તોફાની બૅટ્સમૅન સૂર્યકુમાર રમતાં પહેલાં શૉટ કેવી રીતે નક્કી કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images

- શનિવારે રાજકોટમાં રમાયેલ ત્રીજી અને અંતિમ ટી-20 મૅચમાં ભારતે શ્રીલંકા સામે સૂર્યકુમારની સદીના દમે જીત હાંસલ કરી હતી
- મૅચ બાદ રાહુલ દ્રવિડ સાથેના ઇન્ટરવ્યૂમાં જીતના હીરો સૂર્યકુમારે મેદાન પર પોતાની રણનીતિ વિશે ખાસ વાતો જણાવી હતી
- તેમણે મેદાન પર શોટ સિલેક્શન અને તેમની પ્રૅક્ટિસ અંગેની મહત્ત્વની વાતો જણાવી હતી

શનિવારે રાજકોટ ખાતે શ્રીલંકા સામે યોજાયેલી અંતિમ અને નિર્ણાયક ટી-20 મૅચમાં ભારતે શાનદાર જીત મેળવી.
આ જીતના હીરો સૂર્યકુમાર યાદવ રહ્યા, જેમણે માત્ર 52 બૉલમાં ઝંઝાવાતી 112 રનની ઇનિંગ રમી હતી.
ભારતે પ્રથમ બેટિંગ કરતાં આ મૅચમાં 228 રન બનાવ્યા હતા, જેની સામે શ્રીલંકાની ટીમ 137 રન પર જ ઑલઆઉટ થઈ ગઈ હતી.
આ સાથે જ ભારતે ત્રણ મૅચની સિરીઝ 2-1થી પોતાના નામે કરી હતી.
મૅચના નાયક સૂર્યકુમાર યાદવે પોતાની ટી-20 ઇન્ટરનેશનલ કારકિર્દીની ત્રીજી સદી ફટકારી હતી.
સૂર્યકુમારની આ ઇનિંગ બાદ સોશિયલ મીડિયા સહિત ક્રિકેટપ્રેમીઓ અને ક્રિકેટજગતની હસ્તીઓએ તેમની પ્રશંસા કરી હતી.
અહીં સુધી કે ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડ પણ મૅચ પછી સૂર્યકુમાર સાથેના એક ઇન્ટરવ્યૂમાં તેમની ઘણી પ્રશંસા કરતા જોવા મળ્યા હતા.
આ ઇન્ટરવ્યૂની ખાસ વાત એ હતી કે સૂર્યકુમારે હળવા અંદાજમાં આપેલ આ ઇન્ટરવ્યૂમાં તેમણે પોતાની ગેમ અંગે કેટલીક ખાસ વાતો જણાવી હતી. તેમજ મેદાનમાં ઊતરતી વખતે પહેલાંથી નક્કી કરાયેલ શોટ, બૉલરનો સામનો કરતી વખતની રણનીતિ અને પ્રૅક્ટિસ સમયે રખાતી કાળજી અંગે વાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

શૉટ સિલેક્શન વિશે શું કહ્યું?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બીસીસીઆઈ ડોટ ટીવી પર અપલોડ કરાયેલ આ વીડિયો ઇન્ટરવ્યૂમાં કોચ રાહુલ દ્રવિડ હળવા અંદાજમાં શતકવીર સૂર્યકુમારનો ઇન્ટરવ્યૂ લેતા જોવા મળ્યા હતા.
તેમણે સૂર્યકુમારને મેદાન પરની તેમની માનસિકતા અને તેમની વ્યૂહરચના વિશે સવાલો કર્યા હતા.
રાહુલ દ્રવિડે આ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “જ્યારે પણ હું એવું વિચારું છું કે આનાથી સારી ઇનિંગ ટી-20માં ન રમી શકાય, એ સમયે સૂર્યકુમાર યાદવ આવે છે અને વધુ એક જોરદાર ઇનિંગ સાથે આ માન્યતા તોડી નાખે છે.”
આ બાદ દ્રવિડે સૂર્યકુમારને પૂછ્યું હતું કે, “પાછલા અમુક સમયમાં તેં ઘણી સારી ઇનિંગો રમી છે શું તેમાંથી એક કે બે શ્રેષ્ઠ ઇનિંગો પસંદ કરી શકે કે કેમ?”
આ પ્રશ્નના જવાબમાં સૂર્યકુમારે હસતાંહસતાં જવાબ આપ્યો હતો કે, “આ એક મુશ્કેલ પ્રશ્ન છે, પાછલા એક વર્ષમાં મેં ઘણી સારી ઇનિંગો રમી છે તેમાંથી કોઈ એક કે બે ઇનિંગને અન્યથી સારી ગણાવવું એ અઘરું કામ છે. હું જ્યારે પણ મુશ્કેલ પરિસ્થિતિમાં બેટિંગ કરવા માટે ઊતરું છે, એ તમામ ઇનિંગો હું માણું છું. હું જ્યારે પણ મેદાનમાં ઊતરું છું ત્યારે હું માત્ર મારી જાતને અભિવ્યક્ત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરું છું.”
રાહુલ દ્રવિડે ઇન્ટરવ્યૂમાં આગળ શૉટ સિલેક્શનને લઈને સવાલ કર્યો હતો.
તેમણે પૂછ્યું હતું કે, “તું જ્યારે બેટિંગ કરવા ઊતરે છે ત્યારે કેટલાક એવા શૉટ હોય છે જે તું અગાઉથી નક્કી કરીને રમે છે, જ્યારે કેટલાક એવા પણ હોય છે જે વૈકલ્પિક હોય છે. આ બંનેનું પ્રમાણ શું હોય છે?”
આ પ્રશ્નના જવાબમાં સૂર્યકુમારે કહ્યું હતું કે, “આ ફૉર્મેટમાં તમારે અમુક હદે તો અગાઉથી નક્કી કરીને રમવું પડે. પરંતુ આ દરમિયાન તમારી પાસે સ્ટ્રોકના વિકલ્પો પણ તૈયાર હોવા જોઈએ. ખાસ કરીને ત્યારે જ્યારે બૉલર તમારા કરતાં એક ડગલું આગળ હોય.”
“મોટા ભાગે હું ફિલ્ડિંગને અનુરૂપ રમવાનો પ્રયત્ન કરું છું. હું ફિલ્ડિંગ અને બૉલિંગને અનુરૂપ મારા શૉટની પસંદગી કરું છું.”

પ્રૅક્ટિસમાં શું કરે છે ખાસ?

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ટરવ્યૂમાં રાહુલ દ્રવિડે સૂર્યકુમારને તેમના પ્રૅક્ટિસ સેશનની રણનીતિ અંગે પણ સવાલ કર્યો હતો.
રાહુલ દ્રવિડે પૂછ્યું હતું કે, “જ્યારે તમે ટી-20 માટે પ્રૅક્ટિસ કરી રહ્યા હો ત્યારે તમારે માત્ર ડિફેન્સિવ કે અગ્રેસિવ રમવાની વાત પર ધ્યાન કેન્દ્રિત નથી કરવાનું હોતું. એ દરમિયાન તમારે તમારા કાંડાનો ઉપયોગ, યોગ્ય ઍંગલની પસંદગી વગેરે વાતો પર ધ્યાન આપવાનું હોય છે, શું તું પ્રૅક્ટિસ સેશનમાં આ વાતો પર ઇરાદાપૂર્વક ધ્યાન આપે છે ખરો?”
આ પ્રશ્નના જવાબમાં સૂર્યકુમાર યાદવે કહ્યું હતું કે તેઓ નેટ પ્રૅક્ટિસ વખતે બૅટના અવાજ પર ધ્યાન આપે છે.
તેમણે કહ્યું હતું કે, “નેટ પ્રૅક્ટિસ દરમિયાન જ્યારે પણ હું કોઈ બૉલરનો સામનો કરું છું ત્યારે હું મારી જાત માટે ફિલ્ડિંગ સેટ કરું છું, શૉટની સારી ટાઇમિંગ જાળવવાનો પ્રયાસ કરું છું, જો બૉલને સારી રીતે હિટ કરું તો માત્ર દસ મિનિટમાં પ્રૅક્ટિસ પૂરી કરી લઉં છું.”

સૂર્યકુમારની બેજોડ ઇનિંગ

ઇમેજ સ્રોત, Getty Images
રાજકોટ ખાતે રમાયેલ મૅચમાં સૂર્યકુમારની બેટિંગ જોઈને કૉમેન્ટેટર હર્ષા ભોગલેએ તો ત્યાં સુધી કહી દીધું કે જે પ્રકારે સૂર્યકુમાર બેટિંગ કરે છે તેવી બેટિંગની ઘણા બૅટ્સમૅન તો કલ્પના પણ નથી કરી શકતા.
સૂર્યકુમાર યાદવે પોતાની સદીવાળી ઇનિંગમાં સાત ચોગ્ગા અને નવ છગ્ગા ફટકાર્યા હતા.
આ ટ્વેન્ટી-20 ક્રિકેટમાં તેમની ત્રીજી સદી છે. ભારતના શુભમન ગિલ 46 રન અને રાહુલ ત્રિપાઠીએ 35 રન બનાવ્યા.
ભારતીય બૉલરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું, પાછલી મૅચમાં મોંઘા સાબિત થયેલ અર્શદીપસિંહે માત્ર 20 રન આપીને ત્રણ વિકેટ લીધી.
હાર્દિક પંડ્યા, ઉમરાન મલિક અને યુજવેન્દ્ર ચહેલે બબ્બે વિકેટ લીધી.
આ સાથે જ ભારતે ત્રણ મૅચોની સિરીઝ પર 2-1થી કબજો કરી લીધો. ભારતે પ્રથમ મૅચ પણ જીતી હતી જ્યારે શ્રીલંકાએ બીજી મૅચમાં જીત હાંસલ કરી હતી. હવે 10 જાન્યુઆરીએ ત્રણ મૅચોની વનડે સિરીઝ રમાશે.














