લૅપ્ટોસ્પાયરોસિસ: સુરતમાં એક દાયકા બાદ ફેલાયેલો આ રોગ કોને થાય અને શું છે લક્ષણો?

લૅપ્ટોસ્પાયરોસિસ, સુરત, ચોમાસામાં રોગચાળો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લૅપ્ટોસ્પાયરોસિસના સુરત શહેરમાં ત્રણ પોઝિટિવ કેસ આવ્યા છે- પ્રતીકાત્મક તસવીર

ચોમાસાની ઋતુ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં જોવા મળતા લૅપ્ટોસ્પાયરોસિસના સુરત શહેરમાં ત્રણ પોઝિટિવ કેસ આવ્યા છે. એક દાયકા બાદ ફરીથી કેસ નોંધાતા હાલ તો જિલ્લા આરોગ્ય વિભાગ અને સુરત મહાનગરપાલિકા વિવિધ પગલાં લઈ રહ્યાં છે.

સુરતસ્થિત નવી સિવિલ હૉસ્પિટલ અનુસાર શહેરના આંજણા વિસ્તારમાં રહેતાં 60 વર્ષીય મહિલા અને બમરોલી વિસ્તારમાં રહેતી 35 વર્ષની વ્યક્તિ સિવિલ હૉસ્પિટલમાં લૅપ્ટોસ્પાયરોસિસની સારવાર લઈ રહ્યાં છે. સુરત શહેરમાં લૅપ્ટોસ્પાયરોસિસના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

સુરત ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ બીમારીના સાત કેસ નોંધાયા છે. નવસારી જિલ્લામાં લૅપ્ટોસ્પાયરોસિસના કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.

આ બીમારી સુરત શહેરમાં ફરીથી કેમ દેખા દીધી, તે કઈ રીતે ફેલાય છે અને કેટલી જોખમી છે? જાણો આ અહેવાલમાં.

કેવી રીતે ફેલાય છે આ બીમારી?

લૅપ્ટોસ્પાયરોસિસ, સુરત, ચોમાસામાં રોગચાળો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Micro Biology Journal

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં લૅપ્ટોસ્પાયરોસિસના 90 ટકા દરદીઓમાં હળવાં લક્ષણો હોય છે

લૅપ્ટોસ્પાયરા નામના બૅક્ટેરિયાનો ચેપ લાગવાથી લૅપ્ટોસ્પાયરોસિસ થાય છે. આ બૅક્ટેરિયા સામાન્ય રીતે પ્રાણીઓનાં મળમૂત્ર, ખાસ કરીને ઉંદરનાં મળમૂત્રમાં હોય છે. આ પ્રાણીઓના પેશાબ મારફત લૅપ્ટોસ્પાયરોસિસના બૅક્ટેરિયા બહાર આવે છે.

આ પેશાબ ચોમાસામાં રસ્તા પર અને ખાડામાં ભરાયેલા પાણીમાં ભળે છે. જ્યારે તે પાણીના સંપર્કમાં માણસનો ઉઘાડો જખમ આવે ત્યારે લૅપ્ટોસ્પાયરોસિસ થવાનું જોખમ વધી જાય છે.

નૅશનલ ઇન્સ્ટિટયૂટ ઑફ મેન્ટલ હેલ્થ ઍન્ડ ન્યૂરો સાયન્સીઝમાં વાયરૉલોજીના પ્રોફેસર ડૉક્ટર વી રવિ કહે છે, ''લૅપ્ટોસ્પાયરોસિસ એ બૅક્ટરિયા છે જે ઉંદરોમાં જોવા મળે છે. પૂર દરમિયાન ઉંદર પલળવાથી કે મરી જવાથી આ બૅક્ટેરિયા માણસોમાં પહોંચી જાય છે. આ એક એવો બૅક્ટરિયાજન્ય રોગ છે જે માણસો અને પ્રાણીઓ બન્નેને થાય છે."

ગુજરાતના આરોગ્ય વિભાગ અનુસાર ગાય, ભેંસ અને બકરીની સફાઈ દરમિયાન ખાસ કરીને તેનાં મળમૂત્રનો નિકાલ કરતી વખતે આ રોગ મનુષ્યમાં પ્રવેશ કરી શકે છે. આંખ, નાક અને મોઢામાંથી પણ આ રોગ માણસમાં ફેલાઈ શકે છે. મનુષ્યો ઉપરાંત દૂધાળાં પશુઓ માટે પણ લૅપ્ટોસ્પાયરોસિસ જીવલેણ સાબિત થઈ શકે છે.

ગુજરાતમાં લૅપ્ટોસ્પાયરોસિસના 90 ટકા દરદીઓમાં હળવાં લક્ષણો હોય છે. માત્ર 10 ટકા દરદીઓ ગંભીર સ્થિતિમાં હોય છે અને ત્વરિત સારવારની જરૂર હોય છે.

લૅપ્ટોસ્પાયરોસિસનાં લક્ષણો શું હોય છે?

લૅપ્ટોસ્પાયરોસિસ, સુરત, ચોમાસામાં રોગચાળો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લૅપ્ટોસ્પાયરા નામના બૅક્ટેરિયાનો ચેપ લાગવાથી લૅપ્ટોસ્પાયરોસિસ થાય છે

લૅપ્ટોસ્પાયરોસિસનાં લક્ષણો અને લૂનાં લક્ષણો મોટા ભાગે સરખાં હોય છે અને એટલા માટે શરૂઆતમાં તેના વિશે ખ્યાલ આવતો નથી.

સામાન્ય લક્ષણોમાં અચાનક ભારે તાવ આવવો, માથામાં, શરીરમાં, પેટમાં અને સ્નાયુઓમાં દુખાવો થવો અથવા શરદી કે ઊલટી થવી છે. આવી અવસ્થામાં શરીર પર લાલ ડાઘ પણ જોવા મળતા હોય છે.

લૅપ્ટોસ્પાયરોસિસનો ચેપ લાગ્યા બાદ વ્યક્તિનાં લિવર અને કિડની પર તેની અસર થાય છે. જો સમયસર યોગ્ય સારવાર ન મળે તો મૃત્યુ પણ થઈ શકે છે.

ડૉ. રવિના જણાવ્યા પ્રમાણે પૂરના પાણીના સંપર્કમાં આવનારા લોકોએ ડૉક્સિસાઇક્લિન ટેબ્લેટ લેવી જોઈએ, કારણ કે જીવાણુ દ્વારા ફેલાતા આ રોગચાળાનાં લક્ષણો માત્ર બે અઠવાડિયાંમાં જ માનવ શરીર પર જોવાં મળે છે.

આ લક્ષણોની અવગણના કરવાથી રોગ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. નિષ્ણાતો અનુસારઃ

  • ચેપને રોકવા માટે ચોમાસા દરમિયાન બંધિયાર પાણીમાં ચાલવાનું ટાળવું જોઈએ.
  • વરસાદી પાણીમાંથી ચાલવું જ પડે તેમ હોય તો ગમ બૂટ અથવા પગ પાણીના સીધા સંપર્કમાં ન આવે તેવાં પગરખાં પહેરવાં જોઈએ.
  • ગટરના પાણીના સંપર્કમાં ખુલ્લા જખમ ન આવે તેની કાળજી લેવી જોઈએ.
  • ઉપર પૈકીનું એકેય લક્ષણ દેખાય તો ઘરેલુ ઉપચાર કરવાને બદલે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

સુરતમાં ફરીથી કેમ સામે આવ્યા કેસ?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નિષ્ણાતો અનુસાર એક દાયકા બાદ લૅપ્ટોસ્પાયરોસિસના જે કેસ નોંધાયા છે તેની પાછળ મુખ્ય કારણ ભારે વરસાદ અને જુલાઈ મહિનામાં આવેલું ખાડી પૂર છે.

સુરતની નવી સિવિલ હૉસ્પિટલના મેડિકલ વિભાગના નૉડલ ઑફિસર ડૉ. અશ્વિન વસાવા પણ આ વાત સાથે સહમત છે.

બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે, ''છેલ્લાં ઘણાં વર્ષોથી શહેરી વિસ્તારોમાં લૅપ્ટોસ્પાયરોસિસના કેસ સામે આવ્યા નથી. હાલ જે કેસ સામે આવ્યા છે તેની પાછળ વધુ વરસાદ અને પાણી ભરાયાની સ્થિતિ કારણભૂત છે.''

''આ વર્ષે ખૂબ વરસાદ પડ્યો, તેમજ અનેક જગ્યાએ દૂષિત પાણી પણ ભરાયાં હતાં. દૂષિત પાણીના સંપર્કમાં આવવાથી આ રોગ થવાની શક્યતા રહે છે. દરદીઓ આ દૂષિત પાણીના સંપર્ક આવ્યા હશે અને ત્યારબાદ તેમને ચેપ લાગ્યો હશે.''

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉક્ટર પ્રદીપ ઉમરીગરે કહ્યું કે સુરતમાં જે પૂર આવ્યું હતું તે સમયે અમે લોકોને કામ વગર બહાર ન નીકળવાની અને સાવચેતી રાખવાની સૂચના આપી હતી, કારણ કે પૂરનાં પાણીમાં આ બૅક્ટેરિયાનો ચેપ ફેલાવાનો ડર હોય છે.

શહેરમાં હાલ જે કેસ આવ્યા છે તેને લઈને તેમણે જણાવ્યું કે બની શકે છે કે પૂરના કારણે ચેપ ફેલાયો હોય.

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ કેસ

લૅપ્ટોસ્પાયરોસિસ, સુરત, ચોમાસામાં રોગચાળો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, European Centre for Disease Prevention and Control

સમગ્ર ગુજરાતમાં લૅપ્ટોસ્પાયરોસિસના સૌથી વધુ કેસ દક્ષિણ ગુજરાતમાં નોંધાય છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ અનુસાર સુરત અને તાપી જિલ્લામાં સૌથી વધુ કેસ સામે આવે છે. નવસારી અને વલસાડ જિલ્લામાં સરખામણીમાં ઓછા કેસ નોંધાય છે.

દક્ષિણ ગુજરાતનું હવામાન લૅપ્ટોસ્પાયરા બૅક્ટેરિયા માટે એકદમ અનુકૂળ હોવાથી આ બીમારી સમગ્ર પંથકમાં વ્યાપક પ્રમાણે જોવા મળે છે.

પોતાના રિપોર્ટમાં આરોગ્ય વિભાગ જણાવે છે કે દક્ષિણ ગુજરાતમાં માટો પ્રમાણમાં ઢોર અને અન્ય પ્રાણીઓ છે જે લૅપ્ટોસ્પાયરા બૅક્ટેરિયાની ઉત્પત્તિ અને વિકાસ માટે જરૂરી છે. અહીંની જમીનમાં ક્ષારયુક્ત અને વરસાદી વાતાવરણ પણ બૅક્ટેરિયા માટે જરૂરી વાતાવરણ પૂરું પાડે છે.

દક્ષિણ ગુજરાતમાં જે પાક લેવામાં આવે છે તે પણ આ બીમારી ફેલાવવા માટે કારણભૂત છે. રિપોર્ટ પ્રમાણે અહીં ડાંગર, શેરડી અને કેળાંનો પાક લેવામાં આવે છે. આ પાકોમાં પાણીની ખાસ્સી જરૂર હોય છે અને એટલા માટે ડૅમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવે છે.

પાણી છોડવાના કારણે એક મોટો વિસ્તાર લાંબા સમય સુધી જળમગ્ન રહે છે જે લૅપ્ટોસ્પાયરોસિસના બૅક્ટેરિયાને વિકસવામાં મદદરૂપ થાય છે. જળમગ્ન ખેતરોમાં કામ કરવાના કારણે ખેડૂતો અને ખેતમજૂરોને ચેપ લાગી જાય છે.

શું લૅપ્ટોસ્પાયરોસિસ રોગમાં પરિવર્તન આવી રહ્યું છે?

ગુજરાતના આરોગ્ય વિભાગના રિપોર્ટ પ્રમાણે છેલ્લાં થોડાં વર્ષોમાં લૅપ્ટોસ્પાયરોસિસ ફેલાવાતા બૅક્ટેરિયામાં ફેરફાર આવ્યો છે, જેના કારણે બીમારીનાં પ્રકાર અને લક્ષણોમાં પણ પરિવર્તન આવ્યું છે.

પહેલાં બૅક્ટેરિયા દરદીનાં કિડની અને આંખમાં અસર કરતી હતી. હાલનાં વર્ષોમાં લૅપ્ટોસ્પાયરોસિસના દરદીઓને શ્વાસની તકલીફ થાય છે અને ઘણી વખત તકલીફ એટલી વધી જાય છે કે જીવ બચાવી શકતો નથી.

રિપોર્ટમાં એ પણ બહાર આવ્યું છે કે હજુ સુધી આ બીમારીના કેસ નોંધાયા ન હોય તેવા જિલ્લામાં પણ કેસ સામે આવી રહ્યા છે, ખાસ કરીને શહેરી વિસ્તારમાં. કેટલાક કિસ્સામાં આ બીમારી એવી વ્યક્તિને થઈ હતી જેઓ ખેતી, પશુપાલન અથવા ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા નથી.

તંત્રની કેવી તૈયારી છે?

લૅપ્ટોસ્પાયરોસિસના કેસ સામે આવી રહ્યા છે ત્યારે તંત્રની તૈયારી વિશે જાણવા માટે બીબીસીએ સુરત જિલ્લા પંચાયતના ઍપેડેમિક મેડિકલ ઑફિસર કૌશિક મહેતા સાથે વાત કરી હતી.

તેઓ કહે છે, ''અમે જૂન મહિના જિલ્લાનાં દરેક ગામડાંમાં ફીવર સર્વેલન્સ કરીએ છીએ, જેમાં હેલ્થવર્કરો ઘર-ઘર જઈને સર્વે કરે છે. આ સર્વે ઑક્ટોબર મહિના સુધી ચાલે છે. જો કોઈ શંકાસ્પદ કેસ જણાય તો સાત દિવસની દવા આપવામાં આવે છે. સર્વે દરમિયાન ખેતમજૂરો અને પશુપાલન સાથે સંકળાયેલા લોકોની ખાસ તપાસ કરવામાં આવે છે.''

તેઓ વધુમાં જણાવે છે કે આ વર્ષે અમે હાઈ રિસ્કમાં આવતાં 10 ગામની ઓળખ કરી છે, જેમાં ઘનિષ્ઠ સર્વે કરવામાં આવી રહ્યો છે.

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉક્ટર પ્રદીપ ઉમરીગર અનુસાર, પૂર બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં ફીવર સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું અને જરૂરિયાત મુજબ દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું, હાલ શહેરમાં લૅપ્ટો માટે કોઈ સર્વેલન્સ નથી ચાલી રહ્યું.

(બીબીસી સહયોગી શીતલ પટેલના ઇનપૂટ સાથે)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.