ગુજરાતમાં વરસાદી સિસ્ટમ આગળ વધી, હવે કયા જિલ્લામાં પડશે ભારે વરસાદ?

ગુજરાતમાં હાલ ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. 4 જુલાઈ સવારના બનાસકાંઠાના દાંતામાં ભારે વરસાદ થતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં.

હાલ ગુજરાત ઉપર એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બનેલું છે અને તેના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

ગુજરાતમાં ચોમાસું 10 જૂનના રોજ શરૂ થયું હતું પરંતુ ઍન્ટ્રી બાદ જ તેની પ્રગતિ અટકી ગઈ હતી અને રાજ્યને લાંબા સમય સુધી વરસાદની રાહ જોવી પડી હતી. જે બાદ 22 જૂનના રોજ ચોમાસું આગળ વધ્યું હતું.

હવામાન વિભાગે હાલ રાજ્યમાં આવનારા સાત દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે, જેમાં કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા છે તો કેટલાક વિસ્તારોમાં હવે વરસાદ ઘટવાની શરૂઆત થઈ જશે.

ગુજરાતમાં હાલ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે, જ્યારે ગુજરાત જૂન મહિનામાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો હતો.

ગુજરાતમાં હવે આ જિલ્લામાં પડશે ભારે વરસાદ?

સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યા બાદ હવે ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધશે અને આવનારા પાંચ દિવસ સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડે તેવી સંભાવના છે.

હવામાન વિભાગના મૉડલ પ્રમાણે આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદ ઘટે તેવી સંભાવના છે, જ્યારે ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ગુજરાત તરફના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે.

હાલની સ્થિતિ પ્રમાણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી તથા વલસાડમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે કચ્છ, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે.

ગુજરાત પર હાલ એક સિસ્ટમ બનેલી છે અને તેના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડી રહ્યો છે, પરંતુ આ સિસ્ટમ આગળ વધતાંની સાથે જ ફરી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટવાની શરૂઆત થઈ જશે.

આગામી ત્રણેક દિવસો વલસાડ, નવસારી, સુરત, ભરૂચ નર્મદા, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, વડોદરા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ સારું રહે તેવી સંભાવના છે.

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ફરી ક્યારે આવશે?

ગુજરાતમાં છેલ્લાં બે અઠવાડિયાંથી વરસાદી માહોલ જામ્યો છે અને ચોમાસું રાજ્યના તમામ વિસ્તારો સુધી પહોંચી ગયું છે, છતાં કેટલાક વિસ્તારોમાં હજી પૂરતો વરસાદ થયો નથી અથવા સાવ ઓછો વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી દિવસોમાં હવે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદ ઘટે તેવી સંભાવના દેખાઈ રહી છે. સૌરાષ્ટ્ર તથા કચ્છના ઘણા વિસ્તારોમાં હવે વરસાદ સાવ બંધ થાય અને કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ ચાલે તેવી સંભાવના છે.

ચોમાસું હવે સમગ્ર દેશમાં પહોંચી ગયું છે ત્યારે વિવિધ વિસ્તારોમાં વરસાદ ત્યાં આસપાસ બનતી સિસ્ટમો અને બંગાળની ખાડીમાં બનતાં લૉ-પ્રેશર પર આધાર રાખે છે. આગામી નજીકના દિવસોમાં બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બંધાય તેવી શક્યતા દેખાતી નથી.

જોકે, હાલની સ્થિતિ પ્રમાણે જો કોઈ ફેરફાર ના થાય તો રાજ્યમાં ફરી 9થી 11 જુલાઈની વચ્ચે ફરીથી વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતા છે. આ ગાળામાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આ ગાળામાં રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ ઘણાં સ્થળોએ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે.

ગુજરાતમાં 1 જૂનથી 4 જુલાઈ સુધી સરેરાશ કરતાં 3 ટકા વધારે વરસાદ થયો છે, જેમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની ઘટ છે.

જ્યારે સૌરાષ્ટ્રમાં ગીર-સોમનાથ અને સુરેન્દ્રનગર સિવાયના તમામ જિલ્લાઓમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે.