44 અબજ ડૉલરની છેતરપિંડી, 6 ટન પુરાવા, 2,700 સાક્ષી, 200 વકીલ અને મહિલાને મોતની સજા

ટ્રો મી લાનને સેગોન કમર્શિયલ બેન્ક (એસસીબી)માંથી 44 અબજ ડોલરની લોન લેવાના ગુના સબબ સજા ફરમાવવામાં આવી છે

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, ટ્રો મી લાનને સેગોન કમર્શિયલ બેન્ક (એસસીબી)માંથી 44 અબજ ડોલરની લોન લેવાના ગુના સબબ સજા ફરમાવવામાં આવી છે
    • લેેખક, બીબીસી વિયેતનામ સર્વિસ
    • પદ, બૅંગકોક

હો ચી મિન્હ સિટીમાં આવેલી કોલોનિયલ યુગની એક ભવ્ય ઇમારતમાંની અદાલતમાં જોરદાર તમાશો ચાલી રહ્યો હતો. તેના કેન્દ્રમાં એક નામ હતું, જે અદાલતની દીવાલોમાં પડઘાતું હતું. તે નામ હતું ટ્રો મી લાન.

આ કેસને વિયેતનામનો સૌથી વધુ સનસનાટીભર્યો કેસ ગણાવવામાં આવે છે. તેની સુનાવણી દરમિયાન વિયેતનામના 67 વર્ષની વયનાં મહિલા પ્રૉપર્ટી ડેવલપર ટ્રો મી લાનનાં તમામ કરતૂતો પરથી પડદો ઉઠાવવામાં આવ્યો હતો.

એ પછી મંગળવારે વિશ્વનું સૌથી મોટું બૅન્ક કૌભાંડ આચરવા બદલ ટ્રો મી લાનને મોતની સજા સંભળાવવામાં આવી હતી. આવા કિસ્સામાં મૃત્યુદંડની સજા અસામાન્ય રીતે આકરી છે.

ટ્રો મી લાન વિયેતનામના એવાં જૂજ મહિલાઓ પૈકીનાં એક છે, જેમને આર્થિક અપરાધને લીધે મોતની સજા આપવામાં આવી છે. તેઓ અદાલતના ચુકાદા સામે હજુ પણ અપીલ કરી શકે છે.

ટ્રો મી લાનને સેગોન કમર્શિયલ બૅન્ક (એસસીબી)માંથી 44 અબજ ડૉલરની લોન લેવાના ગુના સબબ સજા ફરમાવવામાં આવી છે. તેમણે એ લોન 11 વર્ષમાં ધીમે-ધીમે લીધી હતી. ફરિયાદ પક્ષનું કહેવું છે કે તેમાંથી 27 અબજ ડૉલર તો કદાચ ક્યારેય પાછા નહીં મળે. એ રકમ વિયેતનામની 2023ની જીડીપીના છ ટકા જેટલી છે.

સામાન્ય રીતે બહુ ઓછું બોલતા સામ્યવાદી અધિકારીઓએ આ મામલે મોકળાશથી ચર્ચા કરીને અનેક લોકોને ચોંકાવી દીધા હતા. તેમણે આ કૌભાંડની ઝીણામાં ઝીણી વિગત મીડિયા સાથે શેર કરી હતી.

ટ્રો મી લાનના પતિને નવ વર્ષની અને તેમની ભત્રીજીને 17 વર્ષના કારાવાસની સજા કરવામાં આવી છે

ઇમેજ સ્રોત, STRINGER/EPA-EFE/REX/SHUTTERSTOCK

ઇમેજ કૅપ્શન, ટ્રો મી લાનના પતિને નવ વર્ષની અને તેમની ભત્રીજીને 17 વર્ષના કારાવાસની સજા કરવામાં આવી છે

અધિકારીઓએ જણાવ્યું હતું કે કેસની સુનાવણી દરમિયાન 2,700 લોકોને જુબાની આપવા માટે બોલાવવામાં આવ્યા હતા. આ કેસ ચલાવવા માટે 10 સરકારી તપાસ અધિકારી અને લગભગ 200 વકીલને કામે લગાડવામાં આવ્યા હતા.

આ છેતરપિંડીના પુરાવા 104 પેટીઓમાં ભરીને અદાલતમાં પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. તેનું કુલ વજન 6,000 કિલો એટલે કે છ ટન હતું. ટ્રો મી લાન ઉપરાંત 85 અન્ય આરોપીઓ સામે પણ કેસ ચલાવવામાં આવ્યો હતો.

જોકે, એ બધાએ ખુદને નિર્દોષ ગણાવ્યા હતા, પરંતુ અદાલતે તમામ આરોપીઓને દોષી ગણાવ્યા હતા. એ પૈકીના ચારને આજીવન કારાવાસની સજા કરવામાં આવી હતી, જ્યારે બાકીનાઓને ત્રણ વર્ષથી 20 વર્ષ સુધીની જેલ સજા ફરમાવવામાં આવી હતી. ટ્રો મી લાનના પતિને નવ વર્ષની અને તેમની ભત્રીજીને 17 વર્ષના કારાવાસની સજા કરવામાં આવી હતી.

અમેરિકાના વિદેશ વિભાગમાં કામ કરી ચૂકેલા એક નિવૃત્ત અધિકારી ડેવિડ બ્રાઉનને વિયેતનામમાં લાંબા સમય સુધી કામ કરવાનો અનુભવ છે. પ્રસ્તુત કેસ બાબતે ડેવિડ બ્રાઉને કહ્યું હતું, "મને લાગે છે કે સામ્યવાદી શાસન દરમિયાન વિયેતનામમાં આવો કેસ ક્યારેય ચલાવવામાં આવ્યો નથી. આટલા મોટા પાયે નિશ્ચિત રીતે કોઈ કેસ લડવામાં આવ્યો નથી."

સવાલ એ છે કે આ અદાલતી ડ્રામાનાં મુખ્ય પાત્ર ટ્રો મી લાન વિશે આપણે શું જાણીએ છીએ?

શૂન્યથી શિખર સુધીની સફર

ટ્રો મી લાનને એક સાધારણ ચીની પરિવારમાંથી આવે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રો મી લાનને એક સાધારણ ચીની પરિવારમાંથી આવે છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ટ્રો મી લાનને હો ચી મિન્હ શહેરના એક સાધારણ ચીની પરિવાર સાથે સંબંધ છે. નીચલા સ્તરેથી જીવનની શરૂઆત કરનાર ટ્રો મી લાનના આ નાણાકીય ગોટાળાના મુખ્ય પાત્ર બનવા પાછળનું કારણ તેમની મહત્ત્વાકાંક્ષા અને પ્રગતિ છે.

ટ્રો મી લાને કારકિર્દીની શરૂઆત તેમનાં માતા સાથે માર્કેટમાં સામાન વેચવાની એક રેકડી સાથે કરી હતી. વિયેતનામમાં ડોઈ મોઈ નામે આર્થિક સુધારા કરવામાં આવ્યા ત્યારે તેમણે પ્રૉપર્ટીના સોદાનું કામકાજ શરૂ કર્યું હતું.

1990નો દાયકો શરૂ થતાં સુધીમાં તેઓ અનેક હોટેલો અને રેસ્ટોરાંના માલિક બની ગયાં હતાં. ટ્રો મી લાનની સફળતા તેમના ચતુર વ્યવસાયી દિમાગનું પરિણામ હતી. જોકે, સેગોન કોમર્શિયલ બૅન્ક સાથેના બિઝનેસને લીધે તેઓ સમાચારોમાં ચમક્યાં હતાં.

તપાસકર્તાઓનો આરોપ છે કે અનેક બનાવટી કંપનીઓ અને બીજાના નામે ઊભા કરવામાં આવેલા બિઝનેસ દ્વારા ટ્રો મી લાને બૅન્કનો 90 ટકા હિસ્સો કબજે કરી લીધો હતો. તે તમામ નિયમો અને બૅન્કમાં વ્યક્તિગત હિસ્સેદારીની પાંચ ટકાની મર્યાદા વિરુદ્ધ હતું.

બૅન્કમાં તેમના આ સામ્રાજ્ય મારફતે છેતરપિંડી કરવામાં આવી હતી. ટ્રો મી લાને પોતાના વ્યક્તિગત લાભ માટે બૅન્કમાંથી મોટા પ્રમાણમાં પૈસા લીધા હતા. બૅન્કે જે લોન આપી હતી, તેમાંથી 93 ટકા તો માત્ર ટ્રો મી લાને લીધી હતી.

ટ્રો મી લાન સેગોન કોમર્શિયલ બેન્ક સાથેના બિઝનેસને લીધે સમાચારોમાં ચમક્યાં હતાં

ઇમેજ સ્રોત, NHAC NGUYEN/AFP VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, ટ્રો મી લાન સેગોન કોમર્શિયલ બેન્ક સાથેના બિઝનેસને લીધે સમાચારોમાં ચમક્યાં હતાં

ફરિયાદપક્ષના અધિકારીઓનું કહેવું છે કે ટ્રો મી લાને ફેબ્રુઆરી, 2019 પછીના ત્રણ વર્ષમાં તેમના ડ્રાઈવર મારફત બેન્કમાંથી 108 અબજ વિયેતનામી ડોંગ (ચાર અબજ ડોલરથી વધુ રકમ) રોકડા કઢાવ્યા હતા અને પોતાના બેઝમેન્ટમાં રાખ્યા હતા.

આ રકમ એટલી મોટી હતી કે વિયેતનામની સૌથી મોટી બૅન્ક નોટ સ્વરૂપે તેને જમા કરવામાં આવે તો પણ તેનું વજન બે ટન જેટલું થાય. વિયેતનામના અનેક લોકો માટે આ અત્યંત આશ્ચર્યજનક બાબત છે.

વિયેતનામમાં આટલી રકમ મેળવવા માટે લોકોએ સામાન્ય રીતે અત્યંત જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે અને તેના એક મામૂલી હિસ્સા જેટલી રોકડ મેળવવા માટે કશુંક ગીરવી કે જામીન તરીકે રાખવું પડે છે.

ટ્રો મી લાન પર એવો આરોપ પણ છે કે તેમણે મોટા પ્રમાણમાં લાંચ પણ આપી હતી, જેથી તેઓ જે લોન લઈ રહ્યાં છે તે બાબતે કોઈ તપાસ ન થાય.

તેમની સાથે અન્ય જે લોકો સામે કેસ ચલાવવામાં આવ્યો હતો તેમાં એક તો બૅન્કના મુખ્ય નિરિક્ષક હતા. તે વ્યક્તિ પર આરોપ છે કે તેમણે ટ્રો મી લાન પાસેથી 50 લાખ ડૉલરની લાંચ લીધી હતી. તેમને આજીવન કારાવાસની સજા કરવામાં આવી છે.

‘મારું સર્વસ્વ બરબાદ થઈ ગયું’

કેસની સુનવણી હો ચી મિન્હ શહેરમાં હાથ ધરવામાં આવી હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેસની સુનવણી હો ચી મિન્હ શહેરમાં હાથ ધરવામાં આવી હતી

આ છેતરપિંડી માટે મૃત્યુદંડ પામેલા ટ્રો મી લાન સામે હજુ ઓછામાં ઓછા બે અન્ય કેસ ચલાવવાના બાકી છે. તેમાં બોન્ડની ફોર્જરીનો સમાવેશ થાય છે.

તેમની આ છેતરપિંડીમાં અલગ-અલગ પૃષ્ઠભૂમિના 27થી 60 વર્ષની વયના લગભગ 42,000 લોકો ફસાયા હતા. તેમણે સેગોન કોમર્શિયલ બૅન્ક દ્વારા વેચવામાં આવેલા બનાવટી બોન્ડ્સ ખરીદ્યાં હતાં.

એ પીડિતો પૈકીના એક ડેંગ ટ્રો લોન મી પણ છે. ડેંગે ઝડપથી પ્રગતિ કરતા વિયેતનામના હો ચી મિહ્ન શહેરમાં પ્રૉપર્ટી વેચવા માટે કલાકો સુધી કામ કર્યું હતું. તેમનો એકમાત્ર હેતુ તેમની દીકરીને વિદેશમાં ભણાવીને તેનું ભવિષ્ય સલામત કરવાનો હતો.

લગભગ બે દાયકા સુધી અવિરત મહેનત કર્યા પછી તેઓ 1.7 અબજ વિયેતનામી ડોંગ (લગભગ 70,000 ડૉલર) બચાવી શક્યા હતા. વિયેતનામ જેવા દેશમાં સરેરાશ માસિક આવક મહામુશ્કેલીએ 330 ડૉલરથી વધુ હોય છે ત્યાં આટલી બચતને મોટી સિદ્ધિ ગણવી પડે.

ડેંગે બીબીસીને કહ્યું હતું, "મેં મારી દીકરીને બહેતર અભ્યાસ કરાવવા માટે એક-એક પૈસો બચાવ્યો હતો, પરંતુ આ ગોટાળાને લીધે હવે મારે નવેસરથી શરૂઆત કરવી પડશે."

તેમના કહેવા મુજબ, "મારું સર્વસ્વ બરબાદ થઈ ગયું છે અને મારી દીકરીના સપનાં ચકનાચૂર થઈ ગયાં છે. હું બધું નવેસરથી ઊભું કરવા લાયક રહ્યો છું કે નહીં તેની પણ મને હવે ખાતરી નથી."

અનુત્તર સવાલ

સામ્યવાદી પક્ષના મહામંત્રી નગુએન ફૂ ટ્રો ભ્રષ્ટાચાર સામે ઝૂંબેશ ચલાવી રહ્યા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સામ્યવાદી પક્ષના મહામંત્રી નગુએન ફૂ ટ્રો ભ્રષ્ટાચાર સામે ઝૂંબેશ ચલાવી રહ્યા છે

ટ્રો મી લાન પર પહેલો કેસ ચાલતો હતો ત્યારે એવા સવાલ કરવામાં આવ્યા હતા કે આવી યોજનાઓ એક દાયકા સુધી કેવી રીતે ચાલતી રહી અને કોઈને તેની ખબર પણ ન પડી?

સિંગાપુરની યૂસુફ ઈશાક ઇન્સ્ટિટ્યૂટમાં વિયેતનામ સ્ટડીઝ પ્રોગ્રામ ચલાવતા લે હોંગ હિએપે કહ્યુ હતું, "મને તો કશું સમજાતું નથી."

તેમણે ઉમેર્યું હતું, "આ કોઈ રહસ્ય ન હતું. આખી માર્કેટને ખબર હતી કે ટ્રો મી લાન અને તેમનું વેન થિન ફાટ ગ્રૂપ સેગોન કૉમર્શિયલ બૅન્કનો ઉપયોગ પોતાના ખજાના માફક કરતું હતું, જેથી તેઓ સર્વોત્તમ સ્થળો પર મોટા પ્રમાણમાં જમીન ખરીદી શકે."

લે હોંગ હિએપ માને છે, "તેમણે ક્યાંકને ક્યાંકથી પૈસા એકઠા કરવાના હતા એ સ્પષ્ટ છે, પરંતુ આ કોઈ સામાન્ય રીત નથી. આ રીતે ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવી એકમાત્ર બૅન્ક સેગોન કૉમર્શિયલ બૅન્ક નથી. માર્કેટમાં બધે આવું ચાલી રહ્યું હતું. તેથી તેના પર સરકારની નજર ન પડી હોય તે શક્ય છે."

ડેવિડ બ્રાઉન માને છે કે બિઝનેસ અને રાજકારણના શક્તિશાળી લોકોએ પણ ટ્રો મી લાનને બચાવવા માટે કવચનું કામ કર્યું હશે. વિયેતનામના બૅન્કિંગ સેક્ટરમાં ભ્રષ્ટાચાર એટલો વ્યાપક છે કે તેમને તપાસમાંથી આસાનીથી બચાવી લેવાયા હતા.

તેમ છતાં આરોપો અને આક્ષેપો વચ્ચે એક મોટી તસવીર ઊભરી આવી છે.

આ કેસ માત્ર ટ્રો મી લાનના કથિત અપરાધો વિશેનો ન હતો, પરંતુ વિયેતનામની રાજકીય પરિસ્થિતિમાં અધિકારીઓ દ્વારા નિયંત્રણ સ્થાપિત કરવાના વ્યાપક સંઘર્ષનો એક હિસ્સો માત્ર હતો.

સામ્યવાદી પક્ષના મહામંત્રી નગુએન ફૂ ટ્રો ભ્રષ્ટાચાર સામે ઝૂંબેશ ચલાવી રહ્યા છે. તેઓ હો ચી મિન્હ શહેરના વગદાર લોકોની બેલગામ તાકાત પર લગામ તાણવાના પ્રયાસ કરી રહ્યા છે. તેઓ ઇચ્છે છે કે દક્ષિણ વિયેતનામમાં કોઈ રોકટોક વિના બિઝનેસ કરવા પર સામ્યવાદી પક્ષનો દબદબો યથાવત રહે.

હો ચી મિન્હ સિટી પીપુલ્સ કોર્ટ

ઇમેજ સ્રોત, MAIKA ELAN/BLOOMBERG VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, હો ચી મિન્હ સિટી પીપુલ્સ કોર્ટ

ભ્રષ્ટાચાર વિરુદ્ધની આ ઝુંબેશને લીધે બે રાષ્ટ્રપતિ અને બે નાયબ વડા પ્રધાને રાજીનામાં આપવાં પડ્યાં છે. સેંકડો અધિકારીઓને શિસ્તભંગ માટે દંડ ફટકારવામાં આવ્યો છે અથવા તેમને જેલમાં મોકલી દેવાયા છે.

ટ્રો મી લાન પરનો આ કેસ સત્તાના આ સંઘર્ષનો અખાડો બની ગયો હતો. આ કેસ સામ્યવાદી પક્ષના રૂઢિવાદી આદર્શો અને વિયેતનામની આર્થિક મહાત્ત્વાકાંક્ષા વચ્ચેના તણાવનું પ્રકીક બની ગયો છે.

આજે વિયેતમાન ટેકનૉલૉજી અને જ્ઞાન પર આધારિત અર્થતંત્ર બનવાના અને પરિવર્તનના પ્રયાસ કરી રહ્યું છે. બીજી તરફ ટકાઉ આર્થિક વિકાસની સાથે-સાથે ભ્રષ્ટાચાર સામે કામ પાર પાડવાનો વિરોધાભાસ તેના પર બેધારી તલવારની માફક લટકી રહ્યા છે. હવે એ તેની વ્યવસ્થા માટે જોખમ બની ચૂક્યા છે, જેના કારણે વિયેતનામે આર્થિક પ્રગતિ કરી છે.

લે હોંગ હિએપના કહેવા મુજબ, "આ એક વિરોધાભાસ જ છે. વિકાસનું તેમનું મોડેલ લાંબા સમયથી ભ્રષ્ટ આચરણના ભરોસે ટકેલું છે. ભ્રષ્ટાચાર જ એ ચાવી છે, જે આ મશીનરીને ચલાવી રહી હતી. તેઓ ચાવી ફેરવવાનું બંધ કરી દે તો પ્રગતિની ગાડીના પૈડાં પણ થંભી જાય."

ટ્રો મી લાનનો કેસ ઝડપથી બદલાઈ રહેલા વિયેતનામમાં સત્તા, મહત્ત્વાકાંક્ષા અને જવાબદારીના જટિલ આપસી સંબંધનો દાખલો છે.

આજે ટ્રો મી લાનનો કેસ પૂર્ણ થઈ ગયો છે, પરંતુ તેની દાસ્તાન અદાલતની દિવાલો બહાર પણ ગૂંજી રહી છે. તે અવાજની પાછળ એક એવો દેશ છે, જે પોતાના ભૂતકાળ સામે ઝઝૂમી રહ્યો છે અને પોતાના ભવિષ્ય બાબતે જેને કોઈ ખાતરી નથી.