કર્ણાટક વિધાનસભા ચૂંટણી : 3 વાગ્યા સુધીમાં કેટલું મતદાન થયું?

કર્ણાટકમાં વિધાસભા ચૂંટણી માટેનું મતદાન યોજાઈ રહ્યું છે. ચૂંટણીપંચ અનુસાર ત્રણ વાગ્યા સુધીમાં રાજ્યમાં 52.03 ટકા મતદાન નોંધાયું છે.

224 વિધાનસભા બેઠકો પર સવારે સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.

ભાજપ, કૉંગ્રેસ અને જેડીએસ રાજ્યમાં મુખ્ય રાજકીય પક્ષો છે અને સરકાર બનાવવા માટે કોઈ પણ પક્ષ અથવા ગઠબંધન દ્વારા 113 ની જાદુઈ સંખ્યાની જરૂર પડશે.

મતદાનના એક દિવસ પહેલાં પણ કૉંગ્રેસ અને બીજેપી વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલુ રહ્યો હતો.

કૉંગ્રેસ નેતા પવન ખેડાએ એક વીડિયો શૅર કરતા દાવો કર્યો છે કે, ગોવાથી બસમાં લોકોને ઉત્તર કર્ણાટક લાવવામાં આવી રહ્યા છે. તેમણે મંગળવારે મોડી રાત્રે ટ્વીટ કરીને કહ્યું હતું કે, “ગોવાની ભાજપ સરકાર કેમ કદમ્બ ટ્રાન્સપોર્ટ દ્વારા બસ દ્વારા લોકોને આજે રાત્રે ઉત્તર કર્ણાટક મોકલી રહી છે. ગયા અઠવાડિયે વડા પ્રધાનની રેલીમાં પણ 100થી વધુ લોકોને ગોવાથી લાવવામાં આવ્યા હતા.”

કર્ણાટક ચૂંટણી માટે છેલ્લાં કેટલાક દિવસોથી જોરશોરથી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો હતો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિત રાજકીય પક્ષોના અનેક નેતાઓએ રેલીઓ, રોડ શો અને જાહેર સભાઓ કરી હતી.

સોમવારે સાંજે પાંચ વાગ્યાથી ચૂંટણી પ્રચાર પૂરો થઈ ગયો હતો.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, લિંગાયત અને વોક્કાલિગા મત ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. લિંગાયત સમુદાયની વસ્તી લગભગ 17 ટકા છે, જ્યારે વોક્કાલિગાની વસ્તી 11 ટકા છે. આવી સ્થિતિમાં રાજકીય પક્ષો માટે ચૂંટણી પ્રચારમાં બંને સમુદાય ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતા.

નારાયણ મૂર્તિએ કહ્યું, 'યુવાનોને સમજાવવાની જરૂર'

આ ચૂંટણી દરમિયાન કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ શિગ્ગાંવ વિધાનસભા બેઠકના એક પોલિંગ બૂથ પર પહોંચીને મતદાન કર્યું છે.

ઇન્ફોસિસના ચેરમૅન નારાયણ મૂર્તિ અને તેમનાં પત્ની સુધા મૂર્તિએ પણ મતદાન કર્યું છે.

નારાયણ મૂર્તિએ પોલિંગ બૂથમાંથી બહાર નીકળતી વખતે યુવાઓ માટે મતદાનનું મહત્ત્વ શું છે, તેના વિશે વાત કરી હતી.

તેમણે સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું હતું કે, “આ મોટાઓની જવાબદારી છે કે તેઓ યુવાનો સાથે બેસે અને તેમને મતદાનનું મહત્ત્વ સમજાવે. મારાં માતા-પિતાએ એવું જ કર્યું હતું.”

સુધા મૂર્તિએ કહ્યું છે કે, “હું હંમેશાં યુવાનોને કહું છું કે તેઓ મતદાન કરે. જો તમે મત નથી આપતા, તો તમને બોલવાનો હક મળતો નથી.”

કૉંગ્રેસ અને ભાજપે કર્યો જીતનો દાવો

આ મતદાન વચ્ચે ભાજપ અને કૉગ્રેસ બંનેના નેતાઓએ ચૂંટણીમાં પોતાની જીતનો દાવો કર્યો છે.

મતદાન પહેલાં કર્ણાટક કૉંગ્રેસના નેતા અને કનકપુરાના ઉમેદવાર ડીકે શિવકુમારે કહ્યું છે કે મતદાતા પરિવર્તન માટે મત આપશે.

મીડિયા સાથે વાત કરતાં ડીકે શિવકુમારે કહ્યું છે કે, “આજે યુવાન મતદારો પાસે ખૂબ સારી તક છે, તેઓ પરિવર્તન માટે મત આપશે. તેઓ જાણે છે કે રાજ્યમાં ભ્રષ્ટાચાર અને મોંઘવારી કેટલી વધી ગઈ છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ પરિવર્તનની પસંદગી કરશે અને અમને 141 બેઠકો અપાવશે. મને વિશ્વાસ છે કે રાજ્યમાં કૉંગ્રેસ જ સરકાર બનાવશે.”

આ સાથે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ પણ તેમના પક્ષનો જીતનો દાવો કર્યો છે.

તેમણે કહ્યું છે કે, “કૉંગ્રેસનો ભ્રષ્ટાચાર ટ્રૅક રેકૉર્ડ છે. ઘણા કૉંગ્રેસીઓ જામીન પર બહાર છે, જેમની પર ભ્રષ્ટાચારના આરોપો છે. પૂર્વ મુખ્યમંત્રી અને અન્ય લોકો સામે લોકાયુક્તમાં 60થી વધુ કેસ દાખલ કરવામાં આવ્યા છે.”

58,000થી વધું મતદાન કેન્દ્રો

કર્ણાટકમાં 5.21 કરોડ મતદારો છે. તેમાંથી 2.59 કરોડ મહિલા મતદારો છે. 100થી વધુની ઉંમરના 16,976 મતદારો છે. થર્ડ જેન્ડરના 4,699 મતદારો છે. પ્રથમવખત મત આપનારા 9.17 લાખ મતદારો છે.

રાજ્યની 224 વિધાનસભામાં અનુસૂચિત જાતિ માટે 36 અને અનુસૂચિત જનજાતિ માટે 15 અનામત બેઠકો છે.

કર્ણાટકના વિધાનસભા ક્ષેત્રોમાં 58,282 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. 50 ટકા મતદાન મથકોમાં વેબકાસ્ટિંગની સુવિધા આપવામાં આવી છે.