You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજકોટ : 40 લાખ રૂપિયાના 'નકલી મેડિકલ ક્લેઇમ'ના દાવાનો કેવી રીતે પર્દાફાશ થયો?
રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી શ્રી સમર્પણ હૉસ્પિટલમાં રૂ. 40 લાખનો બૉગસ મેડિકલ ક્લેઇમ થયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદ મુજબ, હૉસ્પિટલના તબીબોએ એક જ દર્દીને બે અલગ-અલગ બાજુએ પૅરાલિસીસ થયો હોવાનો રિપોર્ટ આપ્યો હતો.
બે અલગ-અલગ કન્સલ્ટેશન ફાઇલ મળતા વીમા કંપની દ્વારા દર્દી, રિપોર્ટ બનાવનારા તબીબો તથા શ્રી સમર્પણ હૉસ્પિટલના સ્ટાફ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ગાંધીગ્રામ પોલીસે આ કેસમાં પાંચ શખ્સોની અટકાયત કરીને તેમની રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે. સાથે જ જો શ્રી સમર્પણ હૉસ્પિટલના મૅનેજમૅન્ટ, તબીબો કે અન્ય કર્મચારીઓની સંડોવણી છે કે કેમ, તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
બીજી બાજુ, શ્રી સમર્પણ હૉસ્પિટલે આ કેસમાં સંચાલકમંડળ કે અન્ય કોઈની સંડોવણીની વાતને નકારી છે.
કેવી રીતે કથિત કૌભાંડ આચરવામાં આવ્યું?
રાજકોટસ્થિત બીબીસી ગુજરાતીના સહયોગી બિપિન ટંકારિયા કેસની વિગતો આપતા જણાવે છે:
મયૂર છુંછાર નામના દર્દીએ તેમને પૅરાલિસીસની અસર થઈ હોઈ, સારવાર માટે ખાનગી વીમા કંપનીમાં રૂ. 40 લાખનો દાવો રજૂ કર્યો હતો. આ માટે જરૂરી કન્સ્લ્ટેશન પેપર, એમઆરઆઈ ઍન્જિયોગ્રાફી તથા એમઆરઆઈ બ્રેઇન પણ રજૂ કરવામાં આવ્યાં હતાં.
દાવા માટે મેડિકલ કંપનીમાં ગાંધીગ્રામસ્થિત શ્રી સમર્પણ હૉસ્પિટલના બે તબીબ ડૉ. મેહુલ સોલંકી તથા ડૉ. મનોજ સીડાના બે અલગ-અલગ કન્સલ્ટેશન પેપર મૂકવામાં આવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉ. મેહુલ સોલંકીના રિપોર્ટ પ્રમાણે, દર્દીને ડાબી તરફ પૅરાલિસીસની અસર થઈ હતી, જ્યારે ડૉ. મનોજ સીડાના નામથી રજૂ થયેલા કન્સલ્ટેશન પેપરમાં દર્દીને જમણી તરફ પૅરાલિસીસની અસર થઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું.
યોગાનુયોગ બંને રિપોર્ટ 17 એપ્રિલ 2024ના રોજ તૈયાર કરવામાં આવ્યા હતા.
મયૂર છુંછારે ફિઝિયોથૅરપિસ્ટ ડૉ. અંકિત કાથરાણી સાથે મળીને કથિત છેતરપિંડીનું કાવતરું રચ્યું હતું. આ અંગે વીમા કંપનીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
આ ઘટના વર્ષ 2024માં ઘટી હોઈ તથા તે સમયે ભારતીય ન્યાય સંહિતા અમલમાં ન હોવાથી આરોપીઓની સામે ભારતીય દંડ સંહિતા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ સામે આઈપીસીની કલમ 420, 467, 468, 471, 120 (બી) અને 511 મુજબ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
આરોપીઓ સામે તપાસ ચાલુ
રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા આ કેસની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એલ. ગોહિલે આ કેસની તપાસ હાથ ધરી છે.
રાજકોટ વેસ્ટના આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ રાધિકા ભારાઈએ પત્રકારપરિષદમાં આ કેસ અંગે વિગતો આપી હતી.
તેમણે જણાવ્યું, "આ કેસમાં અત્યાર સુધી પાંચ આરોપીઓની અટક કરવામાં આવી છે. જેમની રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે."
એસીપી ભારાઈએ ઉમેર્યું હતું, 'ઇન્સ્યોરન્સનો ક્લેઇમ કરનાર મયૂર છુંછારનો રૂ. 40 લાખનો દાવો મંજૂર થાય એટલે મદદ કરનાર ડૉ. અંકિત કાથરાણીને રૂ. 10 લાખ આપવા એવું બંને વચ્ચે નક્કી થયું હતું.'
'શ્રી સમર્પણ હૉસ્પિટલના કર્મચારી ભાવિક માંકડે નકલી ફાઇલ, કાગળિયા તથા અન્ય બાબતે મદદ કરી હતી. હિતેશ રવૈયા નામના આરોપીએ ડૉ. કાથરાણીના કહેવાથી મયૂર છુંછારના નામથી બનાવટી એમઆરઆઈ રિપોર્ટ તૈયાર કરાવડાવવા માટે પૈસા લીધા હતા. હિતેશે આ કામ ગુનાના પાંચમા આરોપી હિમાંશુ રાઠોડ પાસે કરાવડાવ્યું હતું.'
છુંછાર તથા કાથરાણી વિરુદ્ધ નામજોગ ગુના દાખલ થયેલા હતા, જ્યારે તપાસ દરમિયાન અન્ય ત્રણ આરોપીઓનાં નામ સામે આવ્યાં હતાં. એસીપી ભારાઈનું કહેવું છે કે આ કેસમાં શ્રી સમર્પણ હૉસ્પિટલના સંચાલકમંડળ, તબીબ કે અન્ય કોઈ કર્મચારીની સંડોવણી માલૂમ પડશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
'દર્દીએ બહાર જઈ ખોટાં બિલ તૈયાર કરી ક્લેઇમ કર્યો હતો'
આ સમગ્ર કેસમાં શ્રી સમર્પણ હૉસ્પિટલે પોતાની સંડોવણીની વાતને નકારી છે. સાથે જ સ્વીકાર્યું છે કે મયૂર છૂંછારે હૉસ્પિટલમાં સારવાર લીધી હતી.
શ્રી સમર્પણ હૉસ્પિટલનાં સંચાલિકા રમણીકબા વાળાએ સમગ્ર કેસ અંગે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું, "મયૂરભાઈ અમારી હૉસ્પિટલમાં સામાન્ય સારવાર કરાવવા માટે આવ્યા હતા, ત્યારે અમારા તબીબોએ સારવાર આપી હતી તથા એ મુજબનાં બિલ તેમને આપ્યાં હતાં."
વાળાએ ઉમેર્યું હતું, "હૉસ્પિટલના તબીબો દ્વારા અન્ય કોઈ પણ પ્રકારના ટેસ્ટ બહારથી કરાવવા માટે સૂચના આપવામાં નહોતી આવી. દર્દીએ ખુદ બહાર જઈને મોટાં બિલ બનાવીને ખોટો ક્લેઇમ રજૂ કર્યો હતો. દર્દીને પોતાની ભૂલ સમજાતા તેણે વીમા માટેનો દાવો પાછો ખેંચી લીધો હતો અને તેમને કોઈ રોકડ રકમ મળી નથી."
રમણીકબા વાળાએ સ્વીકાર્યું હતું કે હૉસ્પિટલના એક કર્મચારીની આ કેસમાં સંડોવણી બહાર આવી છે, જેમને નોટિસ આપવામાં આવી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન