ભારતનાં એ રાજ્યો જ્યાં દીકરીને દાયજામાં અને બાળકોને ભેટમાં અપાય છે મરેલાં ઉંદર

આપણે જ્યારે સૂવાની તૈયારી કરી રહ્યા હોઈએ ત્યારે એ વાતની કાળજી અચૂકપણે લેતા હોઈએ છીએ કે ભૂલથી ખાવાની કોઈક વસ્તુના ટુકડા જમીન કે અન્યત્રે પડેલા ન રહી જાય. આવી પરિસ્થિતિ અણગમતા મહેમાનો એવા ઉંદરને આમંત્રિત કરનારી બની શકે છે.

ઘણા લોકો માટે ઉંદરની એક ઝલક જ ચીતરી ચડાવવા માટે પૂરતી હોય છે.

ઉદાહરણ તરીકે ન્યૂયૉર્કે હાલમાં જ શહેરમાં ‘ઉંદરનું સંકટ’ નિવારવા માટે ઘણી કોશિશો કરી છે. પરંતુ એ વાત પણ નોંધનીય છે કે ઉંદરને બધે નકામા કે ઘૃણાસ્પદ નથી માનવામાં આવતા.

ખરેખર તો સમગ્ર વિશ્વમાં અમુક જગ્યા એવી પણ છે જ્યાં ઊંદરને એક સ્વાદિષ્ટ અને પ્રિય ભોજન ગણવામાં આવે છે.

(આ લેખની કેટલીક વિગતો વિચલિત કરી શકે તેમ છે, વાચકોનો વિવેક અપેક્ષિત છે.)

દર વર્ષે 7 માર્ચે ભારતનાં ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં પહાડી વિસ્તારોમાં વસવાટ કરતા આદિવાસી સમુદાયના લોકો ‘યૂનંગ આરાન’ નામનો એક તહેવાર ઊજવે છે.

આ તહેવારની વિશેષતા એ છે કે એ દરમિયાન તૈયાર કરાતી સૌથી શ્રેષ્ઠ વાનગીઓમાં ઉંદરના માંસથી બનતાં વ્યંજનો સામેલ હોય છે.

આ આદિવાસી સમુદાયની મનપસંદ વાનગીઓ પૈકી એક ‘બોલે બલાક ઉઇંગ’ નામની વાનગી છે. જેમાં ઉંદરનાં પેટ, આંતરડાં, યકૃત, અંડકોષ, પૂંછ અને પગને મીઠું, મરચું અને આદુ નાખીને ઉકાળવામાં આવે છે.

આ સમુદાયના લોકો પોતાના ભોજનમાં દરેક પ્રકારનાં ઉંદરોનો ઉપયોગ કરે છે. પછી ભલે તે ઘરની આસપાસ ફરતા ઉંદર હોય કે પછી જંગલી, બધું એમને પ્રિય છે.

ફિનલૅન્ડની ઓલો યુનિવર્સિટીના વિકટર બેનો મેયર રોચો કહે છે કે ખાસ કરીને ઉંદરની પૂંછ અને પગનો સ્વાદ શ્રેષ્ઠ હોય છે અને લોકોને તે ખૂબ પસંદ આવે છે.

મેયર રોચોએ આદિવાસી સમુદાયના ઘણા બધા લોકો સાથે પોતાના સંશોધન દરમિયાન વાત કરી છે. એમનું સંશોધન ભોજનમાં ઉંદરના ઉપયોગ પર આધારિત છે.

ઉંદરનું માંસ શ્રેષ્ઠ?

સંશોધન દરમિયાન તેમને ઉંદર વિશે એક અલગ જ દૃષ્ટિકોણ જાણવા મળ્યો.

જવાબ આપનારા લોકોએ કહ્યું કે ઉંદરનું માંસ ‘સૌથી સ્વાદિષ્ટ અને શ્રેષ્ઠ’ છે.

લોકોએ એવા જવાબો પણ આપ્યા કે, “જો ઉંદર નહીં હોય તો કોઈ પાર્ટી નહીં થાય. કોઈ ખાસ મહેમાન કે મુલાકાતી આવવાના હોય, કોઈ સબંધી આવવાના હોય, કોઈ ખાસ પ્રસંગ હોય તો એવું બને જ નહીં કે ઉંદરમાંથી બનેલી વાનગી મેનુમાં સામેલ ન હોય.”

એ લોકોને ઉંદર એટલા પ્રિય છે કે એ એમના મેનુનો જ માત્ર નથી, પરંતુ મરેલા ઉંદર તેઓ એકબીજાને ભેટ તરીકે પણ આપે છે.

અનેક સમુદાયોમાં ઉંદરને દાયજા માટે પણ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે. જ્યારે પરિવારજનો લગ્ન પછી દીકરીને વિદાય કરે છે ત્યારે પણ ભેટ-સોગાતમાં ઉંદર આપવામાં આવે છે.

જેમ નાતાલના દિવસે બાળકોને ગિફ્ટ આપવામાં આવે છે એ જ રીતે ‘યૂનંગ આરાન’ તહેવારના પહેલા દિવસે સવારે બાળકોને બે મરેલા ઉંદર ભેટ તરીકે આપવામાં આવે છે.

  • સામાન્ય રીતે ‘ચીતરી ચડાવતા’ ઉંદર દુનિયાના ઘણા વિસ્તારોમાં મનાય છે ‘સ્વાદિષ્ટ માંસનું સ્રોત’
  • ભારતમાં પણ કેટલાંક રાજ્યોમાં ઉંદરમાંથી બનતી વાનગીઓ લોકોના રોજિંદા આહારમાં સામેલ છે
  • કેટલાંક સ્થળોએ તો ભેટ-સોગાતો અને મિજબાનીમાં ઉંદરના માંસથી બનેલી વાનગીઓનો ઉપયોગ કરાય છે
  • જાણો આ સ્થળો, ત્યાંની સંસ્કૃતિઓ અને તેમાં ઉંદરની ઉપયોગિતા વિશે

ક્યાં પકાવવામાં આવે છે ઉંદરોનું માંસ?

એ વિશે બહુ ઓછી જાણકારી મળે છે કે આદિવાસી સમુદાયના લોકોમાં ઉંદરના માંસ પ્રત્યે આટલી લાગણી કેવી રીતે જન્મી. પણ મેયર રોચોનું કહેવું છે કે આ એક લાંબા સમયથી ચાલતી આવતી પરંપરા છે.

તેઓ કહે છે કે, “જંગલોમાં આવેલાં તેમનાં ઘરોની આસપાસ ઘણાં પશુઓ જેમ કે હરણ, બકરી, ભેંસ જોવા મળે છે પરંતુ આદિવાસી સમુદાયના લોકો કહે છે કે ઉંદરના માંસનો કોઈ મુકાબલો નથી.”

મેયર રોચોએ પણ શાકાહારી હોવા છતાં આ માંસ ચાખ્યું અને એમને લાગ્યું કે તેની ગંધ સિવાય એ બીજા માંસ જેવું જ હોય છે.

વધુમાં તેઓ કહે છે કે, “આ વાત મને જીવવિજ્ઞાનના વિદ્યાર્થીઓના પહેલાં પ્રયોગશાળા અધ્યયનની યાદ અપાવે છે કે જ્યાં તેઓ ઉંદરને ચીરીને તેમની શરીરસંરચનાનું અધ્યયન કરે છે.”

ઉંદર આહારમાં સામેલ હોય એ વાત માત્ર ભારતના એક નાના પ્રદેશ સુધી સીમિત નથી.

બ્રિટનના ટીવી સ્ટીફન ગેટ્સે સમગ્ર વિશ્વનો પ્રવાસ કરી અને એવા લોકો સાથે મુલાકાતો કરી કે જેઓ ભોજન માટે ખૂબ વિશેષ સ્રોતો પર નિર્ભર હતા.

કેમરૂન કે યાઉંડે શહેરની બહાર તેમણે એક ઉંદરનું જ અલગ ખેતર જોયું જેમને તેઓ ગુસ્સાવાળા અને તોફાની ઉંદરો કહે છે.

સ્ટીફન ગેટ્સનું કહેવું છે કે આ ઊંદરોની વિશેષતા એ છે કે તેઓ ચિકન અને શાકભાજી કરતાં પણ વધુ મોંઘા છે.

એમણે કહ્યું કે, “આ મારા જીવનમાં મેં ચાખેલું સૌથી સ્વાદિષ્ટ માંસ છે. તેઓ કહે છે કે ઉંદરના માંસને ટામેટાં સાથે રાંધવામાં આવ્યું હતું અને એ ભૂંડના માંસ જેવું જ લાગતું હતું, ખૂબ નરમ અને રસવાળું હતું.”

બિહારના દલિતો સાથે પણ ગેટ્સે કેટલોક સમય વિતાવ્યો હતો.

બિહારમાં ગેટ્સ જેટલા લોકોને મળ્યા એ બધા લોકો ઊંચી જાતિના અમીર લોકો કે જમીનદારોનાં ખેતરોની સંભાળ રાખવાનું કામ કરતા હતા અને તેના બદલે તેમને ખેતરમાં મુશ્કેલી સર્જતા ઉંદર ખાવાની મંજૂરી મળેલી હતી.

ગેટ્સના જણાવ્યા પ્રમાણે ઉંદર ખાવામાં ખૂબ નરમ હતા અને એમનો સ્વાદ ચિકન જેવો જ લાગતો હતો બસ એમાં એક જ વાત ખરાબ હતી. એ હતી એમના સળગતા વાળની દુર્ગંધ.

નાનાં પ્રાણીઓનાં ચામડી અને માંસ ખરાબ ન થઈ જાય એટલા માટે એમના વાળ બાળી દેવાય છે જેના કારણે ભયાનક દુર્ગંધ પેદા થાય છે. પણ અંદરનું માંસ ખૂબ સ્વાદિષ્ટ હોય છે.

દુનિયાભરના સ્વાદિષ્ટ ઉંદર

ઉંદર વિશે આપણો સ્વાદ સદીઓ પુરાણો છે.

યુનિવર્સિટી ઑફ નેબ્રાસ્કા લિંકનના એક સંશોધન અનુસાર ચીનમાં તાંગ સામ્રાજ્ય (618-907) દરમિયાન ઉંદરનો ખોરાક તરીકે ઉપયોગ થતો હતો અને એમને ‘ઘરગથ્થુ હરણ’ તરીકે પણ ઓળખવામાં આવતા હતા.

અમુક લેખકો અનુસાર તાંગ સામ્રાજ્ય દરમિયાન લોકો મધથી ભરપૂર તાજા જન્મેલા ઉંદર ખાવાના શોખીન હતા.

લગભગ 200 વર્ષ પહેલાં ‘ક્યોરે’ ઉંદરોનો ન્યૂઝીલૅન્ડના લોકો ખોરાક તરીકે ઉપયોગ કરતા હતા.

ન્યૂઝીલૅન્ડના એન્સાઇક્લોપીડિયા અનુસાર ‘ક્યોરે’ ઉંદરને તીર્થયાત્રીઓને પીરસવામાં આવતા હતા અને તેમનો ઉપયોગ લગ્નોમાં થતી લેવડદેવડમાં મુદ્રાઓ તરીકે પણ થતો હતો.

ફિલિપાઇન્સના આંતરરાષ્ટ્રીય રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ગ્રાન્ટ સિંગલટનનું કહેવું છે કે, કમ્બોડિયા, લાઓસ, મ્યાનમાર, ફિલિપાઇન્સના અમુક વિસ્તારો, ઇન્ડોનેશિયા, થાઇલૅન્ડ, ઘાના, ચીન અને વિયેતનામમાં ઉંદરનો નિયમિતરૂપે ભોજનમાં ઉપયોગ કરવામાં આવે છે.

ઉંદરના પ્રકાર અને સ્વાદ

સિંગલટનનું કહેવું છે કે એમણે વિયેતનામના મેકોંગ ડેલ્ટામાં ઓછામાં ઓછા છ વખત ઉંદરનું માંસ આરોગ્યું છે. તેઓ કહે છે કે જ્યાં સુધી સ્વાદની વાત છે તો ‘ડાંગરનાં ખેતરોમાં ફરતા ઉંદરનો સ્વાદ એ સસલાં જેવો હોય છે.’

સિંગલટન લાઓસના ઉત્તરના વિસ્તારો અને મ્યાનમારના નીચેના ડેલ્ટા પ્રદેશોમાં પણ ઉંદર ખાવાના પોતાના અનુભવોને યાદ કરે છે.

તેઓ કહે છે કે, “લાઓસના ઉત્તર પ્રાંતના ખેડૂતો પોતાના સ્વાદના આધારે ઉંદરને પાંચ પ્રકારમાં વહેંચે છે. આફ્રિકાના અમુક સમુદાયોમાં ઉંદરને ખાવાની એક પ્રાચીન પરંપરા છે. ઉદાહરણ તરીકે નાઇજીરિયાના આફ્રિકન દૈત્ય આકારના ઉંદર લોકોને સૌથી વધુ પ્રિય છે.”

નાઇજીરિયાની યુનિવર્સિટી ઑફ સાયન્સ ઍન્ડ ટેકનૉલૉજી અફાકી અતીતી સાથે જોડાયેલા મોજિસોલા ઓયારિક્વાનું કહેવું છે કે, “ઉંદરમાંથી બનેલી વાનગીઓ ખૂબ સ્વાદિષ્ટ ગણાય છે અને એ બીફ અને માછલીથી પણ વધુ મોંઘા છે. તેમને શેકીને, સૂકવીને અને ઉકાળીને પણ ખાઈ શકાય છે.”

પણ લોકો ઉંદર કેમ ખાય છે? શું એ તેમની જરૂરિયાત છે? અનેક દેશોમાં ઉંદરનો સ્વાદ ચાખ્યા પછી ગેટ્સનું કહેવું છે કે લોકોને ભોજન નથી મળતું એવું નથી પરંતુ તેઓ તેમની ઇચ્છા અને પસંદથી ઉંદર ખાય છે.

એવું બની શકે કે અત્યારે ઉંદર તમારી નજીકની રેસ્ટોરાંના મેનુમાં ન હોય. પરંતુ દિવસે ને દિવસે આપણે ભોજનની બાબતમાં વધુ આંદોલનકારી બનતા જઈ રહ્યા છીએ એટલે એ દિવસ દૂર નથી કે તમને ઉંદરો પશ્ચિમના દેશોના મેનુમાં વધુ દેખાય. બસ તેને અજમાવી જુઓ, કદાચ એ તમને વધુ પસંદ પડે.