ક્રિકેટ વનડે વર્લ્ડ કપ: ભારતની ટીમના 11 ખેલાડીઓ કોણ હશે?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, ચંદ્રશેખર લુથરા
- પદ, વરિષ્ઠ સ્પોર્ટ્સ રિપોર્ટર, બીબીસી ગુજરાતી માટે

- ક્રિકેટની વનડે વર્લ્ડ કપ ટુર્નામેન્ટ આઠ મહિના પછી ભારતમાં યોજાવા જઈ રહી છે
- આ વર્લ્ડકપ માટે ભારત તરફથી કયા ખેલાડીઓ ભાગ લેશે તે અંગે પરસ્પર સ્પર્ધા જામી છે
- ઓછામાં ઓછા 20 ખેલાડીઓ એવા છે કે જેઓ મજબૂત પ્રદર્શન કરીને પોતાનો દાવો કરી રહ્યા છે
- ભારતના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને કૅપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં છેલ્લા 18 મહિનાથી પ્રયોગોનો તબક્કો ચાલી રહ્યો છે
- બીસીસીઆઈની અખબારી યાદીમાં જાણવા મળે છે કે ઑક્ટોબર-નવેમ્બરમાં રમાનારા વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ખેલાડીઓના વર્ક લોડનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે
- પરંતુ ટીમ ઈન્ડિયાના મુખ્ય ખેલાડીઓ આઈપીએલમાં ભાગ લઈ રહ્યા છે કે નહીં તે વિશે કશું કહેવામાં આવ્યું નથી

ભારતે ઑસ્ટ્રેલિયા સામેની ચાર ટેસ્ટ મૅચની સીરિઝમાંથી સતત બે મૅચ જીતીને શ્રેણીમાં નિર્ણાયક લીડ મેળવી લીધી છે. ત્યારબાદ ભારત ઑસ્ટ્રેલિયા સામે ત્રણ વનડે મૅચની સીરિઝ રમશે. વર્લ્ડ કપ શરૂ થવા સુધી રમાનારી ક્રિકેટ મૅચોમાં ભારતીય ટીમને આ પ્રકારની સીરિઝ અને ટુર્નામૅન્ટથી સારો એવો મહાવરો મળી જશે.
જોકે ભારતમાં પ્રતિભાશાળી ક્રિકેટરોની કોઈ ખોટ નથી એવા સમયે પસંદગીકારો સામે વર્લ્ડ કપ માટેની ટીમમાં કયા ખેલાડીનો સમાવેશ કરવો અને કોનો નહીં તેવી દુવિધા ઊભી થવી સામાન્ય છે.
વાસ્તવમાં, ક્રિકેટની સૌથી મોટી સ્પર્ધા વનડે વર્લ્ડ કપ ટુર્નામેન્ટ નવ મહિના પછી ભારતમાં યોજાવા જઈ રહી છે.
પરંતુ આ વર્લ્ડકપ માટે ભારત તરફથી કયા ખેલાડીઓ ભાગ લેશે તે અંગે પરસ્પર સ્પર્ધા જામી છે.
ઓછામાં ઓછા 20 ખેલાડીઓ એવા છે કે જેઓ મજબૂત પ્રદર્શન કરીને પોતાનો દાવો કરી રહ્યા છે. ભારતના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને કૅપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં છેલ્લા 18 મહિનાથી પ્રયોગોનો તબક્કો ચાલી રહ્યો છે.
હવે આની સરખામણી 12 વર્ષ પહેલા 2011ની વર્લ્ડ કપ ટીમ સાથે કરીએ તો તે વખતે મહેન્દ્રસિંહ ધોનીને પહેલીવાર ખબર પડી હતી કે ટીમ તેમની કૅપ્ટનશીપમાં વર્લ્ડ કપમાં ભાગ લેશે તો તેમણે તે જ દિવસથી તૈયારીઓ શરૂ કરી દીધી હતી.
આ એક મોટું કારણ હતું જેના કારણે ટીમ એકજૂથ થઈને રમી અને 28 વર્ષના લાંબા અંતર બાદ ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ જીતવાના કરિશ્માનું પુનરાવર્તન કરવામાં સફળ રહી.

આઈપીએલથી ભારણ વધ્યું

ઇમેજ સ્રોત, ANI
બીજી તરફ હાલની સ્થિતિ એવી છે કે શ્રીલંકા સામેની શ્રેણી બાદ ભારતીય ખેલાડીઓ ન્યૂઝીલૅન્ડ સામે રમી રહ્યા છે અને ત્યારબાદ ઑસ્ટ્રેલિયાની ટીમ સામે ત્રણ મૅચોની શ્રેણી રમશે. ત્યારબાદ આઈપીએલ શરૂ થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જોકે સત્તાવાર રીતે બીસીસીઆઈની અખબારી યાદીમાં જાણવા મળે છે કે ઑક્ટોબર-નવેમ્બરમાં રમાનારા વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ખેલાડીઓના વર્ક લોડનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, પરંતુ ટીમ ઈન્ડિયાના મુખ્ય ખેલાડીઓ આઈપીએલમાં ભાગ લઈ રહ્યા છે કે નહીં તે વિશે કશું કહેવામાં આવ્યું નથી.
વાસ્તવમાં આઈપીએલમાં સારૂ પ્રદર્શન કરવાનું એટલું દબાણ રહે છે કે ખેલાડીઓ ઈજાગ્રસ્ત પણ થાય છે, શું ટીમના મુખ્ય ખેલાડીઓ પાસે ઈજાથી બચવા માટે આઈપીએલમાં ભાગ નહીં લેવાનો વિકલ્પ રહેશે? આ અંગે કોઈ ચર્ચા નથી.
શક્ય છે કે તમામ સ્ટાર ખેલાડીઓ આઈપીએલમાં ભાગ લેશે.
છેલ્લા 18 મહિનાથી સતત રમવાના કારણે જસપ્રિત બુમરાહ ઈજાગ્રસ્ત છે. આમાં ઉમેરો રોડ અકસ્માતમાં ઘાયલ થયેલા ઋષભ પંતને જોડી દઈએ તો બે ખેલાડીઓ ઘાયલ છે.
ખેલાડીઓનું વર્કલોડ મૅનેજમૅન્ટ હોય કે ઈજાનું પુનર્વસન, બીસીસીઆઈ છેલ્લા કેટલાક વર્ષોમાં આ બે ક્ષેત્રોમાં બહુ સફળ રહ્યું નથી.
જોકે બીસીસીઆઈના અધિકારીઓ ગર્વથી કહે છે કે ટીમ પાસે મજબૂત બેન્ચ સ્ટ્રૅન્થ છે, પરંતુ આ દાવાથી વિપરીત ખરો સવાલ એ છે કે છેલ્લી વખત એકદમ ફિટ અને શ્રેષ્ઠ ખેલાડીઓની ટીમ ક્યારે મેદાનમાં આવી હતી?
યાદ કરવાનો પ્રયાસ કરો અને તમે જોશો કે આ પ્રશ્નનો જવાબ આપવો ઘણો અઘરો છે.

કૅપ્ટન સામે પડકાર

ઇમેજ સ્રોત, ANI
કૅપ્ટન રોહિત શર્મા વિના ટીમની કહાણી પૂરી નથી થતી. તેમણે ન્યુઝીલૅન્ડ સામેની બીજી મૅચમાં સૌથી વધુ રન બનાવ્યા, તેમના બૅટમાંથી રન નીકળી રહ્યા છે પરંતુ વર્તમાન દિવસોમાં તેમની ફિટનેસ તેમને સાથ આપી રહી નથી.
ટીમના કૅપ્ટન તરીકેની એક સમસ્યા એ છે કે તેમને આરામ કરવાની તક મળતી નથી.
આવી સ્થિતિમાં શું તેઓ 2023ના વર્લ્ડ કપ સુધીમાં એકદમ ફિટ થઈ જશે? ત્યાં સુધીમાં તેમની ઉંમર પણ 36 વર્ષ થઈ જશે.
માર્ચ સુધી સતત ક્રિકેટ રમ્યા બાદ તેમણે વર્લ્ડ કપ સુધી ફિટ રહેવા માટે આઈપીએલમાંથી બ્રેક લીધો હોત તો સારું થાત, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ તેના જેવા સ્ટાર ખેલાડીની કમી સહન કરવા માંગતી નહીં હોય.
બીસીસીઆઈના એક સૂત્રનો એવો પણ દાવો છે કે વર્લ્ડ કપની તૈયારીઓને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમનું કૅલેન્ડર તૈયાર કરવામાં આવ્યું છે.
જાન્યુઆરીમાં ન્યૂઝીલૅન્ડની ટીમ ભારતમાં રમી હતી, હાલ ઑસ્ટ્રેલિયન ટીમ ગાવસ્કર બૉર્ડર ટ્રૉફી રમી રહી છે.
ટેસ્ટ શ્રેણીના પરિણામ નક્કી કરશે કે ભારત જૂનમાં યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં ભાગ લેશે કે નહીં. આવી સ્થિતિમાં એ સ્વાભાવિક છે કે રોહિત શર્મા અને અન્ય મહત્ત્વના ખેલાડીઓ પણ ઑસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં ભાગ લેશે.
રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ પર ઘરઆંગણે વર્લ્ડ કપ જીતવાનું દબાણ ઘણું છે. બંને ભારત માટે પાંચ વખત વર્લ્ડ કપમાં ભાગ લઈ ચૂક્યા છે.
રાહુલ દ્રવિડે ભારત માટે 1999, 2003 અને 2007 વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો જ્યારે રોહિત શર્મા 2015 અને 2019 વર્લ્ડ કપ રમી ચૂક્યા છે પરંતુ બંને વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમનો ભાગ નથી રહ્યા.

બીસીસીઆઈની મહત્ત્વની ભૂમિકા

ઇમેજ સ્રોત, ANI
જોકે, રોહિત શર્માનો વર્લ્ડ કપ મૅચોમાં રેકૉર્ડ રાહુલ દ્રવિડ કરતા સારો રહ્યો છે. રોહિત શર્માએ 2019 વર્લ્ડ કપમાં પાંચ સદી ફટકારી હતી, આ કોઈપણ વર્લ્ડ કપમાં કોઈપણ ભારતીય બૅટ્સમૅનનો સર્વશ્રેષ્ઠ રેકૉર્ડ છે.
આવી સ્થિતિમાં રોહિત ગમે તે ભોગે આ વર્લ્ડ કપ જીતીને તેમની વનડે ક્રિકેટ કારકિર્દીને અલવિદા કહેવાનું પસંદ કરશે.
ભારતીય કૅપ્ટન રોહિત શર્માના કરિયર મૅનેજમૅન્ટમાં પણ બીસીસીઆઈની ભૂમિકા મહત્ત્વની બનવાની છે. ભારતીય ક્રિકેટ પસંદગી સમિતિ સ્વીકારે કે ન સ્વીકારે, હકીકત એ છે કે ટીમ ઈન્ડિયા અત્યારે સંક્રમણના તબક્કામાંથી પસાર થઈ રહી છે.
સૌથી શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવનનું સ્વરૂપ બની શક્યું નથી અને ઋષભ પંત જેવા મૅચ વિનર પણ સમયસર ટીમમાં પ્રવેશ કરી શકશે કે કેમ તે અંગે શંકા છે.
પસંદગી સમિતિમાં પણ એક પ્રકારે વિશ્વાસનો અભાવ જોવા મળશે. તાજેતરમાં જ્યારે બીસીસીઆઈની પસંદગી સમિતિના અધ્યક્ષ ચેતન શર્માએ એક ટીવી ચેનલના સ્ટિંગ ઑપરેશનમાં બીસીસીઆઈ અને ટીમની પસંદગી પ્રક્રિયા વિશે વાતચીતમાં વટાણા વેરી દીધા અને હવે તેમને અધ્યક્ષપદેથી રાજીનામું આપવું પડ્યું છે. હવે પસંદગી સમિતીના નવા અધ્યક્ષ માટે બીસીસીઆઈના અધિકારીઓની વાત માનવાનું અને ભારતીય ટીમની યોગ્ય પસંદગી થાય તે બાબતનું ભારે દબાણ હશે.
એક સત્ય એ પણ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય ક્રિકેટ માટે વનડે મૅચો સમસ્યારૂપ બની રહી છે. બધુ ધ્યાન ટી20 પર હોવાના કારણે આ ફૉર્મેટ પર વધુ ધ્યાન આપવામાં આવ્યું નથી.
પરંતુ આ દરમિયાન ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલૅન્ડ, ઑસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશમાં વનડે શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, માત્ર ઈંગ્લૅન્ડ સામે જ ટીમ તેમના મેદાન પર જીત મેળવવામાં સફળ રહી હતી.

વર્લ્ડ કપ કરતાં આઈપીએલને વધુ મહત્ત્વ?

ઇમેજ સ્રોત, ANI
ઑક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનો સૌથી મોટો પડકાર હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, કેએલ રાહુલ અને કૅપ્ટન રોહિત શર્માને 100 ટકા ફિટ રાખવાનો છે. ટીમ ઈન્ડિયાના આ એવા ખેલાડીઓ છે જે ફિટનેસના સ્તરે સંઘર્ષ કરતા જોવા મળ્યા છે.
એક તરફ ભારતીય ટીમનો કાર્યક્રમ ઘણો વ્યસ્ત છે તો બીજી તરફ હવે આઈપીએલ પણ દસ ટીમોની બની ગઈ છે. આવી સ્થિતિમાં ખેલાડીઓ માટે આ સિઝન લાંબી રહેવાની છે અને આઈપીએલ ટીમના પ્રમોટર્સ પણ પોતાના સ્ટાર ખેલાડીઓને દરેક મૅચમાં રમતા જોવા ઈચ્છશે.
સ્વાભાવિક છે કે વધુ મૅચોમાં ભાગ લેવાથી ખેલાડીઓને ઈજા થવાની શક્યતા વધુ રહેશે. જૂનો ઈતિહાસ કહે છે કે આવી સ્થિતિમાં ખેલાડીઓ નેશનલ ટીમ કરતા આઈપીએલ ટીમને પસંદ કરે છે.
આઈપીએલના ઇતિહાસની બે સૌથી સફળ ટીમો - મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ ભારતની બહાર પણ ટી20 લીગમાં ભાગ લે છે. આવી સ્થિતિમાં જો રોહિત શર્મા ઈજાગ્રસ્ત થાય તો કેએલ રાહુલને કૅપ્ટનશીપ મળી શકે છે. મુશ્કેલી આ જ છે, કારણ કે હાલમાં ટીમમાં કેએલ રાહુલનું ખુદનું સ્થાન નિશ્ચિત નથી.

બેટિંગ ઓર્ડર શું હશે?

ઇમેજ સ્રોત, ANI
ટીમના વર્તમાન પ્રદર્શન પર નજર કરીએ તો ટોચનો બેટિંગ ઓર્ડર લયમાં જોવા મળી રહ્યો છે. ઈશાન કિશન અને શુભમન ગિલ બંનેએ તાજેતરમાં બેવડી સદી ફટકારીને પોતાનો દાવો રજૂ કર્યો છે. આ બંનેએ એક રીતે કેએલ રાહુલની મુશ્કેલીઓ વધારી દીધી છે.
જો રોહિત શર્મા સંપૂર્ણ રીતે ફિટ રહે તો કેએલ રાહુલ જ્યારે ટીમમાં પરત ફરે ત્યારે તેમને નીચલા ક્રમમાં રમવું પડી શકે છે.
આ પછી, મિડલ ઑર્ડરને લઈને પણ ઘણી મુશ્કેલીઓ જોવા મળી રહી છે. સતત બે સદી ફટકારીને વિરાટ કોહલીએ સાબિત કરી દીધું છે કે તેઓ ટીમના સૌથી અનુભવી ખેલાડી તરીકે વર્લ્ડ કપમાં રહેશે. જોકે એ વાત અલગ છે કે કોહલીનો ડર હવે વિશ્વભરના બૉલરોમાં જેટલો હતો તેટલો નથી રહ્યો.
આવી સ્થિતિમાં આગામી આઠ મહિના સુધી તેમનું પ્રદર્શન કેવું રહે છે તેના પર સૌની નજર રહેશે. જો કોહલીના ફૉર્મમાં કોઈ ઘટાડો થાય અથવા તેઓ અનફિટ થઈ જાય તો ચોક્કસપણે ટીમ ઈન્ડિયાના અભિયાનને નુકસાન થશે.
ટીમનો બીજો સ્તંભ સૂર્યકુમાર યાદવ છે, જેમને ભારતના 360-ડિગ્રી બૅટ્સમૅન તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ વર્તમાન ટીમ મૅનેજમૅન્ટ તેમને જે રીતે વનડેમાં તક આપી રહ્યું છે તેનાથી તેઓ મૂંઝવણની સ્થિતિમાં હશે અને તેની અસર તેમની શૉટ રમવાની ક્ષમતા પર પડતી જોઈ શકાય છે.
ટી20 ક્રિકેટમાં વિશ્વના ટોચના બૅટ્સમૅન હજુ સુધી ટીમના કોચ અને કૅપ્ટનનો પૂર્ણ વિશ્વાસ મેળવી શક્યા નથી.
આ સ્થિતિ ત્યારે આવી છે જ્યારે સૂર્યકુમાર યાદવે વનડે ક્રિકેટમાં પણ શાનદાર શરૂઆત કરી હતી. પ્રથમ આઠ વનડેમાં તેમણે 103થી વધુની સ્ટ્રાઈક રેટ અને 53.40ની એવરેજથી રન બનાવ્યા હતા. જ્યારે તે પછીની આઠ વનડેમાં તેઓ ચાર વખત બે આંકડા સુધી પહોંચી શક્યા ન હતા અને બે વખત 20 રનથી આગળ વધી શક્યા ન હતા.
આ સ્થિતિ હોવા છતાં સૂર્યકુમાર યાદવ તેમના વર્તમાન ફૉર્મના આધારે કોઈપણ ફૉર્મેટમાં ત્રીજા નંબર પર બેટિંગ કરવા માટે સૌથી શ્રેષ્ઠ છે, પરંતુ વર્તમાન ટીમ મૅનેજમૅન્ટ તેમના પર વધુ વિશ્વાસ મુકી રહ્યું નથી.
પાંચમા નંબરના બૅટ્સમૅન તરીકે કેએલ રાહુલ અથવા શ્રેયસ અય્યરને તક મળી શકે છે. આ બંને ઉપરાંત સંજુ સેમસન અને દીપક હુડ્ડા પણ દાવેદારોમાં સામેલ છે.
છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા માટે ટીમના વાઈસ કૅપ્ટન અને ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા સૌથી ભરોસાપાત્ર ચહેરો છે. જો રવિન્દ્ર જાડેજા ફિટ રહેશે તો સાતમા નંબર પર બૅટ્સમૅન માટે કોઈ સમસ્યા નહીં રહે. જાડેજાનો પણ કોઈ વિકલ્પ નથી.

ઝડપી બૉલરોની સમસ્યા

ઇમેજ સ્રોત, ANI
વર્લ્ડ કપની તૈયારીઓ પર નજર કરીએ તો ભારતીય ટીમની સૌથી મોટી મુશ્કેલી બૉલિંગ આક્રમણની નબળાઈ છે. ભારતીય બૉલિંગ આક્રમણ કેટલું નબળું છે તેનો અંદાજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની શ્રેણીની પ્રથમ વનડે પરથી લગાવી શકાય છે.
બાંગ્લાદેશની ટીમની દસમી વિકેટમાં 51 રનની ભાગીદારી થઈ હતી. બીજી વનડેમાં બાંગ્લાદેશની ટીમ છ વિકેટે 69 રનથી 271 રન સુધી પહોંચવામાં સફળ રહી હતી.
ન્યુઝીલૅન્ડ સામેની સીરીઝની બીજી મૅચમાં બૉલરોનું પ્રદર્શન ચોક્કસપણે સારું રહ્યું હતું, પરંતુ પ્રથમ વનડેમાં છ વિકેટે 131 રન હોવા છતાં ન્યુઝીલૅન્ડની ટીમ 337 રનના સ્કોર સુધી પહોંચાડવામાં સફળ રહી હતી.
વિકેટ લેવાની વાત હોય કે રન રેટને કંટ્રોલ કરવાની હોય, બંને પાસાઓમાં ભારતીય બૉલરો સંઘર્ષ કરતા જોવા મળ્યા છે. જો કે તાજેતરના સમયમાં ઝડપી બૉલરોના પ્રદર્શનમાં સુધારો થયો છે પરંતુ સ્પિનના પડકારો યથાવત છે.
જસપ્રીત બુમરાહની ફિટનેસ વર્લ્ડ કપમાં ભારતનું ભાગ્ય નક્કી કરશે. તેમણે સપ્ટેમ્બરમાં ભારત માટે છેલ્લી મૅચ રમી હતી, તેમને પીઠમાં તકલીફ છે, જો કે તેમને ફિટ જાહેર કરવામાં આવ્યા હતા પરંતુ બાદમાં તેમનું નામ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું.
બુમરાહની ગેરહાજરીમાં મોહમ્મદ શમીને તક મળી છે, જોકે ફિટનેસ તેમની પણ સમસ્યા રહી છે.
જો તેઓ ફિટ રહેશે તો પસંદગીકારોનો વિશ્વાસ જીતવાનો પડકાર પણ રહેશે. ચેતન શર્માની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ તેમને યુવા ચહેરાઓને તક આપવાના નામે ટી20 ક્રિકેટમાંથી બહાર રાખ્યા હતા.
આના કારણે તેમના ફૉર્મ પર પણ અસર પડી છે અને ભૂતકાળમાં તેઓ ખભાની ઈજાથી પરેશાન રહ્યા છે, પરંતુ અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિકે સમયાંતરે પોતાને સાબિત કર્યા છે. જોકે, ત્રણેયે પોતાના પ્રદર્શનમાં સાતત્ય લાવવું પડશે.
સ્પિન બૉલિંગમાં વિવિધતા છે. એક તરફ અક્ષર પટેલ અને વૉશિંગ્ટન સુંદર જેવા ઑલરાઉન્ડર છે તો બીજી તરફ રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલ છે.
પરંતુ વર્લ્ડ કપને લઈને સૌથી મોટો સવાલ એ છે કે શું અનુભવી રવિચંદ્રન અશ્વિનને તક મળશે? આ એક એવું રહસ્ય છે કે જેનો જવાબ અત્યારે કોઈની પાસે નથી.














