વર્લ્ડકપ : ભારતીય ક્રિકેટની સમસ્યા સંખ્યાબંધ પ્રતિભાશાળી ખેલાડીઓ છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સુરેશ મેનન
- પદ, સ્પૉર્ટ્સ લેખક

- ભારત પાછલાં અમુક વર્ષોથી આઇસીસી ટ્રૉફીવાળી સિરીઝોમાં વિજેતા તરીકે સામે આવી શક્યું નથી
- વિશ્વના 'શ્રેષ્ઠ' બૉલરો અને બૅટ્સમૅનોવાળી ટીમ તરીકે નામના પામેલ ભારતીય ટીમ આખરે ‘આઇસીસી ટ્રૉફીનો દુકાળ’ કેમ વેઠી રહી છે?
- શું છે તેની પાછળનાં કારણો?

ભારત આઇસીસી ટ્રૉફી જીત્યું એ વાતને હવે એક દાયકો થઈ ગયો છો અને ઑક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં 50 ઓવરની વર્લ્ડકપ ટુર્નામેન્ટ યોજાવાની છે ત્યારે બે સવાલ થાય છે.
પહેલો, દેખીતો સવાલ એ છે કે 2011ના વર્લ્ડકપની ફાઇનલમાં મહેન્દ્રસિંહ ધોનીએ મારેલી સિક્સ ભારતની જીતની સ્થાયી છબિ બની રહી છે ત્યારે આ વર્ષે ભારત ફરી વિજેતા બનશે? બીજો વારંવાર પુછાતો સવાલ એ છે કે શું ભારતીય ક્રિકેટ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે?
રમતજગતમાં પરિવર્તન ભાગ્યે જ રાતોરાત થતું હોય છે. ક્યારેક સતત જીતને કારણે કેટલાક વરિષ્ઠ ખેલાડીઓ યુવા ખેલાડીઓ માટે જગ્યા કરી આપતા હોય છે, પરંતુ વાસ્તવમાં પરિવર્તનનું કારણ ટીમની હાર હોય છે.
ભારતીય ટીમ 2022માં પ્રત્યેક ટેસ્ટ તથા વન-ડે ઇન્ટરનેશનલ મૅચો પૈકીની લગભગ 58 ટકા જીતી હતી અને 70 ટકા ટી-20 મેચો જીતી હતી. તેઓ આ વર્ષના અંતમાં વિશ્વ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ રમવા તૈયાર છે અને વિશ્વકપ જીતવાના પ્રબળ દાવેદાર પણ છે.
તેમ છતાં ભારતીય ટીમે તેની ક્ષમતા કરતાં ઊતરતું પ્રદર્શન કર્યું છે. ટોચના બૅટ્સમૅનો સંઘર્ષ કરતા રહ્યા છે અને બૉલિંગ પણ કાયમ અસરકારક રહી નથી. મુખ્ય ખેલાડીઓના ઘાયલ થવાની સમસ્યા વકરી છે. બધા ફૉર્મેટમાં આ સમસ્યાઓ છે. જોકે, ભારતીય ટીમ ટેસ્ટમાં બીજા ક્રમે, ટી-20માં પ્રથમ સ્થાને અને વન-ડેમાં ચોથા સ્થાને છે. આ પ્રકારની સ્થિતિથી કેટલીક ટીમો રાજી હોય.
આ સમસ્યાનું એક કારણ વધારે પડતી અપેક્ષા છે. ભારતીય ક્રિકેટરો બધી જ મૅચમાં વિજય મેળવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. ક્રિકેટના કરોડો ચાહકો ભારતીય ટીમના વિજયને, તેમના પોતાના જીવનમાં અન્યત્ર થયેલા પરાજયના સાટા તરીકે જુએ છે, પરંતુ ભારતીય ટીમ હારે છે ત્યારે તેઓ પ્રચંડ નિરાશા અનુભવે છે.
સમસ્યાનું બીજું કારણ શેડ્યુલિંગ છે. ભૂખાળવી ટેલિવિઝન ચેનલોનો સતત ખોરાક મળતો રહે એટલા માટે ભારતીય ટીમે ઢગલાબંધ મૅચો રમવી પડે છે. દાખલા તરીકે છેલ્લા ટી-20 વર્લ્ડકપ પછીના અને વર્લ્ડકપના આ વર્ષમાં આટલી બધી ટી-20 મૅચો રમવાની જરૂર જ ન હતી.

સારા પ્રદર્શન છતાં યુવા ખેલાડીઓએ જોવી પડે છે રાહ?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય ટીમ માર્ચના અંત સુધીમાં શ્રીલંકા, ન્યૂ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે નવ વન-ડે ઇન્ટરનેશનલ મૅચ રમવાની છે. વાસ્તવમાં ભારતીય ક્રિકેટરો એકમેકની સામે રમશે, ટીમના યોગ્ય સંયોજનના પ્રયાસ થશે તથા (ઑસ્ટ્રેલિયા સામેની શ્રેણી પછી ઇન્ડિયન પ્રિમિયર લીગ રમાવાની છે ત્યારે) ખેલાડીઓને પૂરતો આરામ મળે તે અને ખેલાડીઓને થયેલી ઈજાની યોગ્ય સારવાર થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે. વડા પસંદગીકર્તા ચેતન શર્માએ એવું કહ્યું હતું કે ઘાયલ બૉલર જસપ્રીત બુમરાહને કદાચ વહેલા મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. આ નિવેદન ચિંતાજનક છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારત ઑસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે ચાર ટેસ્ટ અને શ્રીલંકા તથા દક્ષિણ આફ્રિકા સામે એક-એક ટેસ્ટ રમવાનું છે ત્યારે ફાઇનલમાં પહોંચવા માટે ભારત સારી સ્થિતિમાં છે.
સચીન તેંડુલકરે નિવૃત્તિ લીધી તેને નવેમ્બરમાં દસ વર્ષ થયાં હતાં અને ભારતીય ક્રિકેટમાં તેના નામના દાયકાનો અંત આવ્યો હતો. રસપ્રદ વાત એ છે કે સચીનની છેલ્લી ટેસ્ટમાં જે સાત ખેલાડીઓ તેની સાથે રમ્યા હતા, એ હજુ પણ પ્રદર્શન કરી રહ્યા છે. તેમાં 37 વર્ષના રવિચંદ્રન અશ્વિન, 35 વર્ષના થવા જઈ રહેલા ચેતેશ્વર પૂજારા, 34 વર્ષના વિરાટ કોહલી 34 વર્ષના રવીન્દ્ર જાડેજા અને 37 વર્ષના શિખર ધવનનો સમાવેશ થાય છે.
આ હકીકતને ધ્યાનમાં લેતાં લાગે છે કે કાં તો યુવા ખેલાડીઓ પૂરતું જોર લગાવતા નથી અથવા તો પૂર્ણ ક્ષમતાએ પ્રદર્શન છતાં તેમણે, મોખરાની હરોળમાં સ્થાન મેળવવા માટે ઉપરના કેટલાક ખેલાડીઓ કરતાં વધુ રાહ જોવી પડે છે.
ડાબોડી મિડિયમ પેસ બૉલર અર્શદીપ સિંહ આવતા મહિને 24 વર્ષના થશે, જ્યારે ટી-20ના વિશ્વના સૌથી રોમાંચક બૅટ્સમૅન સૂર્યકુમાર યાદવ 32 વર્ષના છે. ખાસ કરીને ટોચના બૅટ્સમૅનોનું પ્રદર્શન કથળે તો તે ઘરઆંગણાની શ્રેણી માટે ટેસ્ટ ટીમમાં પ્રવેશ કરી શકે છે.
ભારત એક ઑલરાઉન્ડર અથવા ટોચના પાંચ બૅટ્સમૅન પૈકીનો એક બૅટ્સમૅન શોધી રહ્યું છે, જે વ્હાઇટ બૉલ ક્રિકેટમાં પણ બૉલિંગ કરી શકે. તે સ્થાન માટે હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજા એકદમ યોગ્ય છે, જ્યારે અક્ષર પટેલ ટૂંકા ફૉર્મેટમાં એ સ્થાન લઈ રહ્યા છે. ભારતીય ટીમ પાસે બૉલિંગમાં અપૂરતા વિકલ્પ હોય ત્યારે તેણે સંઘર્ષ કરવો પડે છે. બાંગ્લાદેશ સામેની તાજેતરની વન-ડે ઇન્ટરનેશનલ શ્રેણીમાં આવું થયું હતું અને ભારત તે શ્રેણી હાર્યું હતું.

વનડેમાં પણ સૂર્યકુમારની જરૂર

ઇમેજ સ્રોત, Getty Images
ટી-20 વર્લ્ડકપમાં મળેલી હારનો ભારત માટે કોઈ બોધપાઠ હોય તો તે એ છે કે ટી-20 યુવાનોની ગેમ છે. ભારત 2007માં એ ટાઇટલ જીત્યું તે સંયોગ હતો અને ગયા વર્ષે મેલબર્નમાં પોતાની પહેલી મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું તે બીજો સંયોગ હતો. અકસ્માતે સારું પ્રદર્શન થઈ જાય ત્યારે ટીમમાં બધું યોગ્ય હોવાનો ભ્રમ આકાર પામે છે.
ટી-20 ક્રિકેટને અલાયદું રાખવાનો સમય આવી ગયો છે. તેનો પોતાનો કૅપ્ટન, સ્પેશિયાલિસ્ટ ખેલાડીઓ, કોચ અને સહયોગી સ્ટાફ અલગ હોવા જોઈએ. ઇંગ્લૅન્ડે એવું કર્યું છે અને તેનો લાભ પણ લણ્યો છે. ક્રિકેટમાં રેડ અને વ્હાઇટ બૉલ વચ્ચે ફરક નથી હોતો, પરંતુ એક તરફ ટેસ્ટ તથા વન-ડે ઇન્ટરનેશનલ અને બીજી તરફ ટી-20 વચ્ચે હોય છે.
ટી-20 ક્રિકેટને ધરમૂળથી સમજતી પેઢીમાંથી કોઈને કોચ બનાવવા જોઈએ. ખેલાડીને યોગ્ય રીતે કવર ડ્રાઇવ ફટકાવવાનું શીખવતા કોચથી વધારે મહત્ત્વના ડેટા એનલિસ્ટ હોય છે.
ભારત પાસે વન-ડે ઇન્ટરનેશનલ માટે સ્થાયી ટીમ નથી, પરંતુ વર્લ્ડકપ પહેલાં તેમની પાસે ભૂલો સુધારવાનો પૂરતો સમય છે. ટીમને પ્રેરણા મળે એ પહેલાં યાદવે ટી-20માં કર્યું તેવું પ્રદર્શન બીજા કોઈએ કરવું પડશે. કદાચ એ યાદવે પોતે જ કરવું પડશે.
ખેલાડીઓને શરૂઆતમાં સધિયારો આપવો પડે, તેમને જણાવવું પડે કે તેઓ ટીમનો જ હિસ્સો છે. બાંગ્લાદેશ સામેની પહેલી ટેસ્ટ મૅચમાં ડાબોડી સ્પિનર કુલદીપ યાદવ પ્લેયર ઑફ ધ મેચ બન્યા હતા, પરંતુ બીજી ટેસ્ટમાં તેમને પડતા મૂકવામાં આવ્યા હતા. સારું પ્રદર્શન કરતા ખેલાડી સાથે આવું ન જ કરાય. આંગળીથી બૉલને સ્પિન કરતા બૉલરને બદલે કાંડાથી બૉલને સ્પિન કરતા બૉલર સામે રમવું વધારે મુશ્કેલ હોય છે અને તાજેતરમાં આવા બૉલરો બહુ સફળ થયા છે.
ફૉર્મેટ ગમે તે હોય, સંતુલિત ટીમની રચના બાબતે કોચ અને કૅપ્ટને સતત વિચારતા રહેવું જોઈએ. વધુ એક બૅટ્સમૅનને ટીમમાં સમાવવો જોઈએ કે મૅચમાં ઉપયોગી થાય તેવા ખેલાડીને? રન બનાવી આપશે, પણ એકેય કૅચ નહીં છોડે, એવી આશા જેની પાસેથી હોય એવા નોન-રેગ્યુલર વિકેટકીપરને ટીમમાં સમાવવો જોઈએ કે બે ફિંગર સ્પિનર કે એક ફિંગર સ્પિનર અને એક રિસ્ટ સ્પિનરને કે પછી વધારાના મીડિયમ પેસરને ટીમમાં સમાવવો જોઈએ?
પવિત્ર ગાય જેવા ખેલાડીઓનું શું? વરિષ્ઠ ખેલાડીઓને ટીમમાંથી ડ્રોપ ન કરી શકાય? “મને પડતો મૂકવાના હિંમત તો કરો” એવા અભિગમને ગંભીરતાથી લેવો જોઈએ?
ક્રિકેટ પણ કમનસીબે, જીવનની જેમ જ આગળ વધે છે, પરંતુ તેને ભૂતકાળના સંદર્ભમાં જ સમજી શકાય છે. આદર્શ ટીમની ખબર તો ભારતની ફાઇનલ મૅચ પછી જ પડશે.














