ટી20 વર્લ્ડકપ: ભારતે સૂર્યકુમારની અડધી સદીથી અમેરિકા સામેની મૅચ જીતી તો પાકિસ્તાનને કેવી રીતે ફાયદો થશે?

ઇમેજ સ્રોત, Getty Images
ટી20 વિશ્વકપમાં ગ્રૂપ સ્ટેજમાં ભારતે અમેરિકાને સાત વિકેટે હરાવીને જીતની હૅટ્રિક પૂર્ણ કરી છે.
રોહિત શર્માએ ટૉસ જીતીને પહેલાં બૉલિંગ કરવાનું પસંદ કર્યું હતું. અમેરિકાએ ભારતને જીતવા માટે 111 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
ભારતની આ જીતના હીરો સૂર્યકુમાર યાદવ રહ્યા જેમણે મુશ્કેલ પરિસ્થિતિમાં અર્ધસદી ફટકારીને ટીમને જીત સુધી પહોંચાડી.
આ ઇનિંગમાં સૂર્યાનો સાથ આપ્યો શિવમ દુબેએ, જે પહેલીવાર ટી20 વિશ્વકપમાં ભાગ લઈ રહ્યા છે.
જોકે, ભારતની આ જીત સરળ નહોતી.
અમેરિકાના બૉલરોએ ભારતની કઠીન પરીક્ષા લીધી. પરંતુ અંતમાં ભારતના અનુભવને કારણે તેની જીત થઈ. મૅચમાં ભારતને પાંચ રન પૅનલ્ટીના પણ મળ્યાં. આ જીત બાદ ભારતીય ટીમનું સુપર-8માં પહોંચવું પણ નક્કી થઈ ગયું છે.

ભારતની બેટિંગ ફરી ડામાડોળ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતને શરૂઆતમાં જ બે ઝાટકા લાગ્યા. વિરાટ કોહલી પહેલી જ ઓવરમાં બીજા જ બૉલ પર શૂન્ય રને આઉટ થયા. ત્યારબાદ ત્રીજી ઓવરમાં માત્ર ત્રણ રન બનાવીને રોહિત શર્મા પણ નેત્રવલકરની બૉલ પર કૅચ આઉટ થયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમેરિકાએ આ પહેલાં બેટિંગ કરીને આઠ વિકેટના નુકસાન પર 110 રન બનાવ્યા હતા.
અમેરિકાની સામે ભારતના બૉલરોએ પકડ જમાવી રાખી. ડ્રિંક્સ પછીની ઓવરમાં અર્શદીપસિંહ સિવાય અન્ય બોલરો મોંઘા સાબિત થયા.
અર્શદીપસિંહે પહેલી જ ઓવરમાં ભારતને બે સફળતા અપાવીને અમેરિકાના બૅટ્સમૅનોને દબાણમાં લાવી દીધા હતા.
પહેલી વિકેટ ઇનિંગના પહેલા બૉલે જ મળી.
અર્શદીપસિંહ મૅચની પહેલી ઓવર માટે બૉલિંગ શરૂ કરી અને અમેરિકાની ટીમના કૅપ્ટન મોનાંક પટેલની જગ્યાએ આવેલા શાયન જહાંગીર પહેલી બૉલમાં જ એલબીડબ્લ્યૂ આઉટ થઈ ગયા. આ ઓવરમાં જ છેલ્લા બૉલે એન્ડ્રિસ ગૉસ પણ હાર્દિક પંડ્યાને કૅચ આપી બેઠા.
ન્યૂયૉર્કના નસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આ મૅચ થઈ હતી. ભારતીય ટીમ આ મેદાન પર સતત ત્રીજી મૅચ જીતી છે.
ભારતે આ પહેલાં પાકિસ્તાન અને આયર્લૅન્ડને હરાવ્યું છે. અમેરિકાને પણ હરાવીને ભારતે જીતની હૅટ્રીક નોંધાવી છે.
અમેરિકાની ટીમે આ પહેલાં બે મૅચ રમી છે અને બંને જીતી છે. અમેરિકાએ પાકિસ્તાનને હરાવીને અપસેટ સર્જ્યો હતો.
અમેરિકા સામેની આ મૅચમાં ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ પ્રથમ બૉલિંગ પસંદ કરી હતી.
રોહિત શર્મા અને વિરાટ કોહલી આઉટ થયા બાદ કેટલાક સમય સુધી સૂર્યકુમાર યાદવ અને ઋષભ પંતે ઇનિંગને સંભાળી.
ઋષભ પંત સારી બેટિંગ કરી રહ્યા હતા. તેમણે 20 બૉલમાં 18 રન બનાવ્યા પરંતુ આઠમી ઓવરમાં અલી ખાનની ઓવરમાં આઉટ થયા.
ગત મૅચમાં ઋષભ પંતે સર્વાધિક 42 રન બનાવીને ટીમને સંમાનજનક ટોટલ સુધી લઈ જવા માટે મદદ કરી હતી.
પંતના ગયા બાદ સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબેએ ટીમનું પ્રેશર ઓછું કરવાની કોશિશ કરી.
ભારતે 15 ઓવર સુધી 70 રન બનાવી લીધા હતા. ત્યારબાદ બંને ખેલાડીઓએ સિંગલ-ડબલ રન લઈને સ્ટ્રાઇક આગળ વધારી.
અંતમાં ભારતે 10 બૉલ બાકી રહેતા આ મૅચ સાત વિકેટે જીતી લીધી.
સૂર્યકુમાર યાદવ 50 અને શિવમ દુબે 31 રન બનાવીને નોટઆઉટ રહ્યા.
અમેરિકાની ટીમ પાવરપ્લેમાં 20 રન પણ ન બનાવી શકી

ઇમેજ સ્રોત, Getty Images
છ ઓવર સમાપ્ત થયા બાદ અમેરિકાની ટીમે ધીમી બેટિંગ કરી. અમેરિકાએ પાવરપ્લે સમાપ્ત થયો ત્યાં સુધી બે વિકેટે માત્ર 18 રન બનાવ્યા.
અર્શદીપ સાથે મોહમ્મદ સિરાઝ, જસપ્રિત બુમરાહ અને હાર્દિક પંડ્યાએ કરકસરયુક્ત બૉલિંગ કરી.
આઠમી ઓવરમાં હાર્દિક પંડ્યાએ અમેરિકા માટે સારી બેટિંગ કરી રહેલા એરેન જૉન્સને ચાલતા કર્યા.
જૉન્સ માત્ર 11 રન બનાવીને સૂર્યકુમાર યાદવને કૅચ આપી બેઠા.
ડ્રિંક્સ એટલે કે 10 ઓવર સુધી અમેરિકાની ટીમે ત્રણ વિકેટના નુકસાન પર માત્ર 42 રન બનાવ્યા હતા.
જોકે, ત્યારબાદ અમેરિકાની ટીમે સ્પીડ પકડી. અક્ષર પટેલની નવમી ઓવરમાં સ્ટીવન ટેલરે છગ્ગો મારીને ટીમને થોડી રાહત આપી પરંતુ પછીની બૉલમાં તેઓ 24 રનના સ્કોર પર આઉટ થઈ ગયા.
13 ઓવરમાં અમેરિકાના ખેલાડી નીતીશકુમારે હાર્દિક પંડ્યાની બૉલમાં છગ્ગો અને ચોગ્ગો ફટકાર્યો.
પરંતુ 15મી ઓવરમાં અર્શદીપસિંહની બૉલ પર નીતીશ કુમારે એક ફટકો માર્યો અને મોહમ્મદ સિરાઝને બાઉન્ડ્રી પર કૅચ આપી બેઠા.
ત્યારબાદ કોરી ઍન્ડરસને રનો બનાવવાની કોશિશ કરી, પરંતુ હાર્દિક પંડ્યાની બૉલ પર ખરાબ શૉટ રમીને ઋષભ પંતને કૅચ આપી બેઠા.
તેમણે 11 બૉલમાં 15 રન બનાવ્યા. પછીની ઓવરમાં હરમીતસિંહને અર્શદીપસિંહે આઉટ કર્યા.
અમેરિકાએ 19મી ઓવરમાં 100 રન બનાવી દીધા જે નસાઉની પિચ પર એક સમ્માનજનક સ્કોર માનવામાં આવે છે.
એવું એટલા માટે કારણકે અહીં વિશ્વકપની અત્યારસુધી રમાયેલી આઠ મૅચોમાં બૅટ્સમૅનોએ કોઈ ખાસ કમાલ કરી દેખાડ્યો નથી.
અહીં પિચ પર અસમતલ ઉછાળ જોવા મળે છે. તેને કારણે ભારતીય ટીમ પાકિસ્તાન સામે માત્ર 119 રન જ બનાવી શકી હતી.
અમેરિકા સામે છેલ્લી ઓવર નાખવા આવેલા સિરાઝની પહેલી જ બૉલમાં વૉન શાલ્કવિકે ચોગ્ગો ફટકાર્યો. પાવરપ્લેમાં અમેરિકાની ત્રણ રનની સરેરાશ હતી પરંતુ છેલ્લી ઓવરમાં તે પાંચની ઉપર જતી રહી.
જોકે, છેલ્લી ઓવરના છેલ્લા બૉલે અમેરિકાએ રનઆઉટને કારણે વધુ એક વિકેટ ગુમાવી અને ભારતને આઠ વિકેટ ગુમાવીને 111 રનોનું લક્ષ્યાંક આપ્યું.
ભારત માટે અર્શદીપસિંહ સૌથી અસરદાર સાબિત થયા. તેમણે માત્ર નવ રન આપીને ચાર વિકેટો ઝડપી.
પૉઇન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં?

ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને અમેરિકા ગ્રૂપ એ ના પૉઇન્ટ્સ ટેબલમાં આ બંને ટીમો ઉપર છે. જોકે આ મૅચમાં ભારત જીત્યું તેથી પાકિસ્તાન ખુશ છે, કારણકે તેની સુપર-8માં પ્રવેશવાની આશા જીવંત રહી છે.
ત્રણ મૅચમાં હવે ભારતના પૉઇન્ટ્સ છ છે. જ્યારે કે એક મૅચ હારવાને કારણે અમેરિકાના ચાર અંક છે. જ્યારે કે પાકિસ્તાન પાસે માત્ર બે અંક છે.
રન રેટ મામલે પણ પાકિસ્તાન ત્રીજા નંબર પર છે. એટલે પાકિસ્તાને હવે પછીની આયરલૅન્ડ સામેની મેચ સારા રન રેટથી જીતવી પડશે તો જ તેનો સુપર-8માં પ્રવેશ શક્ય બનશે.












