You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઓપાલ સુચાતા : એ જવાબ જેણે બ્રેસ્ટ કૅન્સર સર્વાઇવરને મિસ વર્લ્ડ બનાવ્યાં
થાઇલૅન્ડનાં ઓપાલ સુચાતા ચુઆંગશ્રી નવાં મિસ વર્લ્ડ બન્યાં છે. ઇથિયોપિયાનાં હૅસેટ દેરેજ બીજા તથા માર્ટિનિકનાં ઑરલી યોહાચિમ ત્રીજા ક્રમે રહ્યાં હતાં.
મિસ વર્લ્ડની 72મી આવૃત્તિ તા. સાતમી મેથી શરૂ થઈ હતી, જે શનિવારે (તા. 31 મે) નવાં મિસ વર્લ્ડની પસંદગી સાથે પૂર્ણ થઈ.
ભારતનાં નંદિની ગુપ્તા ટોચનાં 20 સ્પર્ધકોની યાદીમાં પહોંચવામાં સફળ રહ્યાં હતાં, પરંતુ તેમની સફર એથી આગળ નહોતી વધી શકી.
મિસ વર્લ્ડની સ્પર્ધાનું ગ્રાન્ડ ફિનાલે (સમાપન) તેલંગણાના હૈદરાબાદસ્થિત હાઈટૅક્સ ખાતે થયું હતું.
ઓપાલ સુચાતાએ બે દિવસ પહેલાં પોતનાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઇન્સ્ટાગ્રામનાં હૅન્ડલ પર લખ્યું, "આ (સ્પર્ધા) માત્ર થાઇલૅન્ડનું પ્રતિનિધિત્વ કરવા વિશે નથી. આ એવી અનેક મહિલાઓ વિશે છે, જેમનો અવાજ સંભળાતો નથી. પોતાની અવાજનો ઉપયોગ કોઈ એવી બાબત માટે કરવો, જ્યાં તમારા પ્રયાસોથી કોઈ ફેર પડતો હોય."
તેમણે પોતાની મિસ વર્લ્ડની સફર વિશે લખ્યું, "મિસ વર્લ્ડ માત્ર સ્પર્ધા નથી. તે એવું મંચ છે તથા એક વાયદો છે. તે માત્ર બાહ્યા સૌંદર્ય વિશે નથી, પરંતુ ખરા અર્થમાં કામ કરવા અંગે છે."
"આ સ્પર્ધાએ મને શીખવ્યું છે કે સુંદરતા ફિક્કી પડી જાય છે, પરંતુ હેતુ જળવાયેલો રહે છે."
'રાજદૂત બનવા માગું છું'
ઓપાલ સુચાતા ઇન્ટરનૅશનલ રિલેશન્સમાં અભ્યાસ કરી રહ્યાં છે. આ સિવાય તેઓ મનોવિજ્ઞાન તથા માનવ વિજ્ઞાનમાં પણ ઊંડી રુચિ ધરાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મિસ વર્લ્ડ વેબસાઇટ પર ઓપાલા સુચાતાની પ્રોફાઇલમાં જણાવ્યા પ્રમાણે, તેઓ રાજદૂત બનવા માગે છે.
ઓપાલ સુચાતાએ પોતે બ્રૅસ્ટ કૅન્સ સર્વાઇવર છે. તેમણે બ્રેસ્ટ કૅન્સર અંગે જાગૃતિ લાવનારાં સંગઠનો સાથે કામ કર્યું છે.
ઓપાલ મહિલાઓમાં અને વિશેષ કરીને યુવા મહિલાઓમાં શિક્ષણનાં ભારે હિમાયતી રહ્યાં છે.
ઓપાલ સુચાતા પશુપ્રેમી પણ છે. તેમની પાસે 16 બિલાડી અને પાંચ શ્વાન છે.
ઓપાલ સુચાતાએ તાજની સાથે 10 લાખ ડૉલરનું ઇનામ પણ પોતાના નામે કર્યું છે. આ 'પ્રાઇઝ મની' મિસ વર્લ્ડ ઑર્ગેનાઇઝેશન તથા તેમના પાર્ટનરો દ્વારા વિજેતાને આપવામાં આવે છે.
કેવી રીતે થઈ પસંદગી
પ્રથમ તબક્કે અમેરિકા અને કૅરેબિયન, આફ્રિકા, યુરોપ, એશિયા અને પ્રશાંત એમ પૃથ્વીના ચાર ભૂભાગોમાંથી 10-10 સ્પર્ધકોને તારવવામાં આવ્યાં હતાં. દરેક ભૂભાગમાંથી ટોચનાં પાંચ સ્પર્ધક આગળની સ્પર્ધા સુધી પહોંચ્યાં હતાં.
ત્રીજા તબક્કે આ પાંચ સ્પર્ધકોમાંથી ટોચનાં બે આગળના તબક્કે પહોંચ્યાં હતાં. ભારતનાં નંદિની ગુપ્તા એશિયા-પ્રશાંતમાં ટોચનાં પાંચ સ્પર્ધકોમાં પહોંચ્યાં હતાં, પરંતુ અગ્રણી બે સુંદરીમાંથી એક નહોતાં બની શક્યાં.
ઇથિયૉપિયા, થાઇલૅન્ડ, પૉલૅન્ડ, માર્ટિનિક, બ્રાઝિલ, નામિબિયા, યુક્રેન અને ફિલિપીન્ઝ એમ ચાર ખંડમાંથી આઠ સુંદરીઓ ફાઇનલમાં પહોંચ્યાં હતાં.
આ તમામ સ્પર્ધકોને એક જ સવાલ પૂછવામાં આવ્યો હતો, "તમને શા માટે લાગે છે કે તમારે મિસ વર્લ્ડ બનવું જોઈએ?"
આ રૅપિડ ફાયર રાઉન્ડમાં દરેક સ્પર્ધકે 45 સેકન્ડમાં જવાબ આપવાનો હતો.
ફાઇનલ રાઉન્ડનાં ચાર સ્પર્ધક
માર્ટિનિકનાં ઑરેલી યોહાચિમ, ઇથિયૉપિયાનાં હૅસટ દેરેજ, પૉલૅન્ડનાં માયા ક્લાજ્દા તથા થાઇલૅન્ડનાં ઓપાલ સુચાતા ફાઇનલ સુધી પહોંચનારાં ચાર સ્પર્ધકોમાં સામેલ હતાં.
છેલ્લા રાઉન્ડમાં જ્યૂરીનાં સભ્યોએ ચારેય સ્પર્ધકોને વિશેષ સવાલ પૂછ્યાં હતાં. એક સમયે હિંદી ફિલ્મોમાં સક્રિય નમ્રતા શિરોડકરે પૉલૅન્ડનાં માજા ક્લાજાને, તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના રાણા દુગ્ગુબાતીએ ઇથિયૉપિયાનાં સ્પર્ધકને, પૂર્વ મિસ વર્લ્ડ માનૂષિ છિલ્લરે માર્ટિનિકનાં સ્પર્ધકને તથા સોનુ સૂદે થાઇલૅન્ડનાં સ્પર્ધકને સવાલ પૂછ્યા હતા.
આ પ્રશ્નોના જવાબોના આધારે વિજેતાની પસંદગી કરવામાં આવી હતી.
વિજેતાઓને પૂછાયા વિશેષ સવાલ
સોનૂ સુદે થાઇલૅન્ડનાં સ્પર્ધકને પૂછ્યું હતું, "આ સફરે તમને સત્ય અને વ્યક્તિગત જવાબદારી વિશે શું શીખવ્યું?"
તેના જવાબમાં ઓપાલ સુચાતાએ કહ્યું, 'મેં શીખ્યું છે કે આપણે એવી વ્યક્તિ બનવાનો પ્રયાસ કરવો જોઈએ, જેને આપણાં આપ્તજનો આદર્શ તરીકે જુએ. આપણે કેટલે સુધી પહોંચીએ એના કરતાં આપણો અવાજ ક્યાં સુધી પહોંચે છે, તે મહત્ત્વપૂર્ણ છે.'
'તમે જે કોઈ હો, તમારી જે કોઈ ઉંમર હોય, તમારી ગમે તે પરિસ્થિતિ હોય, આમ છતાં કોઈક હંમેશા તમારી પડખે રહે જ છે. તે કોઈ પુખ્ય વયની વ્યક્તિ કે બાળક કે તમારા વાલી પણ હોય શકે છે. જેઓ તમને રોલમૉડલ તરીકે જોતાં હોય છે.'
સ્પર્ધા દરમિયાન માનવીય કાર્યો માટે સોનુ સૂદને સન્માનત કરવામાં આવ્યાં હતાં. મેઘા એંજિનિયરિંગ કંપનીમાં ડાયરેક્ટર સુધા રેડ્ડીને મિસ વર્લ્ડ સ્પર્ધાનાં ગ્લોબલ ઍમ્બેસેડરનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
જેક્લિન ફર્નાન્ડિસ તથા ઇશાન ખટ્ટરે સ્ટેજ ઉપર પર્ફૉર્મ કર્યું હતું. મિસ વર્લ્ડ 2016 સ્ટૅફની ડેલ વાલે તથા ભારતીય પ્રૅઝન્ટર સચિન કુભારે આ શૉનું સંચાલન કર્યું હતું.
કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદનાથી થઈ હતી અને 108 સ્પર્ધોએ તેમાં ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં વિવાદ પણ થયો હતો. મિસ ઇંગ્લૅન્ડ 2025 મિલા મૅગીએ આયોજનને વચ્ચેથી જ છોડી દીધું હતું અને તેમનાં રનર-અપે સ્પર્ધામાં ઇંગ્લૅન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
મિલા મૅગીએ કહ્યું હતું કે, 'એમણે (આયોજકો) અને એવો અહેસાસ કરાવ્યો કે જાણે હું વેશ્યા છું.'
સંગઠને મિલા મૅગીના આરોપોને નકાર્યા હતા અને કહ્યું હતું કે તેમનાં માતા બીમાર હોવાને કારણે તેમણે સ્પર્ધાને છોડી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન