાઇટરાઇડર્સે રાજસ્થાન રૉયલ્સને આઠ વિકેટે હરાવ્યું

આઇપીએલના બુધવારે રમાયેલી મેચમાં કોલકાતા નાઇટરાઇડર્સે રાજસ્થાન રૉયલ્સને આઠ વિકેટથી માત આપી હતી.

કેકેઆરની જીતના હીરો વિકેટકીપર ક્વિન્ટન ડીકોક રહ્યા હતા જેમણે 61 બૉલમાં 97 રન ફટકાર્યા હતા.

કેકેઆરને જીત માટે 20 ઓવરમાં 152 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. કેકેઆરની ટીમે આ લક્ષ્યાંક 17.3 ઓવરમાં પાર પાડ્યો હતો.

આ પહેલાં ગૌહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મૅચમાં કેકેઆરે ટૉસ જીતીને રાજસ્થાન રૉયલ્સની ટીમને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.

રાજસ્થાન રૉયલ્સે 20 ઓવરોમાં નવ વિકેટમાં 151 રન બનાવ્યા હતા. રાજસ્થાન રૉયલ્સ ટીમમાંથી ધ્રુવ જુરેલે સૌથી વધુ 33 રન બનાવ્યા હતા. આ સિવાય યશસ્વી જયસ્વાલે 29 અને રિયાન પરાગે 25 રન બનાવ્યા હતા. કોલકાતા માટે વરુણ ચક્રવર્તી, મોઇન અલી, હર્ષિત રાણા અને વૈભવ અરોરાએ બે-બે વિકેટ ઝડપી હતી.