આસારામ દુષ્કર્મના બીજા કેસમાં દોષિત, આજે થશે સજાનું એલાન

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
16 વર્ષની કિશોરી પર બળાત્કારના કેસમાં જોધપુરની સૅન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા આસારામને વધુ એક દુષ્કર્મના કેસમાં ગાંધીનગરની સેશન્સ કોર્ટે દોષીત માન્યા છે. તેમને 31 જાન્યુઆરીના દિવસે બપોરે 3.30 વાગ્યે સજા સંભળાવવામાં આવશે.
વર્ષ 2013માં આસારામ અને તેના પુત્ર નારાયણ સામે તેના આશ્રમમાં સેવિકા તરીકે રહેતી સુરતની બે બહેનોએ દુષ્કર્મ, ગેરકાયદેસર રીતે ગોંધી રાખવાની અને અકુદરતી શારીરિક સંબંધ રાખવાની ફરિયાદ કરી હતી.
સુરત પોલીસ દ્વારા એ ઝીરો ફરિયાદ નોંધીને આ ગુનો આસારામના અમદાવાદમાં મોટેરા ખાતેના આશ્રમમાં બન્યો હોવાથી ફરિયાદ અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનને તબદીલ કરવામાં આવી હતી.
30 જાન્યુઆરી 2023 સોમવારના રોજ ગાંધીનગર સેસન્શ કોર્ટના એડિશનલ સેશન્સ જજ ડીકે સોનીએ આસારામને આ કેસમાં દોષી માન્યા છે. તેમને સજાનું એલાન 31 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે. આ કેસમાં આસારામના પત્ની અને પુત્રી સહિત કુલ છ સહઆરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં હતાં.

- આસારામને અમદાવાદના આશ્રમમાં રહેતાં સુરતના સેવિકા પર વર્ષ 2001થી 2006 દરમિયાન વારંવાર બળાત્કાર, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હોવાના આરોપમાં દોષી ગણવામાં આવ્યા છે.
- આસારામના વકીલે કહ્યું છે કે, ચુકાદાનો અભ્યાસ કર્યા બાદ તેઓ આ ચુકાદાની વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરશે.
- આસારામના જીવનની ચડતી-પડતી કોઈ ફિલ્મની કહાણીથી ઓછી નથી.
- ભારત-પાકિસ્તાન વચ્ચેના ભાગલા બાદ પાકિસ્તાનથી શરણાર્થી બનીને આવેલો આસારામનો પરિવાર અમદાવાદમાં સ્થાયી થયો હતો.
- એક આધ્યાત્મિક ગુરુ અને ધાર્મિક નેતા તરીકે પ્રસ્થાપિત થતાં પહેલાં આસારામ જીવન નિર્વાહ માટે વિવિધ કામો કરી ચૂક્યા હતા.
- 90ના દાયકામાં તેમનો પ્રભાવ એટલો વધી ગયો હતો કે સમગ્ર દેશમાં તેમના ડઝનબંધ આશ્રમો અને લાખોની સંખ્યામાં અનુયાયીઓ બની ગયા હતા.
- આસારામના દેશના સામાન્ય વર્ગના લોકો પરના પ્રભાવને કારણે અટલ બિહારી બાજપેઈ, લાલકૃષ્ણ અડવાણી અને નરેન્દ્ર મોદી સહિતના રાજકીય નેતાઓ તેમના સત્સંગમાં હાજરી આપી પોતાનું શીશ ઝૂકાવતા.
- આખરે આસારામનું પ્રભાવશાળી આધ્યાત્મિક, ભૌતિક અને રાજકીય સામ્રાજ્ય કેવી રીતે ખલાસ થયું અને કેવી રીતે આસારામ અત્યારે જોધપુરની જેલમાં આજીવન કેદ ભોગવે છે?


ઇમેજ સ્રોત, Getty Images
આ કેસ વિશે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર આરસી કોડેકરે સમાચાર સંસ્થા પીટીઆઈને જણાવ્યું હતું કે, “કોર્ટે ફરિયાદ પક્ષના આરોપો માનીને આસારામને આઈપીસી (ઇન્ડિયન પીનલ કોડ)ની કલમો 376 (બળાત્કાર), 377 (અકુદરતી શારીરિક સંબંધ), અને ગેરકાયદેસર ગોંધી રાખવા જેવા ગુનાઓની અન્ય કલમો હેઠળ દોષી માન્યા છે.”
આસારામના વકીલ સીબી ગુપ્તાએ જણાવ્યું હતું કે, “આ કેસની ફરીયાદ 2013માં કરવામાં આવી હતી જ્યારે પીડિતાએ જે આરોપો મૂક્યા છે તેનો સમયગાળો 2001નો છે. આ કેસમાં પહેલાં 8 આરોપીઓ હતાં. જેમાંથી આસારામ બાપુ અને અન્ય છને આરોપી બનાવ્યા હતા અને એક આરોપી જેનું નામ અખિલ છે, તેને પ્રોસિક્યુશને સાક્ષી બનાવ્યા હતા.”
તેમણે વધુમાં કહ્યું, “આ રેપ કેસમાં વર્ષ 2014માં જે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી, તેમાં સાતને આરોપી દર્શાવવામાં આવ્યા હતા. વર્ષ 2016માં આરોપો નક્કી (ચાર્જ ફ્રેમ) કરવામાં આવ્યા હતા. ત્યારબાદ લાંબી મેરેથોન સુનાવણી બાદ આસારામ બાપુને કોર્ટે સજા કરી છે અને બાકીના છ આરોપીઓ તેમના પત્ની, તેમના દીકરી અને તેમના આશ્રમનાં ચાર મહિલા વ્યવસ્થાપકોને મુક્ત કરવામાં આવ્યાં છે.”
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ચુકાદાનો અભ્યાસ કરીને તેઓ આ ચુકાદા વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

કોણ છે આસારામ?

ઇમેજ સ્રોત, Getty Images
ઑગસ્ટ-2013 પહેલાં જો કોઈ વ્યક્તિ અમદાવાદનના રેલવેસ્ટેશન ઉપર ઊતરે અને ‘બાપુના આશ્રમે’ જવું છે' એમ કહે, તો રિક્ષાવાળા તેમને મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમને બદલે મોટેરા ખાતેના આસારામ 'બાપુ'ના આશ્રમે લઈ જતા હતાં. આવી હતી ધાર્મિક પ્રવચનો અને સત્સંગથી સમગ્ર ભારતમાં પોતાના અનુયાયીઓ અને આશ્રમોનું મોટું નેટવર્ક ઊભું કરનારા આસારામની લોકપ્રિયતા.
લાખો અનુયાયીઓ ધરાવતા ધાર્મિક નેતાઓના પ્રભાવ સામે રાજકીય નેતાઓ માથું ન નમાવે તો જ નવાઈ. આથી આસારામ બાપુના આશીર્વાદ લેવા માટે લાલકૃષ્ણ અડવાણી, અટલ બિહારી બાજપેઈ, નરેન્દ્ર મોદી, ઉમા ભારતી જેવા ભારતીય જનતા પક્ષના નેતાઓ ઉપરાંત અન્ય રાજકીય પક્ષોના નેતાઓ પણ તેમના કાર્યક્રમોમાં હાજરી આપતા હતાં.
જોકે, સમય બદલાયો અને આસારામ પર લાગેલા બળાત્કાર જેવા ગંભીર ગુનાના આરોપો કોર્ટમાં સાબિત થયાં અને ઑગસ્ટ-2013માં ઉત્તર પ્રદેશના શાહજહાંપુરની સગીરા સાથે કુકર્મના ગુનામાં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

આસુમલથી આસારામ બાપુ સુધીની સફર

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આસારામનું સાચું નામ આસુમલ હરપલાણી છે. તેમનો જન્મ અવિભાજીત ભારતના પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં (હાલ પાકિસ્તાનમાં) આવેલાં નવાબશાહ જિલ્લાના બેરાની ગામમાં એપ્રિલ 1941માં થયો હતો.
સિંધી વેપારી સમાજના આસારામનો પરિવાર 1947ના ભાગલા પછી નિરાશ્રિત બનીને ભારત આવ્યો હતો અને અમદાવાદમાં આવીને વસ્યો હતો. એ સમયે રૅફ્યૂજી માટેના વિસ્તાર મણિનગરમાં રહેતા, જ્યાં તેમના નામે સાથે અનેક કહાણીઓ સાંભળવા મળે છે.
1960ના દાયકામાં તેણે લીલાશાહને ગુરુ બનાવ્યા હતા. દીક્ષા બાદ આબુની ગુફાઓમાં સાધના કરવા બેસતો. 1972માં અમદાવાદથી તે વખતે દસેક કિમી દૂર આવેલા મોટેરા ગામ પાસે સાબરમતી નદીના કિનારે આસારામે પોતાની નાનકડી ઝૂંપડી બાંધી હતી.
આગળ જતાં તેણે અહીં જ આશ્રમ સ્થાપ્યો અને તેને મુખ્યમથક બનાવ્યું, જે લગભગ 10 એકરમાં ફેલાયેલો હતો. આ માટે પણ તેણે આજુબાજુની જમીનો ઉપર પેશકદમી કરી હોવાના આરોપ લાગ્યા હતા.
આસારામના ભક્તોની સંખ્યા ધીમે-ધીમે વધવા લાગી અને ગુજરાતનાં કેટલાંય શહેરો તથા દેશનાં જુદાં-જુદાં રાજ્યમાં પણ તેમના આશ્રમો ખુલવા લાગ્યા.
શરૂઆતમાં ગુજરાતનાં ગામડાંમાંથી આવતી ગરીબ, પછાત અને આદિવાસી પ્રજાને આસારામે પોતાના 'પ્રવચનો, દેશી દવાઓ અને ભજન-કિર્તન'ના ત્રેખડથી આકર્ષી હતી.
બાદમાં ધીમે ધીમે ગુજરાતના શહેરી વિસ્તારોના મધ્યમવર્ગમાં પણ તેનો પ્રભાવ વધવા લાગ્યો.
શરૂઆતનાં વર્ષોમાં આસારામના પ્રવચનો બાદ પ્રસાદના નામે મફત ભોજન અપાતું હતું. તેના કારણે 'ભક્તો'ની સંખ્યામાં ઝડપથી વધારો થવા લાગ્યો હતો.
આસારામના સમર્થકોનો દાવો છે કે દુનિયાભરમાં તેના ચાર કરોડ અનુયાયીઓ છે, જોકે જાણકારો તેને 'અતિશયોક્તિ ભરેલો' જણાવે છે.
ત્રણેક દાયકામાં આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈએ સાથે મળીને દેશ અને વિદેશમાં 400થી , વધુ આશ્રમ, 50 ગુરૂકૂળ, એક હજાર 400 સમિતિ અને 17 હજાર બાળ સંસ્કાર કેન્દ્રનું સામ્રાજ્ય ઊભું કરી દીધું હતું.
આસારામના આશ્રમોની અને અનુયાયીઓની સંખ્યા વધવા સાથે તેની સંપત્તિ પણ વધવા લાગી હતી.
પડતી સમયે તેમની પાસે લગભગ 10 હજાર કરોડની સંપત્તિ હોવાનું કહેવાતું હતું. કેન્દ્રના આવકવેરા વિભાગ અને ગુજરાતના વિવિધ વિભાગો તથા ઈડી (એન્ફૉર્સમૅન્ટ ડિરેક્ટ્રેટ) દ્વારા આસારામે એકઠી કરેલી સંપત્તિની તપાસ ચાલી રહી છે.
તપાસ સંસ્થાઓએ ગેરકાયદે રીતે જમીન પચાવી પાડીને બનાવાયેલા આશ્રમોની પણ તપાસ હાથ ધરી છે.
આસારામના જીવન ઉપર પ્રકાશ ઝાએ 'સત્સંગ' નામની ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી, પરંતુ તે પ્રોજેક્ટ શરૂ થયો ન હતો અને 'આશ્રમ' નામની વેબસિરીઝ બનાવી. જેની બે સિઝન રજૂ થઈ ચૂકી છે. તેમાં મુખ્યપાત્ર બોબી દેઓલે ભજવ્યું છે.














