યુપી : ભાજપે નગરપાલિકા ચૂંટણીમાં મુસ્લિમોને મોટા પ્રમાણમાં ટિકિટો કેમ આપી?

    • લેેખક, કીર્તિ દુબે
    • પદ, બીબીસી સંવાદદાતા

55 વર્ષીય ફરખંદા ઝબી આ મહિનાની શરૂઆતમાં ઉત્તર પ્રદેશમાં નગરપાલિકા ચૂંટણી જીત્યા બાદ નગરપાલિકાનાં અધ્યક્ષ બન્યાં હતાં. તેઓ મુરાદાબાદના ભોજપુર ધર્મપુર બેઠકથી ચૂંટાયાં છે.

ફરખંદાએ તેમના જીવનની પ્રથમ ચૂંટણી ભાજપની ટિકિટ પર લડી હતી અને તેમાં તેમને જીત મળી હતી. મુરાદાબાદના ભોજપુર ધર્મપુરમાં 90 ટકા વસતી મુસ્લિમોની છે.

અગાઉ અહીં સમાજવાદી પાર્ટીના ઉમેદવારની જીત થઈ હતી, પરંતુ આ વખતે બાજી પલટાઈ ગઈ અને ફરખંદાએ જંગી મતોથી ચૂંટણી જીતી હતી.

ભોજપુર ધર્મપુર બેઠક પછાત જાતિનાં મહિલા ઉમેદવાર માટે અનામત છે. અહીં ફરખંદા ઝબીએ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર મોહસિનાને હરાવ્યાં હતાં.

ફરખંદાના પતિ પરવેઝ અખ્તરે બીબીસીને જણાવ્યું હતું કે, “અમે જંગી જીત મેળવી છે. અમને 45 ટકા મત મળ્યા છે. ભાજપની નીતિના કારણે આવું શક્ય બન્યુ છે. અમે છેલ્લાં ઘણાં વર્ષોથી આ વિસ્તારમાં સમાજસેવા કરી રહ્યા છીએ. આ વખતે લોકોએ કામ માટે મત આપ્યો છે.”

ફરખંદા પસમાંદા મુસ્લિમ છે. તેઓ એ 395 લોકોમાંથી એક છે, જેમને નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી હતી. તેમાંથી 61 મુસ્લિમોને ચૂંટણીમાં જીત મળી છે, પરંતુ માત્ર 5 મુસ્લિમ જ નગરપાલિકા અધ્યક્ષ બની શક્યા છે અને તેમાંથી ફરખંદા એક છે.

આ સંદર્ભે ફરખંદાની આ જીત વધુ મહત્ત્વની છે. ઉત્તર પ્રદેશમાં આ મહીને યોજાયેવી નગરપાલિકા ચૂંટણીમાં ભાજપે મોટી જીત હાંસલ કરી છે.

જોકે આ જીતમાં એક વાત મહત્ત્વની છે કે આ વખતે ભાજપે રેકૉર્ડ સંખ્યામાં મુસ્લિમોને ટિકિટ આપી છે. ભાજપે નગરપાલિકાની ચૂંટણીમાં 395 મુસ્લિમોને ટિકિટ આપી હતી, જેમાંથી 90 ટકા પસમાંદા મુસ્લિમ હતા.

યુપી ભાજપના એક નેતાએ બીબીસીને આ વાતની પુષ્ટી કરી છે.

ભાજપની મોટી જીત અને મુસ્લિમોની ભાગીદારી

13મી મેના રોજ ઉત્તર પ્રદેશ નગરપાલિકા ચૂંટણીનું પરિણામ આવ્યું હતું. એ જ દિવસે જ કર્ણાટક વિધાનસભા ચૂંટણીનાં પરિણામ પણ આવ્યાં હતાં અને તેમાં ભાજપ હારી ગયો હતો. પરંતુ યુપી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે શાનદાર જીત મેળવી હતી.

ભાજપે તમામ 17 મેયરની બેઠકો જીતી લીધી છે. યુપીની આ ચૂંટણીમાં ભાજપની જીત અણધારી નહોતી. ચૂંટણી પહેલાં પણ ભાજપની જ જીત થશે, તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું.

આ વખતની નગરપાલિકા ચૂંટણીમાં ખાસ વાત એ હતી કે ભાજપ કે જે પક્ષ પાસે ઉત્તર પ્રદેશમાં એક પણ ચૂંટાયેલા મુસ્લિમ ધારાસભ્ય નથી અને નથી કોઈ મુસ્લિમ સાંસદ, એ જ પક્ષની ટિકિટ પર કુલ 61 મુસ્લિમ નગરપાલિકાની ચૂંટણી જીત્યા છે.

જોકે, યુપીમાં મુસ્લિમોની વસતી અંદાજે 20 ટકા છે. નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 14684 બેઠક છે, તેના આધારે ભાજપે 395 મુસ્લિમોને ટિકિટ આપી એ મોટી સંખ્યા નથી.

જો 2017ની નગરપાલિકા ચૂંટણીઓ સાથે સરખામણી કરીએ તો ભાજપની ટિકિટ વિતરણમાં મુસ્લિમ ઉમેદવારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2017માં ભાજપે 100થી ઓછા મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી હતી.

યુપીમાં ભાજપ લઘુમતી મોરચાના અધ્યક્ષ કુંવર બાસિતઅલી કહે છે કે, “મોદી અને યોગીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની નીતિથી બધાને ફાયદો થયો છે. આ વખતે નગરપાલિકાની ચૂંટણીમાં પાર્ટી તરફથી જે મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હતી, તેમાંથી મોટા ભાગના પસમાંદા મુસ્લિમોને હતા, જોકે, તેમાં રાજપૂતો, ગુર્જર, શિયા મુસ્લિમોને પણ ટિકિટ અપાઈ છે.”

પસમાંદા મુસ્લિમ અને ભાજપની તૈયારી?

ભાજપનો પસમાંદા મુસ્લિમોને આકર્ષવાનો પ્રયાસ નવો નથી.

જુલાહે, ધુનિયા, ઘાસી, કસાઈ, તેલી અને ધોબી જેવા પસમાંદા મુસ્લિમો કે જેમની ગણના દેશમાં નીચલી જાતિઓમાં થાય છે, તેઓ લાંબા સમયથી ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ધ્યાનમાં છે. પાર્ટીની છેલ્લી બે કાર્યકારી સમિતિઓ, 2022માં યોજાયેલી બેઠક અને જાન્યુઆરી 2023માં દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં, વડા પ્રધાન મોદીએ ખાસ કરીને પસમાંદા મુસ્લિમોનો ઉલ્લેખ કર્યો હતો.

ગયા વર્ષે નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના પસમાંદા મુસ્લિમોના પ્રતિનિધિમંડળ સાથે લાંબી મુલાકાત કરી હતી, જેના થોડા મહિના બાદ પાર્ટીના યુપી એકમે 'વણકર સેલ'ની સ્થાપના કરી હતી.

યુપીના દરેક જિલ્લામાં લઘુમતી મોરચા સક્રિય છે. એટલું જ નહીં યુપીમાં લઘુમતી મોરચાના 80 ટકા પદો પર પસમાંદા સમુદાયના લોકો છે.

યુપી સરકારમાં લઘુમતીમંત્રી દાનિશ અંસારી, રાજ્યના લઘુમતી આયોગના પ્રમુખ અશફાક સૈફી, મદરેસા બોર્ડના અધ્યક્ષ ઇફ્તિખાર અહમદ જાવેદ, સુન્ની વક્ફ બોર્ડના ચેરમૅન જુફર ફારુકી આ તમામ પસમાંદા સમુદાયમાંથી આવે છે.

બાસિતઅલી કહે છે કે, “અમારું ધ્યાન પસમાંદા પર છે. અમે તેમને સન્માન, ભાગીદારી, આર્થિક લાભ આપી રહ્યા છીએ, કારણ કે 60 વર્ષથી તેઓ માત્ર વોટ બૅન્ક તરીકે ઉપયોગમાં લેવાતા હતા. તેમના મત તો લેવામાં આવ્યા, પરંતુ તેમનો વિકાસ કોઈએ કર્યો નથી, તેથી જે લોકો પાછળ રહી ગયા છે, તેમને આગળ લાવવા ભાજપ સરકાર કામ કરી રહી છે. આ કામ એ સરકારોએ કરવું જોઈતું હતું, જેમને થોકબંઘ મુસ્લિમો મત મળ્યા હતા.”

જોકે સમાજવાદી પાર્ટી આને પોતાના માટે મોટા જોખમ તરીકે જોતી નથી. સુશાંત ચૌધરી પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના નેતા છે.

તેઓ કહે છે કે, “ભાજપના આ પગલાનું કોઈ ખાસ મહત્ત્વ નથી. સમાજવાદી પાર્ટી દરેકની પાર્ટી છે, તેને કોઈ એક ધર્મ સાથે કેમ જોડવી જોઈએ? જો ભાજપ એવું વિચારે છે કે નગરપાલિકાની ચૂંટણી અને વિધાનસભા કે લોકસભાની ચૂંટણીમાં મતદારો આ જ રીતે મત આપે છે, તો તે તેની ભૂલ છે. તેની અસર લોકસભા કે વિધાનસભાની ચૂંટણી પર નહીં થાય. સમાજવાદી વિચારધારામાં માનનારા અમારી સાથે છે અને ભવિષ્યમાં પણ રહેશે. તેની કોઈ લાંબા ગાળાની અસર થવાની નથી.”

મુસ્લિમો આ નગરપાલિકા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીથી થોડા દૂર જતા હોય તેવું લાગી રહ્યું છે. ઘણી મુસ્લિમ બહુમતીવાળી બેઠકો પર એઆઈએમઆઈએમને સમાજવાદી પાર્ટીના ઉમેદવાર કરતાં વધારે મત મળ્યા છે.

સંભલની નગરપંચાયત સિરસીથી કૌસર અબ્બાસ ભાજપની ટિકિટ પર નગરપાલિકા ચૂંટણી લડ્યાં અને જીતીને ચેરમૅન બન્યા છે.

અબ્બાસ પસમાંદા મુસ્લિમ નથી. તેમનું કહેવું છે કે તેઓ આઠ વર્ષ સુધી સમાજવાદી પાર્ટીના કાર્યકર હતા, પરંતુ વર્ષ 2012માં તેમણે પાર્ટી છોડી દીધી હતી.

સિરસીમાં 80 ટકા વસતી મુસ્લિમ છે અને તેને સમાજવાદી પાર્ટીનો ગઢ માનવામાં આવે છે, પરંતુ આ વખતે અહીં પંચાયતની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત થઈ છે.

અબ્બાસની આ પ્રથમ ચૂંટણી હતી. બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે કે, “મને આ ચૂંટણીમાં 3200 વોટ મળ્યા હતા. અગાઉ અહીં ભાજપના કોઈ ઉમેદવારને 400-500થી વધુ વોટ મળતા નહોતા. હું છેલ્લાં કેટલાંક વર્ષોથી સમાજિક કાર્ય કરી રહ્યો હતો. ખાસ કરીને લૉકડાઉન દરમિયાન હું સરકાર તરફથી મળતું મફત રૅશન લોકો સુધી પહોંચાડતો હતો, લોકોએ આ કામ જોઈને મત આપ્યા છે.”

જોકે અબ્બાસ એ પણ કબૂલે છે કે ચૂંટણીના થોડા દિવસો પહેલાં જ તેઓ ભાજપમાં જોડાયા હતા અને ટિકિટ માટે અરજી કરી હતી.

સિરસી બેઠક પર નગરપંચાયતની ચૂંટણીમાં બસપા લાંબા સમયથી જીતી રહી છે અને વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક સપાના ખાતામાં જતી રહી, પરંતુ આ વખતે આ સમીકરણો બદલાયાં છે.

ભાજપનો દાવો છે કે 2017ની સરખામણીમાં આ વખતે નગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો વોટ શૅર વધ્યો છે.

'નવભારત ટાઇમ્સ' માટે શાદાબ રિઝવી લાંબા સમયથી પશ્ચિમ ઉત્તર પ્રદેશને કવર કરી રહ્યા છે.

રિઝવી કહે છે કે, “ભાજપે આ વખતે ઘણા મુસ્લિમોને ટિકિટ આપીને કોઈ મોટું કામ કર્યું નથી. આમાંથી કેટલાક વિસ્તારોને બાદ કરતાં ભાજપે અહીં પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા નથી. આ મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારો ભાજપ માટે મુશ્કેલ વિસ્તાર હતા.”

તેમણે કહ્યું હતું કે ભાજપે અહીં ટિકિટ આપીને સંદેશ આપ્યો છે કે તેઓ મુસ્લિમો માટે પણ વિચારી રહ્યો છે, પરંતુ એવું લાગતું નથી કે ભાજપ મુસ્લિમોને મોટો હિસ્સો આપશે.

યોગી અને મોદી માટે તેનો હેતુ

હાલમાં પસમાંદા મુસ્લિમોની વસતી અંગે કોઈ નક્કર ડેટા નથી. 1931 પછી જાતિગણતરીનું કામ બંધ થઈ ગયું હતું, પરંતુ આ સમુદાયનો દાવો છે કે પસમાંદા મુસ્લિમો દેશની કુલ મુસ્લિમ વસતીના 80થી 85 ટકા હોઈ શકે છે.

નિષ્ણાતોનું માનવું છે કે, 17 મેયરની ચૂંટણીનાં પરિણામ દર્શાવે છે કે મુસ્લિમોના વોટ આ વખતે એક પક્ષમાં જવાને બદલે વિભાજિત થયા છે.

મુસ્લિમોના વોટ સપા, બસપા, કૉંગ્રેસ, એઆઈએમઆઈએમ અને આપ વચ્ચે વહેંચાઈ ગયા અને પરિણામ એ આવ્યું કે ભાજપે તમામ બેઠકો જીતી લીધી છે.

ઉત્તર પ્રદેશના રાજકારણને નજીકથી સમજનારા વરિષ્ઠ પત્રકાર રામદત્ત ત્રિપાઠી કહે છે કે, “નગરપાલિકાની ચૂંટણી માઇક્રો પ્લાનિંગ અંતર્ગત યોજાય છે. વોર્ડમાં કયા સમુદાયની વસતી છે તે મહત્ત્વનું છે અને બેઠકો જીતવાના ઇરાદાથી ટિકિટ આપવામાં આવે છે. આ વખતે ભાજપને સફળતા પણ મળી છે, કારણ કે સપા અને બસપાએ આ ચૂંટણી પૂરી તાકાતથી લડી ન હતી. તેથી એ સમજવું કે 2024માં તે ભાજપ માટે મહત્ત્વની વોટબૅન્ક બની રહેશે અથવા તેનું કોઈ મોટું મહત્ત્વ છે, એવું હું માનતો નથી.”

તેઓ કહે છે કે, “જો આવનારી લોકસભા ચૂંટણી ભાજપ માટે મહત્ત્વપૂર્ણ ન હોત તો ભાજપ કર્ણાટકમાં બજરંગબલી અને મુસ્લિમો વિરુદ્ધ ખુલ્લેઆમ નિવેદનો આપી રહ્યો ન હોત. ભાજપ માટે આવનારી ચૂંટણીમાં પણ હિન્દુત્વ જ સૌથી મોટો મુદ્દો હશે. ભાજપે ચૂંટણીમાં જે કંઈ કર્યું છે, તેમાંથી કોઈ મોટો અર્થ કાઢવો જોઈએ નહીં.”

અશોકા યુનિવર્સિટીમાં પૉલિટિકલ સાયન્સના પ્રોફેસર અલીખાન મહમૂદાબાદ માને છે કે તેનો વાસ્તવિક હેતુ મુસ્લિમ એકબીજા સાથે ઝઘડામાં વ્યસ્ત રાખવાનો અને મતો વહેંવાનો છે.

તેઓ કહે છે કે, “આવું પહેલીવાર થયું નથી કે ભાજપ-આરએસએસ એ મુસ્લિમોના કોઈ ચોક્કસ વર્ગ સુધી પહોંચવાના પ્રયાસ કર્યા હોય, પહેલાં તેઓએ સુફી-ખાનકાહ સાથે જોડાયેલા લોકો અને ત્યારબાદ શિયા સમુદાય સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ બંનેમાં તેમને કોઈ મોટી સફળતા મળી નથી.”

“તેથી હવે પસમાંદા મુસ્લિમ તેમની નવી પસંદગી છે.”

નવભારત ટાઇમ્સના શાદાબ રિઝવી કહે છે કે, “સમાજવાદી પાર્ટીને નગરપાલિકા ચૂંટણીમાં જે પણ નુકસાન થયું, તેનું કારણ એ નથી કે મુસ્લિમ મતદારો ભાજપ તરફ વળી રહ્યા છે. આ મત અન્ય પક્ષો તરફ વધુ વળ્યા છે. AIMIM એ સપાને વધુ નુકસાન પહોંચાડ્યું છે. અખિલેશ યાદવ મુસ્લિમોના મુદ્દા પર બોલતા નથી. ભલે તે બુલડોઝરના ઉપયોગ વિશે હોય કે અતીક અહમદની હત્યા વિશે, સપા જોવા મળી રહી નથી.”

“મુસલમાનોમાં એક સંદેશ આપવામાં આવ્યો છે કે અખિલેશ યાદવ સારસ જેવા મુદ્દા પર તો બોલે છે, પરંતુ મુસ્લિમો પ્રત્યે તેમનું વલણ નરમ રહે છે. તેના કારણે મુસ્લિમોમાં થોડી નારાજગી છે અને તેથી જ તેઓ એઆઈએમઆઈએમ અથવા ઓછા અંશે ભાજપ તરફ વળ્યા છે, જેથી તેઓ સપાને તેમની નારાજગીનો સંદેશો પહોંચાડી શકે.”

ભાજપ નેતા પણ રિઝવી સાથે સહમત છે કે મુસ્લિમ મતદારો અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ તરફ આકર્ષાય છે.

બાસિતઅલી કહે છે કે, “આ વખતે આપણે નગરપાલિકા ચૂંટણીનાં પરિણામો અને વોટિંગ પેટર્ન પર નજર કરીએ તો મોટી સંખ્યામાં મુસ્લિમ મતદારો સપા છોડીને AIMIM, બસપા, કૉંગ્રેસ તરફ પણ ગયા છે. તેથી મુસ્લિમો હવે કોઈ એક પાર્ટીની વોટબૅન્ક નથી અને આ ભાજપની સિદ્ધી છે.”

રિઝવી કહે છે કે, “ભાજપ માટે એક સમસ્યા એ પણ છે કે તેમના મુખ્ય મતદારને એવો સંદેશ ન મળવો જોઈએ કે તેઓ મુસ્લિમોને પોતાના ખોળામાં બેસાડી રહ્યા છે, તેનાથી ભાજપની હિન્દુત્વની છબી ખરાબ થઈ શકે છે. આવી સ્થિતિમાં ભાજપ આવનારા સમયમાં પસમાંદા મુસ્લિમોને પ્રતીકાત્મક પ્રતિનિધિત્વ કરતાં વધુ આપી શકશે કે કેમ તે જોવાનું રહેશે.”