કૉંગ્રેસ રાજ્યોમાં ચૂંટણી કેમ હારી રહી છે, ક્યાં થઈ રહી છે ચૂક?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, દીપક મંડલ
- પદ, બીબીસી સંવાદદાતા
આ વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં જ્યારે વિરોધ પક્ષો ભાજપને એકલા હાથે બહુમતી મેળવવાથી રોકવામાં સફળ રહ્યા હતા, ત્યારે કૉંગ્રેસ પાર્ટી કદાચ સૌથી વધુ ખુશ હતી.
2014ની લોકસભા ચૂંટણીમાં 44 બેઠકો અને 2019ની લોકસભાની ચૂંટણીમાં 52 બેઠકો પર સમેટાયેલી કૉંગ્રેસે આ વર્ષની લોકસભા ચૂંટણીમાં 99 બેઠકો જીતી હતી અને ઘણા રાજકીય વિશ્લેષકો અને નિષ્ણાતોએ તેને કૉંગ્રેસનું પુનરાગમન ગણાવ્યું હતું.
કૉંગ્રેસે લોકસભા ચૂંટણીમાં બંધારણ, અનામત, મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દા ઉઠાવીને ભાજપ અને એનડીએ(નૅશનલ ડેમૉક્રેટિક ઍલાયન્સ) પર દબાણ લાવવામાં ઘણે અંશે સફળતા મેળવી હતી. પરંતુ લોકસભા ચૂંટણીમાં સારા પ્રદર્શન પછી કૉંગ્રેસ ફરી એકવાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ખરાબ રીતે હારનો સામનો કરી રહી છે. જ્યાં કૉંગ્રેસના સાથી પક્ષો જીતી રહ્યા છે ત્યાં પણ કૉંગ્રેસનું પ્રદર્શન સારું રહ્યું નથી.
હરિયાણામાં જૂન 2024માં લોકસભા ચૂંટણીનાં પરિણામોના થોડા મહિનાઓ બાદ જ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની હતી. કૉંગ્રેસનો ઉત્સાહ અને જુસ્સો જોતાં એવું લાગતું હતું કે તેઓ ચૂંટણી જીતી જશે.
રાહુલ ગાંધીએ સંસદની બહાર અને અંદર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.
પરંતુ હરિયાણામાં કૉંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. કૉંગ્રેસ સાથે આ જ કહાણી હવે મહારાષ્ટ્રમાં પુનરાવર્તિત થઈ છે, જે રાજકીય રીતે દેશનું બીજા નંબરનું સૌથી મહત્ત્વપૂર્ણ રાજ્ય છે.
ઝારખંડમાં કૉંગ્રેસ પક્ષ ઝારખંડ મુક્તિ મોરચાની આગેવાની હેઠળના જોડાણનો ભાગ હતો અને તેણે 2019માં જીતેલી 16 બેઠકોમાં એક પણ બેઠક ઉમેરી શકી ન હતી.
એ પહેલાં જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણીમાં પણ કૉંગ્રેસ સરિયામ નિષ્ફળ ગઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૉંગ્રેસ 90માંથી માત્ર 6 બેઠકો જીતી શકી અને કોઈક રીતે નૅશનલ કૉન્ફરન્સના જુનિયર પાર્ટનર બનીને પોતાને બચાવવામાં સફળ રહી.
સવાલ એ છે કે લોકસભા ચૂંટણીનાં પરિણામોથી ઉત્સાહિત દેખાતી કૉંગ્રેસ આ પછી એક પણ રાજ્યની ચૂંટણી કેમ જીતી શકી નથી. છેવટે, તેની વ્યૂહરચનામાં ક્યાં ખામી છે અને તે વારંવાર ક્યાં નિષ્ફળ જઈ રહી છે? આ સવાલનો જવાબ જાણવા અમે ઘણા રાજકીય વિશ્લેષકો અને પત્રકારો સાથે વાત કરી.
મહારાષ્ટ્રમાં કૉંગ્રેસને ઝાટકો

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના (એકનાથ શિંદે) અને અજિત પવારની એનસીપી સાથે મહાયુતિ ગઠબંધન હેઠળ ચૂંટણી લડ્યાં હતાં.
ભાજપ 149 બેઠકો પર, શિવસેના (શિંદે) 81 બેઠકો પર અને અજિત પવારની એનસીપી 59 બેઠકો પર ચૂંટણી લડી હતી.
વિપક્ષ તરફથી, મહાવિકાસ અઘાડી એટલે કે શિવસેના (ઉદ્ધવ ઠાકરે) 95 બેઠકો પર, કૉંગ્રેસે 101 અને શરદ પવારની એનસીપી 86 બેઠકો પર ચૂંટણી લડી હતી.
મહારાષ્ટ્ર ચૂંટણીની વાત કરીએ તો મોટાભાગના એક્ઝિટ પોલ ભાજપની આગેવાની હેઠળની મહાયુતિની લીડ બતાવી રહ્યા હતા, પરંતુ કેટલાક એક્ઝિટ પોલ મહાવિકાસ અઘાડી સાથે સ્પર્ધા પણ બતાવી રહ્યા હતા.
એક દાયકા પહેલા સુધી કૉંગ્રેસનો ગઢ ગણાતા મહારાષ્ટ્રમાં તેને માત્ર 16 બેઠકો મળી છે.
આખરે, મહારાષ્ટ્રમાં કૉંગ્રેસે એવી કઈ ભૂલ કરી કે તેનું ચૂંટણી પ્રદર્શન એટલું નબળું રહ્યું?
છેલ્લા ઘણા સમયથી કૉંગ્રેસની રાજનીતિ પર નજર રાખી રહેલા નિષ્ણાત પત્રકાર રશીદ કિદવાઈએ જણાવ્યું હતું કે,
“લોકશાહીમાં પાર્ટીઓ તેમના કાર્યકરો અને સંગઠનના બળ પર ચૂંટણી લડે છે. પરંતુ હવે તે પાર્ટીઓ ચૂંટણી રણનીતિકારોની બની ગઈ છે. રણનીતિકારો ચૂંટણીની રણનીતિ નક્કી કરે છે, મુદ્દાઓ નક્કી કરે છે અને ટિકિટની વહેંચણીમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આજકાલ કૉંગ્રેસમાં આ કાર્યપ્રણાલી હાવી થઈ ગઈ છે. તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ ચૂંટણી રણનીતિકારો પર નિર્ભર રહી હતી. હરિયાણામાં પણ આવું જ થયું અને મહારાષ્ટ્રમાં પણ આવું જ જોવા મળ્યું હતું."
કિદવાઈ આનું ઉદાહરણ આપે છે.
તેઓ કહે છે, "હરિયાણાની જેમ મહારાષ્ટ્રમાં પણ કૉંગ્રેસ તેના ચૂંટણી વ્યૂહરચનાકાર સુનીલ કાનુગોલુ પર નિર્ભર રહી હતી. હરિયાણામાં ખોટા ઉમેદવારોને ટિકિટ આપવાની ફરિયાદો થઈ હતી. કૉંગ્રેસે હરિયાણાની હારમાંથી કોઈ પાઠ લીધો ન હતો."
"મિટિંગમાં જ્યારે પાર્ટીના એક નેતાએ કાનુગોલુના મૂલ્યાંકન પર પ્રશ્ન કર્યો, ત્યારે રાહુલ ગાંધીએ તેમની મજાક ઉડાવી હતી. કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પણ ટિકિટ વહેંચણીની કવાયતથી દૂર રાખવામાં આવ્યા હતા.''
''કૉંગ્રેસની બીજી ભૂલ એ હતી કે તેણે મુખ્ય મંત્રીનો ચહેરો ન આપ્યો. ઉદ્ધવ ઠાકરે મહાવિકાસ આઘાડીનો સીએમ ચહેરો હતા અને કૉંગ્રેસે ક્યારેય તેનો વિરોધ કર્યો નથી. રાહુલ ગાંધી હંમેશા કૉંગ્રેસના કાર્યકરોને કહેતા હતા કે કૉંગ્રેસ જેવી મોટી પાર્ટીએ બલિદાન આપતા શીખવું જોઈએ. બીજી તરફ રાજ્યમાં પાર્ટીના મોટા નેતાઓ અંદરોઅંદર લડતા રહ્યા."
મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીના નેતાઓમાં પણ વિરોધાભાસ જોવા મળ્યો હતો.
"કૉંગ્રેસ પ્રમુખ નાના પટોળે અને એનસીપી (શરદ પવાર)ના વડા શરદ પવાર અલગ-અલગ સ્વરમાં બોલતા રહ્યા. જ્યારે, આ સમયગાળા દરમિયાન રાહુલ અને ખડગેએ તેના પર કોઈ ધ્યાન આપ્યું ન હતું. બીજેપી પાસે 'એક હૈ તો સેફ હૈ' જેવું સૂત્ર હતું જે તેની વ્યૂહરચના જણાવતું હતું. પરંતુ કૉંગ્રેસે તેની વ્યૂહરચનાને પ્રતિબિંબિત કરતું કોઈ મજબૂત સૂત્ર આપી શકી નહોતી."
"ભાજપે તેની ચૂંટણી સંપૂર્ણપણે પાર્ટી અને આરએસએસના સંગઠનને કારણે જીતી છે. આ ચૂંટણીમાં આરએસએસના ચૂંટણી મૅનેજમેન્ટે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ભાજપ ચૂંટણી વ્યૂહરચનાકારોની મદદ પણ લે છે, પરંતુ તે તેમને સંગઠન કે પક્ષ પર વર્ચસ્વ જમાવવા દેતો નથી."
તેમણે કહ્યું કે, “ભાજપે મહારાષ્ટ્રની ચૂંટણી સંપૂર્ણપણે સ્થાનિક મુદ્દાઓ પર લડી હતી. ભાજપે રાજ્યમાં હિંદુ મતદારોના ઝુકાવનું ધ્યાન રાખ્યું. તે મુજબ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. લડકી બહેન જેવી લાભાર્થી યોજનાઓ, અનામતના પ્રશ્નો અને મહારાષ્ટ્રના ખેડૂતોના પ્રશ્નોની આસપાસ તેની વ્યૂહરચના બનાવી હતી."

ઇમેજ સ્રોત, ANI
વિશ્લેષકોનું માનવું છે કે કૉંગ્રેસ મહારાષ્ટ્ર સંબંધિત સ્થાનિક મુદ્દાઓને ઉઠાવવામાં નિષ્ફળ રહી છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પણ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીનાં સૂત્રોનું પુનરાવર્તન કર્યું હતું. જેવા કે, બંધારણ બચાવો અને જાતિ ગણતરીનો મુદ્દો. એટલે સુધી કે રાજ્યમાં અનામતના પ્રશ્ન પર મરાઠા અને ઓબીસી વચ્ચેના વિરોધાભાસનો ફાયદો પણ કૉંગ્રેસ ઉઠાવી શકી નથી. તે અનામતની અંદર અનામતના મુદ્દે મતદારો સમક્ષ પોતાનો અભિપ્રાય પણ રજૂ કરી શકી નથી. તે માત્ર બંધારણમાં અનામત અંગેની જોગવાઈઓનું પુનરાવર્તન કરતી રહી.
ભૂલોના પુનરાવર્તનને કારણે, કૉંગ્રેસને વિદર્ભમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો જ્યાં કૉંગ્રેસ ગઠબંધને લોકસભાની દસમાંથી સાત બેઠકો જીતી હતી.
રાશિદ કિદવાઈનું કહેવું છે કે લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીના મુદ્દા અલગ હોય છે, પરંતુ કૉંગ્રેસ મહારાષ્ટ્રમાં મજબૂત સ્થાનિક મુદ્દાઓ ઉઠાવી શકી નથી. તેનું પરિણામ કૉંગ્રેસને ભોગવવું પડ્યું.
વરિષ્ઠ પત્રકાર અદિતિ ફડણીસ માને છે કે કૉંગ્રેસ પોતાના વાયદાઓમાં મતદારોનો ભરોસો ઊભો કરી શકી નહોતી.
તેમણે જણાવ્યું હતું, "મહારાષ્ટ્ર સરકારે લાડકી બહેન યોજના દ્વારા નાણાં પૂરા પાડીને તેનું વચન સાચું હોવાની ખાતરી કરી હતી. જેના કારણે મહિલા મતદારોએ મોટી સંખ્યામાં 'મહાયુતિ'ની તરફેણમાં મતદાન કર્યું હતું. કૉંગ્રેસે પણ મહિલાઓને પૈસા આપવાનું વચન આપ્યું હતું. પરંતુ સત્તામાં ન હોવાને કારણે તે ડિલિવરીની બાબતમાં ભાજપને ટક્કર આપી શક્યું નથી. એકંદરે એવું કહી શકાય કે કૉંગ્રેસ મતદારોમાં તેના વચનોમાં વિશ્વાસ ઊભો કરી શકી નથી."
અદિતિ ફડણીસ પણ કહે છે કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની રણનીતિ અલગ છે. કૉંગ્રેસ રાજ્યો પ્રમાણે રણનીતિ તૈયાર કરી શકી નથી. હરિયાણા અને મહારાષ્ટ્રમાં પણ કૉંગ્રેસની રણનીતિમાં આ નબળાઈ દેખાતી હતી.
ઝારખંડમાં સોરેનની જીત

ઇમેજ સ્રોત, ANI
ઝારખંડમાં કૉંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચાએ મળીને 70 બેઠકો પર ચૂંટણી લડી હતી. રાજ્યમાં કુલ 81 બેઠકો છે. ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચાએ 34 બેઠકો જીતી હતી.
કૉંગ્રેસે માત્ર 16 બેઠકો જીતી છે. ગઠબંધનમાં સામેલ આરજેડીને ચાર અને સીપીઆઈ(માલે)ને બે બેઠકો મળી છે.
અહીં પણ મોટાભાગના ઍક્ઝિટ પોલ ખોટા પડ્યા છે. ઍક્ઝિટ પોલમાં ભાજપ સત્તામાં આવશે તેવો દાવો થઈ રહ્યો હતો. ભાજપે અહીં આસામના મુખ્ય મંત્રી હિમંતા બિસ્વા સરમા અને શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્ત્વમાં પોતાની પૂરી તાકાત ઝોંકી દીધી હતી.
ભાજપે આ વખતે ઝારખંડમાં ‘બાંગ્લાદેશી ઘૂસણખોરો’નો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. પણ હેમંત સોરેને ‘આદિવાસી વિરુદ્ધ બહારના’ લોકોનો મુદ્દો ઉઠાવ્યો અને સ્થાનિક લોકોએ આ મુદ્દે ઝારખંડ મુક્તિ મોરચા અને ઇન્ડિયા ગઠબંધનનો સાથ આપ્યો. કૉંગ્રેસના ભાગમાં 16 બેઠકો આવી.
કૉંગ્રેસે ગત ચૂંટણીમાં પણ આટલી જ બેઠકો જીતી હતી એટલે કે કૉંગ્રેસ ઝારખંડમાં પણ પોતાનાં પ્રદર્શનમાં કોઈ સુધારો કરી ન શકી.
આ પ્રશ્નના જવાબમાં વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક શરદ ગુપ્તા કહે છે, "જે ભૂલ કૉંગ્રેસ આખા ભારતમાં કરી રહી છે, તે જ ભૂલ ઝારખંડમાં પણ તેણે કરી છે. તે મુદ્દાઓને ઓળખવામાં અને તેમને જમીન પર લાવવામાં નિષ્ફળ રહી છે. કૉંગ્રેસની બીજી મોટી નબળાઈ એ મજબૂત કેન્દ્રીય નેતૃત્વનો અભાવ હતો.”
તેઓ કહે છે, “મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને હરિયાણામાં પ્રાદશેક પક્ષોનું જ ચાલ્યું. તેમણે પોતાની ઇચ્છા મુજબ ટિકિટો વહેંચી. મહારાષ્ટ્રની જેમ ઝારખંડમાં પણ કૉંગ્રેસના નેતાઓ લડતા રહ્યા. ચૂંટણી જીતવા પર સંપૂર્ણ ફોકસ ન હોવાને કારણે કૉંગ્રેસને નુકસાન વેઠવું પડ્યું હતું.”
એવું કહેવાઈ રહ્યું છે કે કૉંગ્રેસે રાજ્યમાં આદિવાસી નેતૃત્ત્વને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો નથી અને પાર્ટીને તેનું પરિણામ ભોગવવું પડ્યું છે.

ઇમેજ સ્રોત, ANi
શરદ ગુપ્તા પણ આ અભિપ્રાય સાથે સહમત છે. તેઓ કહે છે, “કૉંગ્રેસે ક્યારેય ઝારખંડમાં આદિવાસી નેતૃત્ત્વ ઊભું કરવાનો પ્રયાસ કર્યો નથી. ભાજપે આ કામ કર્યું અને આદિવાસી મુખ્ય મંત્રી પણ બનાવ્યા. ભાજપે જ અર્જુન મુંડા અને બાબુલાલ મરાંડી જેવા નેતાઓ આપ્યા. પરંતુ કૉંગ્રેસે હજુ સુધી આ તરફ ધ્યાન આપ્યું નથી.”
વિશ્લેષકો કહે છે કે મોટાભાગની જગ્યાએ કૉંગ્રેસ હવે તેના મજબૂત સાથી પક્ષોના ટેકે ચાલી રહી છે. આ તેના ભવિષ્ય માટે સારું નથી.
શરદ ગુપ્તા કહે છે, “બિહારમાં આરજેડી, તામિલનાડુમાં ડીએમકે, જમ્મુ-કાશ્મીરમાં નૅશનલ કૉન્ફરન્સ. જ્યાં કૉંગ્રેસના ગઠબંધનની સરકાર છે ત્યાં દરેક જગ્યાએ કૉંગ્રેસ તેના મજબૂત સાથીપક્ષોને કારણે બેઠકો જીતવામાં સફળ રહી છે. ઓડિશામાં કૉંગ્રેસનું અસ્તિત્વ ખતમ થઈ ગયું છે. એક સમયે ઉત્તર-પૂર્વના રાજ્યોમાં કૉંગ્રેસનો દબદબો હતો, પરંતુ હવે ત્યાં ભાજપનો દબદબો છે. જ્યારે આ રાજ્યોની વસ્તી સામાન્ય રીતે કૉંગ્રેસની તરફેણમાં છે, જ્યારે સરકારો ભાજપની છે.”
શરદ ગુપ્તા કહે છે, “કૉંગ્રેસ મુદ્દાઓ નક્કી કરવામાં સક્ષમ નથી. ભાજપ દરેક રાજ્ય પ્રમાણે મુદ્દાઓ નક્કી કરે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ભાષણ કરે છે ત્યારે દરેક બેઠકના મુદ્દાઓ અનુસાર બોલે છે. તેઓ જે-તે સ્થળના ઇતિહાસ, ભૂગોળ અને રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બોલે છે. પરંતુ કૉંગ્રેસ તે મુજબ મુદ્દાઓ અને રણનીતિ નક્કી કરવામાં સક્ષમ નથી.”
શરદ ગુપ્તાનું કહેવું છે કે મુદ્દાઓને લઈને કૉંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વની થિંક ટૅન્કમાં સ્પષ્ટતાનો અભાવ અને તેને જમીન પર લાગુ કરવામાં અસમર્થતા કૉંગ્રેસની સૌથી મોટી નબળાઈ તરીકે ઉભરી આવી છે. આ નબળાઈઓને દૂર કર્યા વિના કૉંગ્રેસે રાજ્યોની ચૂંટણી જીતવાની આશા છોડી દેવી જોઈએ.
હરિયાણામાં પરાજયનું કારણ આંતરિક જૂથબાજી

ઇમેજ સ્રોત, ANI
હરિયાણા વિધાનસભાની ચૂંટણી ઑક્ટોબર,2024માં યોજાઈ હતી. સત્તાવિરોધી લહેર, ખેડૂતો અને કુસ્તીબાજોના આંદોલનો છતાં ભાજપે અહીં જીત મેળવી અને સતત ત્રીજી વખત સત્તા મેળવવામાં પક્ષ સફળ રહ્યો.
હરિયાણા ચૂંટણીનાં પરિણામો પહેલાં લગભગ તમામ ઍક્ઝિટ પોલ કૉંગ્રેસને જીતતા બતાવતા હતા, પરંતુ ભાજપે તેમને ખોટા સાબિત કર્યા અને આરામથી બહુમતીનો આંકડો પાર કર્યો અને 48 બેઠકો જીતી લીધી.
હરિયાણામાં વિધાનસભાની 90 બેઠકો છે. ભાજપને 39.9 ટકા મતો મળ્યા, જે છેલ્લી વિધાનસભા ચૂંટણી (2019) કરતાં 3.5 ટકા વધુ છે. આવી પરિસ્થિતિ છતાં પણ ભાજપને ગત વખત કરતા આઠ બેઠકો વધુ મળી છે.
કૉંગ્રેસ માત્ર 37 બેઠકો જીતી શકી હતી. જોકે, આ અગાઉની વિધાનસભા ચૂંટણી કરતાં છ વધુ છે.
પણ બેઠકોના મામલે કૉંગ્રેસ ક્યાં ચૂકી? ખરેખર તેની ક્યાં ભૂલ થઈ?
આ પ્રશ્નના જવાબમાં વરિષ્ઠ પત્રકાર હેમંત અત્રી કહે છે, “કૉંગ્રેસે હરિયાણાની ચૂંટણીને હળવાશથી લીધી હતી. જ્યારે જમીન પર ભાજપ વિરોધી (સત્તા)ની મજબૂત લહેર હતી. અહીં કૉંગ્રેસની હારનું બીજું મોટું કારણ પક્ષની આંતરિક લડાઈ હતી. આ લડાઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના ભાષણમાં રેખાંકિત કરી હતી. તેમણે પાર્ટીના નેતા કુમારી શૈલજાના કથિત અપમાનનો ઉલ્લેખ કર્યો હતો.”
હેમંત અત્રી કહે છે, "ભાજપે રાજ્યની 'ફૉલ્ટલાઇન' જાટ વિરુદ્ધ બિન-જાટ મુદ્દાનો પણ ફાયદો ઉઠાવ્યો હતો. કૉંગ્રેસમાં હુડ્ડા અને સેલજા વચ્ચેની લડાઈનો ભાજપે પણ ફાયદો ઉઠાવ્યો. ભાજપે પોતાની રણનીતિ બેઠક પ્રમાણે નક્કી કરી હતી. તેમણે ચૂંટણી જીતવા માટે તમામ પ્રકારની યુક્તિઓ અજમાવી હતી. જ્યારે કૉંગ્રેસ વધુ પડતા આત્મવિશ્વાસનો શિકાર બની હતી.”
હેમંત અત્રીનું કહેવું છે કે કૉંગ્રેસ રાજ્યને હળવાશથી લેવાનું શરૂ કરે છે જ્યાં તેને લાગે છે કે તેની સ્થિતિ મજબૂત છે અને પછી ત્યાં વ્યૂહાત્મક ભૂલો કરવાનું શરૂ કરે છે. પછી તે આંતરિક ઝઘડાનો મામલો હોય કે ઉમેદવારોની પસંદગીમાં થયેલી ભૂલો, કૉંગ્રેસમાં બહુ જલ્દી જૂથવાદ શરૂ થઈ જાય છે.
તેઓ કહે છે, "ભાજપ દ્વારા જે ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે તે આખી પાર્ટીનો ઉમેદવાર હોય છે. પરંતુ કૉંગ્રેસમાં એક ઉમેદવાર એક જૂથનો જ ઉમેદવાર બની રહે છે. પછી કૉંગ્રેસનું બીજું જૂથ તેને હરાવવાની કોશિશ કરે છે. હરિયાણાની ચૂંટણી તેનું ઉદાહરણ છે.”
જ્યારે અદિતી ફડણીસ કહે છે કે, “હરિયાણામાં કૉંગ્રેસ તેની આંતરિક લડાઈને કારણે નુકસાનમાં રહી છે. કૉંગ્રેસે પાર્ટીની અંદર આ વલણને રોકવું પડશે. અન્યથા તેણે વધુ નુકસાન સહન કરવું પડી શકે છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












