ETF શું હોય છે જેનાથી સોના-ચાંદીમાં પણ રોકાણ કરી શકાય, કઈ વાતો ધ્યાનમાં રાખવી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની લોકપ્રિયતા ઝડપથી વધી છે તેની સાથે સાથે હવે ETFની પણ બોલબાલા જોવા મળે છે.
મ્યુચ્યુઅલ ફંડ કરતા ETF થોડા અલગ હોય છે, પરંતુ તેમાં રોકાણનો ખર્ચ નીચો આવતો હોવાથી ઘણા નિષ્ણાતો પણ ETFમાં રોકાણની સલાહ આપે છે.
ખાસ કરીને સોના અથવા ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં રોકાણ કરવું હોય કે પછી ચોક્કસ સેક્ટરના શેરોમાં મૂડી રોકવી હોય ત્યારે ETF એક સારો વિકલ્પ ગણાય છે.
જોકે, દરેક નાણાકીય પ્રોડક્ટની જેમ ETFમાં પણ સારા-નરસા પાસા બંને છે. તેથી રોકાણકારોએ તેનો અભ્યાસ કરીને પછી નિર્ણય લેવો જોઈએ.
અહીં ETF વિશે કેટલીક પાયાની માહિતી આપી છે જે રોકાણકારને ઉપયોગી બની શકે છે.
ETF શું હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઍક્સચેન્જ ટ્રેડેડ ફંડ એટલે કે ETFમાં અલગ-અલગ પ્રકારની સિક્યૉરિટીનું મિશ્રણ હોય છે. એટલે કે ETF દ્વારા તમે શેર, બૉન્ડ, કોમૉડિટી કે ચોક્કસ સેક્ટરમાં રોકાણ કરી શકો છો. તમે જ્યારે ETF ખરીદો ત્યારે તેમાં રહેલી બધી ઍસેટમાં તમારી મૂડી રોકાય છે.
તે ઇન્ડેક્સ મ્યુચ્યુઅલ ફંડ જેવા જ હોય છે, એટલે કે પહેલેથી નિશ્ચિત સિક્યૉરિટીની બાસ્કેટમાં જ રોકાણ કરે છે. પરંતુ ફરક માત્ર એટલો હોય છે કે ETFની લે-વેચ સ્ટૉક ઍક્સચેન્જ પર થાય છે. જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં ફંડ મૅનેજર તમારા વતી પોતાની રીતે નિર્ણય લઈને અલગઅલગ શેર અથવા અંડરલાઇંગ ઍસેટ ખરીદે છે.
જયપુરસ્થિત ફાઇનાન્સિયલ પ્લાનર વિનોદ ફોગલાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "મ્યુચ્યુઅલ ફંડમાં ફંડ મૅનેજરના રિસર્ચ પરથી રોકાણનો નિર્ણય લેવાતો હોય છે જ્યારે ETFમાં એવું નથી હોતું. તે અંડરલાઇંગ ઇન્ડેક્સ અથવા કોમૉડિટીની વધઘટનું પ્રતિબિંબ દેખાડે છે. એટલે કે ETFમાં રોકાણ કરો ત્યારે તેમાં કોઈ 'ડિસિઝન' નહીં પણ 'ડિસિપ્લિન' કામ કરે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેવા-કેવા પ્રકારના ETF હોય?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતમાં ઇક્વિટી દ્વારા તમે શેર, બૉન્ડ, સોના અને ચાંદી જેવી કોમૉડિટી, તથા અલગ-અલગ સેક્ટરમાં રોકાણ કરી શકો છો. એટલે કે આપણે ત્યાં ઇક્વિટી ETF, બૉન્ડ ETF, કોમૉડિટી ETF, સેક્ટોરલ ETF, ઇન્ડેક્સ ETF છે. વિનોદ ફોગલા કહે છે કે આ બધા ઉપરાંત ઇન્ટરનૅશનલ ETF અને સ્ટાઇલ ETF પણ હાજર છે.
નામ પરથી જાણી શકાય છે કે બધામાં અંડરલાઇંગ ઍસેટ અલગ-અલગ હોય છે. વિનોદ ફોગલાએ કહ્યું કે ઇક્વિટી ETFમાં રોકાણ કરશો તો તેમાં જે શેરો સામેલ હશે તેના પરફોર્મન્સ મુજબ તમને વળતર મળશે. બૉન્ડ ETFમાં રોકાણ કરો તો તે મૂડી સરકારી બૉન્ડ અથવા ડિબેન્ચરમાં ઇન્વેસ્ટ થાય છે.
સોના અને ચાંદીમાં રોકાણ કરવા માટે કોમૉડિટી ETF આવે છે. બજારમાં કોઈ પણ ધાતુ અથવા કોમૉડિટીની માંગ કે પુરવઠો કેટલો છે તેના પરથી ETFનું રિટર્ન વધઘટ થાય છે.
આ ઉપરાંત બૅન્કિંગ, રિયલ એસ્ટેટ, આઈટી, એનર્જી વગેરે સેક્ટરના ETF પણ આવે છે.
ઇન્ટરનૅશનલ ETFમાં વિદેશી બજારો, જેવા કે જાપાનનું નિક્કેઈ ઇન્ડેક્સ અથવા હૉંગકૉંગના હેંગ સેંગ ઇન્ડેક્સને ટ્રેક કરવામાં આવે છે.
કોઈને લાર્જ કૅપ કંપનીઓે કે સ્મૉલ કૅપ કંપનીઓમાં રોકાણ કરવું હોય તો તેમના માટે ફંડને સ્ટાઇલ ETF કહેવામાં આવે છે.
ETFમાં રોકાણ કઈ રીતે થાય?

ઇમેજ સ્રોત, Getty Images
ETFમાં રોકાણ કરવા માટે સૌથી પહેલાં તમારી પાસે એક ડિમેટ ઍકાઉન્ટ હોવું જોઈએ.
વિનોદ ફોગલાએ બીબીસીને જણાવ્યું કે, "મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે ડિમેટ ઍકાઉન્ટની જરૂર નથી, જ્યારે ETFમાં મૂડી રોકવા માટે ડિમેટ ઍકાઉન્ટ ખોલાવવું પડે છે. આ એક મોટો તફાવત છે."
"ETF હંમેશાં ઍક્સચેન્જ પર ટ્રેડ થાય છે. તેથી તમે જે ETFમાં રોકાણ કરો તેમાં ઓછામાં ઓછા એક યુનિટથી ખરીદી કરવી પડે છે. જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં 100 કે 500 રૂપિયાથી એસઆઈપી કરી શકાય છે."
ડિમેટ ખોલાવ્યા પછી તમારે તમારા બ્રોકર દ્વારા, ઍપ મારફત અથવા ઑનલાઇન બાઇંગ ઑર્ડર આપવાનો રહેશે.
ETFમાં રોકાણના ફાયદા કયા છે?

ઇમેજ સ્રોત, Vinod Fogla
ફાઇનાન્શિયલ પ્લાનર વિનોદ ફોગલા કહે છે કે "ભારતમાં કિંમતી ધાતુમાં રોકાણ કરવા માટે ગોલ્ડ કે સિલ્વર ETFને પસંદ કરવામાં આવે છે. તમે ભૌતિક સ્વરૂપમાં સોનું (ઘરેણા, સિક્કા અથવા બિસ્કિટ) ખરીદો ત્યારે તેની શુદ્ધતાને લઈને ચિંતા હોય છે. આ ઉપરાંત સુરક્ષિત રીતે તેનો સંગ્રહ ક્યાં કરવો તેની સમસ્યા હોય છે. જ્યારે ETFમાં આવી કોઈ ચિંતા રહેતી નથી કારણ કે તે ડિમેટ સ્વરૂપમાં હોય છે."
ETFના ફાયદાની વાત કરીએ તો તેમાં તમને અલગ-અલગ ઍસેટની બાસ્કેટમાં રોકાણની સુવિધા મળે છે. મ્યુચ્યુઅલ ફંડમાં દિવસના અંતે યુનિટની એનએવી (નેટ ઍસેટ વેલ્યૂ) જાહેર થાય છે, જ્યારે ETFમાં શેરબજારની જેમ રિયલ ટાઇમ ટ્રેડિંગ થાય છે. એટલે કે દિવસ દરમિયાન ETFના ભાવ સતત બદલાતા રહે છે.
ETFનો મોટો ફાયદો એ છે કે તેમાં ખર્ચ ઓછો આવે છે. મ્યુચ્યુઅલ ફંડમાં એક ટકાથી વધુ ઍક્સપેન્સ રેશિયો વસૂલવામાં આવે છે જ્યારે ETFનો ઍક્સપેન્સ રેશિયો તેનાથી પાંચમા ભાગનો હોઈ શકે.
ફોગલાએ કહ્યું કે, "લાંબા સમય સુધી તમે મોટું રોકાણ કર્યું હોય તો ઍક્સપેન્સ રેશિયોમાં તમને મોટી બચત થાય, જેના કારણે વળતરની ટકાવારી વધી જાય છે."
ETF જેવાં સાધનોને સેબી જેવી નિયમનકારી સંસ્થા પણ ટેકો આપે છે અને ટૅક્સની દૃષ્ટિએ પણ તે વધુ અસરકારક છે. ભારતમાં ઇક્વિટી આધારિત રોકાણમાં ઍક્ઝેમ્પશન લિમિટ ઉપર 12.5 ટકાના દરે લૉંગ ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સ લાગે છે, જ્યારે ડેટ ફંડ જેવાં બીજાં સાધનોમાં આવકના સ્લૅબના આધારે ટૅક્સ લાગે છે.
ETFમાં રોકાણ વખતે કઈ વાતો ધ્યાનમાં રાખવી?

ઇમેજ સ્રોત, Getty Images
વિનોદ ફોગલા કહે છે કે "ETFમાં રોકાણ સરળ છે અને ખર્ચ ઓછો આવે છે, પરંતુ ETFમાં લિક્વિડિટીનું જોખમ રહેલું છે એ વાત યાદ રાખવી જોઈએ. એટલે કે તમે વેચવા માંગો ત્યારે સામે કોઈ ખરીદનાર પણ હોવું જોઈએ, નહીંતર ટ્રાન્ઝેક્શન નહીં થઈ શકે."
"ખાસ કરીને ઓછા ટ્રેડ થતા ફંડ્સમાં વેચાણ વખતે તરત આ સમસ્યા નડી શકે. તેથી તમને રૂપિયાની ખાસ જરૂર હોય ત્યારે કદાચ રાહ જોવી પડે."
મોટા ભાગના ETF જે તે ઇન્ડેક્સને અનુસરે છે અને તેનું ઍક્ટિવ મૅનેજમેન્ટ નથી થતું. તેથી તેનું વળતર પણ ઇન્ડેક્સ જેટલું અથવા ટ્રેકિંગ ઍરરના કારણે ઇન્ડેક્સ કરતા ઓછું હશે.
(સ્પષ્ટતાઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુસર છે અને તેને નાણાકીય સલાહ ગણવી ન જોઈએ. વાચકોએ રોકાણના કોઈ પણ નિર્ણયો લેતા પહેલાં પોતાના નાણાકીય સલાહકારની મદદ લેવી જોઈએ.)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












