ભારતીયોનાં મોઢે જે પાણીપૂરીનો ચટાકો લાગેલો છે, તે ભારતમાં આવી ક્યાંથી?

    • લેેખક, ચારુકેશી રામદૂરઈ
    • પદ, બીબીસી ટ્રાવેલ
  • પાણીપૂરી અલગ અલગ નામે ભારતમાં સૌથી લોકપ્રિય સ્ટ્રીટફૂડ છે.
  • લૉકડાઉન દરમિયાન ગૂગલ પર સૌથી વધુ કોઈ ભોજન સર્ચ થતાં હતાં તેમાં પાણીપૂરી આવે છે.
  • ક્યાંથી અને કેવી રીતે પાણીપૂરી ભારતમાં આટલી લોકપ્રિય બની ગઈ?
  • કહેવાય છે કે 17મી સદીમાં પાણીપૂરી જેવી ચાટનું પ્રચલન શરૂ થયું.

મોટાભાગના ભારતીયો હૈયાં અને પેટમાં પાણીપૂરી આગવું સ્થાન ધરાવે છે. તેથી લૉકડાઉન દરમિયાન લોકોએ સૌથી વધારે કમી અનુભવી હોય તેવું સ્ટ્રીટ ફૂડ પાણીપૂરી જ હતી તેમાં કશું આશ્ચર્યજનક નથી.

બીજી કેટલીક બાબતોની માફક પાણીપૂરી અને ચાટ પણ ભારતીયોને એક તાંતણે પરોવી રાખવાનું કામ કરે તેમાં કોઈ શંકા નથી.

લૉકડાઉન દરમિયાન ભારતમાં ગૂગલ પર પાણીપૂરી બનાવવાની રીત વિશે સૌથી વધુ સર્ચ થઈ હતી. તેમાં 107 ટકા ઉછાળો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર પણ પાણીપૂરીનું સૌથી વધુ ગુણગાન થયું હતું.

દેશમાં કોઈ પણ દિવસે સાંજે, ધમધમતી માર્કેટ્સ અને મોટાં-નાનાં શહેરોમાં શેરીઓના ખૂણા પર એક પરિચિત દૃશ્ય જોવાં મળે છે, પાણીપૂરીવાળા ‘ભૈયા’ના ખૂમચાની આસપાસ આતુર લોકોનું ટોળું દેખાય છે.

‘ભૈયાજી’એ આપેલી પાણીપૂરી મોંમાં જતાં જ ફૂટે

‘ભૈયાજી’ વીજળીક ગતિથી નાનકડી પૂરીમાં રગડો અથવા બટેટા-ચણાનો મસાલો તથા વિવિધ ચટણી નાખે છે અને તેને ચટપટા સ્વાદવાળા પાણીમાં ડૂબાડીને લગભગ અધીરા સ્વાદપ્રેમીઓને ખવડાવે છે.

આવા સ્વાદપ્રેમીઓમાં બાળકોથી માંડીને વડીલો સુધી, ગરીબથી માંડીને તવંગર સુધીના અને સમાજના દરેક વર્ગના લોકોનો સમાવેશ થાય છે.

પાણીપૂરીની નજાકત જુઓ કે તે ચમચા કે છરી-કાંટા સાથે ખાઈ શકાતી નથી. તેને તો હાથમાં લઈને મોંમાં મૂકવી પડે છે અને પાણીપૂરી મોમાં જઈને જ તૂટવી અનિવાર્ય છે. ત્યારે જ લાગે છે કે પાણીપુરી ખાધી.

‘ભૈયાજી’એ તૈયાર કરીને આપેલી પાણીપૂરી મોંમાં જતાંની સાથે જ ફૂટે છે અને ચટપટા પાણી તથા કરકરી પૂરીના સંયોજનનો જે સ્વાદ મોમાં ફરી વળે છે તે અદ્ભુત હોય છે. તેનું વર્ણન શબ્દોમાં કરવું શક્ય નથી.

પાની કે બતાશે, ગોલગપ્પા અને પૂચકા અને...

ગુજરાત અને મુંબઈમાં જે પાણીપૂરી છે તે ઉત્તર પ્રદેશમાં પાની કે બતાશે, ગોલગપ્પા અને કોલકાતામાં પૂચકા તરીકે ઓળખાય છે.

હવે સવાલ એ થાય કે આ પાણીપૂરી ભારત દેશમાં ક્યાંથી આવી? કેવી રીતે આવી? કોણ લાવ્યું? આ વિશે અનેક દિલચસ્પ કથાઓ સાંભળવા મળે છે.

ખાનપાનના ઇતિહાસકાર ડૉ. કુરુશ દલાલનું કહેવું છે કે સત્તરમી સદીમાં ઉત્તર ભારતમાં મુગલ બાદશાહ શાહજહાંના સમયમાં સૌપ્રથમ વખત ચાટ બનાવવામાં આવી હતી.

કહેવાય છે કે બાદશાહે વર્તમાન પુરાની દિલ્હીમાં પોતાની રાજધાની બનાવી ત્યારે લોકોને યમુનાના ખારા પાણીથી તકલીફ થતી હતી. તેથી હકીમસાહેબે સલાહ આપી હતી કે અલ્કલાઈન એટલે કે ખારાશથી બચવા માટે લોકોએ તળેલા, મસાલેદાર નાસ્તાનો આહાર કરવો જોઈએ. એ ઉપરાંત દહીંનો ઉપયોગ પણ વધારવો જોઈએ.

એ પછી લોકોએ પ્રયોગ કરીને પાણીપુરી તૈયાર કરી હોવાનું કહેવાય છે. એ પછી કામની શોધમાં લોકો બીજાં શહેરોમાં જતા થયા ત્યારે તેમની સાથે પાણીપૂરી પણ એ શહેરોમાં પહોંચી અને જોતજોતામાં સમગ્ર દેશમાં સર્વપ્રિય નાસ્તો બની ગઈ.

ગલીઓમાંથી મોટા રેસ્ટોરાં સુધીની સફર

પાણીપૂરીની પ્રચંડ લોકપ્રિયતાને ધ્યાનમાં લઈને હવે મોટા-મોટા રેસ્ટોરાં પણ તેનું વેચાણ કરે છે અને ત્યાં પરંપરાગત આંબલી તથા લીલી ચટણીવાળા પાણી ઉપરાંત બીજા અનેક પ્રકારના સ્વાદવાળું પાણી પણ હોય છે. કેટલાંક વિખ્યાત રેસ્ટોરાં તથા હોટેલોમાં તો ચટણીની સાથે મસાલેદાર વોડકા શૉટ્સ તથા ગુઆલકૉમ પણ મળી શકે છે.

અલબત, શેરીના નાકા પરના ‘ભૈયાજી’ની પાણીપુરીના સ્વાદની તોલે કશું આવી શકતું નથી. ‘ભૈયાજી’ દરેક ગ્રાહકને તેની પસંદના સ્વાદ અનુસાર, પર્સનલી કસ્ટમાઈઝ્ડ પાણીપૂરી ખવડાવે છે. તમારે માત્ર ઇશારો કરવાનો હોય છે.

હિન્દુસ્તાનમાં લોકોને જે રીતે ક્રિકેટ તથા રાજકારણ બાબતે ચર્ચા કરવાની મજા પડે છે એટલી જ મજા પાણીપૂરીની વરાઇટી વિશે વાતો કરવામાં આવે છે. શહેરમાં સૌથી સ્વાદિષ્ટ પાણીપૂરી ક્યાં મળે છે એ બાબતે લોકો શરત પણ લગાવે છે.

પાણી બનાવવાની રીત

ફૂડ બ્લૉગર અમૃતા કૌરે લૉકડાઉન દરમિયાન બહુ ઓછી સામગ્રીમાંથી પાણીપૂરી બનાવી હતી. તેની રીત રસપ્રદ છે. અમૃતાની રૅસિપી મુજબ, ગોલગપ્પાનું પાણી બનાવવા માટે એક કપ કોથમીર, એક કપ ફુદીનો, 2-3 લીલા મરચાં, એક ચમચો શેકેલું ધાણાજીરું, અડધી ચમચી હિંગ, થોડી કાચી આંબલી, એક લીંબુનો રસ, એક ચમચી મરીનો ભૂકો, એક મોટો ચમચો ચાટ મસાલો, 2-3 મોટા ચમચા ગોળ અને સ્વાદ અનુસાર નમક લેવાનું છે.

આ બધી સામગ્રી બે લીટર પાણીમાં એકરસ થાય ત્યાં સુધી ભેળવીને સાઈડમાં રાખી દેવાનું.

ખાટી-મીઠી ચટણી બનાવવા માટે થોડી આંબલી પાણીમાં પલાળી દેવાની.

બે-ત્રણ મોટા ચમચા ગોળ, ચપટી સિંધાલૂણ, ચપટી ધાણાજીરું અને થોડો મરી પાઉડર લેવાનો. પલાળેલી આંબલી તથા ગોળને એક પાત્રમાં નાખીને પકાવવાના.

તે ઠરે પછી તેમાં સિંધાલૂણ, ધાણાજીરું અને મરી પાઉડર નાખીને ઘાટી ચટણી બનાવી લેવાની.

પૂરી બનાવવાની રીત

  • પૂરીમાં ભરવાના ફિલિંગ માટે બાફેલા બટેટા મૅશ કરવાના, બાફેલા ચણાનો અને કરકરી બુંદીનો ઉપયોગ પણ કરી શકાય.
  • હવે પૂરીની વાત. પૂરી બનાવવા માટે એક કપ રવો, એક મોટો ચમચો મેંદો, એક મોટો ચમચો તેલ, અડધો ચમચો બેકિંગ સોડા અને ચપટી મીઠું લેવાનું.
  • આ બધાનો તેમાં થોડું પાણી ઉમેરીને તેનો લોટ બાંધી લેવાનો. બાંધેલો લોટ 30 મિનિટ રહેવા દેવાનો.
  • એ પછી તેમાંથી નાનકડી પૂરી વણી લેવાની અને આખરે પૂરીને ધીમા તાપે ડીપ ફ્રાય કરી લેવાની.
  • તમારી પૂરી, પાણી, ફિલિંગ અને ખટમીઠું પાણી તૈયાર છે. તમે ખાઓ, પરિવારજનોને ખવડાઓ અને મહેમાનોને પણ ચટાકા કરાવો.