‘મોબાઇલની લતના લીધે અમારી દીકરી અમારું મર્ડર કરવાની ધમકી આપવા લાગી’

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"અમારી 13 વર્ષની દીકરી અમારી હત્યા કરવાના કાવતરાં ઘડે છે. ચા બનાવવા માટે રસોડામાં રાખેલાં ખાંડના ડબામાં દવા ભેળવી દે છે, જ્યારે પણ સવારે મારે બાથરૂમ જવાનું હોય ત્યારે, બાથરૂમમાં લિક્વિડ ઢોળી દે છે, યુટ્યુબ પર હંમેશાં હત્યા કરવાના વીડિયો જોતી હોય છે."

આ શબ્દો અમદાવાદ શહેરના એક વિસ્તારમાં રહેતાં 56 વર્ષીય પિતાના છે. તેમણે ગુજરાત સરકાર દ્વારા સંચાલિત 181 હેલ્પ લાઇન 'અભયમ' ઉપર મદદ માટે કૉલ કર્યો હતો.

તેમણે પોતાની આપવીતી વર્ણવતાં રડતાં અવાજે દીકરીને લાગેલી મોબાઇલની લત છોડાવવા આજીજી કરી હતી. 181 હેલ્પલાઇનની મદદથી 13 વર્ષીય બાળકીનું કાઉન્સેલિંગ કરાયું છે .

7 જૂન-2023ના દિવસે 181 હેલ્પલાઇન ઉપર એક પિતાનો કૉલ આવ્યો હતો તેમણે પોતાની આપવીતી વર્ણવી હતી. જેમાં તેમણે ફરિયાદ કરી હતી કે, "તેમના ઘરની પરિસ્થિતિ સારી નથી. મારી દીકરીની માનસિક સ્થિતિ સારી નથી. તમે આવીને એનું કાઉન્સેલિંગ કરો."

આ કૉલ આવતાની જ 181 હેલ્પલાઇનના કાઉન્સેલરો પિતાએ જણાવેલા સ્થળ ઉપર પહોંચે છે. પહેલાં માતા-પિતા પાસે તેમની માહિતી મેળવવામાં આવે છે, જેમાં જાણવા મળે છે કે, તેમના લગ્ન જીવનને 26 વર્ષ થયા છે.

અને પતિની ઉંમર 56 વર્ષ છે. તેઓના પત્નીની ઉંમર 46 વર્ષ છે. તેમનાં બે બાળકો છે. એક પુત્રીની ઉંમર 13 વર્ષની છે. જ્યારે પુત્રની ઉંમર 7 વર્ષની છે. તેમના લગ્નજીવનના ઘણા સમય પછી તેમના ઘરે પહેલાં દીકરીનો જન્મ થયો હતો પછી પાંચ વર્ષ બાદ દીકરાનો જન્મ થયો હતો.

‘અમારી હત્યા કરી દેવાની ધમકી આપી’

આ પિતાએ પોતાની વ્યથા કાઉન્સિલરો સમક્ષ વ્યક્ત કરી હતી.

આ વિશે 181 હેલ્પલાઇનનાં કાઉન્સિલર ફાલ્ગુની પટેલે બીબીસી સાથે વાતચીત કરી. જેમાં તેમણે ઉપરોક્ત પિતાએ વર્ણવેલી વાતો શૅર કરી.

જેમાં એ પિતાએ તેમને જણાવ્યું હતું કે, "અમારા ઘરે પહેલું સંતાન આવ્યું ત્યારે અમારી ખુશીનો પાર ન હતો. પરંતુ હાલના સમયમાં અમને એવું લાગી રહ્યું છે કે, અમે નિસંતાન જ બરોબર હતા. અમારે 13 વર્ષની પુત્રી છે, જે દરરોજ અમારું અપમાન કરે છે. અમારા કહ્યામાં નથી. આખી રાત જાગે છે, બપોરના 12 વાગે ઉઠે છે. આખો દિવસ ટીવી જુએ છે. અમને કીધાં વગર ફરવા નીકળી જાય છે. અમારું મર્ડર કરવાની ધમકી આપે છે.”

“તે કહે છે કે, આ ઘરમાં મારે કોઈ જ ન જોઈએ. મારે એકલું રહેવું છે. તે છેલ્લા 4 મહિનાથી સ્કૂલે જતી નથી. અત્યારે તે 7મા ધોરણમાં છે. અને તે નાપાસ થઈ હતી. આટલી નાની ઉંમરમાં ખરાબ સંગતમાં ફસાઈ ગયેલી છે. જ્યારે લૉકડાઉન થયું હતું એ સમયે ઑનલાઈન ભણતર થઈ ગયું હતું અને ઑનલાઈન ભણતર થવાના કારણે મેં મારી પુત્રીને સ્માર્ટફોન લઈ આપ્યો હતો.”

દીકરીની સ્થિતિ વિશે વધુ જણાવતા તેમનાં પિતાએ ફાલ્ગુની પટેલને કહ્યું, “સોશિયલ મીડિયાના જમાનામાં મારી પુત્રી પણ ખરાબ સંગતમાં ફસાઈ ગયેલી છે. તે સોશિયલ મીડિયા દ્વારા અલગ-અલગ છોકરાઓ સાથે વાતો કરે છે. ચોરી છુપીથી છોકરાઓને મળવા પણ જાય છે. અમારાથી ઘણું બધું છુપાવતી થઈ ગઈ છે. ઘણું બધું જે ના શીખવાનું તે શીખી ગઈ છે. જ્યારે આ વાતની જાણ મને થઈ હતી, ત્યારે મારી પત્નીએ દીકરી જોડેથી સ્માર્ટફોન લઈ લીધો હતો. આજે 2 મહિનાથી તેની પાસે ફોન નથી. જ્યારે અમે એનો ફોન લઈ લીધો હતો ત્યારબાદ તે ખુલ્લેઆમ ઘરમાં દાદાગીરી કરવા લાગી હતી અને અમારી હત્યા કરવાનાં કાવતરાં ઘડવાં લાગી હતી."

‘સોશિયલ મીડિયા પર પ્રેમ અને મળવાની શરૂઆત’

7 જૂન-2023ના દિવસની વાત કરતા તેમણે કાઉન્સિલરને કહ્યું, "રસોડામાં ચા બનાવવાની ખાંડના ડબામાં એણે ખાંડમાં દવા ભેળવી દીધી હતી, જ્યારે પણ સવારે મારે બાથરૂમ જવાનું હોય ત્યારે બાથરૂમમાં લિક્વિડ ઢોળી દે છે. હંમેશાં યુટ્યુબ પર હત્યા કરવાના વીડિયો જોતી હોય છે, અમારી પુત્રી ખબર નથી ક્યાંથી 100 અને 500ની ચલણી નોટના બંડલ લાવે છે. ઘરમાં અમને ખબર નથી કે, તેને કોણ પૈસા આપે છે."

“જો અમે તેને ઘરથી બહાર જવા માટેની ના પાડીએ તો ઘરમાં એ બધું તોડફોડ કરે છે. મારા 7 વર્ષના નાના પુત્રને મારે છે. અમે આજુબાજુમાં પડોશીઓ અને સગાઓના ડરથી એને કંઈ કહેતા નથી. દીકરીને બહાર જવા દઈએ છીએ. અમારી પુત્રી બહેનપણીના ઘરે જાઉં છું એમ કહીને જાય છે. પાંચ-છ કલાક પછી ઘરે પરત ફરે છે. અમારી પુત્રી કહે છે કે, તમે આ ઘર મારા નામે કરી દો. તમે બધા આપઘાત કરીને મરી જાવ. મારે આ ઘર વેચીને વિદેશ શિફ્ટ થઈ જવું છે."

ફાલ્ગુની પટેલ અનુસાર આ આપવીતી સંભળાવીને પિતા 181ની ટીમ આગળ ધુસકે-ધ્રુસકે રડવા લાગ્યા હતા.

દીકરીની માતાએ 181ની ટીમને જણાવ્યું હતુ કે, "તમે ગમે તે કરીને મારી પુત્રીનું કાઉન્સેલિંગ કરો અને તે શું વિચારે છે અને તેને શું કરવું છે એ વાત અમને જણાવો."

181ની ટીમે 13 વર્ષની દીકરીનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતુ કે, "છેલ્લાં બે વર્ષથી તે એક છોકરાના પ્રેમમાં છે, સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ ઍપ દ્વારા તેને મળી હતી. આ ઍપ ઉપર તેના 13થી 14 જુદા-જુદા ઍકાઉન્ટ છે. તે સોશિયલ મીડિયા દ્વારા છોકરા સાથે વાતો કરતી હતી. તેને પ્રેમ અને શારીરિક સંબંધ વિષયની તમામ બાબતોની સમજણ છે.”

“તેણે કાઉન્સેલિંગ દરમિયાન જણાવ્યું હતુ કે, હું એ છોકરાને મારી મરજીથી બોલાવતી હતી. મારી બહેનપણીના ઘરે જવાનું બહાનું કાઢીને હું એને મળવા જતી હતી. મારે આ બધું નહોતું કરવું જોઈતું તેવી મને ખબર પણ નહોતી પડતી."

"જ્યારથી મારી પાસે મોબાઇલ આવ્યો છે ત્યારથી મને બધી ખબર પડવા લાગી છે. મારા સ્કૂલમાં અને મારી સોસાયટીમાં મારા પડોશમાં રહેતી મારી બહેનપણીઓ મને એના વિશે સલાહ અને સમજણ આપે છે. એના આધારે હું એ છોકરા સાથે પ્રેમ સંબંધમાં આગળ વધી છું."

ત્રણેયનું કાઉન્સેલિંગ બાદ માફી

181ની ટીમ વધુમાં જણાવે છે કે, "13 વર્ષની છોકરીનું કાઉન્સેલિંગ કરતા તેણે તેની બહેનપણીનું નામ આપ્યું હતું. તેથી 181ની ટીમે તેના પડોશમાંથી તેની સહેલીને બોલાવી હતી. તેની બહેનપણીનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતુ કે, આજે 13 વર્ષની છોકરી જે છોકરાના પ્રેમ સંબંધમાં છે, બે-ત્રણ વર્ષ પહેલા એ છોકરાના પ્રેમ સંબંધમાં એની બહેનપણી પણ હતી. તેનું બ્રેકઅપ થઈ ગયું હતું અને ત્યારબાદ એણે આ 13 વર્ષની છોકરીનો એ છોકરા સાથે કૉન્ટેક્ટ કરાવ્યો હતો."

બન્ને સગીરાઓનું 181ની ટીમ દ્વારા કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું હતુ કે, તે બન્ને છોકરીઓ એક 19 વર્ષના છોકરાના સંપર્કમાં છે, તે છોકરો પણ તેમના પડોશમાં રહે છે. 181ની ટીમે તે છોકરાની ઓળખ મેળવીને તેને પણ કાઉન્સેલિંગ માટે બોલાવ્યો હતો. આ છોકરાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતુ કે, તે બંને કિશોરીની સાથે પ્રેમ સંબંધમાં રહ્યો હતો. બંને છોકરીઓને ખોટી રીતે ઉશ્કેરતો હતો.

આ સમગ્ર વિગતો સામે આવ્યા બાદ 181ની ટીમ દ્વારા આ ત્રણેયનું એક સાથે કાઉન્સેલિંગ કર્યું હતું. આ ત્રણેયના કાઉન્સેલિંગ બાદ તેઓએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને તેમણએ માતાપિતાની માફી પણ માંગી હતી.”

“તેમણે માતાપિતા આગળ એવું કબૂલ કર્યું હતુ કે, તેઓ આજદિન પછી ક્યારેય આવી ભૂલ કરશે નહીં. અમારી પાસેથી જે મોબાઇલ ફોન છે એ પણ તમે પાછા લઈ શકો છો તેમ જણાવ્યું હતું. જે 13 વર્ષની પુત્રીના માતાપિતાએ ફોન કર્યો હતો તેમની દીકરીએ પણ તેમની માફી માગી હતી. 13 વર્ષની દીકરીએ માફી માગીને પૂરેપૂરું ભણવામાં ધ્યાન આપશે અને ક્યારેય ખોટી જીદ નહીં કરે તેવું વચન આપ્યું હતુ. માતા-પિતાને શારીરિક ઈજા નહીં પહોંચાડે તેવી ખાતરી આપી હતી."

મોબાઇલની લત અને સોશિયલ મીડિયા

આવો જ એક બીજો કિસ્સો પણ તાજેતરમાં બન્યો હતો. 9 જુન-2023ના રોજ અમદાવાદના મણિનગર વિસ્તારમાંથી 20 વર્ષની દીકરીનાં વાલીએ 181 મહિલા અભયમ હેલ્પલાઇનમાં કૉલ કર્યો હતો. દીકરીનાં સુરક્ષિત ભવિષ્ય માટે તેમને સમજાવવા અને તેઓ અભ્યાસ માટે ગંભીર બને તે સમજાવવા હેલ્પલાઇનની મદદ લીધી હતી.

181ની ટીમે આ બનાવ વિશે પણ બીબીસીને જણાવ્યું કે, "મયૂરી (નામ બદલેલ છે) ની ઉંમર 20 વર્ષની છે, તે બીએના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. યુવતીને મોબાઇલનું અતિશય વળગણ છે. મોબાઇલ કે લૅપટોપ આખો દિવસ મૂકતી નથી. કૉલેજમાં અભ્યાસ માટે જતી નથી. કૉલેજનું નામ લઈને ઘરેથી નીકળીને મિત્રો સાથે બીજે ફરવા જતા રહી છે."

“સોશિયલ મીડિયામાં અલગ-અલગ આઈડી બનાવીને લોકો સાથે વાતો કરે છે. નાની નાની વાતોમાં ગુસ્સો કરે છે. કોઈનું સાંભળતી નથી. તેનું અફૅર છેલ્લાં છ મહિનાથી છે. તેમણે મોબાઇલમાં પોતાના અશ્લીલ વિડીયો બનાવીને તેમના બોયફ્રેન્ડને મોકલ્યા છે. બોયફ્રેન્ડ સાથે બહાર ફર્યાં કરે છે. અભ્યાસમાં જરા પણ ધ્યાન આપતી નથી. અશ્લીલ વિડિયો બનાવે છે અને જોવે છે."

“મોબાઇલનો ખોટો ઉપયોગ કરતા હોવાની જાણ તેના માતાને થતા મોબાઇલ લઈ લીધો હતો. મયૂરીને નાની નાની વાતમાં ગુસ્સો આવે છે. આ વાતની જાણ પિતાને થતા તેમણે અભયમની મદદ લીધી અને મયુરીનું કાઉન્સેલિંગ કરીને તેમના ઉજ્જવળ ભવિષ્ય વિશે, સારી જિંદગી તથા પરિવારનું મહત્ત્વ શું છે તે સમજાવ્યું હતું."

181ની ટીમે જણાવ્યું હતુ કે, "મયૂરીને શિક્ષણના લાભ તથા સોશિયલ મીડિયાનાં સારો ઉપયોગ કરવા અને ખોટો ઉપયોગ ન કરવા સાથે સાથે ખોટી સંગત છોડીને ભણવા પર ધ્યાન આપવા ઉપરાંત સારી જિંદગી જીવે એ માટે ટીમ દ્વારા સમજાવવામાં આવી હતી. માતા પિતાનો આદર કરીને તેમને સહકાર આપવા સમજાવી હતી. માતા પિતાને પણ સહકાર આપી તેમની દીકરીને સમજવાનો સમય આપવા તથા માનસિક તણાવ ન આપવા સમજાવવામાં આવ્યા હતા."

મોબાઇલની લત કઈ રીતે લાગી જાય છે?

દરમિયાન, અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પૉરેશન સંચાલિત એસવીપી હૉસ્પિટલના સાઇકિયાટ્રિક વિભાગના વડા ડૉ. નિમેષ પરીખે બીબીસી ગુજરતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "અમારા વિભાગમાં સરેરાશ એક કેસ બાળકોમાં મોબાઇલ ઍડિક્શનનો એટલે કે મોબાઇલની લતનો આવે છે. બાળકોના મોબાઇલની લત અંગેના દરેક કેસમાં અલગ-અલગ કારણો જોવા મળે છે. ક્યારેક માતાપિતા બંને કામનાં કારણે બાળકોને સમય આપી શકતાં નથી. તો કેટલાક કિસ્સામાં બાળકો જિદ્દી હોય છે. કયારેક બાળકોને તેમના આસપાસના મિત્રવર્તુળને કારણે પણ મોબાઇલની લત લાગતી હોય છે.”

ડૉ. પરીખ વધુમાં ઉમેરે છે, “માતા પિતાએ બાળકોને મોબાઇલ લાવી આપ્યા બાદ મોબાઇલ વાપરવા પર સમયમર્યાદા રાખવી જોઈએ તેમજ બાળકો શું સર્ચ કરે છે ? તે અંગે પણ ધ્યાન રાખવું જોઈએ. આ ઉપરાંત માતા પિતાએ બાળકોને ઈન્ડૉર ગેમ્સ આઉટડૉર ગૅમ્સ રમવા લઈ જવા જોઈએ. બાળકોના અભ્યાસ માટે મોબાઇલના હકારાત્મક ઉપયોગ પણ છે. મોબાઇલ વાપરવા અંગે મર્યાદા જરૂર નક્કી કરી શકાય."

ડૉ. પરીખ અનુસાર મોબાઇલની લતના કિસ્સામાં મોટાભાગે બાળકોને ગૅમનું વળગણ વધુ હોય છે.

તેઓ એ વિશે જણાવે છે કે,"મોબાઇલની લત અંગેના કેસોમાં 60થી 70 ટકા કેસમાં બાળકોને ગૅમનું વળગણ હોય છે, જ્યારે 30 ટકા કેસમાં ઇન્ટરનૅટ સર્ફ કરતાં હોય છે. જેમાં 10 ટકા જેવા કેસમાં કિશોરો પોર્ન સાઈટ પણ સર્ફ કરતા હોય છે. મોબાઇલની લત છોડાવવામાં આવે ત્યારે બાળકોમાં ‘વિડ્રોઅલ લક્ષણો’ જોવા મળતા હોય છે. બાળકો ગુસ્સે થાય છે. ક્યારેક વધુ ગુસ્સો કરીને તોડફોડ પણ કરે છે. 80થી 85 ટકા કેસમાં બાળકોને કાઉન્સેલિંગ કરીને આદતથી બહાર લાવી શકાય છે. જયારે 10થી 15 ટકા કેસમાં મેડિકલ ટ્રીટમેન્ટ કરવી પડતી હોય છે. એન્ટિ-ડિપ્રેશન ટેબ્લેટ આપવી પડે છે."