હવામાન સમાચાર : સૌરાષ્ટ્ર પર આવી સિસ્ટમ, ગુજરાતમાં હજી કેટલા દિવસ અસર અને કયા જિલ્લામાં પડશે ભારે વરસાદ?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદનું જોર રહ્યું છે. આ સાથે નવરાત્રી ચાલતી હોવાને કારણે અનેક જગ્યાએ બે દિવસથી ગરબાનું આયોજન પણ બંધ રાખવું પડ્યું છે.
નવરાત્રીના હજુ બે દિવસ બાકી છે ત્યારે ગુજરાતમાં હજુ કેટલા દિવસ વરસાદ પડશે એ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, બંગાળની ખાડી પર સર્જાયેલી સિસ્ટમ હવે આગળ વધીને ગુજરાત પર આવી છે.
જેની અસર હાલ રાજ્યના ઘણા વિસ્તારો પર જોવા મળી રહી છે. આ સિસ્ટમ ડિપ્રેશનના રૂપમાં મહારાષ્ટ્ર પર પહોંચી હતી અને તે બાદ આગળ વધતાની સાથે તે થોડી નબળી પડી હતી.
જે બાદ તે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો પરથી થઈને ખંભાતના અખાત પર આવી હતી. ખંભાતના અખાત પરથી આ સિસ્ટમ હવે આગળ વધશે અને અરબી સમુદ્ર સુધી પહોંચશે.
આ સિસ્ટમ અરબી સમુદ્રમાં પહોંચતા પહેલાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.
કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે?

ઇમેજ સ્રોત, IMD
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજથી તારીખ 6 ઑકટોબર સુધી, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં હળવાથી મધ્યમ વરસાદ અને તો કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, અને દમણ, દાદરા અને નગર હવેલીમાં મોટા ભાગનાં સ્થળોએ, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં મોટાભાગનાં સ્થળોએ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ક્યાં પડશે ભારે વરસાદ

ઇમેજ સ્રોત, IMD
હવામાન વિભાગે આપેલા વેધર મૅપ પ્રમાણે, આજે 30મી સપ્ટેમ્બરના રોજ દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર તેમજ કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તારીખ 1 ઑકટોબરના રોજ પણ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ તેમજ કચ્છમાં ભારે વરસાદની આગાહી છે.
સામાન્ય રીતે સિસ્ટમ જ્યાં હોય ત્યાંથી તેના દક્ષિણ તરફના વિસ્તારોમાં વધારે વરસાદ પડતો હોય છે, આ સિસ્ટમમાં પણ અરબી સમુદ્ર એટલે કે દરિયામાં ખૂબ વરસાદ પડવાની સંભાવના છે.
ગુજરાતમાં હજી ત્રણથી ચાર દિવસ સુધી આ સિસ્ટમની અસર રહેશે અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 2 ઑક્ટોબર સુધી વરસાદ પડે તેવી શક્યતા છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
હાલમાં ખંભાતના અખાત પાસે વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે. વરસાદનો છેલ્લો રાઉન્ડ શરૂ થયો છે. તારીખ બીજી ઑક્ટોબર સુધી આ વરસાદી રાઉન્ડ શરૂ રહેશે.
ભારે વરસાદને પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસું જોરદાર રહ્યું હતું. દક્ષિણ ગુજરાત પ્રદેશના દાદરા નગર હવેલીમાં છૂટાછવાયાં સ્થળોએ, સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લામાં અને દીવમાં ભારે વરસાદ પડ્યો હતો.
દાહોદ, વલસાડ, નર્મદા, ભરૂચ, સુરત અને દમણ જેવાં સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો. કચ્છમાં પણ ઘણાં સ્થળોએ વરસાદ પડ્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












