અમેરિકા કરતાં પણ વધારે પૈસાદાર આ દેશ સાવ કંગાળ કઈ રીતે થઈ ગયો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વેરોનિકા સ્મિન્ક
- પદ, બીબીસી ન્યૂઝ મુંડો, આર્જેન્ટિના
"વીસમી સદીની શરૂઆતમાં આર્જેન્ટિનાની ગણતરી વિશ્વના સૌથી ધનિક દેશ તરીકે થતી હતી અને આજે તેના 40 ટકા લોકો ગરીબ અને 10 ટકા જીવનજરૂરી ચીજોથી વંચિત છે."
રાષ્ટ્રપતિ પદની ચૂંટણી દરમિયાન "સ્વાતંત્ર્યવાદી" અર્થશાસ્ત્રી જેવિયર મિલીએ આ વાક્યનો વારંવાર પુનરોચ્ચાર કર્યો છે. જેવિયર આ રવિવારે યોજાઈ ચૂંટણીમાં એક ઉમેદવાર છે. તેમનું આ કથન આર્જેન્ટિનાના અચેતનને રેખાંકિત કરતી એ વિભાવનાનો પુનરોચ્ચાર કરે છે કે એક પછી એક આર્થિક કટોકટીમાં દાયકાઓથી ડૂબેલો આ દેશ મહાસત્તા કેવી રીતે બનવું તે એક સમયે જાણતો હતો.
તેના ભવ્ય ભૂતકાળની યાદ અપાવતા ઘણાં ઉપનામ છે. તેમાં સૌથી પ્રસિદ્ધ છેઃ વિશ્વનું અન્ન-આપૂર્તિકર્તા. તેમાં દેશના શક્તિશાળી કૃષિ-નિકાસનો સંદર્ભ છે. કૃષિ-નિકાસે આર્જેન્ટિનાને એક સદી પહેલાં સમૃદ્ધ બનાવ્યું હતું અને તે આજે પણ તેનો મુખ્ય આર્થિક આધાર છે.
તેનું એક ઉપનામ ‘દક્ષિણ અમેરિકાનું પેરિસ’ પણ છે, જે આર્જેન્ટિનાની રાજધાનીના સુંદર યુરોપીયન શૈલીનાં સ્થાપત્યનો સંકેત આપે છે, પરંતુ તે આજે એવા દેશની વાસ્તવિકતા સાથે સુસંગત નથી કે જેમાં 56 ટકા બાળકો ગરીબ છે.
આ શબ્દસમૂહો એ સુવર્ણયુગની યાદ અપાવે છે, જે વાંછના દેશના ઘણા લોકો કરી રહ્યા છે અને મિલી જેવા કેટલાક રાજકારણીઓ તે યુગને પાછો લાવવાનું વચન આપી રહ્યા છે.
ચુસ્ત ડાબેરી અર્થશાસ્ત્રી વારંવાર કહે છે, "આર્જેન્ટિના ફરી એકવાર વૈશ્વિક શક્તિ બની શકે તેમ છે."
આ સદીની શરૂઆતમાં આર્જેન્ટિના જે દેશોની લગોલગ પ્રગતિ કરતું હતું તેમનો ઉલ્લેખ કરતાં તેઓ કહે છે, "આપણે બજાર તરફી તમામ સુધારાઓ લાગુ કરીએ તો પહેલાં 15 વર્ષમાં આપણે ઈટાલી અથવા ફ્રાન્સ જેવા બની શકીએ, 20 વર્ષમાં જર્મની જેવા અને 35 વર્ષમાં અમેરિકા જેવી બની શકીએ."
એ સમૃદ્ધ ભૂતકાળ તરફ પાછા ફરવા માટે મતદારોને ઉત્તેજિત કરતા તેઓ એકમાત્ર રાજકારણી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભૂતપૂર્વ પ્રમુખ મૌરિસિયો મેક્રી(2015-2019)ના સ્થાને આ વખતે પેટ્રિશિયા બુલરિચ પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. મૌરિસિયો મેક્રીએ આર્જેન્ટિનાને "નવા ઑસ્ટ્રેલિયા"માં પરિવર્તિત કરવાની દરખાસ્ત રજૂ કરી હતી.
ઑસ્ટ્રેલિયા વીસમી સદીના પહેલા ભાગમાં આર્જેન્ટિના જેવી જ આર્થિક સ્થિતિમાં હતું. તે વિકાસની ગતિ જાળવી રાખવામાં સફળ રહ્યું છે અને તેને આર્જેન્ટિના ઘણા લોકો, પોતાના દેશે શું કરવું જોઈએ, તેનું ઉદાહરણ ગણે છે.
સવાલ એ છે કે આર્જેન્ટિના ખરેખર વિશ્વનો સૌથી ધનિક દેશ હતો? પૃથ્વી પરના સૌથી ધનાઢ્ય દેશમાંથી તે વિશ્વમાં સૌથી વધુ ફુગાવો ધરાવતો દેશ કેવી રીતે બની ગયો?
નંબર વન

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વિવિધ દેશોની સંપત્તિની તુલના કરવી જટિલ કામ છે, પરંતુ મોટાભાગના નિષ્ણાતો માને છે કે તેવી તુલના કરવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ માથાદીઠ ઘરેલુ ઉત્પાદન (જીડીપી-પીસી) માપવાનો છે.
આર્જેન્ટિના જેવા પેરિફેરલ દેશોની જીડીપી માપવાનું વીસમી સદીની મધ્યમાં સત્તાવાર રીતે શરૂ થયુ હતું. આ હકીકતને ધ્યાનમાં લેતાં એ પહેલાના સમયગાળાના ડેટા બાબતે સાવધ રહેવું જોઈએ.
જોકે, મેડિસન પ્રોજેક્ટ ડેટાબેઝ સૌથી વિશ્વસનીય સ્રોત હોવા બાબતે વિવિધ વિચારધારાઓના અર્થશાસ્ત્રીઓ સહમત છે. મેડિસન પ્રોજેક્ટ ડેટાબેઝમાં જીડીપી-પીસીનો અંદાજ કાઢવા માટે છેક શરૂઆતથી ઐતિહાસિક આર્થિક આંકડાઓનો ઉપયોગ કરવામાં આવે છે.
આ સ્ટેટેસ્ટિકલ સીરિઝ બ્રિટિશ અર્થશાસ્ત્રી એંગસ મેડિસન દ્વારા બનાવવામાં આવી હતી અને તેની જાળવણીનું કામ નેધરલેન્ડની યુનિવર્સિટી ઓફ ગ્રોનિન્જેન દ્વારા કરવામાં આવે છે. આ શ્રેણીના અંદાજ મુજબ, આર્જેન્ટિના 1896માં વિશ્વનો સૌથી ધનિક દેશ હતો અને 20મી સદીના પ્રારંભિક દાયકાઓમાં પણ તેણે આ સ્થાન જાળવી રાખ્યું હતું.
જોકે, આ શ્રેણી માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ સામે ઘણા આર્થિક ઈતિહાસકારોએ સવાલ કર્યો હતો.
તેને પગલે 2020માં નવી સ્ટેટેસ્ટિકલ સીરિઝ પ્રકાશિત કરવામાં આવી હતી. તેને પરિણામે, જે આર્જેન્ટિના પહેલા સ્થાને હતું તેનો નંબર વનનો તાજ છીનવાઈ ગયો હતો.
આર્જેન્ટિના વીસમી સદીની શરૂઆતમાં વિશ્વનું સૌથી ધનાઢ્ય રાષ્ટ્ર હોવાની વાતનું આ સીરિઝ સમર્થન કરે છે.
એ સમૃદ્ધિને કારણે તે પ્રથમ વિશ્વ યુદ્ધ પહેલાં ‘ટોચના 10’ શ્રીમંત રાષ્ટ્રોમાં સ્થાન પામ્યું હતું. વિશ્વ યુદ્ધ (1914-1918) પછી આજે ગબડીને છેક 66મા સ્થાને પહોંચી ગયું છે.
આર્જેન્ટિના કેટલું સમૃદ્ધ હતું?

ઇમેજ સ્રોત, Getty Images
મેડિસન પ્રોજેક્ટની ગણતરી અનુસાર 1913માં વિશ્વ યુદ્ધ શરૂ થયું તે પહેલાં આર્જેન્ટિનાની જીડીપી-પીસી (ડૉલરના 2011ના મૂલ્યના સંદર્ભમાં) 6,052 ડૉલર હતી. તે અમેરિકા (10,108 ડૉલર), બ્રિટન (8,212 ડૉલર અને ઑસ્ટ્રેલિયા (8,220)ની જીડીપી-સીસીથી ઓછી હતી.
જોકે, એ તેના ભૂતપૂર્વ ઉપનિવેશવાદી સ્પેન (3,067 ડૉલર) કરતાં બમણી હતી. તેનાથી એ લગભગ એક સદી પહેલાં આઝાદ થયું હતું. જર્મની (5,815 ડૉલર), ફ્રાંસ (5,555 ડૉલર) અને ઈટાલી (4,057 ડૉલર) કરતાં વધારે હતી.
ચીન (985 ડૉલર) અને જાપાન (2,431 ડૉલર) જેવા આજે અર્થતંત્ર પર પ્રભાવ ધરાવતા એશિયન દેશોની આવક કરતાં તે વધારે હતી, પરંતુ ઉરગ્વે (4,838 ડૉલર), ચિલી (4,836 ડૉલર), મેક્સિકો (2,004 ડૉલર) અને બ્રાઝીલ (1,046) જેવા તેના પાડોશીઓ તેમજ અન્ય લેટિન અમેરિકન દેશોના સૂચકાંકોથી જાણવા મળે છે તેમ, એ કોઈ ક્ષેત્રીય ઘટના ન હતી.
આર્જેન્ટિનાએ વિશ્વમાં તેનું વિશિષ્ટ સ્થાન ગુમાવવાનું ક્યારે અને શા માટે શરૂ કર્યું?
‘ઘટાડાનાં 100 વર્ષ’

ઇમેજ સ્રોત, Getty Images
પાછલી સદીમાં દુનિયામાં માથાદીઠ જીડીપીમાં કેવો વિકાસ થયો છે તેનો અભ્યાસ કરીએ તો જાણવા મળે છે કે વૈશ્વિક રેંકિંગમાં આર્જેન્ટિનાની સ્થિતિ પાછલાં 100 વર્ષમાં સતત કથળતી રહી છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે તમામ દેશોની સંપત્તિમાં સમયની સાથે વધારો થયો હોવા છતાં વીસમી સદીના શરૂઆતમાં સમૃદ્ધ રાષ્ટ્ર તરીકે આગળ વધેલું આર્જેન્ટિના આંતરરાષ્ટ્રીય કોષ્ટકમાં સતત નીચે ગબડતું રહ્યું છે.
ઘણા લોકો આ ઘટનાને “આર્જેન્ટિનાના પતનનાં 100 વર્ષ” તરીકે ઓળખાવે છે અને દાવો કરે છે કે આ એકમાત્ર એવો દેશ છે, જે વિકસીતમાંથી વિકાસશીલ બની રહ્યો છે.
કેટલાક લોકો શું ન કરવું તે શીખવવા માટે આર્જેન્ટિનાનું ઉદાહરણ આપે છે.
બ્રિટિશ આર્થિક સામયિક ધ ઈકોનૉમિસ્ટ દ્વારા આવું કરવામાં આવ્યું હતું. આ સામયિકે 2014માં આર્જેન્ટિના વિશેની એક વિખ્યાત કવર સ્ટોરી પ્રકાશિત કરી હતી. "પતનની સદીમાંથી અન્ય દેશો શું શીખી શકે," તેની વાત એ કવર સ્ટોરીમાં કરવામાં આવી હતી.
તે લેખમાં આર્જેન્ટિનાના પતન માટે પેરોનિઝમને જવાબદાર ગણાવવામાં આવ્યું હતું. પેરોનિઝમ નામની રાજકીય ચળવળની સ્થાપના જુઆન ડૉમિંગો પેરોન અને તેમનાં પત્ની ઈવા દુર્આટેએ કરી હતી. છેક 1946થી પેરોનિઝમ આર્જેન્ટિનાનું મુખ્ય ચાલકબળ હતું.
રૂઢિચુસ્ત સામયિકના જણાવ્યા અનુસાર, પેરોનિઝમે "આર્થિક દૃષ્ટિએ અભણ લોકરંજક નેતાગીરી" સર્જી હતી અને તે આર્જેન્ટિનાને "બરબાદી તરફ દોરી ગઈ હતી."
દક્ષિણ અમેરિકન દેશના ઉદારમતવાદી ક્ષેત્રોમાં આવું વ્યાપકપણે માનવામાં આવે છે.

પેરોનિઝમ

ઇમેજ સ્રોત, Getty Images
અર્થશાસ્ત્રી ફોસ્ટો સ્પોટોર્નો વિકાસના મુદ્દાઓને સમર્પિત નૉર્થ ઍન્ડ સાઉથ ફાઉન્ડેશનના વાઈસ પ્રેસિડેન્ટ છે. તેમણે આર્જેન્ટિનાના તેની 1810માં સ્થાપનાથી 2018 સુધીના આર્થિક આંકડાઓનું સંકલન કર્યું છે.
સ્પોટોર્નોએ બીબીસી મુંડોને કહ્યું હતું, "આર્જેન્ટિનાની આર્થિક વૃદ્ધિ 1930 પછી ધીમી પડવા લાગી હોવાનું ડેટા દર્શાવે છે."
એ વખતે આર્જેન્ટિનાને બેવડો ફટકો પડ્યો હતો. આંતરરાષ્ટ્રીય કટોકટી અને વૉલ સ્ટ્રીટ શેર માર્કેટના કડાડાની અસર તેને થઈ હતી. એ ઉપરાંત પ્રથમ લશ્કરી બળવાનો પ્રભાવ પણ પડ્યો હતો.
જોકે, "આંકડાઓ પરથી સ્પષ્ટ છે કે પેરોનિઝમ પછી પરિસ્થિતિ જટિલ બનવા લાગી હતી," એવું કહેતાં તેમણે ઉમેર્યું હતું, "જીવનધોરણ, માથાદીઠ આવક અને વૃદ્ધિદરની દૃષ્ટિએ 1946 સુધી આર્જેન્ટિના વિકસીત અર્થતંત્ર જેવું જ હતું. જુઆન ડોમિંગો પેરોનના આગમન પછી સ્થિતિ વણસવા લાગી હતી."
આર્જેન્ટિનાની કાયમી સમસ્યાની વાત કરતાં તેમણે કહ્યું હતું, "એ સમયે મોંઘવારી વધવાનું શરૂ થયું હતું."
એ પહેલાં પણ ભાવવધારો થયો હતો, પરંતુ આ વખતે તેમાં 20 ટકા વધારો પ્રથમવાર થયો હતો.
મોંઘવારી કેમ વધવા લાગી? "કારણ કે ખર્ચમાં મોટો વધારો થયો હતો. આર્જેન્ટિનામાં સરકારી ખર્ચ જીડીપીના સાડા આઠ ટકા હતો અને 1940ના દાયકાના ઉત્તરાર્ધમાં તે વધીને 12 ટકા થયો હતો," એમ તેમણે કહ્યું હતું.
જોકે, સ્પોટોર્નોએ સ્પષ્ટતા કરી હતી કે પેરોને જે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો એ પૈકીની ઘણી તેમના આગમન પહેલાંની હતી. બીજા વિશ્વ યુદ્ધ(1939-1945)ના અનુસંધાને સર્જાયેલા પ્રતિકૂળ આંતરરાષ્ટ્રીય સંદર્ભને કારણે તે વકરી હતી.
તેમના જણાવ્યા મુજબ, આર્જેન્ટિના યુરોપના જે દેશોમાં કૃષિ પેદાશોની નિકાસ કરતું હતું એ દેશો ચૂકવણીમાં વિલંબ કરતા હતા. આર્જેન્ટિના પ્રાયમરી સરપ્લસ એટલે કે ખર્ચ કરતાં વધુ આવક ધરાવતો દેશ હતો. ચૂકવણીમાં વિલંબને કારણે 1940ના દાયકામાં ખાધની પરિસ્થિતિ સર્જાવાની શરૂ થઈ હતી.
અગાઉની સરકારોએ બહારથી ધિરાણ લઈને ખાધને સરભર કરવાની વ્યવસ્થા કરી હતી, પરંતુ બાદમાં એવું કરવું શક્ય ન હતું. તેનું એક કારણ યુદ્ધ પણ હતું, એમ તેમણે જણાવ્યુ હતું.
જોકે, આ મર્યાદા હોવા છતાં પેરોન અટક્યા ન હતા. તેમણે સામાજિક ખર્ચમાં જોરદાર વધારો કર્યો હતો.
સ્પોટોર્નોએ કહ્યુ હતું, "પોતાની પાસે પૂરતા નાણાં ન હોવા છતાં આર્જેન્ટિનાએ ખર્ચમાં વધારો કર્યો હતો. વધુ ચલણી નોટો છાપી શકાય એટલા માટે પેરોન મધ્યસ્થ બેન્કનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું, જેણે ફુગાવાને વેગ આપ્યો હતો."
તેમના જણાવ્યા મુજબ, ગજા કરતાં વધુ પૈસા ખર્ચવાની સમસ્યામાં અનુગામી સરકારોએ વધારો કર્યો હતો. આ સમસ્યાનું નિવારણ વધુ પૈસા છાપીને અથવા વધુ દેવાં વડે કરી શકાય એવું સરકારો માનતી રહી. તેના પરિણામે આર્જેન્ટિના વિશ્વમાં સૌથી વધુ ફુગાવો અને સૌથી વધુ ડિફોલ્ટ્સ ધરાવતા રાષ્ટ્રો પૈકીનું એક બની ગયું.
સૈન્યની ભૂમિકા

ઇમેજ સ્રોત, Getty Images
અલબત, ઘણા લોકો કહે છે કે આર્જેન્ટિનાની ગાડી પેરોનિઝમને કારણે પાટા પરથી ખડી પડી હતી એમ કહેવું અયોગ્ય છે.
સદીની શરૂઆતમાં આર્જેન્ટિના જે દેશોનું સમોવડિયું હતું તેમને માર્શલ પ્લાનનો લાભ મળ્યો હતો. બીજા વિશ્વયુદ્ધ પછી તેઓ એ પ્લાનને કારણે વિકાસના માર્ગે આગળ વધી શક્યા હતા.
તેનાથી વિપરીત આર્જેન્ટિનાએ જર્મની તથા જાપાન સામે યુદ્ધની ઘોષણા મોડેથી કરી હતી. તેને યુરોપિયન માર્કેટ્સમાંથી બાકાત રાખવામાં આવ્યું હતું.
ફુગાવાની વાત કરીએ તો પેરોન, 1955માં તેમની સરકાર ઉથલાવી દેવામાં આવી તે પહેલાં ફુગાવાનો દર ચાર ટકાથી ઓછો કરવામાં સફળ થયા હતા. એ પછી પેરોનિઝમ પર 18થી વધુ વર્ષ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
અર્થશાસ્ત્રી અને જ્યૉર્જ વૉશિંગ્ટન યુનિવર્સિટીના પ્રોફેસર યુજેનિયો ડિયાઝ બૉનિલા જેવા વિદ્વાનોએ જણાવ્યું છે તેમ ઑસ્ટ્રેલિયા પર આંતરરાષ્ટ્રીય હુમલા કરવામાં આવ્યા હતા અને તેનો માર્શલ પ્લાનમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો. આર્જેન્ટિનાની આર્થિક સ્થિતિની સરખામણી ઑસ્ટ્રેલિયા સાથે કરીએ તો સમજાય છે કે આર્જેન્ટિનાનું પતન પેરોનિઝમના ઉદયને કારણે થયું ન હતું, પરંતુ છેલ્લા લશ્કરી શાસનના આગમન સાથે થયું હતું. લશ્કરી શાસકોએ નિયોલિબરલ નીતિ લાગુ કરી હતી.
ધ ઇકોનૉમિસ્ટના અહેવાલને પગલે વિવાદ સર્જાયા બાદ ડિયાઝ બૉનિલાએ બીબીસી મુંડોને કહ્યું હતું, "અમેરિકાની માથાદીઠ આવકથી તેમના અંતરના સંદર્ભમાં બન્ને દેશની સરખામણી કરીએ તો સમજાય છે કે પરિસ્થિતિ 1900થી 1975 સુધી લગભગ સમાન હતી. 1976ના બળવા પછી પરિવર્તન આવ્યું હતું."
આર્જેન્ટિનાના ઇતિહાસકાર ઍઝેક્વિએલ ઍડમોવસ્કીએ પણ આવું જ તારણ કાઢ્યું છે. એલ ડાયરિયો એઆરમાં પ્રકાશિત એક લેખમાં તેમણે જણાવ્યું હતુઃ "1945 પછીનાં 30 વર્ષમાં આર્જેન્ટિનાએ તેની માથાદીઠ આવક બમણી કરી હતી અને અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અથવા ન્યૂઝીલૅન્ડથી વધુ દરે પોતાના ઉત્પાદનનો વિસ્તાર કર્યો હતો. (યુરોપના કેટલાક દેશોને તો તેણે પાછળ છોડી દીધા હતા)"
તેમણે નોંધ્યું હતું કે તમામ પ્રકારની સમસ્યાઓ હોવા છતાં આર્જેન્ટિનાનું અર્થતંત્ર, તે સમયના મુખ્ય પશ્ચિમી દેશો કરતાં વધુ ઝડપી વૃદ્ધિ પામી રહ્યું હતું.
હાયપરઇન્ફ્લેક્શન કટોકટીના સમયગાળા તરીકે જાણીતા કાળખંડના સંદર્ભમાં તેમણે લખ્યું હતું, "સ્થાનિક અર્થતંત્ર એકાએક મંદ પડી ગયું અને અત્યાધુનિક દેશોની તુલનામાં જ નહીં, પરંતુ વ્યાવહારિક રીતે સમગ્ર વિશ્વની તુલનામાં આર્જેન્ટિના પાછળ પડી ગયું હોય તેવું 1975માં બન્યું હતું. 1975 પછી આર્જેન્ટિના પતનના માર્ગે ધકેલાયું હતું તેવું કહી શકાય."
એક મૂળભૂત સમસ્યા
વિવિધ વિચારધારાઓના વિશ્લેષકો કેટલીક બાબતોમાં સહમત થાય છે. ચોક્કસ સરકારોની ભૂલો ઉપરાંત સંસ્થાકીય અસ્થિરતાને કારણે વીસમી સદીમાં આર્જેન્ટિનામાં છ બળવા થયા હતા અને આ વર્ષે દેશ લોકશાહીના 40 અવિરત વર્ષોની ઊજવણી કરી રહ્યો છે.
યુનિવર્સિટી ઑફ લ્યુબ્લજા ખાતેના અર્થશાસ્ત્રના પ્રોફેસર રૉક સ્પ્રુક દ્વારા હાથ ધરવામાં આવેલું સંશોધન દર્શાવે છે કે આ નબળાઈઓ શરૂઆતથી જ ઊભરી આવી હતી.
લેટિન અમેરિકન ઇકોનૉમી રિવ્યૂમાં ‘ધ રાઇઝ ઍન્ડ ફૉલ ઑફ આર્જેન્ટિના’ શીર્ષક હેઠળ પ્રકાશિત કરવામાં આવેલા સંશોધનપત્રમાં રોકે લખ્યું હતું, "અમેરિકા, કૅનેડા અને ઑસ્ટ્રેલિયાની તુલનામાં આર્જેન્ટિનામાં કાયદાના શાસન પર આધારિત લોકશાહી સ્થપાઈ નથી."
"1930માં સૈન્યએ બંધારણીય વ્યવસ્થા તોડી પાડી એ પછી આર્જેન્ટિના સંસ્થાકીય વિકાસ અસ્થિર બન્યો હતો અને તે સરમુખત્યારશાહી તથા લોકશાહીની વચ્ચે ગોથા ખાતું આગળ વધ્યું હતું."
"સતત સંસ્થાકીય વિકાસના માર્ગે આગળ વધવાને બદલે આર્જેન્ટિનાએ ચૂંટણીમાં છેતરપિંડીનો સામનો કરવો પડ્યો હતો. તકેદારીની વ્યવસ્થાના લગભગ ધોવાણની સાથે લોકરંજક નેતાઓના ઉદયને વેગ મળ્યો હતો."
સ્પોટોર્નોના કહેવા મુજબ, આ અસ્થિર લોકશાહીને કારણે આર્જેન્ટિના 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં આકર્ષણ ગુમાવી બેઠું હતું.
તેમણે કહ્યું હતું, "વારંવાર બળવો થતો હોય અને સંસ્થાકીય વ્યવસ્થાનું ઉલ્લંઘન થતું હોય તો રોકાણમાં દેખીતી રીતે ઘટાડો શરૂ થાય છે."
"સંસ્થાઓ અને સરકારી આવક તથા ખર્ચ વચ્ચેના મૂળભૂત સંબંધનો આદર કરવાનું બંધ થયું ત્યારથી આર્જેન્ટિનાનું પતન શરૂ થયું હતું."
તેમણે ઉમેર્યું હતું, "સંસ્થાઓ ન હોવાને કારણે સરકારોએ ઉત્તમ નિર્ણય લેવાને બદલે શૉર્ટ કટ્સ શોધવાનું શરૂ કર્યું હતું અને તે વલણ નાણાકીય કટોકટીમાં પરિણમ્યું હતું."
"દેશમાં 1860થી 1930ની વચ્ચેનો સમયગાળો નિર્ણાયક હતો. તેમાં દરેકનું ધ્યાન એક જ વાત પર કેન્દ્રિત હતું. પછી શૉર્ટક્ટસ અને વધારે પડતા ખર્ચનું વલણ ચલણી બન્યું હતું."
લોલક જેવી સ્થિતિ
અનેક નિષ્ણાતો અન્ય એક પરિબળને પણ હાઈલાઈટ કરે છે. છેલ્લી સદીમાં આર્જેન્ટિનાએ આર્થિક રીતે આગળ વધવામાં કઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, એ સમજવામાં તે પરિબળ ઉપયોગી થાય તેમ છે.
આર્જેન્ટિના લોકશાહી અને ડી-ફેક્ટો સરકારો વચ્ચે ઝોલા ખાતું રાજકીય લોલક બની રહ્યો છે. આર્થિક નીતિ આવે છે અને જાય છે. રાષ્ટ્રવાદથી નવઉદારવાદ તરફ, સંરક્ષણવાદથી મુક્ત બજાર તરફ અને રૂઢિચુસ્તતાથી વિષમતા તરફ આર્થિક નીતિનું ચક્ર સતત ચાલતું રહે છે. એક જ પક્ષની વિવિધ સરકારોમાં પણ આવું વારંવાર થયા કરે છે.
ટ્રાન્સફૉર્મેશન રિસર્ચ સેન્ટર(સેનિટ)ના સંશોધકો વેલેરિયા અર્ઝા અને વેન્ડી બ્રાઉએ, આર્થિક નીતિ કેટલી વખત બદલવામાં આવી હતી એ વિશે ‘ધ આર્જેન્ટાઈન પેન્ડુલમ ઈન નંબર્સ’ શિર્ષક હેઠળ પોતાના સંશોધનના તારણ 2021માં પ્રકાશિત કર્યા હતાં. તેમના જણાવ્યા મુજબ, 1955થી 2018 વચ્ચેના છ દાયકામાં 30થી વધુ મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા, જેમાંથી 16 તો "આમૂલ ફેરફાર" હતા.
આર્જેન્ટિનાની આર્થિક નીતિમાં સાતત્યના અભાવના અન્ય પુરાવા પણ તેમણે પ્રસ્તુત કર્યા હતા. તેમના જણાવ્યા મુજબ, એ સમયગાળામાં આર્થિક બાબતોના પ્રધાન સરેરાશ 13 મહિના પદ પર રહ્યા હતા.
ઍન્ફિબિયા સામયિકમાં એડમોવસ્કીએ વાતનો સારાંશ આપતાં જણાવ્યું હતું, “આર્થિક નીતિમાં સાતત્યનો પ્રભાવ પ્રચૂર પ્રમાણમાં જોવા મળ્યો હતો.”
આ વિશેષતાના કેટલાક ઉદાહરણ, અર્થતંત્રમાં સરકારની ભૂમિકાની ધારણા સ્વરૂપે સ્પષ્ટ થઈ શકે છે, જે આ રવિવારે યોજનારી ચૂંટણીમાં જીતવાની સંભાવના ધરાવતા ત્રણ ઉમેદવારો માટે હોઈ શકે.
વર્તમાન પેરોનિસ્ટ સરકારના ત્રીજા અર્થતંત્ર પ્રધાન સર્જિયો મસ્સા મજબૂત રાષ્ટ્રના નિર્માણના વચન સાથે ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે પેટ્રીસિયા બુલરિચ તેનું કદ ઘટાડવાનું વચન આપી રહ્યા છે અને જેવિયર માઈલી તેને ખતમ કરવાની ધમકી આપી રહ્યા છે.














