You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'પહેલાં શૌચાલય બનાવો પછી સ્માર્ટ સિટી' કહેનારા સુલભ શૌચાલયના સ્થાપક બિંદેશ્વર પાઠક કોણ હતા?
75મા ગણતંત્ર દિવસ પહેલાં જાહેર થયેલા પદ્મ પુરસ્કારોમાં બિંદેશ્વર પાઠકને મરણોપરાંત પદ્મપુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
શક્ય છે કે તમે બિંદેશ્વર પાઠકને ન જાણતા હો કે તેમનું નામ પણ ના સાંભળ્યું હોય. પરંતુ તમે ‘સુલભ શૌચાલય’નું નામ જરૂર સાંભળ્યું હશે. રેલવે, બસ સ્ટેશન ઉપરાંત ગામ, શહેરનાં અનેક જાહેર સ્થળોએ સ્વચ્છ અને સાફ શૌચાલયની સુવિધાઓ ઉપલબ્ધ કરાવતી સંસ્થાના સ્થાપક અને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જનારું વ્યક્તિત્વ એટલે બિંદેશ્વર પાઠક.
‘સુલભ ઇન્ટરનેશનલ’ના સંસ્થાપક બિંદેશ્વર પાઠકનું મંગળવારે દિલ્હીના એમ્સમાં નિધન થઈ ગયું. સુલભ ઇન્ટરનેશનલના સિનીયર વાઇસ પ્રેસિડન્ટ આર. સી. ઝાએ તેમના નિધનની પુષ્ટિ કરી હતી.
તેમણે બીબીસીને જણાવ્યું, “સુલભ ઇન્ટરનેશનલના વડા મથકમાં પાઠક સરે ધ્વજ લહેરાવ્યો. અમારી સાથે વાતચીત પણ કરી. તેઓ તે વેળા ઠીક લાગતા હતા, પરંતુ અચાનક તેમને તકલીફ થવા લાગી. અમે તેમને એમ્સ લઈ ગયા. ડૉક્ટરોએ પરિસ્થિતિ ક્રિટિકલ હોવાનું જણાવ્યું. લગભગ રાત્રે દોઢથી બે વાગ્યાની વચ્ચે હ્રદયરોગના હુમલાને કારણે તેમનું અવસાન થયું.”
પદ્મભૂષણ સન્માનિત બિંદેશ્વર પાઠકે 1970ના દશકમાં ‘સુલભ ઇન્ટરનેશનલ સોશિયલ સર્વિસ’ની શરૂઆત કરી હતી.
આ સેવા થકી તેમણે દેશભરમાં બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને અન્ય સાર્વજનિક જગ્યાઓ પર શૌચાલયો બનાવ્યાં.
આજે દેશમાં આ શૌચાલયોનું નેટવર્ક 'સુલભ શૌચાલય'ના નામે ઓળખાય છે.
વડા પ્રધાન અને રાષ્ટ્રપતિએ વ્યક્ત કર્યો શોક
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિંદેશ્વર પાઠકના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાષ્ટ્રપતિ મુર્મૂએ એક્સ(ટ્વિટર) પર લખ્યું, “પાઠકે સ્વચ્છતાના ક્ષેત્રમાં ક્રાંતિકારી પહેલ કરી હતી. તેમને પદ્મભૂષણ સહિત અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના પરિવાર અને સુલભ ઇન્ટરનેશનલના સભ્યોને હું મારી શોક-સંવેદના વ્યક્ત કરું છું.”
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બિંદેશ્વર પાઠકના નિધનને દેશ માટે ‘મોટી ક્ષતિ’ ગણાવી છે.
પીએમ મોદીએ કહ્યું, “પાઠક સ્વપ્નદર્શી હતા. તેમણે સમાજની પ્રગતિ અને હાંસિયા પર રહેલા લોકોને સશક્ત કરવા માટે ઘણું કામ કર્યું.
તેમણે કહ્યું, “બિંદેશ્વરજીએ સ્વચ્છ ભારત બનાવવાનું મિશન પોતાનું મિશન બનાવી દીધું હતું. તેમણે સ્વચ્છ ભારત મિશનને ઘણો સહયોગ કર્યો. તેમની સાથે ઘણીવાર વાતચીત થઈ. આ સંવાદ દરમિયાન સફાઈ મામલે તેમનો ઉત્સાહ દેખાતો હતો. તેમનું કામ લોકોને પ્રેરિત કરતું રહેશે. આ દુ:ખની ઘડીમાં તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ.”
‘પહેલા ટૉઇલેટ બનાવો પછી સ્માર્ટ સિટી’
ભારતમાં શૌચાલય ક્રાંતિ લાવનારા બિંદેશ્વર પાઠકે સ્માર્ટ સિટી યોજના પર વર્ષ 2014માં બીબીસીને આપેલી ખાસ મુલાકાતમાં કહ્યું હતું કે સરકારે પહેલાં શૌચાલય બનાવવા જોઈએ પછી પૈસા બચે તો સ્માર્ટ સિટી બનાવો.
તેમણે કહ્યું હતું, “એક એવું શહેર જ્યાં તમામ સુવિધાઓ હોય, ત્યાં કોણ રહેવા નહીં ચાહે, સ્માર્ટ સિટી યોજના સારી છે. શહેરોને સુંદર બનાવવાં જ જોઈએ. સ્વચ્છ અને તમામ સુવિધાઓ અને પર્યાવરણની દૃષ્ટિએ સુદૃઢ. તેની સામે કોઈને વાંધો ન હોવો જોઈએ.”
“પરંતુ તમે તેના બીજા પાસાની વાત કરો તો, આપણા દેશના કરોડો ઘરોમાં પાકાં શૌચાલય સુદ્ધાં નથી. તો હું એમ કહીશ કે પહેલાં તમામ ઘરોમાં શૌચાલય બનાવવામાં આવે પછી જો પૈસા બચે તો તેમાંથી સ્માર્ટ સિટી બનાવવામાં આવે. શહેરોનો વિકાસ સારી બાબત છે, પરંતુ ગામો તરફ પણ એટલું જ ધ્યાન આપવાની જરૂર છે. તેને પણ સાફ અને સ્વચ્છ બનાવવાની જરૂર છે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું, “સ્માર્ટ સિટીના ફાયદા અને નુકસાન બંને છે. નુકસાન એ છે કે શહેરનો જેટલો વિકાસ થશે, તેટલાં વૃક્ષો કપાશે, 24 કલાક વીજળી માટે પરમાણુ ઊર્જાનો ઉપયોગ કરવો પડશે, જેના પોતાનાં જોખમો છે. સારી બાબત એ છે કે એક સુંદર શહેર કોને ન ગમે. પરંતુ તેનાથી પ્રભાવિત થનારાં પાસાંથી ધ્યાન ભટકાવી નહીં શકાય.”
“નિર્માણ દરમિયાન વૃક્ષો ન કપાય તેના પર જોર હોવું જોઈએ. જેથી પર્યાવરણનું સંતુલન યથાવત્ રહે. પરંતુ વિશ્વના ઘણા દેશોમાં સ્માર્ટ સિટી છે અને તે ભારતમાં બને તો તેને સારી પહેલ કહી શકાય.”
માથે મેલું ઊંચકનારાઓની મુક્તિ માટેના અભિયાનથી શરૂઆત
બિંદેશ્વર પાઠકે 1968માં કૉલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કેટલાક દિવસો સુધી વાંચન ચાલુ રાખ્યું. પછી બિહાર ગાંધી શતાબ્દી સમારોહ સમિતિમાં એક કાર્યકર્તા તરીકે જોડાયા.
ત્યાં તેઓ માથે મેલું ઊંચકનારાઓની મુક્તિ માટે ચાલતા અભિયાનમાં કામ કરવા લાગ્યા. ત્યાં તેમણે માથે મેલું ઊંચકનારાઓની સમસ્યાઓ જાણી. ત્યારબાદ તેમણે 1970માં ‘સુલભ ઇન્ટરનેશનલ’ની સ્થાપના કરી.
જે અંતર્ગત તેમણે ઓછા ખર્ચે સાર્વજનિક શૌચાલય બનાવવાની પહેલ કરી.
1970માં જ્યારે તેમણે ‘સુલભ શૌચાલય’ની સ્થાપના કરી ત્યારે જ તેમને ખુલ્લામાં શૌચ જવાની પ્રથા અને ગંદા સાર્વજનિક શૌચાલયોની જગ્યાએ સ્વચ્છ શૌચાલય બનાવવાની જરૂરિયાત અનુભવાઈ.
તેમના સંગઠનને દેશભરમાં સાર્વજનિક સ્થળોએ સુલભ શૌચાલય બનાવવાનો શ્રેય જાય છે. ઓછા ખર્ચે બનેલાં આ શૌચાલય ‘ઇકૉ-ફ્રેન્ડ્લી’ માનવામાં આવે છે.
સુલભ મૉડલ પર બનેલાં શૌચાલયોને સાર્વજનિક શૌચાલયોના નિર્માણના ક્ષેત્રમાં ક્રાંતિ માનવામાં આવે છે.
તેમનું સંગઠન માનવાધિકાર, પર્યાવરણ, સ્વચ્છતા, બિનપારંપારિક ઊર્જા સ્રોતના વિકાસ અને કચરાની વ્યવસ્થાની સાથે સામાજિક સુધારાઓ માટે પણ કામ કરે છે.
સૌથી પહેલા 1968માં ‘ડિસ્પોઝેબલ કમ્પોસ્ટ શૌચાલય’ તેમણે બનાવ્યું હતું. જે ઓછા ખર્ચમાં ઘરની આસપાસ મળતી સામગ્રીમાંથી બનાવી શકાય છે.
તેને દુનિયાની સારી તકનીકી બાબત ગણવામાં આવી. ત્યારબાદ તેમણે સુલભ ઇન્ટરનેશનલની મદદથી દેશભરમાં સુલભ શૌચાલયોની શ્રૃંખલા સ્થાપિત કરી.
અમેરિકાની સેના માટે શૌચાલય
ભારત સહિત ઘણા દેશોમાં શૌચાલય ઉપલબ્ધ કરાવી ચૂકેલા બિનસરકારી સંગઠન ‘સુલભ ઇન્ટરનેશનલે’ વર્ષ 2011માં અફઘાનિસ્તાનમાં અમેરિકાની સેના માટે ખાસ પ્રકારનાં શૌચાલય બનાવવાની યોજના બનાવી હતી.
સાર્વજનિક સુવિધાઓના ક્ષેત્રમાં છેલ્લાં ઘણાં દશકોથી કામ કરતા આ સંગઠને આ પહેલાં કાબુલમાં આ પ્રકારનાં શૌચાલય બનાવ્યાં હતાં.
પરંતુ એવું પહેલીવાર બન્યું કે અમેરિકાની સેનાએ તેમને આ પ્રકારના શૌચાલયો બનાવવાનો આગ્રહ કર્યો હતો. અમેરિકાની સેનાએ ખાસ બાયૉગૅસથી સંચાલિત શૌચાલય બનાવવાની માગ કરી હતી.
સેનાની માગ હતી કે આ પ્રકારનાં સસ્તા શૌચાલય કાબુલમાં અન્ય જગ્યાઓ પર પણ બનાવવામાં આવે.
અફઘાનિસ્તાનમાં પણ કરી હતી મદદ
‘સુલભ ઇન્ટરનેશનલ’ કાબુલ નગરપાલિકા માટે આ પહેલાં ઘણાં શૌચાલય બનાવી ચૂક્યું હતું.
તે સમયે સુલભના પ્રમુખ બિંદેશ્વર પાઠકે બીબીસીને જણાવ્યું હતું, “અમારી સંસ્થાએ થોડાં વર્ષ પહેલાં કાબુલ નગરપાલિકાને સહયોગ આપતા કેટલાંક શૌચાલયો બનાવ્યાં છે. પરંતુ હવે અમેરિકાની સેનાએ સહયોગ માગ્યો છે તો અમારી સંસ્થા તેમને પૂર્ણ સહયોગ કરશે.”
ડૉ. પાઠકે કહ્યું હતું કે તેમની સંસ્થા માટે ગર્વની વાત હતી કે તેમની સંસ્થાએ બનાવેલી તકનીકનો ઉપયોગ અન્ય દેશો પણ કરવા માગે છે.
તે સમયે ‘સુલભ ઇન્ટરનેશનલ’ ભારત સિવાય દક્ષિણ આફ્રિકા, ચીન, ભૂટાન, નેપાલ અને ઇથિયોપિયા સહિત 10 અન્ય દેશોમાં શૌચાલય સબંધિત તકનીક પ્રદાન કરી ચૂક્યું હતું.