અમદાવાદ : પોલીસે ‘ફાંકડું અંગ્રેજી’ બોલતા આધેડની ધરપકડ કરી અને બહાર આવ્યું બાળતસ્કરીનું કૌભાંડ

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • કોરોના મહામારી બાદ સેવાભાવી સંસ્થાના ઓઠા હેઠળ નવજાત બાળકો ચોરીને નિઃસંતાન દંપતીઓને વેચવાના ગુજરાતમાં ઘણા બનાવો બન્યા છે
  • સપ્ટેમ્બર 2022માં વડોદરામાં આવી જ રીતે સેવાભાવી સંસ્થાના નામે નિઃસંતાન દંપતીને બાળક વેચવા આવેલાં દંપતી પકડાયાં હતાં
  • એ દંપતી ન્યૂબોર્ન એડઑપશન સેન્ટર નામની નકલી સંસ્થા બનાવીને નિઃસંતાન દંપતીઓને બાળકો વેચવાનો ધંધો કરતાં હતાં
  • એમ.બી.બી.એસ.ના ત્રીજા વર્ષ સુધીનો અભ્યાસ કરેલાં માયા ડાભલા ગ્રાહક દંપતી શોધવાની જવાબદારી સંભાળતાં હતાં
  • બંને મળીને સાડા ચાર લાખ રૂપિયામાં બાળક વેચવાનો ધંધો કરતાં હતાં
  • ઑગસ્ટમાં વડોદરામાં એક નિઃસંતાન દંપતીને આઠ દિવસનું બાળક વેચવા આવેલાં કાકી- ભત્રીજાની ધરપકડ થઈ હતી

અમદાવાદના એસ.પી. રિંગ રોડ પરથી એક કાર પસાર થઈ રહી હતી અચાનક રણાસન રેલવે ક્રોસિંગ પાસે પોલીસે આ કારને આંતરીને તપાસ કરી. અંદર 42 અને 40 વર્ષનાં પતિ-પત્ની બિપિન અને મોનીકા શિરસાઠ સાથે 15 દિવસનું નવજાત બાળક મળી આવે છે.

ફાંકડું અંગ્રેજી બોલતા આધેડ વયના કારસવાર પોતે સંસ્થા ચલાવતા હોવાનું અને ગરીબ નવજાત બાળકોની સંભાળ લેતો હોવાની વાત કરે છે.

પરંતુ આખરે તેઓ પોલીસની પૂછપરછમાં ભાંગી પડે છે અને કબૂલે છે કે તેઓ બાળકો વેચવાનું કામ કરે છે.

કોરોના મહામારી બાદ સેવાભાવી સંસ્થાના ઓઠા હેઠળ નવજાત બાળકો ચોરીને નિઃસંતાન દંપતીઓને વેચવાના ગુજરાતમાં ઘણા બનાવો બન્યા છે.

એમ.બી.બી.એસ.ના ત્રીજા વર્ષ સુધી ભણેલાં

સપ્ટેમ્બર 2022માં વડોદરામાં આવી જ રીતે સેવાભાવી સંસ્થાના નામે નિઃસંતાન દંપતીને બાળક વેચવા આવેલાં દંપતી પકડાયાં હતાં.

એ દંપતી ન્યૂબોર્ન એડઑપશન સેન્ટર નામની નકલી સંસ્થા બનાવીને નિઃસંતાન દંપતીઓને બાળકો વેચવાનો ધંધો કરતાં હતાં.

આ દંપતીએ નડિયાદનાં મોનીકા શાહ અને માયા ડાભલા સાથે સાંઠગાંઠ હતી.

આ આખોય મામલો કોરોના ઑગસ્ટ 2021માં ઍન્ટિ હ્યુમન ટ્રાફિક ડ્રાઇવ વખતે બહાર આવ્યો હતો. હૈદરાબાદ અને મહારાષ્ટ્રથી ચાલતા આ સમગ્ર કૌભાંડને જરા વિગતવાર સમજીએ.

સામાન્ય રીતે આ ગૅંગ હૈદરાબાદ અને મુંબઈથી એન.જી.ઓ.ના ઓઠા હેઠળ નિઃસંતાન દંપતીને બાળક દત્તક આપવાના નામે ચોરેલાં બાળકો વેચતી હતી.

ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના એક અધિકારી નામ નહીં આપવાની શરતે બીબીસી સાથે વાત કરતાં કહે છે, “સરોગસી બંધ કરવાનો કાયદો આવ્યો પછી નડિયાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર વી.કે. ખાંટે એક રેકેટ પકડ્યું હતું.”

“મોનીકા શાહ નામની 54 વર્ષીય મહિલા ગરીબ ઘરની લાચાર, કુંવારી, ત્યક્તા કે છૂટાછેડા લીધેલી અને પ્રેમમાં દગો ખાઈને ગર્ભવતી બનેલી યુવતીઓનો સંપર્ક કરતી હતી. મોટેભાગે મોનીકા મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતનાં અંતરિયાળ ગામોની મહિલાઓનો સંપર્ક કરતી હતી. આવી મહિલાઓને દોઢ લાખ રૂપિયા આપીને હોટલમાં પ્રસૂતિ કરાવતી હતી. તેમની પાસેથી મેળવેલાં બાળકને સાડા ચાર લાખ રૂપિયામાં નિઃસંતાન દંપતીને બાળક વેચી મારતી હતી.”

“આ કૌભાંડમાં મોનીકાની સાથીદાર માયા ડાભલા હતી. આ ગૅંગ પહેલાં હૈદરાબાદ અને મુંબઈની નકલી એન.જી.ઓ.ને બાળક વેચતી હતી પણ પછીથી બાળકની વધુ કિંમત મેળવવા માટે તેમણે આડતિયાને દૂર કર્યા અને પોતે જ સીધા નિ:સંતાન દંપતીઓનો સંપર્ક કરીને લે-વેચ કરતી હતી.”

તેઓ મોનીકા અને માયા વચ્ચેની સાંઠગાંઠ બાબતે વધુ જણાવતાં કહે છે કે,“મોનીકા અને માયા વચ્ચે કામની વહેંચણી થયેલી હતી. મોનીકા નવજાત બાળક મેળવવા માટે યુવતી લાવતી હતી તો સરોગસી સેન્ટરમાં કામ કરી ચૂકેલી અને એમ.બી.બી.એસ.ના ત્રીજા વર્ષ સુધીનો અભ્યાસ કરેલી માયા ડાભલા ગ્રાહક દંપતી શોધવાની જવાબદારી સંભાળતી હતી. બંને મળીને સાડા ચાર લાખ રૂપિયામાં બાળક વેચવાનો ધંધો કરતી હતી.”

તપાસના તાર હૈદરાબાદ

આવી જ એક બાતમીને આધારે વડોદરામાં એક નિઃસંતાન દંપતીને આઠ દિવસનું બાળક વેચવા આવેલા કાકી-ભત્રીજાની ધરપકડ થઈ હતી.

ધરપકડ કરનાર તે સમયના વડોદરા ઝોન-2ના ડીસીપી અભય સોની બીબીસી સાથે વાત કરતાં કહે છે, “ઑગસ્ટ મહિનામાં નડિયાદથી સરોગસીના નામે બાળક વેચવાનું એ ષડ્યંત્ર પકડાયું હતું. ત્યાર બાદ થોડા દિવસોમાં વડોદરાના કારેલીબાગમાં નિઃસંતાન બંગાળી દંપતી અંગે અમને બાતમી મળી હતી.”

“આ દંપતી બાળક દત્તક લેવા માંગતું હતું. તેમણે બાળક દત્તક આપતી સંસ્થા ન્યૂબોર્ન એડઑપશન સેન્ટરનો સંપર્ક સાધ્યો હતો. આ સંસ્થાએ કાનૂની રાહે કામ કરતી હોવાનો દેખાવ કરવા માટે બંગાળી દંપતી પાસેથી આધાર કાર્ડ, પાન કાર્ડ, ઈન્ક્મ ટૅક્સના રિટર્ન વગેરે મંગાવ્યા હતા.”

સમગ્ર નેટવર્ક કઈ રીતે કામ કરતું તે અંગે માહિતી આપતાં પોલીસ અધિકારી અભય સોની કહે છે કે, “દંપતીને ત્રણ અલગ અલગ બાળકોના ફોટા મોકલ્યા હતા. આખરે વડોદરા રેલવે સ્ટેશન પર દંપતી પૈસા લઈને બાળક લેવા ઊભું રહ્યું હતું અને બાળક વેચવા આવેલી ગૅંગને વડોદરા રેલવે સ્ટેશનથી જ ઝડપી લેવામાં આવી હતી. કાકી અને ભત્રીજો બાળક લઈને આવ્યાં હતાં અને એ બંને પેટા-દલાલ હતાં. પૂજા નામની મહિલાએ તેમને મોકલ્યાં હતાં. ચાઈલ્ડ ટ્રાફિકિંગનો એ કેસ હાલ વડોદરાની કોર્ટમાં ચાલી રહ્યો છે.”

આ સમયગાળા દરમિયાન અમદાવાદમાં ગોમતીપુર વિસ્તારમાંથી રસ્તા પર સૂતેલાં એક દંપતીના બાળકનું અપહરણ થયું હતું.

અપહરણ મહેસાણાથી રિક્ષામાં આવેલા પ્રેમી-પ્રેમિકા અને તેમનાં મિત્રે અમદાવાદની એક વ્યક્તિની મદદથી કર્યું હતું. 21 દિવસની તપાસના અંતે અપહરણકર્તાઓ રિક્ષાના સ્ટિકરના આધારે પકડાઈ ગયા. એ ઘટના અંગે વિગતો આપતાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિક બીબીસી સાથે વાત કરતા કહે છે, “મહેસાણાનાં બે પ્રેમી કિંજલ પરમાર અને વિજય પરમાર એમના એક મિત્ર સાથે રિક્ષામાં અમદાવાદ આવ્યાં હતાં. અમદાવાદના એક પરિચિત મારફતે તેમણે ગોમતીપુરના એક શ્રમિક દંપતીના બાળકનું અપહરણ કર્યું હતું.”

“બાળકને લઈને તેઓ વડોદરા ગયા હતા અને ત્યાં અશ્વિન અને વર્ષા નામની વ્યક્તિઓ સાથે મળીને તેમણે બાળક હૈદરાબાદ નંદિનીને વેચી નાખ્યું હતું. કિંજલે પોતાનું આધાર કાર્ડ આપી આ બાળક પોતાનું હોવાનું કહીને સુરતનાં એક નિઃસંતાન દંપતીને બે લાખ રૂપિયામાં વેચ્યું હતું. પોલીસે કુલ નવ વ્યક્તિની ધરપકડ કરી હતી. ત્યાર બાદ દસ મહિનાથી નાસતી ફરતી હૈદરાબાદની નંદિનીની એક અઠવાડિયા પહેલાં તેલંગાણાથી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. ઍન્ટિ હ્યુમન ટ્રાફિક સેલ વધુ તપાસ કરી રહી છે.”

જામીન પર છૂટીને પણ ફરી બાળતસ્કરી

ચૈતન્ય માંડલિક કહે છે, “આ દરમિયાન અમે મુંબઈનાં એક દંપતી ગુજરાતમાંથી બાળક ખરીદી રહ્યાં હોવાની બાતમીના આધારે અમદાવાદના એસ.પી. રિંગ રોડ પરથી 42 વર્ષીય બિપિન શિરશાઠ અને તેમનાં પત્ની મોનીકા શિરશાઠ પાસેથી 15 દિવસનું નવજાત બાળક મળી આવ્યું હતું . બિપિન શિરશાઠ મુંબઈના થાણેમાં રહે છે અને પોતે મોટો સેવાભાવી હોવાનો ડોળ કરે છે અને એન.જી.ઓ.ના ઓઠા નીચે બાળકોની તસ્કરીનું કામ કરે છે.”

માંડલિક કહે છે, “પહેલાં અમે જયારે એમની પૂછપરછ કરી ત્યારે પોતે સ્વયંસેવી સંસ્થા ચલાવતો હોવાની વાત કરતો હતો પણ એનજીઓની નોંધણીના પુરાવા માગતા તે ભાંગી પડ્યો અને તેણે કબૂલ્યું કે તેમણે હિંમતનગરમાંથી રેશમ રાઠોડ પાસેથી આ બાળક બે લાખ દસ હજાર રૂપિયામાં ખરીદ્યું હતું અને તેઓ તેને હૈદરાબાદના દલાલ ઉમા બોમાનદદાને વેચવા જઈ રહ્યાં હતાં. બિપિન નકલી એનજીઓના ઓઠા નીચે બાળતસ્કરીનું કામ કરતો હતો. "

બિપિન સામે કોરોનાકાળ પહેલાં મુંબઈમાં મલાડ અને માલવણી પોલીસ સ્ટેશનમાં બાળતસ્કરીના 3 ગુના નોંધાયેલા છે અને જામીન પર છૂટ્યા બાદ તે ફરી બાળતસ્કરીનું કામ કરી રહ્યા હતા. હાલ બંનેના રિમાન્ડ ચાલી રહ્યાં છે.

ડીસીપી ચૈતન્ય માંડલિક કહે છે, “અમારી પ્રાથમિક પૂછપરછમાં ખબર પડી છે કે બાળતસ્કરીના મુખ્ય એજન્ટ હૈદરાબાદમાં છે , બિપિન પેટા-એજન્ટ છે અને તેના હાથ નીચે ગુજરાતમાં પણ પેટા-એજન્ટ છે જેમની પાસેથી એ બે થી અઢી લાખ રૂપિયામાં બાળક ખરીદતો હતો અને હૈદરાબાદના એજન્ટને વેચતો હતો. “

આ સાથે અમદાવાદમાં બાળતસ્કરીના અન્ય બે ગુના નોંધાયા છે જેમાં એક બાળક અમને પરત મળ્યું છે અને હૈદરાબાદનાં એક એજન્ટ નંદિનીને પકડી લેવાઈ છે. બીજું બાળક કાલુપુર રેલવે સ્ટેશનથી વિજયવાડા લઈ જવાતું હતું એને અને બિપિનની ગૅંગને કોઈ સંબંધ છે કે નહિ તેની તપાસ ચાલી રહી છે.

ડીસીપી માંડલિક કહે છે, “આ ગૅંગની બાળકની ઉઠાંતરી કરવાની મોડસ ઑપરેન્ડી અને બાળકને દેશના ક્યાં ક્યાં ભાગમાં નકલી એનજીઓના ઓઠા હેઠળ વેચી રહ્યા છે એની પણ કડીઓ મેળવી રહ્યા છીએ. કારણ કે અમને કાલુપુર રેલવે સ્ટેશનથી વિજયવાડા બાળક લઈ જનારા પાસેથી તેમના વ્હોટ્સએપમાં બાળકોના ફોટા મળી આવ્યા છે. બિપિન શિરશાઠ પાસેથી પણ ઘણી માહિતી મળી છે, જેના આધારે અમે ગણતરીના દિવસોમાં બાળતસ્કરીનું આંતર રાજ્ય રેકેટ ખુલ્લું પાડી શકીશું.”