ફ્રાન્સ ભારતને આટલું મહત્ત્વ કેમ આપી રહ્યું છે?

    • લેેખક, રણવીર ઐયર
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 13 જુલાઈના રોજ ફ્રાન્સના બે દિવસીય પ્રવાસ પર ફ્રાન્સની રાજધાની પેરિસ જઈ રહ્યા છે. પીએમ મોદી આ પ્રસંગે ફ્રાન્સના રાષ્ટ્રીય વાર્ષિક કાર્યક્રમ ‘બૅસ્ટિલ ડે’ કાર્યક્રમમાં વિશેષ અતિથિના રૂપે સામેલ થશે.

આ બીજો પ્રસંગ છે, જ્યારે ફ્રાન્સ કોઈ ભારતીય નેતાને આ કાર્યક્રમમાં ‘ગેસ્ટ ઑફ ઑનર’ બનાવી રહ્યું છે. આ પૂર્વે વર્ષ 2009માં ભારતના વડા પ્રધાન મનમોહન સિંહ આ કાર્યક્રમમાં ‘ગેસ્ટ ઑફ ઑનર’ તરીકે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમની સાથે સાથે બંને દેશોના નેતાઓ વચ્ચે સૈન્ય તથા વ્યૂહાત્મક કરારથી લઈને રશિયા-યુક્રેન યુદ્ધ અને હિંદ-પ્રશાંત ક્ષેત્રની સ્થિતિ સહિતના બહુપક્ષી મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.

ફ્રાન્સના વાર્ષિક કાર્યક્રમ 'બૅસ્ટિલ ડે'માં ભારતીય નેતાઓને વારંવાર આમંત્રિત કરવામાં આવવું બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોને રેખાંકિત કરે છે. ભારતની આઝાદી પછી ચાર દાયકા સુધી યુરોપમાં બ્રિટન ભારતનું સૌથી નિકટનું સાથીદાર રહ્યું હતું. જોકે, ગત ત્રણ દાયકામાં વિચારો અને પરસ્પર હિતોના સ્તરે વધુ નિકટ આવવાથી ફ્રાન્સ યુરોપમાં ભારતનું સૌથી મજબૂત સહયોગી બની રહ્યું છે.

એટલું જ નહીં, રશિયા પછી ફ્રાન્સ ભારતનું સૌથી મોટું મિત્ર પણ બન્યું છે. બંને દેશોના પરસ્પર સંબંધોને સૌથી વધુ મજબૂતી 1998માં થયેલી વ્યૂહાત્મ ભાગીદારીની સમજૂતીએ આપી. ગત 25 વર્ષોમાં બંને દેશો આ સમજૂતી પર સફળ રહ્યા હોય એવું નજરે આવ્યું છે.

ભારતે આ કરાર પછી વર્ષ 1998માં જ રાજસ્થાનના પોખરણમાં પરમાણુ હથિયારોનું પરિક્ષણ કર્યું હતું.

તમામ પશ્ચિમી દેશોએ આની પ્રતિક્રિયારૂપે ભારત પર કેટલાય પ્રકારના પ્રતિબંધો લગાવ્યા હતા, પરંતુ ફ્રાન્સે પ્રતિબંધ નહોતા લગાવ્યા. ફ્રાન્સે આ પ્રતિબંધોને વહેલાસર હઠાવી લેવા માટે ભારત તરફથી થતા પ્રયાસોનું પણ સમર્થન કર્યું હતું. એની સાથે જ કેટલાક દેશોએ ભારત પર હથિયારોની નિકાસ પર પણ પ્રતિબંધો લગાવી દીધા હતા, પરંતુ ફ્રાન્સે આ પ્રસંગે પણ પ્રતિબંધ લગાવતા દેશોની સાથે રહેવા કરતાં દૂર રહેવાનું પસંદ કર્યું હતું.

આ જ કારણે ગત 25 વર્ષોમાં ફ્રાન્સ ભારતને ઍરક્રાફ્ટથી લઈને સબમરિન સુધીનાં અલગ-અલગ પ્રકારનાં સંરક્ષણ-ઉત્પાદનો વેચનારો બીજો સૌથી મોટો દેશ બની ગયો છે. આ મામલે રશિયા જ માત્ર ફ્રાન્સથી આગળ છે.

કયા સંરક્ષણ-કરાર પર વાતચીત થઈ શકે છે?

પીએમ મોદી આ પ્રવાસમાં ફ્રાસે નૅવીની જરૂરિયાત માટે તૈયાર કરેલાં 26 રફાલ વિમાનો ખરીદવાની ઘોષણી પણ કરી શકે છે. આ ડીલનો હેતુ ભારતના સૌથી નવા ઍરક્રાફ્ટ કૅરિયર 'આઈએનએસ વિક્રાંત'ને ફાઇટર પ્લૅનથી સજ્જ કરવાનો છે.

એ સાથે-સાથે બંને દેશો સંરક્ષણના ક્ષેત્રમાં એવી સમજૂતીની પણ જાહેરાત કરી શકે છે, જેમાં ફ્રાન્સ તરફથી તકનિકી ટ્રાન્સફર કરવાનું સામેલ થઈ શકે છે. જોકે, ફ્રાન્સ જે વસ્તુઓ ભારતને વેચવા માગે છે, તેની યાદી લાંબી છે. ફ્રાન્સ ભારતને સ્કૉર્પિયન સબમરિનનો નવો ઑર્ડર આપવા આગ્રહ કરી રહ્યું છે. આ પહેલાં થયેલી સમજૂતી હેઠળ મુંબઈના મઝગાંવ ડૉક પર છ સબમરિનને બનાવવામાં આવી રહી છે અને પાંચ સબમરિન પહેલાં જ બનાવી લેવાઈ છે.

ફ્રાન્સ એ પણ ઇચ્છે છે કે ભારત ઍરબસ હૅલિકૉપ્ટર નામની કંપની તરફથી નૅવી માટે બનાવાયેલાં એલએચ90 હેલિકૉપ્ટરો પણ ખરીદે. સાથે જ ફ્રાન્સ મહારાષ્ટ્રમાં પ્રસ્તાવિત જૈતાપુર ન્યૂક્લિયર પાવર સ્ટેશન માટે ફ્રેન્ચ ઈપીઆસ ન્યૂક્લિયર રિએક્ટર વેચવાની કોશિશ કરશે.

બંને દેશો વચ્ચે આ ડીલને લઈને 15 વર્ષો પહેલા જ સંમતિ થઈ હતી, પરંતુ વિશ્વના આ સૌથી મોંઘા ન્યૂક્લિયર પાવર રિએક્ટરની કિંમત, સુરક્ષા અને તેની વ્યવહારિકતાના મુદ્દે વાતચીત રોકાયેલી છે. વાતચીત આગળ ન વધવાનું એક કારણ એ પણ છે કે ફ્રાંસની કંપની ઈડીએફ હજુ સુધી ફ્રાન્સમાં પહેલું ઈપીઆર રિએક્ટર લગાવવામાં સફળ નથી થઈ.

આ એક પ્રોજેક્ટ છે, જેનો ખર્ચ બજેટની સરખામણીએ ઘણો વધ્યો છે અને તેને સ્થાપિત કરવા માટે જે સમયસીમા આપવામાં આવી હતી, તેને વિત્યે એક દાયકાથી પણ વધુ સમય થઈ ગયો છે.

વ્યૂહાત્મક મુદ્દે વાતચીત

સંરક્ષણ-કરાર ઉપરાંત ફ્રાન્સ અને ભારત વચ્ચે કેટલાક વ્યૂહાત્મક મુદ્દાઓ પર વાતચીત પણ થઈ શકે છે. જેમાં હિંદ-પ્રશાંત ક્ષેત્રનો મુદ્દો સૌથી મહત્ત્વનો છે, કેમ કે બંને દેશો આંતરરાષ્ટ્રીય સમુદ્રક્ષેત્રમાં ચીનના વધતાં પ્રભુત્ત્વને લઈને ચિંતિત છે. તેની સાથે જ દક્ષિણ એશિયાની સ્થિતિ પર પણ વાતચીત થઈ શકે છે, જેમાં પાકિસ્તાનનું આર્થિક સંકટ અને અફઘાનિસ્તાનમાં માનવાધિકારનું હનન પણ સામેલ છે.

આ દરમિયાન મૅક્રોં રશિયા-યુક્રેન યુદ્ધનો મુદ્દો પણ ઉઠાવી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનની જેમ પીએમ મોદી પર રશિયા વિરુદ્ધ પશ્ચિમી દેશો સાથે સહયોગ આપવા અને કેટલાંક પગલાં ઉઠાવવા અપીલ પણ કરી શકે છે.

એ દરમિયાન ભારતને એવું કહી શકાય છે કે જો તે પ્રતિબંધ લગાવવામાં પશ્ચિમી દેશોનો સાથ આપવા ના ઇચ્છે તો તો કમસે કમ તે રશિયામાંથી ક્રૂડઑઇલ ખરીદવાનું ઓછું કરે.

પીએમ મોદીને પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રૂપે એ સંકેત પણ આપવામાં આવી શકે છે કે તેઓ સપ્ટેમ્બરમાં દિલ્હીમાં થનારી જી20 સમિટમાંથી પુતિનને બહાર રાખે.

એની સાથે જ બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક સ્તરની સાથે સાથે લોકો વચ્ચે પણ નિકટના સંબંધો રહ્યા છે. ફ્રાન્સ એક લાંબા સમયથી ભારતીય સંસ્કૃતિ અને વિરાસત પ્રત્યે આકર્ષિત રહ્યું છે. તેમાં યોગ અને આયુર્વેદે મહત્ત્વ ભૂમિકા ભજવી છે. એટલું જ નહીં ભારતીય સાહિત્ય, સંગીત અને નૃત્યકળાઓ સાથે સાથે ભારતીય ફિલ્મો પણ ફ્રાન્સમાં ઘણી લોકપ્રિય છે. ભારતીય ભોજન મસાલેદાર હોવા છતાં ફ્રાન્સમાં લોકપ્રિય છે.

ભારતમાં પણ ફ્રાન્સની સંસ્કૃતિ ઘણી લોકપ્રિય થઈ રહી છે. ભારતમાં આ સમયે વિદેશી ભાષાના રૂપમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ફ્રેન્ચ શીખી રહ્યા છે. ભારનતા ઘણી સ્કૂલો અને યુનિવર્સિટીમાં વિદેશી ભાષા તરીકે ફ્રેન્ચ શિખવાડવામાં આવી રહી છે.

ફ્રેન્ચ ભાષા અને ફ્રાન્સની સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે ફ્રાન્સ તરફથી બનાવાયેલાં સંસ્થાનો એલાયન્સ ફ્રેંકેઇસની સૌથી વધારે શાખા ભારતમાં છે. જોકે, ફ્રાન્સે ભારતીય વિદ્યાર્થીઓને સ્વીકારવામાં થોડો સમય લીધો છે. પરંતુ હવે ફ્રાન્સમાં અભ્યાસ કરવા જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે અને ગત 20 વર્ષોમાં તેમની સંખ્યામાં 10 ગણી વૃદ્ધિ થઈ છે.

બંને નેતાઓ વચ્ચે થયેલા બહુપક્ષીય મુદ્દો જેવા કે જળવાયુ પરિવર્તન અને વૈશ્વિક વ્યાપારિક માર્ગો જેવા મુદ્દાઓ પર પણ વાતચીત થઈ શકે છે. જળવાયુ પરિવર્તનના મુદ્દે ભારત અને ફ્રાન્સ કેટલાય મામલો પર એક બીજા સાથે સમંત છે પરંતુ કેટલાક મામલામાં બને વચ્ચે ગંભીર મતભેદ છે.

વિશ્વભરમાં સૌર ઊર્જા તકનીકના પ્રસાર માટે ભારત અને ફ્રાન્સે વર્ષ 2015માં આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સ પ્રોજેક્ટ લૉન્ચ કર્યો હતો. આ એલાયન્સે છેલ્લાં આઠ વર્ષોમાં આર્થિક રૂપે નબળા દેશોને સૌરઊર્જા તકનીકનો વપરાશ કરીને પોતાનું કાર્બનઉત્સર્જન ઓછું કરવા લાયક બનાવ્યા છે. પરંતુ સમૃદ્ધ દેશો તરફથી વિકાસશીલ દેશોને દર વર્ષે 100 અબજ ડૉલર આપવાના મુદ્દા પર બંને દેશો સંમત નથી થયા. વિકાસશીલ દેશો તરફથી આ રકમ એટલા માટે માગવામાં આવી રહી છે જેથી તેઓ પોતાની અર્થવ્યવસ્થાને હરિત ઊર્જા તરફ લઈ જઈ શકે.

વેપારના મુદ્દા પર પણ બંને દેશો વચ્ચે વિચાર એક સમાન નથી. કેમ કે વિશ્વ વેપાર સંગઠનમાં કેટલાક મુદ્દા પર ફ્રાન્સ અને ભારત અલગ અલગ જૂથોમાં ઊભેલા દેખાય છે. તેમાં પેટન્ટ, બજાર સુધી પહોંચ અને લોકો તથા કૃષિ સંબંધિત મુદ્દા સામેલ છે.

વેપારી સંબંધો કેટલા મજબૂત

ભારત અને ફ્રાન્સ વચ્ચે એટલા સારા સંબંધો હોવા છતાં વેપારી સ્તરે બંને વચ્ચે સંબંધો સમૃદ્ધ નથી થઈ શક્યા. વર્ષ 2010થી લઈને 2021 સુધી બંને દેશો વચ્ચે દ્વિપક્ષી વેપારમાં માત્ર 4 અબજ ડૉલરની વૃદ્ધિ થઈ. વર્ષ 2010માં ફ્રાન્સ સાથે ભારતનો વેપાર 9 અબજ ડૉલરનો હતો જે 2021માં 12 અબજ ડૉલર સુધી પહોંચ્યો છે.

એ જ કારણે ફ્રાન્સ યુરોપમાં ભારતનો સૌથી નાનો વેપારી સહયોગી દેશ છે. વેપારી સંબંધોમાં પ્રગતિ સૌથી ધીમી ઝડપે થઈ છે જ્યારે ભારત ઍરક્રાફ્ટથી લઈને સેટેલાઇટ સહિતની નવી વસ્તુઓ ખરીદે છે. તેની સરખામણીમાં અન્ય દેશો સાથે ભારતના વેપારમાં પણ ઉછાળ આવ્યો છે.

ભારત અને ચીન વચ્ચે સરહદ સંબંધિત સંઘર્ષો છતાં વર્ષ 2010માં વેપાર 58 અબજ અમેરિકી ડૉલરથી વધીને 2021માં 117 અબજ અમેરિકી ડૉલર સુધી પહોંચી ગયો છે. આ રીતે ચીન ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે.

આ જ રીતે અમેરિકા સાથે પણ 2010માં ભારતનો વેપાર માત્ર 45 અબજ અમેરિકી ડૉલર હતો, જે 2021માં 110 અબજ અમેરિકી ડૉલર સુધી પહોંચી ગયો છે. માત્ર અમેરિકા અને ચીન જેવી મોટી અર્થવ્યવસ્થા જ નહીં જર્મનીનો પણ ભારત સાથે કારોબારના 19 અબજ અમેરિકી ડૉલરની સરખામણીમાં 2021માં વધીને 27 અબજ અમેરિકી ડૉલર સુધી પહોંચી ગયો છે.

ભારત અને ફ્રાન્સ વચ્ચે વેપારમાં સંરક્ષણ કરારની ભૂમિકા મહત્ત્વની રહી છે. તની સાથે જ ભારત સરકારે મેટ્રો રેલથી લઈને લૉકોમૉટિવ ઍન્જિન જેવી ડીલ કરી છે. જો તમે આ ડીલને હઠાવી દો તો બંને દેશો વચ્ચે વેપારના આંકડા એકદમ નાના થઈ જાય છે. જે એ સંકેત આપે છે કે બંને દેશો વચ્ચે વાણિજ્ય સંબંધો ઘણા મર્યાદિત છે.

બંને દેશોની સરકાર બીજાં ક્ષેત્રોની જેમ વેપારના ક્ષેત્રમાં પોતાના કરારોને મજબૂત કરવામાં નિષ્ફળ રહી છે. તેનું કારણ લઘુ અને મધ્યમસ્તરીય વ્યવસાય છે જે બંને દેશોની અર્થવ્યવસ્થાનાં મહત્ત્વના પરિબળ છે.

દ્વિપક્ષી વેપારમાં આ પ્રકારની કંપનીઓની ગેરહાજરી છે કેમ કે બંને દેશોની કંપનીઓ એકબીજાના માર્કેટમાં ઘૂસવા મામલે શંકામાં રહે છે.

એવામાં હવે મોદી અને મૅક્રોં પેરિસમાં મળવા જઈ રહ્યા છે, તો દ્વિપક્ષી વેપારી સંબંધોને વિસ્તરવા અને ગાઢ કરવાની સાથે સાથે આ ભાગીદારીમાં લઘુ અને મધ્યમ સ્તરના વેપારીઓને સામેલ કરવાનો ઉદ્ધેશ મુખ્ય હોવો જોઈએ.

કેમ કે દ્વિપક્ષીય કારોબાર વધારવો બંને દેશોના ભાવિ માટેનું પ્રાથમિક લક્ષ્ય હોઈ શકે છે.