You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
NRIની વસિયતમાં મળેલા બંગલા પર રૂ. 1.60 કરોડની લોન થતાં દંપતીએ ગુજરાત હાઈકોર્ટમાં ઝેર કેમ પીધું?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
“આ મુદતે અમને એમ હતું કે હાઈકોર્ટ આરોપીઓને જેલના હવાલે કરી દેશે પણ એમને જામીન મળી જતા મારા માતા પિતાએ ઝેર ખાઈ લીધું. અમને ચિંતા એ છે કે ડૉક્ટર ભલે કહે કે, એમને ઝેરનું જોખમ નથી, અને સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે. પણ અમારું તો ઘર ગયું અને હું અને મારી બહેન જીવનભર પૈસા કમાઈએ તો પણ બૅન્કની લોન પૂરી ન કરી શકીએ એવી હાલત થઈ ગઈ છે. આ કેસ પૂરો ન થાય ત્યાં સુધી મારી બહેન દિવ્યાનાં લગ્ન પણ કેવી રીતે કરાવવાં એ સમસ્યા છે. તથા પોલીસ ‘આપઘાતના પ્રયાસ’નો કેસ કરશે તો, અમારે નવી ઉપાધિ થશે.”
એક રિક્ષાચાલક શૈલેષ પંચાલે ગુજરાત હાઈકોર્ટમાં 15 જૂનના દિવસે જસ્ટિસ નિર્ઝર દેસાઈની કોર્ટમાં ઝેર પી લીધું હતું. તેમના પુત્ર અભિષેક પંચાલે બીબીસીને તેમના કેસ વિશે જણાવતી વખતે આ વાત કહી.
ગુજરાત હાઈકોર્ટમાં શાંતિથી સુનાવણી ચાલી રહી હતી પછી જજે નિર્ણય જાહેર કરતા કોર્ટરૂમમાં નાસભાગ મચી ગઈ અને જસ્ટિસ પોતે કોર્ટની કાર્યવાહી બંધ કરીને જતા રહ્યા.
કારણ કે જજે કથિત બૅન્ક ફ્રોડના આરોપીઓને જામીન આપ્યા એટલે કોર્ટરૂમમાં જજ સામે ચાર લોકોએ ઝેર પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો.
આ ચાર વ્યક્તિઓમાં એક દંપતી છે. શૈલેષ પંચાલ અને જયશ્રીબહેન પંચાલ તેમાં સામેલ છે.
જ્યારે અન્ય બે વ્યક્તિઓ આ જ કથિત છેતરપિંડીનો શિકાર બન્યા હોવાનો તેમનો દાવો છે. પોલીસ ફરિયાદમાં 4 વ્યક્તિઓના નામનો ઉલ્લેખ કરેલ છે.
વાત એવી છે કે અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં એક રૂમ-રસોડામાં રહેતા શૈલેષ પંચાલ એમનાં બે બાળકોને ભણાવવા માટે રિક્ષા ચલાવતા હતા અને એમનાં પત્ની જયશ્રીબહેન બાળકોનાં ઉજ્જવળ ભવિષ્ય માટે એકલા રહેતા વૃદ્ધોની દેખભાળનું કામ કરતાં હતાં.
બંગલાની વીલ અને સારવારનો 60 લાખ રૂપિયાનો ખર્ચ
રિક્ષા ચલાવી માંડ માંડ પોતાનું ગુજરાન ચાલવતા શૈલેષભાઈ અને જયશ્રીબહેને પેટે પાટા બાંધીને મોટી દીકરી દિવ્યા પંચાલને સ્નાતક સુધીનો અભ્યાસ કરાવ્યો અને હાલ નાના દીકરા અભિષેકને બીસીએમાં ભણાવી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોર્ટરૂમમાં ઝેર પી લીધા બાદ અમદાવાદ સોલા હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલાં જયશ્રીબહેન શારીરિક રીતે અશકત થઈ ગયાં છે અને માનસિક રીતે ભાંગી પડ્યાં છે.
બાળકોનાં ભણતરની ફી અને ઘરના જંગી ખર્ચને પહોંચી વળવા દંપતી કામ કરતું હતું. આ અરસામાં જયશ્રીબહેનને એક વૃદ્ધ ગુજરાતી એનઆરઆઈ નવનીત રાસાણીયાના ઘરે એમની સારસંભાળ રાખવાનું અને રસોઈ બનવવાનું કામ મળ્યું હતું.
તેઓ 70 વર્ષના નવનીતભાઈની સેવા કરતાં હતાં. નવનીતભાઈની ત્રણેય દીકરીઓ વિદેશમાં હતી એમાં એક દીકરીનું અવસાન થતાં નવનીતભાઈને ખૂબ આઘાત લાગ્યો હતો.
જયશ્રીબહેને બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “એ સમયે નવનીતભાઈ માનસિક રીતે ભાંગી પડ્યા હતા. મેં એમની દીકરીની જેમ સારવાર કરી હતી. એમને મારામાં એમની મૃત્યુ પામેલી દીકરી દેખાતી હતી. 2018માં બાળકોને ભણાવવાના ખર્ચ અને મોટી થતી મારી દીકરી દિવ્યાનાં લગ્નના ખર્ચની વાત થતી હતી.
“અમદાવાદના પોશ વિસ્તારમાં તેમનો ચાર બેડરૂમનો બંગલો આવેલો છે, જે તેમણે મને આપવાનું વીલ (વસિયતનામું) કર્યું હતું. જેથી મારું અને મારાં બાળકોનું ભવિષ્ય સુધરી જાય. નિકોલના એક નાનકડા ઘરમાં રહેતા મારા આખાય પરિવારને લાગ્યું કે, હવે નસીબ આડેથી પાંદડું હટી ગયું છે.”
“પણ ભગવાનને અમારું સુખ મંજૂર નહીં હોય અને એક દિવસ નવનીતભાઈને પેટમાં દુખાવો ઉપડ્યો, વજન ઘટવા લાગ્યું. અમે ડૉક્ટરને બતાવ્યું તો, ખબર પડી કે એમને જીવલેણ કૅન્સર છે. દવામાં નવનીતભાઈની બચત ખલાસ થઈ ગઈ હતી.”
‘લોન લેવા એજન્ટને મળ્યા અને બંગલો ગીરવી મૂક્યો’
જયશ્રીબહેન ભાવુક થતાં તેમના ગળે ડૂમો ભરાઈ આવે છે. વાતને વધુ વર્ણવતા તેમના પતિ શૈલેષ પંચાલ કહે છે, “નવનીતભાઈ મારા માટે પિતા સમાન હતા. એટલે અમે નક્કી કર્યું કે, લોન લઈને પણ એમની સારવાર કરાવવી. પણ સારવારનો ખર્ચ લગભગ 60 લાખ રૂપિયા જેવો થતો હતો જેથી અમે અમારું ઘર ગીરવી મૂકીને લોન લેવા ગયા પણ એ સંભવ નહોતું.”
“મારી પત્ની કે મારી ખુદની એવી કોઈ સ્થાયી આવક નહોતી કે બૅન્ક અમને લોન આપે. જોકે, અમે અમારી નજર સામે નવનીતભાઈને પીડાતા જોઈ શકતા નહોતા."
"મારા જ એક સંબંધી વિજય ઓઝા ટ્રાવેલ્સનો ધંધો કરતા હતા. જેમણે અમારી ઓળખાણ કલર મર્ચન્ટ્સ કોઓપરેટિવ બૅન્કના લોન એજન્ટ ચિંતન શાહ સાથે કરાવી હતી. તેમણે અમારા કાગળિયા જોઈને કહ્યું કે, તમારી આવક પર લોન મળી શકે એમ નથી."
"અમારે નવનીતભાઈની સારવાર માટે પૈસાની તાત્કાલિક જરૂર હતી એટલે ચિંતન શાહે કહ્યું કે, તમારે બંગલો ગીરવી મૂકીને લોન અપાવી શકું છું. ચિંતન શાહ મારા સંબંધીને 15 વર્ષથી ઓળખતો હતો. અમને એના પર ભરોસો બેસી ગયો. એટલે એ વ્યક્તિ કહે એ કાગળોમાં અમે સહી કરતા ગયા."
શૈલેષભાઈએ વધુમાં જણાવે છે, “મારી પાસે મારા નિકોલના ઘરના નામે કૃષ્ણ ટ્રાવેલ્સનો બિઝનેસ બતાવ્યો અને અભિષેક ગાર્મેન્ટ નામનો બિઝનેસ બતાવ્યો. એના શેર સર્ટિફિકેટ બનાવ્યાં. ઇન્કમટૅક્સના રિટર્ન પણ બનાવ્યા અને મારી સહીઓ કરાવી લીધી. તે જે માંગે એ દસ્તાવેજ અમે આપતા રહ્યાં, લોન આજે પાસ થશે અને કાલે પાસ થશે એવા બહાના ચિંતન બતાવતો હતો."
"અમારે દવાના પૈસાની જરૂર હતી એટલે એણે અમને ટુકડે ટુકડે 18 લાખ રૂપિયા આપ્યા અને કહ્યું કે લોન પાસ થાય એટલે પરત આપજો. એટલે અમને થયું કે માણસ સારો છે, એટલે વીલ કરેલા મકાનને બૅન્કમાં ગીરવી મૂકવા માટે નવનીતભાઈ રાસાણીયાએ પણ અમને સહી કરી આપી.”
‘1.60 કરોડની લોન મારા નામે નીકળી’
“અમે નવનીતભાઈની તબિયત વધુ લથડતાં નિકોલનું મકાન છોડીને રસિકભાઈ પાસે રહેવા આવી ગયા હતા. અમે તેમની સારવારમાં લાગી ગયા હતા. 2020માં નવનીતભાઈનું અવસાન થયું જેના લીધે અમે નિકોલ પરત રહેવા આવી ગયા અને અમને ‘વારસામાં’ મળેલો બંગલો ભાડે આપી દીધો.”
શૈલેષભાઈ સમગ્ર ઘટનાના મુખ્ય વળાંક વિશે જણાવતા ઉમેરે છે, “બંગલો ભાડે આપી પરત નિકોલ રહેવા આવ્યા બાદ અમે કલર મર્ચન્ટ્સ કોઓપરેટિવ બૅન્કમાં તપાસ કરતા ખબર પડી કે મારા નામે એક કરોડ અને 60 લાખની લોન લીધી છે. મેં બૅન્કમાં વિગતો માંગી તો મારા ખાતામાં જમા થયેલા પૈસા બીજાના ખાતામાં જતા રહ્યાં હતાં અને મારા પર વ્યાજ ચડતું જતું હતું.”
“અમે ચિંતન શાહને ફોન કર્યો તો તેણે કહ્યું કે, તેમને કોરોના થયો છે, આથી તેઓ સાજા થઈને ફોન કરશે. એ પછી તેમનો ફોન બંધ થઈ ગયો. અમે કલર મર્ચન્ટ્સ કોઓપરેટિવ બૅન્કના મૅનેજર કિન્નર શાહને મળ્યા તો, તેમણે બૅન્કના નાણાં રિકવર કરતા બલદેવ દેસાઈ પાસે મોકલીને કહ્યું કે, તેઓ નાણાં અંગેની બાબતમાં ધ્યાન આપશે."
"જોકે, કિન્નર શાહનો ફરી સંપર્ક કર્યો અને પોલીસ કેસ કરવાની વાત કરી તો, તેમણે 19 લાખ રૂપિયા આપ્યા અને બાકીના નાણાં ટુકડે ટુકડે આપવાની વાત કરી. પોલીસમાં ફરિયાદ કરવા ગયા, 18 મહિને અમારી ફરિયાદ લીધી પણ કોઈની ધરપકડ ન થઈ એટલે અમે હાઈકોર્ટમાં આવ્યા.”
‘મારા પિતાએ ઝેર પી લીધું’
શૈલેષભાઈ અને જયશ્રીબહેનની તબિયત નાજુક હોવાથી આ વાતને વચ્ચે રોકતા એમના પુત્ર અભિષેક પંચાલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “બૅન્કમાંથી નોટિસ આવવા લાગી ત્યારે પહેલા તો અમને ડરાવ્યા કે, જો પોલીસ કેસ કરશો તો, આવકવેરાના ખોટા (બનાવટી) રિટર્ન ભરવામાં તમે જ જેલમાં જશો. મારા પિતા ખૂબ તણાવમાં રહેતા હતા. અમારું મકાન અમે ભાડે આપ્યું હતું એના પર બૅન્કના કારણે તાળાં લાગી ગયા હતા, અમારી ભાડાની આવક બંધ થઈ ગઈ, મારી બહેનના લગ્નની વાત ચાલતી હતી પણ અમે એને હાલ પડતી મૂકી. કારણ કે ઘર ચલાવવાની તકલીફ હતી એટલે મારી બહેન નોકરીએ લાગી ગઈ."
અભિષેક પંચાલ વધુમાં ઉમેરે છે, “હું ભણવાની સાથે સાથે નોકરી પણ કરું છું. મારા પિતાની માનસિક તણાવને કારણે તબિયત પણ ખરાબ થવા લાગી. 18 મહિના ધક્કા ખાધા પછી પોલીસ ફરિયાદ થઈ અને ચિંતન શાહ અને મૅનેજર કિન્નર શાહ સામે કોઈ કાર્યવાહી નહીં થઈ.”
“અમે મારા માતાની સોનાની બુટ્ટીઓ ગીરવી મૂકીને હાઈકોર્ટમાં કેસ લડવા આવ્યા છીએ. અમારા જેવા સંખ્યાબંધ લોકો છે જેમના નામે ખોટા દસ્તાવેજ કરીને લોન લેવાઈ છે. અમે એક ગ્રુપ બનાવ્યું હતું પણ બધા ઇન્કમટૅક્સના ખોટા દસ્તાવેજથી નવો કેસ થશે એવા ડરનાં માર્યા ફરિયાદ કરવા આગળ નથી આવ્યા.”
કોર્ટરૂમમાં ઘટેલી ઘટના વર્ણવતા અભિષેક પંચાલ કહે છે, “આ મુદતે અમને એમ હતું કે હાઈકોર્ટ આરોપીઓને જેલના હવાલે કરી દેશે પણ એમને જામીન મળી જતા મારા માતા પિતાએ ઝેર ખાઈ લીધું. અમને ચિંતા એ છે કે ડૉક્ટર ભલે કહે કે, એમને ઝેરનું જોખમ નથી અને સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે પણ અમારું તો ઘર ગયું અને હું અને મારી બહેન જીવનભર પૈસા કમાઈએ તો પણ બૅન્કની લોન પુરી ન કરી શકીએ એવી હાલત થઈ ગઈ છે. આ કેસ પૂરો ન થાય ત્યાં સુધી મારી બહેન દિવ્યાનાં લગ્ન પણ કેવી રીતે કરાવવા એ સમસ્યા છે. તથા પોલીસ ‘આપઘાતના પ્રયાસ’નો કેસ કરશે તો, અમારે નવી ઉપાધિ થશે.
બીબીસીએ ચિંતન શાહ અને તેમના વકીલનો સંપર્ક કરતા તેમણે આ કેસ કોર્ટમાં હોવાથી કંઈ પણ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો.
તો આ કેસની તપાસ કરી રહેલા સોલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જિગ્નેશ અગ્રાવતે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “અમને કોર્ટમાંથી જાણકારી મળતાં જ તાત્કાલિક પોલીસ કાર્યવાહી કરી છે અને હાલ કોર્ટમાં કેસ ચાલુ હોવાથી કાનૂની રાહે પગલાં લેવામાં આવશે.”
‘ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિયેશન’ના સભ્ય ઍડ્વોકેટ આશિષ શુક્લએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “કોર્ટરૂમમાં કોઈએ ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોય એવો આ પહેલો બનાવ છે. કોર્ટમાં એક વ્યક્તિ જીતે અને એક વ્યક્તિ હારે એ નક્કી હોય છે, ત્યારે આવાં પગલાં જોખમી છે. અમે કોર્ટમાં રજૂઆત કરવાના છીએ કે હવે કોર્ટમાં આવતા ફરિયાદીઓ અને આરોપી તથા તેમના સંબંધીઓનું સઘન ચૅકિંગ કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન ઘટે.”