You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોહલીએ હૈદરાબાદ સામે સદી ફટકારી મૅચ તો જીતાડી, પણ પ્લેઑફમાં પહોંચવા શું કરવું પડશે?
- લેેખક, અભિજીત શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા
આ એક એવી ઇનિંગ હતી કે જેમાં દરેક દર્શકની નજર કિંગ કોહલી પર ટકેલી હતી, જ્યાં સુધી તેમણે પોતાની સદી પૂરી ન કરી.
હૈદરાબાદમાં ગુરુવારે રાત્રે વિરાટ કોહલીએ પોતાની બેટિંગમાં ક્રિકેટનાં દરેક પાસાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.
તે ક્રિકેટની સુંદર ટૅકનિક હોય કે પછી તેના બૅટથી બૉલને ફટકારવાની તાકાતનું પ્રદર્શન હોય.
વિરાટ કોહલી જ્યારે મેદાનમાં હોય છે, તેમને જોઈને જ જુસ્સો વધી જાય છે.
ગઈ કાલે રાત્રે જ્યારે તેઓ બેટિંગ માટે મેદાનમાં ઉતર્યા ત્યારે પહેલા બૉલમાં જ તેમના ઇરાદા સ્પષ્ટ કરી દીધા હતા.
જ્યારે ભુવનેશ્વર કુમારે પહેલો બૉલ સ્વિંગ આઉટ કર્યો, ત્યારે કોહલીએ ચોગ્ગો ફટકાર્યો હતો.
પછીના બૉલ પર બૅકફૂટ પરથી શૉટ મારીને બાઉન્ડ્રીની બહાર પહોંચાડી દીધો હતો.
તેમની સદીની ઇનિંગ્સમાં તેમણે પરિચિત રીતે ક્રિકેટના તમામ કલાત્મક શૉટ્સ ફટકારીને ઝડપી રન બનાવ્યા હતા અને નક્કી કરી લીધું હતું કે મોટો સ્કોર બનાવીશું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યારે બીજા છેડેથી કપ્તાન ફાફ ડુપ્લેસીનો પણ તેમને સારો સાથ મળ્યો હતો. બંનેએ મોટા શૉટ્સ ફટકાર્યા હતા અને રનોનો અંબાર ઊભો કરી દીધો હતો.
આઈપીએલમાં વિરાટ કોહલીની આ છઠ્ઠી સદી હતી. આ ઇનિંગ દરમિયાન વિરાટે માત્ર 12 જોરદાર ચોગ્ગા જ નહીં, પરંતુ ચાર છગ્ગા પણ ફટકાર્યા હતા. એટલું જ નહીં તેમણે છગ્ગા સાથે પોતાની સદી પણ પૂરી કરી હતી.
સદી પર શું બોલ્યા વિરાટ કોહલી?
મૅચમાં જીત બાદ વિરાટને પ્લેયર ઑફ ધ મૅચ અને મૅચ દરમિયાન સૌથી વધુ ચોગ્ગા અને સૌથી લાંબો છગ્ગો ફટકારવાનું પણ ઇનામ મળ્યું હતું.
આ દરમિયાન વિરાટે તેમની આ ઇનિંગ્સ અને મૅચ વિશે વાત કરી હતી.
વિરાટે કહ્યું હતું કે, “આજે બૉલ બેટની વચ્ચોવચ્ચ આવી રહ્યા હતા. અમે સારી શરૂઆત કરવા માગતા હતા, પરંતુ 172 પર એક પણ વિકેટ નહીં પડે એવું અમે પણ વિચાર્યું નહોતું.”
તેમણે કહ્યું હતું કે, “છેલ્લી એક-બે મૅચ મારા માટે ખરાબ રહી હતી. નેટ્સ પર પણ હું સારી રીતે બૉલ હિટ કરી શકતો નહોતો, ત્યારે મને ખુશી છે કે આ ઇનિંગ યોગ્ય સમયે આવી છે.”
ડુપ્લેસી સાથે ભાગીદારી પર વિરાટે મજા લેતાં ટિપ્પણી કરી હતી, “અમે બંને ટૅટુ પસંદ કરીએ છીએ.”
જોકે તેમણે એ પણ કહ્યું કે આપણા વચ્ચે સારી સમજ છે અને અમને ખબર છે કે મૅચને કેવી રીતે આગળ વધારવાની છે.
સાથે વિરાટ સાથે સારી ભાગીદારી નિભાવવા વિશે ફાફ ડુપ્લેસીએ કહ્યું હતું કે, “હું અને કોહલી એકબીજાના પૂરક છીએ અને અલગ-અલગ ક્ષેત્રોમાં બૉલ ફટકારીએ છીએ. મેદાન બહાર પણ અમારું સમીકરણ શ્રેષ્ઠ છે.”
ચાર વર્ષ પછી વિરાટે ફટકારી સદી
આઈપીએલમાં વિરાટની સદી ચાર વર્ષ પછી જોવા મળી હતી. તેમણે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ઈડન ગાર્ડનમાં 2019માં 100 રનોની ઇનિંગ રમી હતી.
વિરાટ પહેલાં પણ આઈપીએલમાં સાત હજારથી વધુ રન બનાવનારા પ્રથમ બૅટ્સમૅન છે.
હવે પોતાની આ ઇનિંગ્સથી વિરાટે આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ સદી ફટકારનારા બૅટ્સમૅન ક્રિસ ગેલની બરાબરી કરી લીધી છે.
આ સિઝનમાં અત્યાર સુધી વિરાટે તેમના બૅટથી છ અર્ધી સદી અને એક સદીના કારણે 538 રન બનાવ્યા છે અને સૌથી વધુ રન બનાવનારા બૅટ્સમૅનની યાદીમાં ચોથા સ્થાને રહ્યા છે.
વિરાટે આ સિઝનમાં પહેલી જ મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે 82 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. તેઓ 61, 50, 59, 54 અને 55 રનની ઇનિંગ્સ પણ રમી ચૂક્યા છે.
પાકિસ્તાનમાં પણ થયા વખાણ, કોણે શું કહ્યું ?
વિરાટ કોહલીની આ ઇનિંગ જોઈને માત્ર તેમના ચાહકો જ નહીં, પરંતુ ક્રિકેટના ઘણા દિગ્ગજ ખેલાડીઓએ પણ તેની ઇનિંગનો આનંદ માણ્યો હતો.
તેમના સાથી ખેલાડી એબી ડી વિલિયર્સે પણ ટ્વીટ કરીને વિરાટની ઇનિંગની પ્રશંસા કરી હતી.
ત્યારે દિગ્ગજ સચિન તેંડુલકરે લખ્યું હતું કે, "જ્યારે તેમણે પહેલાં જ બૉલ પર કવર ડ્રાઇવ ફટકારી, ત્યારે તે સ્પષ્ટ થઈ ગયું હતું કે આ દિવસ વિરાટનો હશે. વિરાટ અને ફાફ સંપૂર્ણ નિયંત્રણમાં દેખાતા હતા. તેઓ માત્ર મોટા શૉટ જ નહીં રમ્યા પણ એક સફળ ભાગીદારી બનાવવા માટે પણ વિકેટો વચ્ચે સારું દોડ્યા પણ છે. બંનેએ જે રીતે બેટિંગ કરી હતી, તેની માટે 186 રનનો કુલ સ્કોર તેમના માટે પૂરતો નહોતો.
વીરેન્દ્ર સેહવાગે આ ઇનિંગ બાદ ટ્વીટ કર્યું હતું કે, "વિરાટ કોહલીની છઠ્ઠી આઈપીએલ સદી. તે તેના શ્રેષ્ઠ ફોર્મમાં છે."
બીજી તરફ, ગુજરાત ટાઇટન્સ સાથેની વિરાટની ટીમની છેલ્લી મૅચ હતી, ત્યારે તેમના દિગ્ગજ બૉલર રાશિદ ખાને પણ ટ્વીટ કરીને તેમને અભિનંદન પાઠ્વ્યા હતા.
વિરાટના પાકિસ્તાનમાંથી વખાણ થયા હતા. પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બૉલર મોહમ્મદ આમિરે ટ્વીટ કર્યું હતું કે, "કિંગ કોહલીએ શું ઇનિંગ રમી છે, મારી પ્રશંસા સ્વીકાર કરો."
સાથે મૅચમાં કૉમેન્ટરી કરી રહેલાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં પૂર્વ કપ્તાન મિતાલી રાજે કહ્યું હતું કે, 'આ બંને બૅટ્સમૅનોએ આ મૅચમાં ક્રિકેટના એક અલગ સ્તરનું પ્રદર્શન કર્યું છે'.
વિરાટની આ ઇનિંગના વખાણ સનરાઈઝર્સ હૈદરાબાદના ખેલાડીઓએ કર્યા હતા.
જ્યારે વિરાટ સદી ફટકારીને આઉટ થયા હતા, ત્યારે સનરાઇઝર્સ હૈદરાબાદના કપ્તાન એડન મારક્રમે તેમની પાસે આવીને તેમને અભિનંદન પાઠવ્યા હતા. સાથે અન્ય ઘણા ખેલાડીઓ પણ વિરાટને અભિનંદન આપવા આવ્યા હતા.
સ્ટ્રાઇક રેટ પર સવાલ ઉઠાવનારાઓને કોહલીએ શું કહ્યું?
વિરાટ કોહલીએ ગુરુવારે સનરાઇઝર્સ સામે 63 બૉલમાં 100 રન બનાવ્યા હતા. તેમણે રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુના કપ્તાન ફાફ ડુપ્લેસી સાથે 172 રનની ભાગીદારી કરી હતી.
રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુના સ્ટાર બૅટ્સમૅન પોતાના સ્ટ્રાઇક રેટ પર ઉઠાવવામાં આવી રહેલા સવાલોના જવાબ આપી રહ્યા હતા.
પોસ્ટ મૅચ પ્રેઝન્ટેશનમાં કોહલીએ સનરાઇઝર્સ સામેના અત્યાર સુધીના તેના સાધારણ પ્રદર્શન વિશે કહ્યું હતું કે, “હું ભૂતકાળના આંકડાને જોતો નથી. મેં મારી જાત પર ખૂબ દબાણ કર્યું છે. ઘણી વખત અસરકારક ઇનિંગ્સ રમવા છતાં હું મારી જાતને શ્રેય આપી શકતો નથી. તેથી જ તે બહારનું કોઈ શું કહે છે તેની તેને બહુ પડી નથી કારણ કે તે તેમનો અભિપ્રાય છે.”
કોહલીએ કહ્યું કે, "જ્યારે તમે પોતે આ સ્થિતિમાં હોવ ત્યારે તમે જાણો છો કે ક્રિકેટની રમત કેવી રીતે જીતવી. મેં આ બધું લાંબા સમયથી કર્યું છે. એવું નથી કે જ્યારે હું રમું છું, ત્યારે મારી ટીમ જીતતી નથી. પરિસ્થિતિ અનુસાર રમવામાં મને ગર્વ છે."
કોહલીની એમ કહીને ટીકા થઈ રહી છે કે તે મિડલ ઓવરોમાં ધીમા રમે છે.
તેમણે કહ્યું, “હું મારી ટૅકનિકને યોગ્ય રાખવા માંગુ છું. હું ફૅન્સી શૉર્ટ્સ રમવાનું ટાળું છું."
વિરાટે કહ્યું કે, “હું એવો ખેલાડી નથી રહ્યો જે ઘણા ફેન્સી શોટ્સ રમે. અમારે બાર મહિના ક્રિકેટ રમવાની હોય છે. હું ફૅન્સી શૉટ રમીને વિકેટ ગુમાવવા માગતો નથી. આઈપીએલ પછી ટેસ્ટ ક્રિકેટ થશે. મારે મારી ટૅકનિક યોગ્ય રાખવી પડશે. મારે મારી ટીમ માટે મૅચ જીતવી છે."
ડુપ્લેસીના માથે છે ઑરેન્જ કૅપ
વિરાટની સાથે જ તેમના કપ્તાન ફાફ ડુપ્લેસીનું બૅટ પણ આ મૅચમાં ફરી ગરજ્યું હતું અને તેમણે 71 રનોની ઇનિંગ્સ રમી હતી.
ફાફ ડુ પ્લેસી સાથે વિરાટે પહેલી વિકેટ માટે 172 રનની ભાગીદારી કરી હતી.
બંને વચ્ચેની ભાગીદારી આ મૅચમાં જ નહીં, પરંતુ આખી સીઝનમાં અવ્વલ રહી છે.
બંનેએ મળીને આ સીઝનમાં અત્યાર સુધી કુલ 796 રન બનાવ્યા છે.
આ સીઝનમાં ડુપ્લેસીની આ આઠમી અર્ધસદી છે, જે કોઈ પણ બૅટ્સમૅનથી વધુ છે.
કુલ 702 રન સાથે ઑરેન્જ કૅપ ડુપ્લેસીના માથે જ છે.
આઈપીએલ રેકૉર્ડ બુક
- જેમાં બંને ટીમમાંથી સદી બની હોય તેવી આઈપીએલની આ પ્રથમ મૅચ છે
- હેનરિક ક્લાસેને સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી સદી ફટકારી હતી
- આઈપીએલમાં આ ક્લાસેનની પ્રથમ સદી હતી
- વિરાટ કોહલીએ રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ તરફથી સદી ફટકારી હતી
- બંને બૅટ્સમૅનોએ છગ્ગો ફટકારીને તેમની સદી પૂર્ણ કરી હતી
- આ આઈપીએલમાં વિરાટ કોહલીની છઠ્ઠી સદી હતી
- હવે વિરાટ સૌથી વધુ સદી ફટકારવાના મામલામાં ક્રિસ ગેલની બરાબરીમાં આવી ગયા છે
- વિરાટ અને ફાફ ડુપ્લેસી વચ્ચે આ આઈપીએલની સૌથી મોટી ભાગીદારી હતી, બંનેએ પહેલી વિકેટ માટે 172 રન ફટકાર્યા હતા
- સનરાઇઝર્સ હૈદરાબાદ- 186/ 5, હેનરિક ક્લાસેન 104 રન
- રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ- 187/2, વિરાટ કોહલી 100 રન, ફાફ ડુપ્લેસી 71 રન
હેનરિક ક્લાસેનની યાદગાર ઇનિંગ
વિરાટ કોહલીએ ભલે મૅચ જીતાઉ સદી ફટકારી હતી, પરંતુ તેમની પહેલાં હેનરિક ક્લાસેને પણ આ આઈપીએલમાં તેમની પ્રથમ સદી ફટકારી હતી અને આ સાથે જ આ મૅચ આઈપીએલના ઇતિહાસમાં જોડાઈ ગઈ હતી.
આ પહેલી એવી મૅચ હતી, જેમાં બંને ટીમે સદી ફટકારી હતી.
સનરાઇઝર્સ હૈદારબાદ તરફથી હેનરિક ક્લાસેને સદી ફટકારી હતી. તેમણે તેમની તોફાની ઇનિંગ્સમાં 49 બૉલમાં 103 રન બનાવ્યા હતા.
આ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમમાંથી બીજી સૌથી ઝડપી સદી હતી.
આ મૅચમાં તેમને આઉટ કરનારા બૉલર હર્ષલ પટેલે પણ તેમની આ ઇનિંગ્સના વખાણ કર્યા હતા.
સાથે વિરાટની ટીમના પૂર્વ સાથી ખેલાડી એબી ડિવિલિયર્સે પણ ટ્વીટ કરીને ક્લાસેનની ઇનિંગ્સના વખાણ કર્યા હતા, તેમણે લખ્યું હતું કે, “હેનરિક ક્લાસેન એક સુપર સ્પેશિયલ ખેલાડી છે. મેં સ્પિનના અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક તેમને જોયા છે.”
જ્યારે ક્લાસેને સદી ફટકારી હતી, ત્યારે ફિલ્ડિંગ કરી રહેલા વિરાટ કોહલી તેમની પ્રશંસા કરતા તાળીઓ પાડી રહ્યા હતા.
હજુ પણ પ્લેઑફનો માર્ગ સરળ નથી
આ મૅચમાં રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુની જીત થઈ હોવા છતાં પ્લેઑફમાં કઈ-કઈ ટીમ પહોંચશે, એ નિર્ણય લીગ મૅચ પૂર્ણ થશે ત્યારે જ લેવામાં આવશે.
ગુજરાત ટાઇટન્સની ટીમ પ્લેઑફમાં પહોંચી ગઈ છે અને પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર છે. સાથે દિલ્હી કૅપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઑફની રેસમાંથી પહેલાથી બહાર થઈ ગયું છે.
પૉઇન્ટ ટેબલમાં 15-15 પૉઇન્ટ સાથે ચેન્નઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ બીજા અને ત્રીજા સ્થાને છે.
આ જીત સાથે બૅંગલુરુની ટીમ ચોથા સ્થાને પહોંચી ગઈ છે, પરંતુ પ્લેઑફમાં પહોંચવા માટે તેને તેની છેલ્લી લીગ મૅચ પણ જીતવી પડશે.
આ ટૂર્નામેન્ટના પ્લેઑફમાં પહોંચેલી મજબૂત ગુજરાત ટાઇટન્સ સામે તેમણે તેની છેલ્લી લીગ મૅચ રમવાની છે.
આ મૅચ રવિવારે રમાશે. એટલે કે રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુની ટીમ પ્લેઑઓફમાં પહોંચશે કે નહીં, તે રવિવારે જ નક્કી થશે.