You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ : દેરાણીજેઠાણીની હત્યા મામલામાં પોલીસને એક કડી મળી અને મધ્યપ્રદેશમાંથી ખૂનનો આરોપી પકડાયો
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"અમારી પાસે એક અઠવાડિયા પહેલાં ડબલ મર્ડરનો કેસ આવ્યો, આ એક બ્લાઇન્ડ કેસ હતો. બંને મહિલા સગી દેરાણીજેઠાણી હતી , બંને વચ્ચે કોઈ ઝઘડો કે તકરાર નહોતા. કોઈ કૌટુંબિક વિખવાદ નહોતો. તપાસમાં કંઈ બહાર આવતું નહોતું , પણ અમે હાર ન માની. અને એક દિવસ કંઈક એવું બન્યું કે અમે હત્યારાને દબોચી લીધો."
અમદાવાના ચાંગોદર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કે. પી. ચૌધરી પોલીસે કેવી રીતે આ ડબલ મર્ડરનું રહસ્ય ઉકેલ્યું એ વિશે વાત કરતાં ઉપરોક્ત માહિતી આપે છે.
ગત 14 એપ્રિલે ભંગાર અને કચરો વીણવાનું કામ કરી પોતાનું પેટિયું રળતાં બે મહિલા જતબહેન સોલંકી (45) અને સોનબહેન સોલંકી (70)ની લાશ અમદાવાદના ચાંગોદરના ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં ચાચરવાડી ખાતે આવેલી ઝાડીઓમાંથી મળી આવી હતી.
ફરિયાદ પ્રમાણે બંને લાશની ક્રૂર રીતે મોઢાં છૂંદી નાખીને હત્યા કરાઈ હતી.
પોલીસનો દાવો છે કે શરૂઆતના દિવસોમાં કોઈ કડી ન મળ્યા. કેસની તપાસ માટે 70 પોલીસકર્મીઓને લાગેલા હતા, આખરે આ ટીમની મહેનત રંગ લાવી અને હત્યારો પોલીસના સકંજામાં આવી ગયો.
બીબીસી ગુજરાતીએ આ સમગ્ર મામલા અંગે અને પોલીસતપાસ અંગે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો.
શું હતો સમગ્ર મામલો?
અમદાવાદ નજીક આવેલા મટોડા ગામમાં રહેતા જતબહેન સોલંકીના પતિ 17 વર્ષ પહેલાં ગુજરી ગયા હતા. તેઓ એમનાં ત્રણ બાળકોને મોટાં કરવા ભંગાર-કચરો વીણીને વેચતાં અને તેમનું ઘર ચલાવતાં. એ વિધવા થયાં ત્યારથી તેમનાં જેઠાણી સોનબહેન સોલંકી એમને કાયમ મદદ કરતાં હતાં.
જતબહેન સોલંકીના 32 વર્ષીય દીકરા વિજય સોલંકીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "મારાં માતા અને કાકી બંને સવારે સાત વાગ્યે ચાચરવાડીમાં ઇન્ડસ્ટ્રિયલ કચરો ફેંકાય છે, ત્યાં તેઓ આ કચરો વીણવા ગયાં હતાં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"એ દિવસે વીણેલો કચરો એમણે મટોડા ગામના ભંગારના વેપારીને વેચી તેઓ ફરી કચરો વીણવા ગયાં હતાં. હું કામેથી પરત ફર્યો ત્યારે ખબર પડી કે તેઓ બંને હજુ સુધી ઘરે નથી આવ્યાં. એટલે અમે એમને કુટુંબીઓ અને મિત્રો સાથે શોધવા નીકળ્યા."
"આ દરમિયાન ચાચરવાડીની ઝાડીઓમાં બંનેની લાશ મળી આવી. બંનેનાં મોઢાં છૂંદી નંખાયાં હતાં, પગે પણ ઈજા હતી. અમે એ પછી પોલીસ ફરિયાદ કરી."
કેવી રીતે પકડાયો આરોપી?
ચાંગોદરના પીઆઇ કેપી ચૌધરીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "મહિલાની લાશની તપાસ કરતા તેના કાનમાં હજુ બુટ્ટી હતી. એટલે અમને સમજી ગયા કે ઘરેણા માટે હત્યા થઈ નહોતી. પણ લાશ જોતાં લાગતું હતું કે બહુ ક્રૂરતાપૂર્વક હત્યા થઈ છે. અમે કૌટુંબિક ઝઘડાને કારણે કોઈએ ગુસ્સે થઈને હત્યા કરી છે કે કેમ એ દિશામાં તપાસ કરી તો દેરાણીજેઠાણીના કુટુંબમાં કોઈ અણબનાવ ન હોવાની ખબર પડી."
તેઓ શરૂઆતમાં કેસ ઉકેલવાની કોઈ પણ ચાવી ન મળવાની વાત કરતાં આગળ કહે છે કે પોલીસની ટીમે શરૂઆતમાં આ કેસ સંદર્ભે 70 લોકોને ડિટેઇન કરી પૂછપરછ કરી હતી, છતાં ક્યાંયથી કોઈ સગડ મળ્યા નહોતા.
પીઆઇ ચૌધરી કહે છે કે તેમના માટે આ એક પડકારજનક કેસ હતો.
કેસ ઉકેલવા માટે પોલીસે કરેલા પ્રયાસો અંગે વાત કરતાં તેઓ કહે છે કે પોલીસ ટીમે તપાસમાં 150 સીસીટીવી ચેક કર્યા. તેમજ સ્થાનિક પોલીસની સાથે કેસને ઉકેલવા માટે એલસીબી અને એસઓજીની ટીમ પણ જોડાઈ હતી.
પીઆઇ ચૌધરી કેસની તપાસ અંગે આગળ વાત કરતાં કહે છે કે, " બાદમાં અમારા એસપી ઓમપ્રકાશ જાટે ઇન્ડસ્ટ્રિુયલ એરિયામાં ચોકીદાર અને બીજા હ્યુમન રિસોર્સ ચેક કરવાની સૂચના આપી. કુલ 70 પોલીસકર્મી આ કેસની તપાસમાં લાગેલા હતા, થોડા દિવસમાં મૃતક જતબહેનનો દીકરો વિજય અમારી પાસે આવ્યો અને એણે કહ્યું કે એની માતાનો ફોન ગુમ છે. આ અમારા માટે એક મોટી ચાવી હતી."
તેઓ કેસની કડી કેવી રીતે મળી એ અંગે વાત કરતાં કહે છે કે, "અમારી એસઓજી અને એલસીબીની ટીમ તપાસ કરી રહી હતી ત્યારે ચોકીદારોને પૂછતાં ખબર પડી કે અહીંના ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં કામ કરતો મધ્ય પ્રદેશનો ભોલે કોલ નામનો એક મજૂર ગુમ હતો."
"આ મજૂર ત્રણ મહિનાથી અહીં કામ માટે આવ્યો હતો અને ચાચરવાડી ગામમાં ભાડેથી એક ઓરડીમાં રહેતો હતો. જે દિવસે ખૂન થયું એ દિવસથી એ ગુમ હતો. એટલે અમે તપાસનો દાયરો ઘટાડ્યો."
અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમપ્રકાશ જાટે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આ કેસની તપાસ અંગે માહિતી આપતાં કહ્યું કે, "જેવો જતબહેન સોલંકીનો ફોન ઍક્ટિવ થયો એટલે તરત જ અમને માહિતી મળી ગઈ કે મધ્યપ્રદેશના સતનામાં ફોન ચાલુ થયો હતો."
"અમારી ટીમને અમે તાત્કાલિક મધ્યપ્રદેશ મોકલી. અમારી ટીમ માત્ર 21 કલાકમાં 1200 કિમીનું અંતર કાપી સતના પહોંચી. પરંતુ ત્યાં પહોંચીને અમારા પોલીસકર્મી ચોંકી ગયા."
એસપી ઓમપ્રકાશ જાટે આગળ કહ્યું કે આરોપી ભોલે કોલ સતનાના ધરકુંડી તાલુકાના નાનકડા ગામ પ્રતાપપુરમાં રહેતો હતો.
તેઓ કહે છે કે, "બે ખૂન કરી પોતાના નાનકડા ગામ પ્રતાપપુરામાં 48 વર્ષીય ભોલે કોલ પોતાની પત્ની અને ચાર બાળકો સાથે કોઈ અફસોસ વગર રહેતો હતો, એણે બે હત્યા કરી હોવાની એની પત્નીને શંકા સુધ્ધાં નહોતી."
"પોલીસે પૂછપરછ કરતાં એણે કબૂલ કર્યું કે આરોપીને પૉર્ન ફિલ્મ જોવાની ટેવ હતી. જયારે એની નજર ચાચરવાડીના ભંગારવાળા નિર્જન વિસ્તારમાંથી પસાર થઈ રહેલી 45 વર્ષીય જતબહેન પર પડી તો તેણે એમની સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું અને બળજબરી કરવાનો પ્રયાસ કર્યો. પણ જતબહેન સોલંકીએ વિરોધ કરી બૂમાબૂમ કરતા ભોલે કોલે પથ્થર મારી તેમની હત્યા કરી. બીજી તરફ જતબહેનનાં જેઠાણી સોનબહેન બૂમાબૂમ કરતાં એમનું પણ પથ્થર મારી મોત નિપજાવી દીધું. બાદમાં આરોપી બંનેની લાશને ઢસડીને નજીકની ઝાડીમાં લઈ ગયો હતો."
પોલીસે આ મામલામાં 21 એપ્રિલના રોજ આરોપીની ધરપકડ કરી છે.
પોલીસે આ ગુનાના અનુસંધાને આરોપીના સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે. એણે ગુજરાત અને બીજાં રાજ્યોમાં આવા કોઈ ગુના કર્યા હોય તો તેની રિમાન્ડ બાદ ખબર પડશે.
શું કહે છે મનોચિકિત્સક?
જાણીતા મનોચિત્સક ડૉ. મુકુલ ચોકસીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આ પ્રકારના કેસ અંગે કહ્યું કે, "પોતાના વતનથી દૂર રહેતા અને પરિણીત લોકોમાં કામેચ્છા વધુ હોય છે. આવા સંજોગોમાં એ લોકો પોતાની લાગણીઓને દબાવી રાખે છે, પણ પૉર્ન જોવાની આદત હોય એવા લોકોને પ્રતિકાર ના કરી શકે એવી મહિલા જુએ ત્યારે બળજબરીથી પોતાની છુપાયેલી કામેચ્છા પૂરી કરવા પ્રયાસ કરે છે."
તેઓ આ પ્રકારના કેસમાં આરોપીઓની માનસિકતા અંગે પોતાનો નિષ્ણાત અભિપ્રાય રજૂ કરતાં કહે છે કે, "ખાસ કરીને જ્યારે મહિલા ઓછી આવકવાળા વર્ગમાંથી હોય, ઓછું ભણેલી હોય ત્યારે એ કોઈ અન્યને આવી વાત કહેશે નહીં એવા અતિઆત્મવિશ્વાસમાં આવા લોકો આવી જતા હોય છે."
"આવા લોકોને મોટી ઉંમરની સ્ત્રીઓ ગમતી હોય છે, એને સાયકૉલૉજીની ભાષામાં ઝેરેન્ટોફેલિયા કહેવાય છે, આવા લોકોનો પ્રયાસ હોય એવો છે કે મહિલા મેલ ડૉમિનેશનના કારણે પ્રતિકાર નહીં કરી શકે, પણ પ્રતિકાર કરે ત્યારે પકડાઈ જવાની બીકે ખૂન કરી નાખે છે. ત્યાર બાદ એમને કોઈ અફસોસ હોતો નથી, આવા કિસ્સામાં બીકને કારણે આવી માનસિકતાવાળી વ્યક્તિ ગુનાના સાક્ષીનું પણ મૃત્યુ નિપજાવી દેતા હોય છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન