ઇઝરાયલ અને હમાસ વચ્ચે કરાર તો થઈ ગયો, પણ ખરેખર યુદ્ધનો અંત આવી જશે?

    • લેેખક, હ્યુગો બશેગા
    • પદ, મધ્યપૂર્વ સંવાદદાતા, જેરુસલેમથી

ઇજિપ્તમાં લાંબી વાતચીત બાદ ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામની સાથે કેદીઓની મુક્તિ પર કરાર થઈ ગયો છે.

તેનાથી ગાઝામાં બે વર્ષથી ચાલતું યુદ્ધ પૂરું થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.

યુદ્ધના સંબંધમાં આ મહત્ત્વની કડી માનવામાં આવે છે. જોકે એ વાતની કોઈ ગૅરંટી નથી કે આ યુદ્ધ ખરેખર સમાપ્ત થઈ જશે.

ગાઝામાં યુદ્ધવિરામ અને શાંતિની દિશામાં થયેલી પ્રગતિમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દખલગીરીએ મોટી ભૂમિકા ભજવી છે.

ટ્રમ્પે ન માત્ર હમાસ પણ, પરંતુ ઇઝરાયલ પર પણ દબાણ નાખ્યું છે. ટ્રમ્પ માત્ર યુદ્ધ જ રોકવા માગતા નથી, પણ તેના માટે પુરસ્કૃત (નોબલ શાંતિ પુરસ્કાર) થવા પણ માગે છે.

ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂ દબાણમાં

હમાસના હુમલાના જવાબમાં ઇઝરાયલે સાત ઑક્ટોબર, 2023ના રોજ ગાઝામાં યુદ્ધની જાહેરાત કરી હતી. હમાસના હુમલામાં 1,200 લોકો માર્યા ગયા અને 251 ઇઝરાયલી નાગરિકોને બંધક બનાવ્યા હતા.

અત્યાર સુધીમાં ઇઝરાયલની કાર્યવાહીમાં 18 હજાર બાળકો સહિત 67 હજાર પેલેસ્ટિનિયન નાગરિકો માર્યા ગયા છે. આ યુદ્ધે ગાઝાનો મોટા ભાગનો વિસ્તાર તબાહ કરી દીધો છે અને વિનાશકારી માનવીય સંકટ પેદા કર્યું છે.

આજે થયેલા કરાર પર ગયા અઠવાડિયે અમેરિકામાં સમજૂતી થઈ હતી. ત્યારે વ્હાઇટ હાઉસમાં થયેલા આ કાર્યક્રમમાં ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે જોડાયા હતા.

નેતન્યાહૂ પર અગાઉના શાંતિ પ્રયાસોને નબળા પાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ વખતે નેતન્યાહૂથી નારાજ હતા અને તેમની ધીરજે જવાબ આપી દીધો હતો.

અમેરિકાનો ઇઝરાયલ પર નોંધપાત્ર પ્રભાવ છે. આ જોતા ઇઝરાયલી વડા પ્રધાન પાસે શાંતિ-પ્રક્રિયામાં સામેલ થવા સિવાય કોઈ બીજો વિકલ્પ નહોતો.

ચરમપંથી જૂથ હમાસ પણ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની 'સંપૂર્ણ ખાત્મા'ની ધમકીથી ઘણું દબાણમાં છે. આરબ અને અન્ય મુસ્લિમ દેશોએ રાષ્ટ્રપતિ ટ્રમ્પની યોજનાને મંજૂરી આપી છે અને ઇજિપ્ત, કતાર અને તુર્કીએ પણ વાર્તામાં મજબૂત ભૂમિકા નિભાવી છે.

આ નવા કરારનું વિવરણ હજુ સુધી જાહેર કરાયું નથી, પરંતુ તેમાં બધા બંધકોની મુક્તિ સામેલ હશે, જેમાં 20 લોકો જીવિત માનવામાં આવે છે.

બધા જીવિત બંધકોને એકસાથે રવિવાર સુધી મુક્ત કરાય તેવી શક્યતા છે. જ્યારે મૃતક 28 લોકોના મૃતદેહોને તબક્કા વાર સોંપાશે.

આ કરાર હેઠળ ઇઝરાયલી જેલોમાં બંધ સેંકડો પેલેસ્ટિનિયનોને મુક્ત કરાશે, ગાઝાના કેટલાક વિસ્તારોમાંથી ઇઝરાયલી દળો પાછા હઠશે અને ગાઝામાં માનવીય સહાય વધારાશે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે શાંતિ માટેના નોબલ શાંતિ પુરસ્કાર મેળવવાની ઇચ્છા ખુલ્લેઆમ વ્યક્ત કરી છે. પુરસ્કારની જાહેરાત શુક્રવારે કરાશે.

ટ્રમ્પે આગવી શૈલીમાં સોશિયલ મીડિયા પર આ ઘટનાને "ઐતિહાસિક અને અભૂતપૂર્વ" ગણાવી અને કહ્યું કે એ "સ્થાયી શાંતિ તરફનું પ્રથમ પગલું" છે.

આ ચોક્કસપણે એક મહત્ત્વપૂર્ણ ક્ષણ છે, પરંતુ સંપૂર્ણ ખાતરી સાથે કહી શકાય નહીં કે ગાઝા કરાર પૂર્ણ થશે, કેમ કે મુખ્ય મુદ્દાઓ પર ઘણું કામ કરવાનું બાકી છે.

જેમ કે આમાં હમાસને હથિયારવિહીન કરવું, ઇઝરાયલી સૈનિકોને પાછા બોલાવવા માટે સમયમર્યાદા નક્કી કરવી અને ગાઝા પર કોણ શાસન કરશે એ નક્કી કરવાનું સામેલ છે.

ગાઝામાં પેલેસ્ટિનિયનોએ મધરાતે હમાસ-ઇઝરાયલ કરારની જાહેરાતની ઉજવણી કરી હતી અને આશા વ્યક્ત કરી કે તેમની મુશ્કેલીઓનો અંત આવશે. આ દરમિયાન તેલ અવિવમાં લોકો બંધકો માટે એક સમર્પિત ચોકમાં ભેગા થયા હતા.

હમાસ જાણે છે કે બંધકોની મુક્તિની વાટાઘાટમાં તેની સ્થિતિ નબળી પડી જશે. તેથી તેણે ઇઝરાયલ પાસેથી ગૅરંટી માગી છે કે બંધકોની મુક્તિ પછી તે ફરીથી લડાઈ શરૂ નહીં કરે.

આમાં આશંકાનાં ઘણાં કારણો છે. માર્ચમાં ઇઝરાયલ યુદ્ધવિરામનો અંત લાવ્યું હતું અને ઘાતક હવાઈ હુમલા શરૂ કર્યા. બીજી બાજુ ઇઝરાયલી લોકો પણ યુદ્ધથી કંટાળી ગયા છે. સર્વે અનુસાર, મોટા ભાગના ઇઝરાયલી લોકો યુદ્ધનો અંત ઇચ્છે છે.

પરંતુ નેતન્યાહૂ હજુ પણ રાજકીય સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેમની સરકારને અતિ-રાષ્ટ્રવાદીઓનું સમર્થન મળેલું છે અને તેમણે ધમકી આપી છે કે જો કોઈ કરાર થશે તો એ ગઠબંધન છોડી દેશે. આ જ કારણે નેતન્યાહૂ આ યુદ્ધને લંબાવવા મજબૂર થયા છે.

નેતન્યાહૂએ હમાસ સામે "સંપૂર્ણ વિજય"નું વચન આપ્યું છે. તેઓ એક એવો સોદો ઇચ્છે છે જે તેમને કહેવાની મંજૂરી આપે કે તેમણે બધું જ મેળવી લીધું છે.

નેતન્યાહૂએ આ જાહેરાતને "ઇઝરાયલ માટે રાષ્ટ્રીય, નૈતિક અને રાજદ્વારી વિજય" ગણાવ્યો છે, પરંતુ તેમણે એવું નથી કહ્યું કે યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન