વાવાઝોડું શક્તિ હવે કઈ દિશામાં ફંટાયું છે અને ગુજરાતને શું અસર થઈ શકે?

ગુજરાત નજીક અરબી સમુદ્રમાં વાવાઝોડું શક્તિ રચાયું છે જે ધીમે ધીમે પશ્ચિમ દિશામાં આગળ વધતું જાય છે. શક્તિના કારણે ગુજરાતમાં બહુ વ્યાપક અસર નહીં પડે તેમ માનવામાં આવે છે.

હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન અનુસાર ગુજરાતમાં કચ્છમાં કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં છૂટાછવાયાં સ્થળે વરસાદના અહેવાલ છે.

તીવ્ર વાવાઝોડું શક્તિ હવે ઉત્તરપૂર્વ અરબી સમુદ્રમાં સ્થિત છે. છેલ્લા અહેવાલ પ્રમાણે તે દ્વારકાથી 470 કિમી દૂર અને નલિયાથી પણ 470 કિમી દૂર હતું. પાકિસ્તાનના કરાચીથી વાવાઝોડાનું અંતર 420 કિમી હતું. આજે જે પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર તરફ આગળ વધે અને ત્યાર પછી તેની દિશા ફંટાય તેવી સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 4થી ઑક્ટોબરે ચક્રવાતી વાવાઝોડું શક્તિ વધુ તીવ્ર બન્યું હતું અને તે ઉત્તર પશ્ચિમ અને નજીકના પશ્ચિમ મધ્ય અરબી સમુદ્રમાં પહોંચવાની સંભાવના છે. ત્યાર બાદ તે ફરી વળશે. 6 ઑક્ટોબર સુધીમાં સવારથી પૂર્વ-ઉત્તરપૂર્વ તરફ આગળ વધશે અને ધીમે ધીમે નબળું પડશે.

ગુજરાતમાં આગામી સાત દિવસમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થાય તેવી શક્યતા ઓછી છે. તેવી જ રીતે લઘુતમ તાપમાનમાં પણ મોટો ફેરફાર થવાની સંભાવના ઓછી છે.

હવામાન વિભાગના અમદાવાદસ્થિત વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે છઠ્ઠી ઑક્ટોબરની સવારે શક્તિ વાવાઝોડાની દિશા બદલાશે. વાવાઝોડું પૂર્વ-ઇશાન દિશામાં આગળ વધશે. તેનાથી ગભરાવાની જરૂર નથી કારણ કે ગુજરાત પર તેની બહુ ઓછી અસર પડશે. આઠમી ઑક્ટોબરે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. તેમાં દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.

હવે કયા જિલ્લામાં ભારે વરસાદ પડશે?

હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે આગામી આઠ અને નવમી ઑક્ટોબરે ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

આઠમી ઑક્ટોબરે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપીમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દીવ, કચ્છ, બોટાદ, ગીર સોમનાથ, મોરબી અને ભાવનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.

નવમી ઑક્ટોબરે ગુજરાતમાં વલસાડ જિલ્લામાં છુટોછવાયો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દમણ, દાદરા અને નગરહવેલીમાં ભારે વરસાદ પડશે.

નવમીએ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપીમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દીવ, કચ્છ, બોટાદ, ગીર સોમનાથ, મોરબી અને ભાવનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડશે તેવી શક્યતા છે.

અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી છે, જ્યારે લઘુતમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.

મહારાષ્ટ્રના દરિયાકિનારે ઍલર્ટ જાહેર

છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં બહુ ઓછો વરસાદ પડ્યો છે. બનાસકાંઠાના અમીરગઢમાં 0.55 ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે વલસાડના કપરાડામાં 0.51 ઇંચ, સાબરકાંઠાના પોશિમામાં 0.47 ઇંચ, કચ્છના મુંદ્રામાં 0.47 ઇંચ, સુરતના માંગરોળમાં 0.43 ઇંચ, નર્મદાના નાંદોદમાં 0.35 ઇંચ વરસાદ પડ્યો છે.

શક્તિ વાવાઝોડું 6 ઑક્ટોબર સુધીમાં નબળું પડવા લાગે તેવી શક્યતા છે, પરંતુ તેના કારણે કેટલાક ભાગોમાં વરસાદ પડશે. હવામાન વિભાગે મુંબઈમાં વરસાદ માટે ઍલર્ટની જાહેરાત કરી છે. આ દરમિયાન સમુદ્રમાં ઝડપથી પવન ફૂંકાશે અને તોફાની મોજાં ઉછળશે.

મહારાષ્ટ્રમાં મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરી અને સિંધુદૂર્ગને હાઈ ઍલર્ટ પર મૂકવામાં આવ્યા છે. ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકિનારે પવનની ઝડપ 45થી 55 કિમી પ્રતિ કલાક રહેશે અને વધીને 65 કિમી પ્રતિ કલાક સુધી જઈ શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન