કેવડિયા: ચોરીના આરોપ બાદ માર મારતાં બે આદિવાસી યુવકોનાં મોત, આખો મામલો શું છે?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

"મારો ઘરનો મોભી જતો રહ્યો, હવે અમે કોના સહારે જીવન જીવીશું? સંજય જ કમાઈને ઘરનું ગુજરાન ચલાવતો હતો. નાનો દીકરો તો બીમાર જ રહે છે. હું ચોકીદારની નોકરી કરું છું."

આ શબ્દો છે નર્મદાના કેવડિયાના રહેવાસી ગજેન્દ્ર તડવીના.

તેમના મોટા પુત્ર સંજય તડવીનું કથિત ‘ચોરીની આશંકા’માં માર મારતા મૃત્યુ થયું છે. આ ઘટના સાત ઑગસ્ટની છે જેમાં બે આદિવાસી યુવકોનાં મૃત્યુ થયાં છે.

સંજયના પિતા ગજેન્દ્ર તડવી બીબીસીને કહે છે કે, "સવારે 7 તારીખે 4 વાગ્યાની આસપાસ ગરુડેશ્વર હૉસ્પિટલમાં પટાવાળા તરીકે કામ કરતા અમારા ગામના છોકરાનો ફોન આવ્યો હતો. ત્યારે અમને ઘટના અંગે જાણ થઈ હતી. ત્યારબાદ તાત્કાલિક અમે હૉસ્પિટલ પહોંચ્યા હતા. અમે હૉસ્પિટલ ગયા ત્યારે ત્યાં કોઈને એ પણ ખબર ન હતી કે મારા દીકરાને ત્યાં કોણ મૂકી ગયું હતું."

ગજેન્દ્ર તડવી કહે છે કે જ્યારે તેઓ હૉસ્પિટલ પહોંચ્યા ત્યારે તેમનો દીકરો જીવતો હતો અને તેમને આશા હતી કે બચી જશે, પણ સારવાર દરમિયાન સંજયનું મૃત્યુ થઈ ગયું.

મૃતક યુવકો પર લાગેલા ચોરીના આરોપોને મૃતકોના પરિવારજનો ફગાવે છે અને આરોપોની સત્યતા પુરવાર કરવા માટે પુરાવાની માગ કરે છે. સંજયનો પરિવાર આ કેસમાં આરોપીઓને કડકમાં કડક સજાની માગ કરી રહ્યો છે.

આદિવાસી યુવકોનાં મોતનો સમગ્ર મામલો શું છે?

નર્મદા જિલ્લાના કેવડિયામાં ગરુડેશ્વર ખાતે એકતાનગરમાં આદિવાસી મ્યુઝિયમ બની રહ્યું છે.

આરોપ છે કે મ્યુઝિયમના કૉન્ટ્રાક્ટરની એજન્સીના કર્મચારીઓને યુવકો પર ‘ચોરીની શંકા’ ગઈ અને તેમણે કેવડિયા નજીક આવેલા ગાભાણા ગામના બે યુવાનો સંજય તડવી અને જયેશ તડવીને ‘હાથ બાંધીને માર માર્યો’ હતો.

પોલીસ અનુસાર આ મામલામાં જયેશ તડવીનું ઘટનાસ્થળ પર જ મૃત્ય થયું હતું અને સંજય તડવીનું હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું.

નર્મદા જિલ્લાના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ પ્રશાંત સુંબેએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર ખાતે આવેલા એકતાનગર વિસ્તારમાં ટ્રાઇબલ મ્યુઝિયમનું કામ ચાલી રહ્યું છે. બે દિવસ પહેલાં મ્યુઝિયમના કર્મચારીઓએ સ્થાનિક બે યુવકોને માર માર્યો હતો. જેમાંથી એક યુવાન (જયેશ તડવી) બેભાન થઈ જતાં ત્યાં હાજર કર્મચારીઓ તેને હૉસ્પિટલ લઈ ગયા હતા. તેમજ અન્ય યુવાન (સંજય તડવી) બાંધકામની સાઇટ પર કૅબિનમાં જ હતો."

પ્રશાંત સુંબે અનુસાર, પોલીસને આ ઘટના અંગે જાણ થતાં પોલીસ યુવાન (સંજય તડવી)ને બાંધકામની સાઇટ પરથી હૉસ્પિટલમાં લઈ ગઈ.

પોલીસનો દાવો છે કે "યુવાને પોલીસને જણાવ્યું હતું કે બન્ને યુવાનો મ્યુઝિયમની સાઇટની બહાર પડેલા સળિયાનો ભંગાર લેવા માટે ગયા હતા. તેઓ ભંગાર વેચીને પૈસા મળશે તેમ વિચારીને ગયા હતા. ત્યાં હાજર કૉન્ટ્રાક્ટરના કર્મચારીઓ બન્ને યુવાનોને પકડીને કૅબિનમાં લઈ ગયા હતા. કૅબિનમાં તેમના હાથ બાંધીને માર મારવામાં આવ્યો હતો. જે દરમિયાન એક યુવાન બેભાન થઈ ગયો હતો. તે કર્મચારીઓ જ આ યુવાનને હૉસ્પિટલ લઈ ગયા હતા."

પોલીસે યુવકની ફરિયાદના આધારે કૉન્ટ્રાક્ટરના છ કર્મચારીઓ સામે કેસ નોંધીને તેમની ધરપકડ કરી છે.

આરોપીઓ સામે રાયૉટિંગ અને ઍટ્રોસિટીની કલમ લગાવવામાં આવી છે.

પ્રશાંત સુંબેએ જણાવ્યું કે, ફરિયાદી યુવકનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. અમે હત્યાની કલમ ઉમેરી આગળની કાર્યવાહી હાથ ધરી છે."

ચોરીની આશંકાના આરોપ પર મૃતકના પરિવારે શું કહ્યું?

મૃતકના પરિવારજનોએ પોલીસે ફરિયાદમાં નોંધેલા ચોરી અંગેના આરોપોને ફગાવ્યા છે.

સંજય તડવીનાં ભાભી વર્ષા તડવીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "અમારા છોકરા ચોરી કરવા ગયા હોવાનું કહે છે તો પોલીસ અમને એ બાબતના પુરાવા આપે. ઘટનાસ્થળ અમારા ફળિયામાં જ આવેલું છે. બન્ને મિત્રો ત્યાં ચાલવા ગયા હતા."

તેઓ આગળ કહે છે કે, "મહત્ત્વની વાત તો એ છે કે જો કોઈ ગુનો કરે તો પણ કાયદો હાથમાં લેવાની સત્તા કોઈની પાસે નથી. કોઈ આ રીતે કોઈને મારી શકે નહીં. અમે હવે આ જગ્યા પર બહારના કોઈને પ્રવેશવા દઈશું નહીં. અમારા વિસ્તારમાં અમારી જમીન પર બહારના લોકો આવીને નોકરી કરે છે, અમારા લોકોને માર મારે છે. અમારા લોકોને નોકરી આપવામાં આવતી નથી. આ અંગે પણ હવે અમે ચલાવી લેશું નહીં."

ચોરીના ઈરાદા બાબતે પોલીસના નિવેદન અંગે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે, "પ્રશાંત સુંબે દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે મૃતકો ચોરી કરવાના ઈરાદે ગયા હતા. જો તેમની પાસે આ અંગે કોઈ પુરાવા હોય તો અમને પણ આપે અને મીડિયામાં પણ જાહેર કરે એવી અમે માગ કરી છે."

ચૈતર વસાવા કહે છે કે, અમે બે દીકરા ગુમાવ્યા અને આખા આદિવાસી સમાજને બદનામ કરાઈ રહ્યો છે.

આ ઘટનાથી નારાજ આદિવાસી સમાજે કેવડિયા ગરુડેશ્વરમાં નવમી ઑગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસે બંધનું એલાન આપ્યું હતું.

મૃતક સંજયનાં ભાભીએ કહ્યું હતું કે "અમારા આશાસ્પદ યુવાનોનું મોત થયું છે. આખા સમાજમાં રોષ છે. આથી સમગ્ર કેવડિયામાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું."

કેવડિયામાં બંધ અંગે પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે વિશ્વ આદિવાસી દિવસને જોતાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. સાથે બંધને જોતા સુરક્ષા વ્યવસ્થા કરાઈ હતી."

પોલીસે અનુસાર ઘટનાના દિવસે શું શું થયું હતું?

પોલીસે જે માહિતી જાહેર કરી છે તે મુજબ સાત ઑગસ્ટના દિવસે 3.50 વાગ્યે ગરુડેશ્વર પોલીસ સ્ટેશનને સરકારી દવાખાનામાંથી ફરજ પરના ડૉક્ટરે ટેલિફોનથી જાણ કરી કે 3.45 વાગ્યે માર્ગિશ હીરપરા નામના માણસ પોતાના વાહનમાં એક મૃતદેહ લઈને આવ્યા હતા, તેમજ અન્ય યુવક આદિવાસી મ્યુઝિયમમાં સૂતેલી હાલતમાં છે. પોલીસ ઘટનાસ્થળે અને દવાખાને પહોંચી હતી.

ઈજાગ્રસ્ત સંજયભાઈ તડવીની તેમના પિતાની હાજરીમાં ફરિયાદ લેવામાં આવી હતી.

સંજયની ફરિયાદ અનુસાર, ટ્રાયબલ મ્યુઝિયમના બિલ્ડિંગનું કામ કરતા કર્મચારીઓએ ટ્રાયબલ મ્યુઝિયમ ખાતે ગયેલા બે લોકોને લાકડાના ડંડા, પીવીસી પાઇપ તથા કમરપટ્ટા અને ગડદાપાટુનો માર માર્યો હતો. જેમાં જયેશ શનાભાઈ તડવીનું મૃત્યુ થયું હતું.

પોલીસે આપેલી માહિતી અનુસાર, અન્ય યુવક સંજય તડવીને ડાબા હાથે ફ્રૅક્ચર અને શરીરે નાની મોટી ઈજાઓ થઈ હતી. આથી તેમને ગરુડેશ્વરથી રાજપીપળા સિવિલ હૉસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

જોકે સંજય તડવીનું આઠ ઑગસ્ટે સિવિલ હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું.

ગરુડેશ્વર પોલીસે ભારતીય સંહિતા 2023ની કલમ-103(2) ગેરકાયદેસર મંડળી રચીને હત્યા, મૃત્યુ નીપજાવવાના ઈરાદાથી કરેલાં કૃત્ય, ગેરકાયદેસર મંડળી રચવી, રાયૉટિંગ, ઈરાદાપૂર્વક નુકસાન પહોંચાડવું, ગોંધી રાખવું જેવા તથા ઍટ્રોસિટી ઍક્ટ કલમ 3(2)(5) તથા જીપી ઍક્ટ કલમ 135 મુજબ કેસ ગુનો નોંધ્યો છે.

આદિવાસી યુવકોનાં મોત પર સહાયની જાહેરાત

પોલીસે આદિવાસી યુવકોનાં મોત મામલે માર્ગિશ હીરપરા, ઉત્તર પ્રદેશના નિવાસી દીપુકુમાર યાદવ, બિહારના નિવાસી ઉમેશ ગુપ્તા, પાટણના દેવલ પટેલ, શૈલેશ તાવિયાડ, વનરાજ તાવિયાડ નામના આરોપીઓ સામે કેસ નોંધ્યો છે.

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સાથે વાત કરતાં "ઘટનાસ્થળ પરના નૉડલ અધિકારી અને એજન્સીના માલિકનું નામ પણ ફરિયાદમાં ઉમેરવાની માગ કરી છે.

તો ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા સાઇટ ફેસબક પર યુવાનોનાં મોત પર દુઃખ વ્યક્ત કરતા લખ્યું છે કે "કેવડિયા ખાતે આદિવાસી યુવાનોના હુમલાની આઘાતજનક ઘટનાથી દુઃખી છું. આરોપીઓ સામે પોલીસ વિભાગ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે તંત્રે તકેદારી રાખવી જોઈએ. દુર્ઘટનામાં ભોગ બનેલા પીડિતોને મળવા પાત્ર સહાય અપાવવા કાર્યરત્ છીએ. મૃતક જયેશભાઈના પરિવારને કંપની દ્વારા 20 લાખ સહાય ચૂકવી છે. જ્યારે સંજય તડવીના પરિવારને 5 લાખ ચૂકવ્યા છે અને 15 લાખ ચૂકવવાની કાર્યવાહી ચાલી રહી છે."

તેમણે લખ્યું કે "ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ઘટનાને રાજકીય રૂપ આપી રહ્યા છે."

કંપની દ્વારા આપવામાં આવેલી સહાય અંગે વર્ષાબેન તડવીએ જણાવ્યું કે "સહાય અંગે આદિવાસી સમાજના ચૈતરભાઈ અને અન્ય નેતાઓ દ્વારા રજૂઆત કરાઈ હતી. નક્કી કરવામાં આવ્યું હતું કે કાયદાકીય કાર્યવાહી તો ચાલુ જ રહેશે, પરંતુ માનવતાના ધોરણે સહાય આપવામાં આવશે. કંપની દ્વારા મૃતક જયેશના પરિવારને 20 લાખ આપવામાં આવ્યા હતા. તેમજ સંજયના પરિવારને 5 લાખ સહાય આપવામાં આવી હતી. તેમજ લખાણ કરવામાં આવ્યું હતું કે જો સંજયનું સારવાર દરમિયાન મૃત્યુ થશે તો બીજા 15 લાખ આપવામાં આવશે. જોકે હજુ તે 15 લાખ આપવામાં આવ્યા નથી. કાર્યવાહી ચાલી રહી છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.