હાર્દિક પંડ્યા અને આશિષ નેહરા વચ્ચે ઝઘડો કેમ થયો? નેહરાએ સદી કરનારા ગિલને પણ શાબાશી ના આપી

આશિષ નેહરા જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા હતા, એ સમયે પણ બૉલિંગ કરતી વખતે તેઓ ઘણી વાર ગુસ્સે થઈ જતા હતા.

આશિષ નેહરાની બૉલિંગ દરમિયાન વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોની પર ગુસ્સે થયાનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.

એ સમયે ધોની નવા હતા અને આશિષ નેહરા થોડા જૂના હતા.

જોકે ક્રિકેટ મૅચ દરમિયાન આશિષ નેહરાની નારાજગીની એક કે બે કહાણી છે.

આશિષ નેહરાની જૂની વાતોનો ઉલ્લેખ એટલા માટે કરવામાં આવી રહ્યો છે, કારણ કે સોમવારે આઈપીએલ મૅચ દરમિયાન તેમની નારાજગી ચર્ચાનો વિષય બની હતી.

આ દરમિયાન ગુજરાત ટાઇટન્સના કપ્તાન હાર્દિક પંડ્યા સાથેનો તેમનો ઝઘડો પણ ચર્ચામાં છે.

આશિષ નેહરા આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સ ટીમના કોચ છે.

ગુજરાત ટાઇટન્સની ટીમે ગયા વર્ષે તેની પ્રથમ સીઝનમાં જ આઈપીએલનો ખિતાબ જીતી લીધો હતો.

ત્યારથી જ કોચ આશિષ નેહરા અને કપ્તાન હાર્દિક પંડ્યાને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે.

વર્તમાન આઈપીએલમાં પણ ગુજરાતની ટીમ પ્લેઑફમાં જગ્યા બનાવનારી પ્રથમ ટીમ બની છે.

મૅચ દરમિયાન શું થયું હતું

વાસ્તવમાં સોમવારે ગુજરાત ટાઇટન્સની સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ સાથે મૅચ હતી.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મૅચમાં ગુજરાતની ટીમે પ્રથમ બેટિંગ કરતા નવ વિકેટે 188 રન બનાવ્યા હતા.

જવાબમાં હૈદરાબાદની ટીમ માત્ર 154 રન જ બનાવી શકી હતી અને ગુજરાતની ટીમ 34 રનના તફાવતથી મૅચ જીતી ગઈ હતી.

આ સાથે જ ગુજરાતની ટીમ આ આઈપીએલના પ્લેઑફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે.

હૈદરાબાદ સામે ગુજરાતની ઇનિંગ્સમાં શુભમન ગિલની સદી યાદગાર રહી હતી.

શુભમને શાનદાર ઇનિંગ રમી હતી, પરંતુ જ્યારે તેમણે આઈપીએલમાં પોતાની પહેલી સદી ફટકારી, ત્યારે ડગઆઉટમાં આશિષ નેહરા સિવાય બધાએ ગિલની સદીને બિરદાવી હતી.

જોકે આ દરમિયાન આશિષ નેહરાની નારાજગી જોવા મળી હતી.

ત્યારબાદ તેઓ ઘણા ગુસ્સે થઈ ગયા હતા અને કપ્તાન હાર્દિક પંડ્યા સાથે તેમની બોલાચાલી પણ થઈ હતી.

ગુજરાતની પ્રથમ વિકેટ ખૂબ જ ઝડપથી પડી હતી.

જોકે ત્યારબાદ શુભમન ગિલ અને સાઈ સુદર્શનને બીજી વિકેટ માટે સારી ભાગીદારી નિભાવી અને એક સમયે એવું લાગી રહ્યું હતું કે ગુજરાતની ટીમનો સ્કોર સરળતાથી 200ને પાર કરી જશે.

જોકે આવું થયું નહીં. ગુજરાતની ટીમે છેલ્લી ત્રણ ઓવરમાં છ વિકેટ ગુમાવી દીધી હતી.

હૈદરાબાદના ભુવનેશ્વર કુમારે ગુજરાતની ઇનિંગમાં છેલ્લી ઓવર ફેંકી અને આ ઓવરમાં ગુજરાતની ટીમે ચાર વિકેટ ગુમાવી દીધી હતી.

છેલ્લી ઓવરમાં ગુજરાતની ટીમ માત્ર બે રન જ બનાવી શકી હતી.

એવું માનવામાં આવી રહ્યું છે કે આશિષ નેહરા નારાજ હતા, કારણ કે બૅટ્સમૅનો પાસેથી તેમને જે આશાઓ હતી, તે પૂરી થઈ નહીં.

ગુજરાતની ઇનિંગ્સનો અંત આવ્યા બાદ આશિષ નેહરાએ કપ્તાન હાર્દિક પંડ્યા સાથે પણ બોલાચાલી કરી હતી. ટીમના ડાયરેક્ટર વિક્રમ સોલંકીએ હાર્દિક પંડ્યાને શાંત કરવા પડ્યા હતા.

સોશિયલ મીડિયા પર પણ ચર્ચા થઈ

નેહરાની નારાજગી અને કપ્તાન હાર્દિક પંડ્યા સાથેની તેમની દલીલ સોશિયલ મીડિયામાં પણ ઘણી ચર્ચાઈ રહી છે.

લોકો લખી રહ્યા છે કે આશિષ નેહરા ગુસ્સામાં હાર્દિક પંડ્યાની વાત પણ સાંભળી રહ્યા નથી.

સર્કલ ઑફ ક્રિકેટે પણ લખ્યું છે કે ગુજરાતની ટીમની બેટિંગથી કોચ નેહરા ખુશ ન હતા.

આશિષ નેહરાની નારાજગીને લઈને ઘણા લોકોએ ટ્વીટ કર્યા છે.

આ આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સની સફર

ગયા વર્ષની વિજેતા ગુજરાત ટાઇટન્સની ટીમે આ આઈપીએલમાં અત્યાર સુધી 13 મૅચ રમી છે.

તેમાંથી નવ મૅચમાં તેમને જીત મળી હતી અને માત્ર ચાર મૅચમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

નવ જીત સાથે ગુજરાતે આ આઈપીએલના પ્લેઑફમાં પણ સ્થાન મેળવી લીધું છે.

આ વખતે ગુજરાતની ટીમે ઘણી શાનદાર મૅચ રમી હતી અને ઘણા ખેલાડીઓનું વ્યક્તિગત પ્રદર્શન પણ જોરદાર રહ્યું હતું.

ગુજરાતની મોટી જીતમાં સામેલ છે- રાજસ્થાનને નવ વિકેટે હરાવવું, કોલકાતાની ટીમને સાત વિકેટે હરાવવી અને મુંબઈની ટીમને 55 રનોથી માત આપવી.

આ ઉપરાંત ગુજરાતના ખાતામાં ઘણી મહત્ત્વની જીત હતી.

બૉલિંગની વાત કરીએ તો આ આઈપીએલમાં મોહમ્મદ શમીએ ગુજરાતની ટીમ માટે ઘણું સારું પ્રદર્શન કર્યું હતું.

હાલ તેઓ 23 વિકેટ સાથે આ આઈપીએલમાં સૌથી વધુ વિકેટ લેનારા બૉલર છે.

23 વિકેટ સાથે બીજા નંબરે ગુજરાતના રાશિદ ખાન છે.

આ સિવાય મોહિત શર્માએ પણ આ સીઝનમાં તેમની બૉલિંગથી બધાને પ્રભાવિત કર્યા છે.

બેટિંગની વાત કરીએ તો ભલે કપ્તાન હાર્દિક પંડ્યા આ વખતે વધારે ચાલી શક્યા ન હતા, પરંતુ શુભમન ગિલે સારી બેટિંગ કરી છે.

તે બેટિંગમાં પણ ફૅફ ડુપ્લેસિસ પછી બીજા નંબરે છે.

આ ઉપરાંત ડેવિડ મિલર, શ્રીકાંત ભરત, વિજય શંકર અને સાઈ સુદર્શને પણ ઘણી સારી બેટિંગ કરી હતી.

મુંબઈ સામેની મૅચમાં રાશિદ ખાને એટલી સારી બેટિંગ કરી હતી કે બધાએ તેમના વખાણ કર્યા હતા.

રાશિદ ખાને માત્ર 32 બૉલ પર 79 રન બનાવ્યા હતા. તેમણે તેમની ઇનિંગમાં 10 છગ્ગા માર્યા હતા.