You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નાસિકના ત્ર્યંબકેશ્વર મંદિરમાં મુસ્લિમો દ્વારા ધૂપ આપવાનો વિવાદ, શું છે સમગ્ર મામલો?
- લેેખક, પ્રવીણ ઠાકરે
- પદ, બીબીસી મરાઠી માટે, નાસિકથી
નાસિકના ત્ર્યંબકેશ્વર મંદિરમાં ઘૂસવાના મુસ્લિમોના પ્રયાસને મુદ્દે મીડિયામાં આજકાલ ચર્ચા ચાલી રહી છે.
મંદિર ટ્રસ્ટ મૅનેજમૅન્ટના નિયમ મુજબ, અન્ય ધર્મના લોકોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો નથી. આ નિયમને લીધે વિવાદ થયો હોવાનું કહેવાય છે.
કેટલાક મુસ્લિમોએ ત્ર્યંબકેશ્વર મંદિરમાં ઘૂસીને ત્યાં ચાદર તથા ફૂલ ચડાવવાનો અને ધૂપ આપવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે.
જોકે, મુસ્લિમ જૂથોએ આ આરોપ ફગાવી દીધો છે. તેઓ એવો દાવો પણ કરી રહ્યા છે કે મંદિર પરિસરમાં ધૂપ આપવાની પરંપરાના એક ભાગરૂપે સંબંધિત લોકો ત્યાં ગયા હતા.
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ પ્રકરણની સર્વત્ર ચર્ચા ચાલી રહી છે અને રાષ્ટ્રીય મીડિયાએ પણ આ ઘટનાની નોંધ લીધી હોય એવું લાગે છે.
તદુપરાંત આ પ્રકરણ બાબતે રાજકીય આગેવાનો પ્રમાણમાં પ્રત્યાઘાત આપ્યા છે અને એ કારણે આ ઘટનાને રાજકીય વળાંક મળી રહ્યો હોય એવું પણ લાગે છે.
આ બધામાં મૂળ મુદ્દો એ છે કે ત્ર્યંબકેશ્વર મંદિર પરિસરમાં મુસ્લિમ દ્વારા ધૂપ આપવાની પરંપરા છે કે નહીં?
આ આખો મામલો શું છે અને મુસ્લિમ જૂથ દ્વારા કરવામાં આવેલો દાવો સાચો છે કે ખોટો?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખરેખર શું થયું હતું?
ત્ર્યંબક ગામથી શનિવાર 13 મેના રોજ સંદલ સરઘસ કાઢવામાં આવ્યું હતું. તેમાં 25-30 લોકો સામેલ થયા હતા.
આ સરઘસ રાત્રે 10.50 વાગ્યે વાજતેગાજતે મંદિરના ઉત્તર મહાદ્વાર પાસે રોકાયું હતું. મંદિર બંધ થવાનો સમય હોવાથી શ્રદ્ધાળુઓ તે દ્વારમાંથી બહાર આવી રહ્યા હતા.
એ સરઘસમાંના એક યુવકના માથા પર ટોપલી હતી અને તેમાં ફૂલ હતાં. તેની સાથેના બીજા કેટલાક લોકો પરિસરમાં ધૂપ આપવા આગળ વધ્યા ત્યારે સલામતી રક્ષકોએ તેમને અટકાવ્યા હતા.
આ ઘટનાનો સરઘસમાં સામેલ લોકોએ સૅલફોન દ્વારા વીડિયો ઉતાર્યો હતો. આ ઘટનાની જાણ થતાંની સાથે જ સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા.
મરાઠી દૈનિક લોકસત્તાના અહેવાલ મુજબ, પ્રવેશ બાબતે ખેંચતાણ બાદ સરઘસ રવાના થઈ ગયું હતું.
આ મામલે મંદિરના પૂજારી તથા મંદિર ટ્રસ્ટે ફરિયાદ નોંધાવી છે. ધૂપ આપવાના કૃત્ય દ્વારા સામાજિક વિખવાદ સર્જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની ફરિયાદ તેમજ સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસની માગણી મંદિર ટ્રસ્ટે કરી છે.
આ ઘટના સંદર્ભે પોલીસે અકીલ યુસુફ સૈયદ, સલમાન અકીલ સૈયદ, મતીન રાજુ સૈયદ અને સલીમ બક્ષુ સૈયદ નામના ચાર લોકોની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.
નાસિકના પોલીસ વડા બી જી શેખરે આપેલી માહિતી મુજબ, આ મામલે તપાસ અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ખાસ તપાસ ટુકડીની રચના
ત્ર્યંબકેશ્વર મંદિરમાં બનેલી ઘટના ગંભીર હોવાની પૂજારીની ફરિયાદને ધ્યાનમાં લઈને મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ મામલે ખાસ તપાસ ટુકડી (એસઆઈટી)ની રચનાનો આદેશ આપ્યો છે.
દેવેન્દ્ર ફડણવીસના સત્તાવાર ટ્વિટર અકાઉન્ટ પર આ સંદર્ભે ટ્વીટ પણ કરવામાં આવી છે.
એ ટ્વીટ અનુસાર, “ત્ર્યંબકેશ્વર મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે એક ખાસ ટોળાના એકઠા થવાની ઘટના સંબંધે એફઆઈઆર નોંધીને અત્યંત કડક પગલાં લેવાનો આદેશ નાયબ મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપ્યો છે.”
નાયબ મુખ્યપ્રધાને આ ઘટનાની તપાસ માટે પોલીસના એડિશનલ ડિરેક્ટર જનરલના વડપણ હેઠળ એસઆઈટીની રચનાનો આદેશ પણ આપ્યો છે.
આ એસઆઈટી તાજેતરની ઘટનાની જ નહીં, પરંતુ ગયા વર્ષની ઘટનાની તપાસ પણ કરશે, એવું દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે.
ગયા વર્ષે પણ એક ટોળું મુખ્ય પ્રવેશદ્વારમાંથી મંદિર પરિસરમાં ઘૂસ્યું હોવાની ઘટના બની હતી. ગત વર્ષની અને તાજેતરની એમ બન્ને ઘટનાની તપાસ એસઆઈટી કરશે.
ધૂપ આપવા બાબતે દાવા અને પ્રતિદાવા
ત્ર્યંબકેશ્વર મંદિરમાં ધૂપ આપવા બાબતે વિવાદ સર્જાયા પછી ત્ર્યંબકેશ્વર મંદિર સમિતિ દેવસ્થાન ટ્રસ્ટે આ બાબતે એક પત્ર પાઠવીને પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મંદિર દેવસ્થાન ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, બિન-હિન્દુઓને મંદિરમાં પ્રવેશવાની છૂટ નહીં હોવાનું જણાવતું એક બોર્ડ પરિસરમાં મૂકવામાં આવ્યું છે.
જોકે, આ સંદર્ભે બીજી તરફ અલગ દાવો કરવામાં આવી રહ્યો છે.
તે મુજબ, શહેરની એક દરગાહમાંથી દર વર્ષે સંદલ સરઘસ કાઢવામાં આવે છે. તે સરઘસ ત્ર્યંબકેશ્વર મંદિરના ઉત્તર દરવાજે આવે છે. પછી સરઘસમાં સામેલ લોકો મંદિરનાં પગથિયાં પાસે ત્ર્યંબકેશ્વરને ધૂપ આપે છે અને આગળ વધે છે. આવું તે સરઘસના આયોજકોનું કહેવું છે.
તેમના જણાવ્યા મુજબ, આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે અને એ દિવસે પણ તેઓ ધૂપ આપવા જ ગયા હતા. મંદિરમાં પ્રવેશવાનો પોતાનો કોઈ ઇરાદો ન હોવાની સ્પષ્ટતા મુસ્લિમ જૂથ દ્વારા કરવામાં આવી છે.
સંદલ ઉર્સના આયોજક મતીન સૈયદે કહ્યું હતું કે “પરંપરા મુજબ અમે દર વર્ષે આવું કરીએ છીએ. દરવાજાની બહારથી ધૂપ આપવામાં આવે છે. અમે મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો નથી.”
તેમણે ઉમેર્યું હતું કે “દર વર્ષે સંદલ ઉર્સનું સરઘસ મંદિરે આવે છે. બે-ત્રણ જણ ધૂપ આપે પછી સરઘસ આગળ વધે છે. અમને ત્ર્યંબકેશ્વરમાં શ્રદ્ધા છે. તેથી આમ કરવામાં આવે છે. અમે મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ શા માટે કરીએ?”
“આવા વિવાદને કારણે સમાજમાં ખોટો સંદેશ જાય છે. મારી નમ્ર વિનંતી છે કે સમાજમાં ખોટો સંદેશ ન જવો જોઈએ,” એમ પણ સૈયદે કહ્યુ હતું.
સંદલ સરઘસમાં સલીમ સૈયદે પીરબાબાની ચાદર સાથેની ટોપલી પોતાના માથા પર મૂકી હતી. તેમણે કહ્યું હતું કે “ત્ર્યંબકેશ્વર મંદિરના નિયમો હું બાળપણથી જાણું છું. મારા પિતા પણ સરઘસમાં સામેલ થતા હતા અને મંદિરના પગથિયાં પર ધૂપ આપીને આગળ વધતા હતા. અમે અત્યાર સુધી આવું કરતા રહ્યા છીએ, પણ આ વખતે નવું વલણ જોવા મળ્યું. મંદિરમાં પ્રવેશવાનો કે ચાદર ચડાવવાનો અમારા પૈકીના કોઈનો ઇરાદો ન હતો.”
જોકે, આવી કોઈ પરંપરા નહીં હોવાનું મંદિરના મુખ્ય પૂજારી અને ટ્રસ્ટી ડો. સત્યપ્રિયા શુક્લાએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે “ગયા વર્ષે પણ સંદલ સરઘસ વખતે આવી ઘટના બની હતી. એ બાબતે દોષિત લોકો સામે કઠોર કાર્યવાહી થવી જોઈએ. ભવિષ્યમાં આવી ઘટના ન બને એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ.”
મંદિરની આસપાસના વિસ્તારમાં પૂજા સામગ્રી, નારાયણ નાગબળી માટે જરૂરી વસ્ત્રો, પ્રસાદ અને વાસણોનું વેચાણ કરતી અનેક દુકાનો આવેલી છે. તેમના દ્વારા વર્ષ દરમિયાન બે-ત્રણ વખત સંદલ સરઘસ, ઉર્સ સરઘસ કાઢવામાં આવે છે, પરંતુ અગાઉ આવું ક્યારેય બન્યું નથી, એમ ત્ર્યંબકેશ્વર પુરોહિત સંઘના ભૂતપૂર્વ પ્રમુખ અને દેવસ્થાનના ટ્રસ્ટી પ્રશાંત ગાયધનીએ જણાવ્યું હતું.
સ્થાનિક રહેવાસી સુરેશ ગંગાપુત્રએ આ ઘટના બાબતે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે “આ પરિસરમાં અમારી નાનકડી દુકાન છે. અમે નાના હતા ત્યારથી મુસ્લિમો ત્ર્યંબકેશ્વર મહાદેવને રાજા માને છે. તેમની ધૂપ-આરતી કરે છે. આ તેમની પરંપરા છે.”
“તેમણે આ વખતે પણ આવું કર્યું હતું, પણ તેઓ અંદર પ્રવેશ્યા હતા એ હું સ્વીકારું છું. અંદર ભીડ હતી. તેથી પોલીસે તેમને કહેવું જોઈતું હતું કે અંદર જશો નહીં, ધૂપ બહારથી જ આપી દો. એ વખતે સલામતી રક્ષકો શું કરતા હતા?”
આ ઘટના માટે હિંદુઓ અને મુસ્લિમો બન્ને દોષિત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, પણ અસલી ગુનેગાર હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ. સૈયદ પરિવારનો ત્ર્યંબકેશ્વર સાથે ગાઢ સંબંધ છે. તેઓ નારાયણ નાગબલી માટે જરૂરી ધોતિયાં તથા વસ્ત્રો વેચવાનો ધંધો કરે છે. તેમની આજીવિકા મંદિર પર જ નિર્ભર છે, એવું સુરેશ ગંગાપુત્રએ જણાવ્યું હતું.
અહીંની શાંતિ સમિતિના સભ્ય નબિયુન શેખે પણ આ બાબતે નારાજગી વ્યક્ત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે ત્ર્યંબકેશ્વરમાં હિન્દુ-મુસ્લિમ વર્ષોથી હળીમળીને રહે છે. આ અગાઉ આવો વિવાદ ક્યારેય સર્જાયો નથી.
તેમણે કહ્યું હતું કે “આ ઘટના બાબતે સનસનાટીભર્યા સમાચારની માફક દર્શાવવામાં આવી હતી. ત્ર્યંબકેશ્વરના ઇતિહાસમાં ધાર્મિક કાર્યક્રમ બાબતે ક્યારેય વિવાદ સર્જાયો નથી. ધૂપ આપવા બાબતે કેટલાક લોકો એવું કહે છે કે આ વર્ષો જૂની પરંપરા છે, જ્યારે કેટલાક લોકો કહે છે કે આવી કોઈ પરંપરા નથી.”
તેમણે ઉમેર્યું હતું કે “સંદલ સરઘસના આયોજકોએ વચન આપ્યું છે કે ધૂપ આપવાની પરંપરા સામે કોઈને વાંધો હશે તો તેઓ આ પ્રથા બંધ કરી દેશે. મને ખબર છે ત્યાં સુધી, ક્યારેક મંદિરના પગથિયાં સુધી જઈને અને ક્યારેય બહારથી ધૂપ આપવામાં આવતો રહ્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન કોરોનાને કારણે સંદલ સરઘસ કાઢવામાં આવ્યું ન હતું. હવે એ ફરી શરૂ થયું છે, પરંતુ મંદિરના પૂજારીઓ ન ઇચ્છતા હોય તો ત્યાં ધૂપ આરતી કરવામાં આવશે નહીં, એવી ખાતરી આયોજકોએ આપી છે.”
નબીયુન શેખે ભારપૂર્વક કહ્યું હતું કે “આ ઘટના બાબતે વગર કારણે અતિશયોક્તિભર્યા અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા છે. તેથી મીડિયાએ પણ આત્મ-નિયંત્રણ કરવું જોઈએ”
વિવાદમાં ભળ્યું રાજકારણ
આ વિવાદ બહાર આવતાની સાથે જ વિવિધ પ્રતિક્રિયા અને મતભેદ જોવા મળી રહ્યા છે. ધાર્મિક સંગઠનો અને રાજકીય નેતાઓ જાતજાતના પ્રતિભાવ આપી રહ્યા છે.
વિશ્વ હિન્દુ સંગઠને એક અખબારી યાદી બહાર પાડીને આ ઘટના સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.
તે અખબારી યાદીમાં વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય પ્રવક્તા શ્રીરાજ નાયરે જણાવ્યું હતું કે “હિન્દુઓના શ્રદ્ધાસ્થાન ગણાતા 12 જ્યોર્તિલિંગ પૈકીના એક ત્ર્યંબકેશ્વર મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ જેહાદી વિચારધારા ધરાવતા કેટલાક મુસ્લિમ યુવાનોએ કર્યો હતો. સલામતી રક્ષકોની સતર્કતા તથા તકેદારીને લીધે તે પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો અને મોટી આફત ટળી હતી. ગયા વર્ષે પણ આવો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.”
અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, “દેશભરના ઘણાં મંદિરોમાં મુસ્લિમો દ્વારા વિવાદ સર્જવાના અને મંદિર કબજે કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ જેહાદી માનસિકતાનો ઇતિહાસ જોતાં લાગે છે કે માત્ર મંદિરો જ નહીં, હિન્દુઓની સંપત્તિ પણ કબજે કરવાના પ્રયાસ ઘણી જગ્યાએ થઈ રહ્યા છે. આ એક મોટું ષડ્યંત્ર હોય તેવું અમને લાગે છે.”
ત્ર્યંબકેશ્વરની ઘટના માટે જવાબદાર યુવકો સામે ગુનો નોંધી, તેમની ધરપકડ કરવી જોઈએ અને તેમને આકરી સજા કરવી જોઈએ, એવી માગણી પણ વિશ્વ હિન્દુ પરિષદે કરી છે.
દરમિયાન, નાસિકના ભૂતપૂર્વ પાલક પ્રધાન અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા છગન ભૂજબળે આ ઘટના સંદર્ભે વિવાદ સર્જાયા બાદ મહારાષ્ટ્ર સરકારની ટીકા કરી હતી.
તેમણે કહ્યું હતું કે “આ વર્ષો જૂની પરંપરા છે, પણ આ વખતે તેને અલગ વળાંક આપવામાં આવ્યો છે. બે ધર્મના લોકો સાથે મળીને કામ કરતા હોય તો એ સારી વાત છે. ફક્ત મત મેળવવા માટે બન્ને કોમના લોકોને લડાવવા તે યોગ્ય નથી. ચૂંટણી યોજાવાની હોય ત્યારે ધાર્મિક વાતાવરણ બનાવવામાં આવે છે. કર્ણાટકમાં પણ ભારતીય જનતા પાર્ટીએ આવું જ વાતાવરણ સર્જવાનો પ્રયાસ કર્યો હતો.”
છગન ભૂજબળે ઉમેર્યું હતું કે “ત્ર્યંબકેશ્વર મંદિરમાં અત્યાર સુધીમાં અનેક ફિલ્મોનું શૂટિંગ થયું છે. એ સમયે ત્યાં આવેલી વ્યક્તિ હિન્દુ હતી કે મુસ્લિમ તે કોણે જોયું છે. માત્ર સામાજિક ધ્રુવીકરણ માટે આ ચાલી રહ્યું છે.”
શિવસેના (ઉબાઠા)ના રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે આ બાબતે ભારતીય જનતા પાર્ટીની જોરદાર ટીકા કરી હતી.
તેમણે કહ્યું હતું કે “ત્ર્યંબકેશ્વરમાં કંઈ ખોટું થયું નથી. ઉર્સનો ધૂપ દેવતાઓને આપવાની પરંપરા છે. તેઓ મંદિરના દરવાજા સુધી ગયા હતા અને ધૂપ આપ્યો હતો. મેં મેળવેલી માહિતી મુજબ, મંદિરમાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કોઈએ કર્યો ન હતો.”
દેવેન્દ્ર ફડણવીસે આપેલા એસઆઈટીની રચનાના આદેશની પણ સંજય રાઉતે ટીકા કરી હતી.
તેમણે કહ્યું હતું કે “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક વડા પાકિસ્તાની હની ટ્રેપમાં ફસાયા છે, કુરુલકર પ્રકરણ આ બધું ભારતીય જનતા પાર્ટી સંબંધી છે. એ બાબતે એસઆઈટીની રચના કરો, તેની તપાસ કરાવો. હનીટ્રેપ પ્રકરણ પરથી લોકોનું ધ્યાન અન્યત્ર વાળવા માટે ત્ર્યંબકેશ્વર જેવી ઘટના અને શેવગાંવમાં રમખાણ કરાવવામાં આવી રહ્યાં છે. અમારી પરંપરા મુસ્લિમો પર અત્યાચાર કરવાની નથી.”
આ બાબતે ભારતીય જનતા પાર્ટીના આધ્યાત્મિક વિભાગના વડા તુષાર ભોસલેએ ફેસબૂક પર પ્રતિભાવ આપ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે “આદ્ય જ્યોર્તિલિંગ ત્ર્યંબકેશ્વર મંદિરમાં પુરાતન કાળથી જ માત્ર હિન્દુઓને પ્રવેશ આપવામાં આવે છે. આ વિશે મંદિરના ઉત્તર દ્વાર પાસે સ્પષ્ટ સૂચના મૂકવામાં આવી છે. તેથી 13 મેની રાતે જે મુસ્લિમોએ મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો તેમની સામે પોલીસે કઠોર કાર્યવાહી કરવી જોઈએ. અમારા મંદિરમાં ભક્તો સિવાયની કોઈ વ્યક્તિ પ્રવેશે તે અમને સ્વીકાર્ય નથી.”