મોટાં થયા પછી માતાપિતા સાથે રહેવું જોઈએ કે અલગ રહેવું જોઈએ?

માતાપિતા પરિવાર બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

પાછલા દિવસોમાં ઇટાલીના ઉત્તરમાં આવેલા પેવિયા શહેરમાં 75 વર્ષના એક વૃદ્ધાએ પોતાના બે દીકરાને ઘરમાંથી કાઢી મુકવા માટે અદાલતનો આશરો લીધો હતો.

આ વૃદ્ધાના એક દીકરાની ઉંમર 40 વર્ષ હતી અને બીજાની 42 વર્ષ. તેમણે કોર્ટને જણાવ્યું કે તેમણે કેટલીયે વાર દીકરાઓને અલગ થવા કહ્યું પણ તેઓ સાંભળી નથી રહ્યા.

કોર્ટે બંને દીકરાઓને 18 ડિસેમ્બર સુધીમાં મકાન ખાલી કરવા કહ્યું છે.

અદાલતે નિર્ણય સંભળાવતા કહ્યું કે શરૂઆતમાં તો દીકરાઓ એટલે રહી શકે છે કારણ કે બાળકોની સારસંભાળ રાખવી માતા-પિતાની જવાબદારી છે પણ હવે તે 40 વર્ષથી વધુની ઉંમરનાં છે એટલે હવે આવો તર્ક ના આપી શકાય.

આ જ નિર્ણયે એ દેશોમાં એક ચર્ચા શરૂ કરી દીધી જ્યાંના સમાજમાં એવી આશા રખાય છે કે વયસ્ક થતાં જ બાળકોએ માતા-પિતાનું ઘર છોડી દેવું જોઈએ.

ચર્ચા થઈ રહી છે કે બાળકોએ કઈ ઉંમરે માતા-પિતાથી અલગ રહેવાનું શરૂ કરી દેવું જોઈએ અને આ નિર્ણય ઉંમરના આધારે લેવાવો જોઈએ કે પછી આર્થિક સ્થિતિના આધારે.

હકીકતમાં ભારત સહિત ઘણા દેશોમાં એક જ ઘરમાં કેટલીયે પેઢીઓનું સાથે રહેવું સામાન્ય વાત છે પણ કેટલાક દેશોમાં બાળકો પાસે આશા રખાય છે કે તેઓ વયસ્ક કે આર્થિક રીતે સ્વતંત્ર થઈ જાય પછી માતા-પિતાથી અલગ રહેવા જતા રહે.

જે લોકો આવું નથી કરી શકતા તેમને સામાજિક દબાણ અને ટોણાંનો પણ સામનો કરવો પડે છે.

ઉદાહરણ તરીકે ઇટાલીમાં માતા-પિતાના ઘરે રહેનારા વયસ્કોની સંખ્યા વધારે છે.

બીબીસી સાઉન્ડના પૉડકાસ્ટ ‘વિમેન્સ અવર’ના પ્રેઝેન્ટર કૃપાએ કહ્યું કે આવા લોકોને ત્યાં બંબોચિયોની (મોટા બાળકો) કહીને લોકો ચીડવે છે.

માતા-પિતાથી અલગ રહેવાની પરંપરા

પરિવાર

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હિમાચલ પ્રદેશ વિશ્વવિદ્યાલય શિમલામાં સમાજશાસ્ત્રના સહાયક પ્રોફેસર ડૉક્ટર સ્નેહ કહે છે કે પશ્ચિમી સંસ્કૃતિમાં આત્મનિર્ભરતા અને સ્વતંત્રતા પર જોર અપાય છે અને બાળકોનું સામાજિકરણ પણ એવી જ રીતે કરાય છે.

તેઓ બીબીસી સહયોગી આદર્શ રાઠોડને કહે છે, “પશ્ચિમી દેશોમાં બાળકો વયસ્ક થઈ જાય એટલે તેમને અલગ કરી દેવાની પરંપરા છે જેથી તેઓ આત્મનિર્ભર બની શકે. ”

તેઓ કહે છે, “મનાય છે કે તેઓ એ લાયક થઈ ગયા છે કે પોતાની જવાબદારીઓ ઉઠાવી શકે. બાળકો પણ વયસ્ક થતા સ્વતંત્ર રીતે જીવવા ઇચ્છે છે જેથી તેમના જીવનમાં કોઈની દખલગીરી ના થાય.”

ઇટાલી સાથે સંબંધ ધરાવતા બીબીસીના સહયોગી પત્રકાર એદ્રિયાના અરબાનોએ ‘વિમેન્સ અવર’ના પૉડકાસ્ચમાં જણાવ્યું કે ઇટાલીમાં ઘણા વયસ્કો લાંબા સમય સુધી માતા-પિતા સાથે રહેવાનું કારણ આર્થિક પણ છે.

29 વર્ષિય અરબાનો જણાવે છે કે તેમની ઉંમરના મોટાભાગના લોકો માતા-પિતાના ઘરે જ રહે છે.

તેમણે કહ્યું, “ઇટાલીમાં બાળકો લાંબા સમય સુધી માતા-પિતા સાથ રહે એ સામાન્ય છે. આની પાછળ સાંસ્કૃતિકથી વધારે જવાબદાર આર્થિક કારણ છે. સારા પગારની સ્થાયી નોકરીઓ સરળતાથી મળતી નથી. આવામાં તેઓ આત્મનિર્ભર થાય ત્યાં સુધી માતા-પિતા સાથે જ રહે છે.”

માતા-પિતા સાથે કેમ રહે છે વયસ્ક બાળકો?

પરિવાર

ઇમેજ સ્રોત, Getty Images

‘વિમૅન્સ અવર’ના પૉડકાસ્ટમાં આ વિષય પર એક શ્રોતાની પ્રતિક્રિયા હતી, “પશ્ચિમી દેશોમાં બાળકોને ઘર છોડી દેવાનું કહેવાય છે. અહીં ગ્રામ્ય રિવાજોને છોડી દેવાયા છે, જ્યાં કેટલીયે પેઢીઓ સાથે રહેતી હતી અને એક-બીજાની મદદ કરતી હતી.”

જેવો આ મહિલાનો અનુભવ હતો, ભારતમાં સામાન્ય રીતે આવું જ જોવા મળે છે. ગામડાંઓમાં જ નહીં પણ શહેરોમાં પણ.

ડૉક્ટર સ્નેહ જણાવે છે કે ભારતમાં એક જ ઘરમાં કેટલીયે પેઢીઓ સાથે રહેવા પાછળ આર્થિક કારણો તો છે જ પણ સાથે કેટલાક સાંસ્કૃતિક કારણો પણ છે.

તેઓ કહે છે, “સંયુક્ત પરિવાર જેમાં કેટલીયે પેઢીઓ એક સાથે રહે છે તે ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે. આવા પરિવારોમાં બધા જ સભ્યોને આર્થિક, સામાજિક અને માનસિક સુરક્ષા મળે છે. વડીલો બાળકોની સંભાળ રાખે છે અ યુવા તેમના વડીલોનું ધ્યાન રાખે છે.”

પ્રોફેસર સ્નેહ જણાવે છે કે આવાં અન્ય કારણો પણ છે જેના લીધે વયસ્ક થવા છતાં લોકોને માતા-પિતા સાથે રહેવું પડે છે. જેમ કે લગ્ન પછી છોકરી સાસરે જઈ રહે છે. ઘણીવાર પૈતૃક સંપત્તિ કે ઘર માટે પણ લોકો સાથે રહે છે.

માતા-પિતાનું ઉત્પીડન (શોષણ)

વૃદ્ધો

ઇમેજ સ્રોત, Getty Images

દિલ્હી હાઈકોર્ટમાં વકીલ પ્રણવ ઘાબરૂએ બીબીસી સહયોગી આદર્શ રાઠોડ સાથે વાત કરતા કહ્યું કે ભારતમાં માતા-પિતાએ કાયદાકીય રીતે બાળકોની સંભાળ તેઓ વયસ્ક ના થઈ જાય ત્યાં સુધી રાખવાની હોય છે.

તેઓ જણાવે છે, “સામાજિક નિયમ અલગ હોઈ શકે છે પણ કાયદો કહે છે કે બાળક વયસ્ક થાય ત્યાં સુધી માતા-પિતા પાસે ગુજરાન ભથ્થુ માગી શકે છે.”

ઇટાલીમાં વૃદ્ધા એટલે કોર્ટમાં ગયા હતા કારણ કે તેઓ તેમના દીકરાની જવાબદારી નથી ઉઠાવી શકતા.

પત્રકાર એદ્રિયાના અરબાનો જણાવે છે, “મહિલાના બંને દીકરાઓ નોકરી કરતા હતા પણ તેઓ ના ઘરખર્ચમાં મદદ કરતા હતા કે ના અન્ય કામોમાં. તેઓ માતા પર ભાર બનીને રહેતા હતા. આ કિસ્સો માતાને અવગણવાનો છે. તેમની સાથે નોકર જેવું વર્તન કરવાનો છે.”

માતાપિતા સાથે આવું વર્તન કરવાના કિસ્સાઓ ભારતમાં પણ વધી રહ્યા છે. વકીલ પ્રણવ ઘાબરૂ કહે છે કે ઘણાં માતાપિતા તેમનાં બાળકોનાં શોષણથી કંટાળી સિનિયર સિટિઝન્સ ટ્રિબ્યૂનલમાં સિનિયર સિટિઝન્સ એક્ટ હેઠળ અરજીઓ દાખલ કરે છે.

તેઓ જણાવે છે કે આ પ્રકારના કિસ્સામાં જોવા મળ્યું છે કે કેટલાય લોકો તેમના વૃદ્ધ અને અસહાય અથવા મજબૂર માતાપિતાની સંપત્તિ પર કબજો કરી લે છે અથવા તેમની સંભાળ નથી રાખતા.

વકીલ પ્રણવ જણાવે છે કે એવી સ્થિતિ ઊભી થાય તો માતાપિતા બાળકોને ઘરમાંથી હાંકી કાઢી શકે છે અથવા તો એમની પાસેથી ભરણ પોષણ માટે પણ અરજી કરી શકે છે.

આ માટે સી.આર.પી.સી.ની કલમ 125 અને મેઇટેનન્સ ઍન્ડ વૅલફેર ઑફ પેરેન્ટ્સ ઍન્ડ સિનિયર સિટિઝન્સ એક્ટ જેવા કાયદાકીય વિકલ્પોની મદદ લઈ શકાય છે.

સાચો વિકલ્પ શું છે?

માતા-પિતા સાથે રહેવાનો નિર્ણય

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સાંકેતિક તસવીર

ઇટાલીની ઘટનાની ચર્ચા એટલે પણ વધારે થઈ કારણ કે માતાપિતા તેમનાં બાળકોને ઘરમાંથી કાઢી મૂકે તેવી ઘટના અસામાન્ય મનાય છે અને આવું દરેક સમાજમાં માનવામાં આવે છે.

લખનૌમાં મનોવૈજ્ઞાનિક રાજેશ પાંડે કહે છે કે સમાજ માતાપિતા પાસે આશા રાખે છે કે તેઓ બાળકોને હંમેશાં પ્રેમ કરતાં રહે અને કોઈ શરત વિના તેમની સંભાળ રાખતા રહે.

શિમલામાં હિમાચલ પ્રદેશ વિશ્વવિદ્યાલયમાં સમાજશાસ્ત્રના સહાયક પ્રોફેસર ડૉક્ટર સ્નેહ ભારતનું ઉદાહરણ આપતા કહે છે કે અહીં લોકોના જીવન પર સમાજનો પ્રભાવ વધારે હોય છે.

તેઓ કહે છે, “અહીં બાળકોનું સામાજિકરણ જેવી રીતે થાય છે એને જોતાં તેમને નુકસાન એ થાય છે કે તેઓ મોટાં થાય તો પણ માતાપિતાની દેખરેખમાં રહે છે અને આત્મનિર્ભર નથી થઈ શકતાં. આવામાં ઘણીવાર જોવા મળે છે કે બાળકોનાં લગ્ન પછી પણ માતાપિતા તેમનાં પેન્શનથી બાળકોનો ખર્ચો ભોગવતાં હોય છે.”

જાણકારો કહે છે કે વયસ્ક થઈ ગયા પછી બાળકોનું તેમનાં માતાપિતા સાથે રહેવું કે ના રહેવું તે તેમની આર્થિક અને સાંસ્કૃતિક સ્થિતિ સાથે તેમની મરજી (ઇચ્છા)નો વિષય પણ છે.

ડૉક્ટર સ્નેહ કહે છે, “એક બીજાની જરૂરિયાતો અને અપેક્ષાઓને સમજ્યા પછી આ વિષયમાં કોઈ નિર્ણય લેવો જોઈએ.”

બીબીસી
બીબીસી