એ ત્રણ ભૂલો જેને લીધે ભારત ફરી વેસ્ટ ઇન્ડિઝ સામે મૅચ હાર્યું, નારાજ હાર્દિક પંડ્યા શું બોલ્યા?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી ટી-20 શ્રેણીની બીજી મૅચમાં વેસ્ટ ઇન્ડિઝે ભારતને બે વિકેટે હરાવી દીધું. વેસ્ટ ઇન્ડિઝે બે મૅચ જીતીને પાંચ મૅચની શ્રેણીમાં લીડ મેળવી છે.

આ મૅચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે સાત વિકેટના નુકસાન સાથે 152 રન બનાવ્યા હતા.

ભારત તરફથી તિલક વર્માએ સૌથી વધુ 51 રન બનાવ્યા હતા. તે સિવાય ભારતીય બૅટ્સમૅનોમાં ઇશાન કિશને 27, હાર્દિક પંડ્યાએ 24 અને અક્ષરે 14 રન બનાવ્યા હતા.

જવાબમાં વેસ્ટ ઇન્ડિઝ તરફથી નિકૉલસ પૂરણે સૌથી વધુ 67 રન બનાવ્યા હતા.

ભારત તરફથી હાર્દિક પંડ્યાએ ત્રણ અને યુઝવેન્દ્ર ચહલે બે વિકેટ ઝડપી હતી.

ભારતે આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઊતરેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમે 19મી ઓવરમાં જ આઠ વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા હતા અને મૅચ જીતી લીધી હતી.

હવે ભારતે શ્રેણીની ત્રીજી મૅચ ફરજિયાત જીતવી જ પડશે. જો ભારત આમ નહીં કરી શકે તો આ શ્રેણી વેસ્ટ ઇન્ડિઝના નામે થઈ જશે.

મૅચના પરિણામ પછી ટીમના કૅપ્ટન હાર્દિક પંડ્યાની સૉશિયલ મીડિયા પર ટીકા થઈ રહી છે. ટીમની સતત બીજી હાર માટે તેમના કેટલાક નિર્ણયોને જવાબદાર ઠેરવાઈ રહ્યા છે.

બૅટ્સમૅનોનું ખરાબ પ્રદર્શન

ગુયાનાના પ્રૉવિડન્સ સ્ટૅડિયમ ખાતે રમાયેલ આ મૅચમાં ટીમના બૅટ્સમૅનોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું.

ટોસ જીતીને પહેલી બેટિંગ કરતા ભારતે જલ્દી જ ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવની વિકેટો પાવર-પ્લેમાં જ ગુમાવી દીધી હતી.

જોકે પોતાની કારકિર્દીની માત્ર બીજી મૅચ રમી રહેલા તિલક વર્માએ નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું અને 41 બૉલમાં 51 રન બનાવ્યા હતાં. જેને કારણે ભારત સાત વિકેટે 152 રનનાં સન્માનજનક આંકડે પહોંચી શક્યું હતું.

પરંતુ સૂર્યકુમાર યાદવે 1 રન, શુભમન ગિલે 7 રન, સંજુ સૅમસને 7 રન અને હાર્દિક પંડ્યાએ માત્ર 24 રન બનાવ્યા હતા. આમ, કોઈ બૅટ્સમૅન લાંબી ઇનિંગ રમી શક્યા નહોતા.

ચહલને ન આપવામાં આવી 18મી ઑવર

સૉશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યાનાં એક નિર્ણયની પણ ટીકા થઈ રહી છે.

ભારત તરફથી યુઝવેન્દ્ર ચહલે 16મી ઑવર ફેંકી હતી અને તેમાં માત્ર બે રન આપીને બે બૅટ્સમૅનોને આઉટ કર્યા હતા.

જેમાં શિમરૉન હૅટમાયર અને જેસન હૉલ્ડરની વિકેટ સામેલ હતી. આ બંને બૅટ્સમૅનો સેટ થઈ ચૂક્યા હતા. તે જ ઑવરમાં રૉમારિયો શૅફર્ડ પણ રન-આઉટ થયા હતા.

યુઝવેન્દ્ર ચહલના સ્પેલની એક ઓવર બાકી હતી અને હવે તો વેસ્ટ ઇન્ડિઝના નીચેના ક્રમના બૅટ્સમૅનો જ બેટિંગમાં આવવાના હતા.

આમ છતાં પણ હાર્દિક પંડ્યાએ તેમને 18મી ઑવરમાં બૉલિંગ આપી ન હતી.

ફાસ્ટ બૉલરો પર વધુ ભરોસો પરંતુ તેમનું ખરાબ પ્રદર્શન

હાર્દિક પંડ્યાએ 18મી ઓવરમાં અર્શદીપ સિંહને બૉલિંગ આપી હતી. તેના પહેલા જ બૉલ પર ચોગ્ગો ફટકારવામાં આવ્યો હતો. તે ઓવરમાં વેસ્ટ ઇન્ડિઝે 9 રન બનાવ્યા હતા.

આ પછી 19મી ઓવરમાં અલઝારી જોસેફે મુકેશ કુમારની બૉલિંગમાં સિક્સ ફટકારી અને ત્યાં જ ભારતીય ટીમની હાર નિશ્ચિત થઈ ગઈ.

પાવર-પ્લેમાં પણ ભારતીય ટીમના બૉલરોનું પ્રદર્શન ખૂબ ખરાબ રહ્યું છે. પ્રથમ મૅચમાં વેસ્ટ ઈન્ડિઝે પાવર-પ્લેમાં 54 રન અને બીજી મેચમાં 61 રન બનાવ્યા હતા.

બીજી ટી-20ની પ્રથમ ઓવરમાં 2 વિકેટ પડી ગયા બાદ પણ વેસ્ટ ઈન્ડિઝે આક્રમણ ચાલુ રાખ્યું હતું. જેના કારણે ભારતીય ટીમ બેકફૂટ પર આવી ગઈ હતી.

બીજી ટી-20માં અર્શદીપ સિંહ, મુકેશ કુમાર અને હાર્દિક પંડ્યા ત્રણેયે પોતાની ચાર ઑવરનો ક્વોટા પૂરો કર્યો હતો.

અર્શદીપ સિંહ ટી-20માં ભારતીય ટીમના મુખ્ય ફાસ્ટ બૉલર મનાય છે. પરંતુ તે આ સિરીઝની બંને મૅચમાં તેમના આગવા લયમાં જોવા મળ્યા ન હતા.

પ્રથમ મૅચમાં તેમણે ચાર ઓવરમાં 31 રન અને બીજી મૅચમાં 34 રન આપ્યા હતા. પ્રમાણમાં બેટિંગ માટે કઠિન પીચ પર બૉલરોનું આવું પ્રદર્શન હારનું કારણ બને છે.

મૅચ બાદ હાર્દિક પંડ્યાએ શું કહ્યું?

મૅચ બાદ કૅપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું કે, “ અમારી પાસે વર્તમાન કૉમ્બિનેશન એવું છે કે અમારે સારા પ્રદર્શન માટે અમારા ટોચના 7 બૅટ્સમૅન પર આધાર રાખવો પડશે અને પછી એ ચોક્કસ વાત છે કે બૉલરો તમને મૅચ જીતાડી આપશે.”

“અમારી પાસે યોગ્ય બૅલેન્સ છે કે નહીં તેની ખાતરી કરવા માટે અમારે રસ્તો શોધવો પડશે, પરંતુ એ વાત સ્પષ્ટ છે કે બૅટ્સમૅનોએ વધુ જવાબદારી લેવાની જરૂર છે.”

આ મુદ્દે પૂર્વ ક્રિકેટર વસીમ જાફરે ઈએસપીએનનાં પોસ્ટ-મૅચ શોમાં જણાવ્યું હતું કે, “ ભારતનાં નંબર 8, 9, 10 અને 11 માં બાઉન્ડરી મારવાની ક્ષમતા નથી. જ્યારે તમે આ ફૉર્મેટમાં રમો છો ત્યારે તે ચિંતાનો વિષય બને છે. જો ઑસ્ટ્રેલિયા, ઈંગ્લૅન્ડ, ન્યુઝીલૅન્ડ અથવા તો વેસ્ટ ઇન્ડિઝ જેવી ટીમો રમતી હોય તો તેમનાં બૅટ્સમૅનો આમ કરવા સક્ષમ છે. ભારત ત્યાં મજબૂત નથી તેના પર કામ કરવાથી જ ટીમમાં સંતુલન આવશે.”