ઇઝરાયલ-હમાસ: હુમલા બાદ ગાઝાનું શું થશે અને એમાં રહેતા મુસલમાનો ક્યાં જશે?

ઇમેજ સ્રોત, EPA
ગત 7 ઑક્ટોબરના રોજ હમાસના ઉગ્રવાદીઓએ દક્ષિણ ઇઝરાયલમાં આયોજિત નોવા મ્યુઝિક ફેસ્ટિવલ અને આસપાસના વિસ્તારોમાં નાગરિકો પર હુમલો કરી સંખ્યાબંધ લોકોનાં મૃત્યુ નિપજાવ્યાં હતાં.
જે બાદ ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં કરેલી જવાબી કાર્યવાહીમાં અત્યાર સુધી હજારો લોકોનાં મૃત્યુ થયાંના અહેવાલ જોવા મળી રહ્યા છે. ઇઝરાયલના હુમલાને કારણે લાખો ગાઝાવાસીઓ દક્ષિણ ગાઝા તરફ સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. તેમજ હુમલામાં ગાઝાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયાનાં દૃશ્યો પણ સામે આવી રહ્યાં છે.
હમાસે મંગળવારે ગાઝા શહેરની એક હૉસ્પિટલમાં થયેલા ભીષણ બૉમ્બધડાકા માટે ઇઝરાયલના હવાઈ હુમલાને જવાબદાર ઠેરવ્યો હતો.
નોંધનીય છે કે આ હુમલામાં ઓછામાં ઓછા 500 લોકોનાં મૃત્યુ થયાંનો દાવો કરાઈ રહ્યો છે.
જોકે, ઇઝરાયલે આને ‘ઇસ્લામિક જેહાદ’નું કામ ગણાવ્યું હતું.
બંને પક્ષો વચ્ચે ચાલી રહેલા ઘર્ષણનો હાલ કોઈ અંત દેખાઈ નથી રહ્યો.
ઊલટાનું ઇઝરાયલે ગાઝામાં હમાસ વિરુદ્ધ ‘જમીન અભિયાન’ની તૈયારીઓ કરી લીધી હોવાનું કહેવાઈ રહ્યું છે.
જો ઇઝરાયલ ગાઝામાં ‘જમીન અભિયાન’ શરૂ કરે તો સંઘર્ષ વધુ ‘વિકરાળ’ સ્વરૂપ ધારણ તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જો આવું થાય તો ઇઝરાયલ-હમાસ સંઘર્ષ બાદ ગાઝાનું શું થશે? અને ત્યાં રહેતા લગભગ 20 લાખ કરતાં વધુ મુસ્લિમોનું શું થશે?
ઇઝરાયલની ગાઝા પર ‘જમીની હુમલા’ની તૈયારી

ઇમેજ સ્રોત, EPA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇઝરાયલનું પ્રથમ મિશન ગાઝાની આસપાસના વિસ્તારને સુરક્ષિત કરવાનું અને ત્યાં રહેલા હમાસના ઉગ્રવાદીઓનો સફાયો કરવાનું છે.
હમાસના ઉગ્રવાદીઓએ શનિવારના હુમલા દરમિયાન કેટલાક નાગરિકોનું અપહરણેય કર્યું હતું.
ઇઝરાયલે હમાસના હુમલા બાદ ગાઝા પર ભારે હવાઈ હુમલા શરૂ કરી દીધા હતા. ઇઝરાયલના મતે તેઓ હમાસના નેતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવી રહ્યા છે.
ઇઝરાયલ ‘જમીની હુમલા’ની યોજનાને ગુપ્ત જ રાખશે, કારણ કે તે ઘણા સમયથી આવા અભિયાનની તૈયારી કરી રહ્યું છે.
ઇઝરાયલે ઘણા અબજ ડૉલરનો ખર્ચ કરીને દક્ષિણ ક્ષેત્રમાં ‘ગાઝા સિમ્યુલેટર’ સ્થળ બનાવ્યું છે, જેને મિની ગાઝા કહેવાય છે.
ત્યાં ઇઝરાયલી સૈનિકો ગાઝા જેવી સ્થિતિમાં યુદ્ધની તૈયારી કરે છે. સૈનિકોને ભીડભાડવાળી ઇમારતો, સુરંગોમાં લડવાની તાલીમ લે છે.
અનુમાન પ્રમાણે, હમાસે ગાઝામાં એક હજાર કરતાં વધુ સુરંગો બનાવી છે.
જેરુસલેમ પોસ્ટના પૂર્વ એડિટર અને આઇડીએફ પરનાં પુસ્તકોના લેખક યાકોબ કાત્ઝ જણાવે છે કે ઇઝરાયલની સેનાને આ હેતુ માટે વિશેષ બ્રિગેડોમાં અભિયાન ચલાવવા માટે તૈયાર કરાઈ છે. સેનાનાં ઇજનેર અને બુલડોઝર, થળ સેના અને ટૅન્કો એકસાથે અભિયાન ચલાવે છે.
ઇઝરાયલનું મિશન શું છે?

ઇમેજ સ્રોત, IDF
30 વર્ષ સુધી આઇડીએફમાં સેવા આપનારા મેજર જનરલ ગિલાડ કહે છે કે આ અભિયાનનો હેતુ ગાઝામાં કરાયેલાં તમામ અભિયાનો કરતાં મોટો છે.
અત્યાર સુધીનાં અભિયાન હમાસને સીમિત કરવા પર કેન્દ્રિત હતાં, પરંતુ આનો હેતુ હમાસને સમાપ્ત કરવાનો છે.
“આ વખતે આપણે કંઈક એવું કરવાનું રહેશે જે વધુ નાટકીય હોય, નિર્ણાયક સૈન્ય કાર્યવાહી કરાય જે આ ક્ષેત્રમાં ઇઝરાયલના દુશ્મોને રોકે, ઉદાહરણ તરીકે હિઝબુલ્લાહ અને ઈરાન.”
કાત્ઝ માને છે કે ઇઝરાયલનો હેતુ હમાસને સંપૂર્ણપણે ખતમ કરવાનો હશે જેથી એ ફરી વાર સૈન્ય તાકત હાંસલ કરીને ઇઝરાયલ પર હુમલો ન કરી શકે.
“જોકે, ઇઝરાયલ ગાઝા પર ફરી વાર કબજો નથી કરવા માગતો, કારણ કે એ એવા 21 લાખ લોકો પર શાસન નથી કરવા માગતું જે તેને દુશ્મન માને છે.”
પરંતુ તાજેતરનો ઇતિહાસ જણાવે છે કે આક્રમણ ભલે સુઆયોજિત હોય, પરંતુ બધું યોજના અનુસાર ચાલે એ જરૂરી નથી. વિશ્વનાં સૌથી ઉન્નત સૈન્યોએ પણ પછડાટ ખાવો પડી શકે, અમેરિકા સાથે ઇરાક અને અફઘાનિસ્તાનમાં જે થયું એ આનું જ એક ઉદાહરણ છે. કે પછી રશિયાના સૈન્ય સાથે જે થયું એ.
ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્ટ્રેટેજિક સ્ટડીઝ સાથે જોડાયેલા જનરલ ટૉમ બેકેટ કહે છે કે, “ગાઝા માત્ર 40 કિલોમીટર લાંબો વિસ્તાર છે અને ત્યાં સૈન્ય અભિયાન એટલું વિસ્તૃત નહીં હોય. પરંતુ આનું પરિણામ શું આવશે, તેનું અનુમાન કરવું મુશ્કેલ છે.”
જનરલ બેકેટ કહે છે કે, “ખરેખર તો, ઇઝરાયલ પાસે ગાઝામાં અભિયાન શરૂ કરવો એ કોઈ સારો વિકલ્પ નથી. હમાસ વિરુદ્ધનું સૈન્ય અભિયાન ભલે ગમે તેટલું સફળ થાય, સૈન્ય તરીકે હમાસને ભલે ગમે તેટલું નુકસાન થાય, પરંતુ આ કાર્યવાહીની રાજકીય અસર અને લોકોનું વિદ્રોહીઓ પ્રત્યે સમર્થન જળવાઈ રહેશે.”
“કાં તો ઇઝરાયલ ગાઝા પર કબજો કરશે અને તેને પોતાના નિયંત્રણમાં રાખશે કે પછી હુમલા બાદ પીછેહઠ કરીને એ વિસ્તારને ત્યાંના લોકો પર છોડી દેશે, જેમના માટે વિદ્રોહ અસ્તિત્વનો સવાલ છે.”
- 7 ઑક્ટોબરના રોજ થયેલા હુમલામાં ઇઝરાયલના 1,300 નાગરિકોનાં મૃત્યુ
- હમાસના હુમલામાં 150 કરતાં વધુનું અપહરણ કરાયું
- હુમલા સામેની જવાબી કાર્યવાહીમાં ઇઝરાયલના હુમલામાં 7 ઑક્ટોબરથી અત્યાર સુધી 3,300 લોકોનાં મૃત્યુનો દાવો
- પહેલાં અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકન અને હવે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન હુમલા બાદ ઇઝરાયલની મુલાકાતે પહોંચ્યા હતા
- અમેરિકાના બંને નેતાઓએ ‘ઇઝરાયલને દરેક સંભવ મદદ’ની વાત કરી હતી
- મંગળવારે રાત્રે ગાઝાની હૉસ્પિટલમાં થયેલા હુમલામાં 500 લોકોનાં મૃત્યુનો દાવો કરાઈ રહ્યો છે
- આ હુમલા માટે ઇઝરાયલ-હમાસ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે
ઇઝરાયલ-હમાસના સંઘર્ષ બાદ ગાઝાનું શું થશે?

ઇમેજ સ્રોત, Reuters
ઇઝરાયલનું કહેવું છે કે એ માત્ર હમાસનો ખાતમો કરવા માગે છે, એનો એવો મતલબ બિલકુલ નથી કે 20 વર્ષ પહેલાં જે વિસ્તારમાંથી તેણે પીછેહઠ કરી તેના પર એ ફરીથી કબજો કરશે.
તીવ્ર જમણેરી વિચારધારાવાળા કેટલાક ઇઝરાયલીઓ ભલે આવું કરવા માગતા હોય, પરંતુ વર્ષ 1967થી 2005 સુધીનો કબજો એ ખર્ચાળ અને અલોકપ્રિય હતો. ઇઝરાયલ 20 લાખ જેટલા નારાજ પેલેસ્ટાઇનિયનોનો શાસક બનવા નથી માગતું.
ઇઝરાયલની પેલેસ્ટાઇનિયનોને ઘર છોડી દેવાની ચેતવણીઓથી ત્યાંના લોકોના મનમાં ભય પેદા કરે એ સ્વાભાવિક છે. આવી ચેતવણીઓને કારણે સ્વાભાવિક છે કે ત્યાંના લોકોના મનમાં એવો ડર પેદા થાય કે આની પાછળ ઇઝરાયલનો છૂપો ઍજન્ડા છે, જે અંતર્ગત એ ફરી એક વાર વર્ષ 1948ના ‘નકબા’ કે આપત્તિની સ્થિતિ સર્જવા માગે છે.
એ સમયે હજારો પેલેસ્ટાનિયનોએ કાં તો પોતાનાં ઘર છોડી દીધેલાં અથવા તો ઇઝરાયલી સૈન્યે તેમને કાઢી મૂકેલા. પરંતુ ઘર્ષણ બાદના નિરાકરણ સ્વરૂપે આ સ્થિતિ હાલ દૂરની લાગે છે.
ઇઝરાયલના એક ભૂતપૂર્વ સૈન્યાધિકારીએ કહેલું કે તેમને આશા છે કે ઇઝરાયલ, ખાડી દેશો અને આંતરરાષ્ટ્રીય સમુદાય ગાઝાના પુન:નિર્માણ માટે આગળ આવશે. વેસ્ટ બૅન્કસ્થિત પેલેસ્ટાઇનિયન ઑથૉરિટીને ગાઝાનું નિયંત્રણ સોંપવા અંગે ચર્ચા કરશે. વર્ષ 2007માં હમાસ સાથેના ટૂંકા ઘર્ષણ બાદ આ જૂથે ગાઝા છોડવું પડેલું.
ઇઝરાયલી હુમલામાં ગાઝામાં થયેલા નુકસાનને જોતાં ક્ષેત્રમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પુન:નિર્માણ એક મસમોટું કામ હશે.
હમાસ વિરુદ્ધ ઇઝરાયલે ‘જમીની અભિયાન’નું ગમે એ પરિણામ આવે, એ ઇચ્છશે કે આના થકી એ પોતાનો મૂળ ઉદ્દેશ હાંસલ કરી શકે. તે ઇચ્છશે કે એ એવો દાખલો બેસાડે જેથી ભવિષ્યમાં ક્યારેય તેના પર આવો હુમલો ન થઈ શકે.
ગાઝાના મુસ્લિમોનું શું થશે?

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલના ‘જમીની હુમલા’ અને તેના કારણે પેદા થતી સ્થિતિને કારણે ગાઝામાં રહેલા મુસ્લિમોના ભવિષ્ય અંગે પ્રશ્ન સર્જાયો છે. ક્ષેત્રમાં મુસ્લિમ સમુદાયના ભવિષ્ય અંગે જાતભાતનાં આકલન કરાઈ રહ્યાં છે.
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના પ્રોફેસર અને આરબ-ઇઝરાયલી શાંતિ અને સંઘર્ષની બાબતોના જાણકાર એ. કે. પાશા બીબીસી સાથેની વાતચીતમાં જણાવે છે કે, “ઇઝરાયલના સંરક્ષણમંત્રીએ ઉત્તર ગાઝામાં વસતા લોકોને પોતાનાં ઘર ખાલી કરવા જણાવ્યું છે. પરંતુ દક્ષિણે જતા લોકો પર પણ હુમલા કરાઈ રહ્યા છે. ઉપરાંત લોકોને ભય છે કે જો તેઓ પોતાનાં ઘરો છોડીને જશે તો ફરી એક વાર 1948 જેવી સ્થિતિ સર્જાશે. અને ઇઝરાયલીઓ પોતાના લોકોને આ વિસ્તારમાં લાવીને વસાવી દેશે.”
તેઓ ગાઝામાં વસતા મુસ્લિમોના સામૂહિક સ્થળાંતરની વાત અંગે કહે છે કે, “ગાઝાના લોકો ક્યાંય જઈ શકે એવી સ્થિતિ નથી. ઇજિપ્તની બૉર્ડરેય બંધ છે. ઇઝરાયલે તો પોતાની બૉર્ડર પહેલાંથી સીલ કરી જ દીધી છે. લોકો ક્યાંય જઈ શકે એમ નથી.”
ગાઝામાંથી આવતા લોકોને શરણ આપવા માટે અન્ય મુસ્લિમ ખાડી દેશોની શક્તિ અને ઇચ્છા અંગે વાત કરતાં તેઓ કહે છે કે, “ગાઝાના મુસ્લિમોને કોઈ ખાડી દેશ રાખવા તૈયાર નહીં થાય. કારણ કે કોઈ દેશ 1948માં પેલેસ્ટાઇનિયન રૅફ્યુજી સંકટ બાદ ભોગવવા પડેલાં પરિણામોનો ફરીથી સામનો કરવા તૈયાર નહીં થાય.”
“પેલેસ્ટાઇનિયનો જ્યાં જશે ત્યાં રાજકીય અને આંતરિક સમસ્યાઓ સર્જાવાની શક્યતા હોય છે. પ્રાદેશિક સ્તરે જોઈએ તો આસપાસના મુસ્લિમ દેશો લાંબા ગાળાનું વિચારીને ગાઝા પટ્ટી ખાલી કરાવી ત્યાંના મુસ્લિમોને પોતાને ત્યાં રૅફ્યુજી તરીકે લાવવાને કાયમી સમાધાન તરીકે નહીં જુએ. તેથી એવું કહી શકાય કે કોઈ દેશ તેમને રાખવા અને પેલેસ્ટાઇનિયનો ઉકેલ માટે અન્ય સ્થળે જવા તૈયાર ન થાય.”














