ઔરંગઝેબે યહૂદી ધર્મ છોડી મુસલમાન બનેલા નગ્ન ફકીર સૂફી સરમદનો શિરચ્છેદ કેમ કરાવ્યો?

    • લેેખક, શકીલ અખ્તર
    • પદ, બીબીસી ઉર્દૂ ડૉટ કૉમ, દિલ્હી

સરમદ કાશાની મુગલ બાદશાહ શાહજહાંના છેલ્લા સમયમાં દિલ્હી આવ્યા હતા. તેમણે જામા મસ્જિદના પૂર્વના દરવાજાની સીડીઓ પાસે પોતાનો અડ્ડો જમાવ્યો હતો.

તેઓ પોતાના સમયના ઘણા લોકપ્રિય સૂફી હતા. ઉંમરના છેલ્લા પડાવમાં તેઓ નિર્વસ્ત્ર રહેવા લાગ્યા હતા અને કલિમાનો માત્ર ‘લા ઈલાહા’ એટલે કે કોઈ ખુદા નથી, એટલો જ ભાગ વાંચતા હતા. (કલિમો એ સૂત્ર વાક્યને કહેવાય છે, જેના પર દરેક મુસલમાનનું ઈમાન હોય છે. આખા કલિમામાં એ કહેવાય છે કે અલ્લાહ સિવાય કોઈ ખુદા નથી. )

મુગલ સામ્રાજ્યના કાઝીની ફરિયાદ બાદ આખો કલિમો ન પઢવાના ગુનાની સજામાં ઔરંગઝેબે તેમની હત્યા કરવાનો આદેશ આપ્યો હતો.

તે સમયનાં પુસ્તકોમાંથી જાણવા મળે છે કે બાદશાહ આલમગીર ઔરંગઝેબના આદેશથી જામા મસ્જિદની સીડીઓ નીચેના ચબૂતરા પર ઈ.સ. 1660માં તેમનો શિરચ્છેદ કરવામાં આવ્યો હતો.

તેમની હત્યા મુગલ સામ્રાજ્યમાં સત્તાની જંગમાં દારા શિકોહનું સમર્થન કરવાનાં કારણે કરાઈ હતી કે તેમના સૂફી વિચારો તે બાદશાહને ગમ્યા નહીં એટલે કરવામાં આવી એ સવાલ થાય છે. શક્ય છે કે આ બન્નેનાં કારણે તેમને મોતની સજા મળી.

સૂફી સરમદની મજાર એ જ સ્થાન પર બનેલી છે. જ્યાં તેમનો શિરચ્છેદ કરાયો હતો. હજારો શ્રદ્ધાળુઓ અને શિષ્યો આ મજાર પર આવે છે.

સરમદના જીવન અંગે તે સમયનાં પુસ્તકોમાં ખૂબ ઓછો ઉલ્લેખ મળે છે. સરમદ ફારસીના સારા શાયર હતા. તેમની રૂબાઈઓનું સંકલન પણ ઉપલબ્ધ છે.

ઇતિહાસકાર ઇરફાન હબીબનું કહેવું છે કે સરમદની શાયરી બહુપરિમાણીય હતી. અને તેઓ ઘણી સાહસિક શાયરી કરતા હતા. એવી ઘણી શક્યતાઓ છે કે જે ઔરંગઝેબની ન ગમી હોય. સરમદનો ઉલ્લેખ તઝકરા-એ-શોરા-એ-પંજાબ (પંજાબના શાયરોની ચર્ચા)માં સરમદ લાહૌરીના નામથી મળે છે.

તેમનો આ સૂફી શેર ઘણો જાણીતો હતો

સરમદ બજહા બસે નકૂ નામ શુદી

અઝ મઝહબ-એ-કુફ્ર, સૂએ ઈસ્લામ શુદી

આખિર ચે ખતા દીદઝ અલ્લાહ વ રસૂલ

બર્ગશ્તા મુરીદ, લછમન વ રામ શુદી

ભાષાંતર:

સરમદ દુનિયામાં તારું મોટું નામ છે

જ્યારે (કુફ્ર) નાસ્તિકથી તું ઇસ્લામ તરફ વળીશ,

અલ્લાહ અને રસૂલમાં શું ખરાબી હતી

કે તું લક્ષ્મણ અને રામનો અનુયાયી થયો

શું સરમદને ઇતિહાસનાં પન્નાઓથી અલગ રખાયા?

મૌલાના અબુલ કલામ આઝાદે 1910માં હયાત-એ-સરમદનાં શીર્ષક હેઠળ એક લાંબો આલેખ લખ્યો. જે બાદમાં એક પુસ્તિકાના રૂપમાં પ્રકાશિત થયો. આ આલેખમાં તેમણે સરમદ અંગે લખ્યું છે, ‘મેં ઔરંગઝેબના સમયના ઇતિહાસનો એ દૃષ્ટીએ અભ્યાસ કર્યો છે કે કદાચ સરમદ અંગે કેટલીક ઘટનાઓ અને જાણકારી મળી જાય, પણ લાગે છે કે રાજકીય કારણોસર આ વિષય પર લખાયું નથી. સરમદની સ્થિતિની જાણકારી મળવી દૂર રહી, પણ એવું લાગે છે કે પૂરતી કાળજી સાથે ઇતિહાસનાં પાનાંને તેમનાથી દૂર રખાયાં છે.’

સરમદના જીવન અંગે સમકાલીન પુસ્તકોમાં શેર ખાન લોધીના ‘મિરાતુલ ખ્યાલ’ (વિચાર દર્પણ), વાલા દાગિસ્તાનનું પુસ્તક, કુલી ખાનના પુસ્તક ‘રિયાજુલ આરિફીન’ અને ફ્રૅન્ચ લેખક બર્નિયરના સંસ્મરણો અને ફારસી લેખનથી ખ્યાલ આવે છે.

પ્રોફેસર ઇરફાન હબીબનું કહેવું છે કે સરમદના જીવન અને તેમના અંગેનો વિસ્તૃત ઉલ્લખ દબિસ્તાન-એ-મઝાહિબમાં મળે છે. જે વર્ષ 1655માં લખાયું હતું. તેના લેખક સાથે સરમદની મુલાકાત હૈદરાબાદમાં થઈ હતી.

સરમદે તે પુસ્તક માટે યહૂદી ધર્મ અંગે એક વિસ્તૃત અધ્યાય લખ્યો હતો. પુસ્તકના લેખક મીર ઝુલ્ફિકાર અરદીસ્તાનીએ પોતાના પુસ્તકમાં સરમદના જીવન પર પ્રકાશ પાડ્યો હતો.

સરમદનું જીવન

સરમદ આર્મીનિયાઈ મૂળના ઈરાની યહૂદી હતા. તેમનો જન્મ ઈરાનના કાશાન ક્ષેત્રના વેપારી અને યહૂદી ધર્મગુરુઓના પરિવારમાં થયો હતો. કાશાનમાં તે સમયે મોટી સંખ્યામાં યહૂદી અને ઈસાઈ લોકોની વસ્તી હતી.

તેમણે બાળપણમાં જ ઈબ્રાની અને ફારસી ભાષા પર પકડ હાંસલ કરી લીધી હતી. યુવાવસ્થામાં તેમણે તૌરાત અને ઇંજીલ (યહૂદી અને ઈસાઈ સમૂદાયના ધાર્મિક પુસ્તક)નો ઊંડો અભ્યાસ કર્યો. જ્ઞાનની જીજ્ઞાસામાં તેઓ તે સમયના જાણીતા ઈસ્લામી વિદ્વાનો મુલ્લા સદરુદ્દીન મોહમ્મદ શીરાઝી અને ફંદરેસકીના સંપર્કમાં આવ્યા.

એ બન્નેની દેખરેખમાં સરમદે વિજ્ઞાન, ઇસ્લામ, દર્શન અને તર્કશાસ્ત્ર સહિતનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. સરમદ સૂફીવાદ અને આધ્યાત્મથી પ્રભાવિત હતા. કદાચ એ જ સમય હતો જ્યારે તેમણે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો પણ તેમની પ્રકૃતિ આધ્યાત્મિક હતી.

સરમદના પારિવારિક નામની ખબર નથી પડતી. ચર્ચાઓમાં માત્ર સરમદ ઉપનામનો ઉલ્લેખ મળે છે. બની શકે તે તેમનું ઇસ્લામી નામ સઈદ હોય. દબિસ્તાન-એ-મઝાહિબના લેખકે પોતાના પુસ્તકમાં તેમનો પરિચય મોહમ્મદ સઈદ સરમદ તરીકે આપ્યો છે.

તેઓ યહૂદી ધર્મ અને સૂફી આધ્યાત્મનું મિશ્રણ હતા. તેઓ આજની વ્યાખ્યામાં કોઈ એક વિશેષ ધર્મના ખાનામાં ફિટ નથી બેસતા. સમકાલીન પુસ્તકોમાં તેમનો ઉલ્લેખ ‘યહૂદી વેપારી’, ‘સરમદ યહૂદી’, ‘યહૂદી સૂફી’ અને ‘યહૂદી નાસ્તિક’ તરીકે મળે છે.

રશિયાની ઓરિએંટલ સ્ટડીઝના શોધકર્તા નતાલિયા પરેગેરીનાએ પોતાના રિસર્ચ પેપરમાં ‘એક સુફીની જિંદગી અને મોત’માં લખ્યું છે કે ‘શિક્ષા પ્રાપ્તિ બાદ સરમદ કિંમતી સામાન લઈને વેપારીઓને લઈને સમુદ્રના રસ્તે સિંધમાં મુગલ સામ્રાજ્યના બંદર ઠટ્ઠા પહોંચ્યા. ત્યાં તેમણે અભિચંદ નામના એક છોકરા સાથે પ્રેમ થઈ ગયો. આ છોકરો અત્યંત સુંદર અને કમનીય અને આધ્યાત્મ તરફ આકર્ષિત હતો. યુવા અભિચંદના માતા-પિતા આ સ્થિતિથી ગભરાઈ ગયા અને તેમણે પોતાના પુત્રને ક્યાંક છુપાવી દીધો.’

પરંતું સરમદ તેને પોતાની સાથે લઈ જવા માટે જિદે ચઢ્યા. અંતે અભિચંદના માતા-પિતાએ તેને સરમદ સાથે લઈ જવાની અનુમતિ આપી દીધી. સરમદે તેને પોતાનો શિષ્ય બનાવી લીધો. અભિચંદ પોતે સૂફી વિચારોથી પ્રભાવિત હતો. તેમણે સરમદ પાસેથી ઈબ્રાની ભાષા, તૌરાત અને યહૂદી ધર્મ અંગે બધી જ જાણકારી પ્રાપ્ત કરી. તેમણે તૌરાતનાં ફારસી અનુવાદમાં સરમદની મદદ કરી. અભિચંદ સરમદના છેલ્લા શ્વાસ સુધી તેમની સાથે રહ્યા.

દારા શિકોહ સાથે નિકટતા

સરમદ લાહૉર અને હૈદરાબાદ થઈને દિલ્હી પહોંચ્યા. અત્યાર સુધીમાં એક સૂફી તરીકે તેમની ખ્યાતિ ફેલાઈ ચૂકી હતી. તેઓ મસ્ત-મલંગની (બ્રહ્મલીન)ની જેમ જીવવા અને નિર્વસ્ત્ર રહેવા લાગ્યા. ‘સરમદ શહીદ’માં સૈયદ મોહમ્મદ અહમદ સરમદીએ લખ્યું છે કે ‘કારણ કે તેઓ પૂર્ણતઃ નિર્વસ્ત્ર રહેતા હતા અને ચમત્કારી સંત હતા. તેથી વધુ લોકોનાં આકર્ષણનું કેન્દ્ર બનતા હતા.’ તેમની ખ્યાતિ યુવરાજ દારા શિકોહ સુધી પહોંચી ગઈ હતી.

સૈયદ મોહમ્મદ અહમદ સરમદીએ એ પણ લખ્યુ છે – કારણ કે દારા શિકોહ ‘બા મુસલમાન અલ્લાહ અલ્લાહ બા બ્રાહ્મણ રામ રામ’ (મુસલમાન માટે અલ્લાહ અને બ્રાહ્મણ માટે રામ)ના વિચાર સાથે દરેક સંપ્રદાય અને સંતો સાથે એક સમાન આસ્થા અને સન્માન સાથે મળતા હતા. તેના પોતાના દરબારમાં હિંદુ યોગી પણ રહેતા હતા, અને મુસલમાન ફકીર પણ રહેતા હતા.

‘તે યોગી અને સન્યાસીઓને અલ્લાહની નજીકના સમજતા હતા. સવારે ઉઠીને સૂર્યને પાણી ચઢાવતા હતા. ‘પ્રભુ’ શબ્દ લખાવેલી વીંટી પહેરતા હતા. આ એવી વાત હતી જેનાથી કટ્ટર સુન્ની આસ્થા રાખતા ઔરંગઝેબ ઘણા નારાજ હતા. કારણ કે ઔરંગઝેબને દારા શિકોહની ધાર્મિક પસંદ ગમતી નહોતી. તેથી સરમદ પણ તેમની સાથે ઝપટમાં આવી ગયા’

મધ્યકાળના પ્રવાસી નિકોલાઈ મનોચીએ દારા શિકોહ અંગે લખ્યુ છે, ‘દારાનો પોતાનો કોઈ ધર્મ ન હતો. જો તે મુસલમાનો સાથે છે તો તે પેગંબર મહમદની શિક્ષાને અનુરૂપ વાત કરશે. જો તે યહૂદીઓ સાથે છે તો યહૂદી ધર્મની વાત કરશે. અને જો તે હિંદુઓ વચ્ચે છે તો હિંદુ ધર્મની વાત કરશે.’

"તેથી ઔરંગઝેબે તેમને કાફિર જાહેર કર્યા છે. તે યહૂદી પાદરીઓ સાથે વાત કરીને ખૂબ જ ખુશ થાય છે, અને વારંવાર તેમની મુસલમાનો અથવા સરમદ સાથે કે જે બહુ યોગ્ય નાસ્તિક છે અને નિર્વસ્ત્ર રહે છે તે અંગે ચર્ચા કરતા. સરમદ રાજકુમારની ઉપસ્થિતિમાં પોતાની કમરને કપડાથી ઢાંકી લેતા હતા."

સરમદની શાયદીમાં ઇશ્ક-એ-હકીકી (સાચા પ્રેમ)નો ઉલ્લેખ મળે છે. તેમણે કોઈ સૂફી પદ્ધતિ કે વિચારોનો પાયો નથી નાખ્યો. પણ તેમણે ભારતના આધ્યાત્મિક વિચારો અને વિકાસમાં ચોક્કસ રૂપે એક મહત્ત્વની ભૂમિકા અદા કરી છે.

દારા શિકોહ અને સરમદ પર નાસ્તિકતાનો આરોપ

જ્યારે ઔરંગઝેબે બાદશાહ શાહજહાંને કેદ કરી લીધા અને દિલ્હીના રાજસિંહાસન માટે યુવરાજ દારા શિકોહ અને ઔરંગઝેબમાં જંગ છેડાઈ તો કહેવાય છે કે સરમદે દારા શિકોહની જીતની ભવિષ્યવાણી કરી હતી.

ઔરંગઝેબના બાદશાહ બન્યા બાદ રાજકુમાર દારા શિકોહ પર નાસ્તિક હોવાનો આરોપ લાગ્યો અને તેમનો શીરચ્છેદ કરી દેવાયો. કેટલાંક પુસ્તકોમાં દારા શિકોહના એક પત્રનો ઉલ્લેખ મળે છે. જે તેમણે સરમદને લખ્યો હતો.

તેનું લેખન કઈંક આ પ્રકારે હતું.

‘પીર અને મુર્શિદ (આદરણીય ગુરુ) રોજે હું તમારા તીર્થની રાહ જોવું છું. પણ તે પૂરું નથી થતી. જો હું ખરેખર છું તો મારા મક્કમ ઈરાદા શા માટે પૂરા નથી થતા. અને હું કંઈ પણ નથી તો મારો વાંક શું છે?’

"કત્લ-એ-હુસૈન (કર્બલામાં હઝરત હુસૈનની હત્યા) અલ્લાહની ઇચ્છા અનુસાર છે તો યઝીદ ( કાતિલ ) દોષી કેમ ઠર્યો? અને જો ખુદાનો હુકમ ન હતો તો તેનો અર્થ શું છે? કે ખુદા જે ઇચ્છે છે તે કરે છે? ઇસ્લામના પયગંબર (હઝરત મહમદ) કાફિરો વિરુદ્ધ જંગ લડતા હતા. પણ અનેક જગ્યાએ ઇસ્લામના સૈન્યને હારનો સામનો કરવો પડ્યો હતો, કેમ? ઉલેમા કહે છે કે આ એક સબક હતો. જે લોકો પોતાના વ્યક્તિત્વમાં પૂર્ણ છે. તેમના માટે સબકની શું જરૂરત હતી?"

સરમદે એક લાઈનમાં તેનો જવાબ લખ્યો ‘મારા પ્રિય મિત્ર આપણે જે કંઈ પણ અભ્યાસ કર્યો. પ્રિયના સ્મરણ સિવાય બધુ જ ભૂલી ગયા કે જે વારંવાર કરીએ છીએ’ સરમદને પણ દારા શિકોહના સાથિયોમાં શામેલ કરી લેવાયા.

પુરાવા તરીકે દારા શિકોહની લાઈબ્રેરીમાંથી સરમદનો આ પત્ર અપાયો. ક્યારેક તેમના નિર્વસ્ત્ર રહેવાને કારણ બનાવાયું તો ક્યારેક કહેવાયું કે સરમદ મેરાજ (હઝરત મહમદની એ યાત્રા જે ખુદા સાથે મિલનની હતી ) તેને નથી માનતા.

ઔરંગઝેબ માત્ર નિર્વસ્ત્રતાના આધારે સજા નહોતા આપવા માંગતા. એ દરમિયાન સલ્તનતના કાજીને એ ખબર પડી કે સરમદ જ્યારે કલિમા પઢે છે, ત્યારે માત્ર 'લા ઇલાહા' વાંચે છે, અને તેનાથી આગળ વાંચવાથી રોકાઈ જાય છે. આ વાત જાણીતી થઈ ગઈ હતી.

મુખ્ય કાજી મુલ્લા અબ્દુલ કવીએ જ્યારે તેનું કારણ પૂછ્યું કે આની આગળ કેમ નથી વાંચતા? તો સરમદે જવાબ આપ્યો, 'હજી હું ‘નકાર’ના સ્તર પર જ પહોંચ્યો છું. "જ્યારે ખુદાનો દીદાર કરી લઈશ તો સ્વીકાર કરવા માટે પૂરો કલિમો પઢી લઈશ. જે વસ્તુને જોઈ નથી તેનો સ્વીકાર કેવી રીતે કરી લઉં?"

સરમદને નિર્વસ્ત્રતાને ત્યાગવા માટે અને કલમો પૂરો ન પઢવા માટે માફી માંગવાનું કહેવાયું. તો તેમણે હાસ્ય સાથે એક શેર કહ્યો તેનો અર્થ છે. ‘મંસૂર (જૂના ઈરાનના સૂફી સંત) ની કહાણી જૂની થઈ ચુકી છે. હવે ફાંસી પર લટકવાની નવી કહાણી લખવામાં આવે’

ઔરંગઝેબે શીરચ્છેદનનો આદેશ આપ્યો. જ્યારે જામા મસ્જિદની સીડીઓ નીચે તેમનું શીરચ્છેદન કરાયું ત્યા મોટી સંખ્યામાં લોકો સરમદના અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા. અત્યારે એ જગ્યા પર સરમદની મજાર છે. જે ઈતિહાસના આ મહાન પાત્રની યાદ અપાવે છે.