'36 મિનિટ ધ્યાન ધરશો તો સંપત્તિ વધશે', જ્યોતિષના યૂટ્યૂબ વીડિયો બાદ મંદિરમાં લોકો એકઠા કેમ થયા?

    • લેેખક, વિજયાનંદ અર્મુગમ
    • પદ, બીબીસી સંવાદદાતા

તામિલનાડુના નમક્કલ લક્ષ્મી નરસિમ્હા મંદિર ખાતે 16 ડિસેમ્બરની વહેલી સવારે હજારો લોકો એકઠા થયા હતા. તેનું કારણ એક પલાની જ્યોતિષીનો યુટ્યૂબ વીડિયો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે તમે ચોક્કસ 36 મિનિટ ધ્યાન કરશો તો તમારી સંપત્તિમાં વધારો થશે.

કેન્દ્રીય પુરાતત્ત્વ વિભાગના અધિકારીનું કહેવું છે કે પરવાનગી વિના ધ્યાનનો કાર્યક્રમ યોજવા બદલ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

જોકે, આ કાર્યક્રમના આયોજક જ્યોતિષીનું કહેવું છે કે યોગ્ય પરવાનગી મેળવ્યા બાદ જ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

તામિલનાડુ હિન્દુ રિલિજિયસ ઍન્ડ ઍન્ડોવમેન્ટ્સ (ટીએચઆરઈ) વિભાગનું કહેવું છે કે હજારો લોકો એકઠા થયા હોવા છતાં કોઈ અપ્રિય ઘટના બની નથી.

લક્ષ્મી નરસિમ્હા મંદિર નમક્કલ જિલ્લામાં કોટ્ટાયા રોડ પર આવેલું છે. આઠમી સદીમાં બનેલું આ મંદિર કેન્દ્રીય પુરાતત્વ વિભાગના નિયંત્રણ હેઠળ છે.

કુટાવરીમાંના લક્ષ્મી નરસિમ્હા મંદિરમાં પૂજા અને જાળવણીની જવાબદારી ટીએચઆરઈ વિભાગની છે. બાકીનો વહીવટ કેન્દ્રીય પુરાતત્ત્વ વિભાગના નિયંત્રણ હેઠળ છે.

પૂજારીઓએ લક્ષ્મી નરસિમ્હા મંદિરના દરવાજા 16 ડિસેમ્બરે સવારે પાંચ વાગ્યે ખોલ્યા એ પહેલાં જ હજારો લોકો ત્યાં એકઠા થયેલા હતા.

પૂજારીઓએ લોકોને સવાલ કર્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે "આજે માગસર માસના પહેલા દિવસે સવારે 6.30થી 7.15 સુધી ધ્યાન કરવું જોઈએ. જ્યોતિષીએ કહ્યું છે કે આ ધ્યાન કરવાથી તમારી સંપત્તિમાં વધારો થશે."

ટીએચઆરઈ વિભાગ શું કહે છે?

ટીએચઆરઈ વિભાગના આસિસ્ટંટ કમિશનર ઈલૈયારાજા કહે છે, "સામાન્ય રીતે માગસર મહિનામાં ભક્તો અહીં મોટી સંખ્યામાં આવે છે. સોમવારે આટલા મોટા પ્રમાણમાં લોકો એકઠા થશે તેવી અમને અપેક્ષા ન હતી. મંદિરમાં આવી ઘટના અગાઉ ક્યારેય બની નથી."

બીબીસી સાથેની વાતચીતમાં ઈલૈયારાજાએ કહ્યું હતું, "લોકોના એકઠા થવાનું કારણ પલાનીના જ્યોતિષી ભૃગુ પ્રભાકરનનો એક યુટ્યૂબ ઇન્ટરવ્યુ હતો. જ્યોતિષીએ કહ્યું હતું કે તમે લક્ષ્મી નરસિમ્હા મંદિરમાં સવારે ચોક્કસ સમયે ધ્યાન કરશો જો તમને સંપત્તિ મળશે. એ સાંભળીને લોકો એકઠા થયા હતા."

તેઓ ઉમેરે છે, "બધા લોકો નમક્કલના ન હતા. કેટલાક ચેન્નાઈ, કડ્ડલોર અને વિલ્લુપુરમથી પણ આવ્યા હતા. કેટલાક તો મલેશિયાથી આવ્યા હતા."

તેમના કહેવા મુજબ, "તેઓ મંદિરની અંદરના હોલમાં ઉત્તર દિશામાં બેઠા હતા અને શાંતિથી ધ્યાન કરતા હતા. તેમાં કોઈ સમસ્યા ન હતી, પરંતુ તેઓ દર્શન કરી રહ્યા હતા ત્યારે જ ભીડ ઉશ્કેરાઈ હતી."

મંદિરના એક કર્મચારીએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું, "લોકોને મંદિરમાં એકઠા કરવા માટે વૉટ્સઍપ ગ્રૂપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હોય એવું નથી. હકીકતમાં જ્યોતિષીના યુટ્યૂબ પરના ઇન્ટરવ્યૂને કારણે લોકો મંદિરે આવ્યા હતા."

જ્યોતિષીએ વીડિયોમાં શું કહ્યું હતું?

જે યુટ્યૂબ વીડિયો લોકોના એકઠા થવાનું કારણ હોવાનું જણાવવામાં આવે છે તેમાં જ્યોતિષી ભૃગુ પ્રભાકરે કેટલીક માહિતી આપી હતી.

'ગ્રહોની સ્થિતિની સૂક્ષ્મતા દરેકને કુબેર બનાવે છે' એવું શીર્ષક ધરાવતા વીડિયોમાં જ્યોતિષીએ જણાવ્યું હતું કે સાડા નવ વર્ષ પહેલાં એક ખાસ દિવસે ધ્યાન કર્યા પછી તેમની આર્થિક પ્રગતિ થઈ હતી. સોળમી ડિસેમ્બર આવો ખાસ દિવસ છે, એમ જણાવતાં પ્રભાકરે કહ્યું હતું, "નમક્કલ નામગિરી માતા અને લક્ષ્મી નરસિમ્હા હાજર છે એવા મંદિરમાં ઉત્તર દિશામાં બેસીને એ દિવસે 36 મિનિટ ધ્યાન કરશો તો નાણાના સંદર્ભમાં તમે રાજાની જેમ જીવશો."

વિજ્ઞાનીઓ શું કહે છે?

નિવૃત્ત પરમાણુ વિજ્ઞાની અને બ્રેકથ્રુ સાયન્સ સોસાયટીના સલાહકાર વેંકટેશનના કહેવા મુજબ, આવી ઘટનાઓ ભારતમાં ચિંતાજનક રોગની માફક ફેલાઈ રહી છે.

બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું, "પૃથ્વી પરના ચમત્કારો પાછળ કોઈ શક્તિ છે એવું માનવું અલગ વાત છે, પરંતુ તમે મંદિરમાં પૈસા લેવા જતા હો તો તેને શ્રદ્ધા ગણી શકાય નહીં."

જ્યોતિષી પ્રભાકરનના દાવાને નકારી કાઢતાં તેમણે કહ્યું હતું, "શનિના સંક્રમણ અથવા ગ્રહના સંક્રમણ જેવી કોઈ પણ ખગોળીય ઘટનાને ધ્યાનમાં લીધા વિના કેટલાક લોકો આપણને આવી ધાર્મિક વિધિમાં સામેલ થવાનું કહે છે. પોતે શું સાંભળવું જોઈએ, તેની સ્પષ્ટ સમજ લોકો પાસે હોવી જોઈએ."

'પોલીસમાં ફરિયાદ'

કેન્દ્રીય પુરાતત્ત્વ વિભાગના આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ ગોકુલે કહ્યું હતું, "જ્યોતિષીની આગાહીને કારણે હજારો લોકો એકઠા થયા હતા. એ માટે કેન્દ્રીય પુરાતત્ત્વ વિભાગ પાસેથી પરવાનગી ન લેવામાં આવી હોવાને કારણે અમે નમક્કલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે."

બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યુ હતું, "નમક્કલના લોકોએ રવિવારે ધ્યાનના કાર્યક્રમની પરવાનગી માંગી હતી. અમે તેમને જણાવ્યું હતું કે ચેન્નાઈમાં સેન્ટ્રલ આર્કિયોલૉજિકલ સરવે ઑફ ઇન્ડિયાની પરવાનગી પછી જ કોઈ કાર્યક્રમનું આયોજન થવું જોઈએ, પરંતુ તેઓ તેનાથી આગળ વધી ગયા હતા."

તેમણે ઉમેર્યું હતું, "ટીએચઆરઈ વિભાગ મંદિર પરિસરમાં કોઈ કાર્યક્રમ યોજવા ઇચ્છતો હોય તો તેમણે અમારી પાસેથી પરવાનગી લેવી જોઈએ. અમે આવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપતા નથી, કારણ કે તેમાં પુખ્ત વયના લોકોની સાથે બાળકો પણ આવે છે."

જ્યોતિષી ભૃગુ પ્રભાકર શું કહે છે?

બીબીસી સાથે વાત કરતાં જ્યોતિષી ભૃગુ પ્રભાકરે કહ્યું હતું, "સરકારી વિભાગ પાસેથી પરવાનગી મેળવ્યા બાદ જ ધ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય પુરાતત્ત્વ વિભાગે આપેલી માહિતી સાચી નથી."

તેમણે કહ્યું હતું, "સાડા નવ વર્ષ પહેલાં નમક્કલ લક્ષ્મી નરસિમ્હા મંદિરમાં ધ્યાન કર્યા પછી મારી આર્થિક વૃદ્ધિ થઈ હતી. તેથી મેં એ બાબતે યુટ્યૂબ પર વાત કરી હતી. મને એમ હતું કે 500 લોકો આવશે, પરંતુ વાસ્તવમાં ઘણા લોકો એકઠા થયા હતા."

"મેં એમ પણ કહ્યું હતું કે જે લોકો ધ્યાનના કાર્યક્રમમાં આવી શકે તેમ ન હોય તેઓ તેમના ઘરે પણ ધ્યાન કરી શકે છે. અમે કોઈ હંગામો કર્યો નથી," એમ પ્રભાકરને ઉમેર્યું હતું.

પરવાનગી કોણે લીધી હતી?

કેન્દ્રીય પુરાતત્ત્વ વિભાગના દાવાથી વિપરીત જ્યોતિષી ભૃગુ પ્રભાકરે યોગ્ય પરવાનગી મેળવવામાં આવી હોવાનો દાવો કર્યો હતો. અમે તેમની પાસે પરવાનગીનો પુરાવો માંગ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેમના સમર્થક ભૂપતિએ પરવાનગી લીધી છે. તેઓ ભૂપતિ સાથે વાત કરશે અને પુરાવો આપશે.

જોકે, તેઓ ત્યારથી સંપર્કમાં નથી. તેઓ પુરાવા પ્રદાન કરશે તો આ રિપોર્ટમાં ઉમેરવામાં આવશે.

કેન્દ્રીય પુરાતત્ત્વ વિભાગના આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ ગોકુલે બીબીસીને કહ્યું હતું, "ધ્યાનનો કાર્યક્રમ પરવાનગી વિના યોજવામાં આવ્યો હતો. અમે બે સ્થાનિક લોકો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એ બે લોકોમાં, જ્યોતિષી ભૃગુ પ્રભાકરને જેનો ઉલ્લેખ કર્યો હતો તે ભૂપતિનો સમાવેશ થાય છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.