રઘુરામ રાજને કેમ કહ્યું, - 'ભારત કરી રહ્યું છે મોટી ભૂલ', મોદીના વિકસિત ભારતના લક્ષ્ય પર શું બોલ્યા?

ભારતીય રિઝર્વ બૅન્કના પૂર્વ ગવર્નર અને દુનિયાભરમાં તેમની આર્થિક વિશેષજ્ઞતા માટે જાણીતા રઘુરામ રાજને કહ્યું કે ભારત વધારી-વધારીને રજૂ કરવામાં આવતા મજબૂત આર્થિક વૃદ્ધિદર પર ભરોસો કરીને મોટી ભૂલ કરી રહ્યું છે.
રઘુરામ રાજને કહ્યું કે ભારત તેની માળખાગત સમસ્યાઓનું સમાધાન કરશે ત્યારે જ એ મજબૂતાઈથી ઊભરી શકશે.
બીબીસી સંવાદદાતા નિખિલ ઇનામદારને આપેલા ઇન્ટરવ્યૂમાં રઘુરામ રાજને પીએમ મોદીનાં 10 વર્ષના કાર્યકાળમાં ભારતની અર્થવ્યવસ્થા વિશે વાત કરી હતી.
રઘુરામ રાજન માને છે કે પાછલાં કેટલાંક વર્ષોમાં લોકો પર રોકાણ કરવામાં આવ્યું નથી.
તેઓ કહે છે, "ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સ્તરે નીતિઓને લાગુ કરવી, એ વધુ મજબૂત થઈ રહ્યું છે. ચિંતાની વાત એ છે કે અર્થવ્યવસ્થાને વધુ ઉદાર બનાવવાની જરૂર હતી. પરંતુ સૌથી મોટો પડકાર એ છે કે આપણે હજુ સુધી માનવપૂંજી વિકસિત કરી નથી. આપણે લોકોમાં રોકાણ કર્યું નથી."
"મહામારી પસાર થઈ ગઈ છે અને અનેક બાળકો શાળાઓમાં પાછળ રહી ગયાં છે. કેટલાંક રાજ્યોને છોડીને આપણે એવા બાળકો પર રોકાણ કર્યું નથી. આ બાળકોને ફરીથી શાળાએ લઈ જવામાં આપણે નિષ્ફળ નીવડ્યા છીએ. કુપોષણ પણ 35 ટકા છે જે સબ-સહારાના આફ્રિકાના દેશો કરતાં પણ ઘણું વધારે છે. આ સ્વીકાર્ય નથી."

પરંતુ લોકો માને છે કે આર્થિક વિકાસના સંબંધમાં આ દાયકો અત્યાર સુધીનો સૌથી સારો દાયકો રહ્યો છે. સરકાર આ બાબતને આવી જ રીતે રજૂ કરી રહી છે.
રઘુરામ રાજ આ મુદ્દા પર કહે છે કે, "આંકડા આ વાતની પુષ્ટિ નથી કરતા. આંકડા કહે ચે કે આપણે સાત-સાડા સાત ટકાના વૃદ્ધિદરથી આગળ વધી રહ્યા છીએ. આપણે મહામારી પહેલાંના સમયની સ્થિતિ કરતાં ચાર-પાંચ ટકા પાછળ ચાલી રહ્યા છીએ. તમે બેરોજગારીના આંકડા જુઓ તો સ્થિતિ ચિંતાજનક છે. સરકારી નોકરી માટે આવેદન કરનારા લોકોનાં આંકડા જુઓ, રેલવેની નોકરી માટે એક કરોડ 20 લાખ લોકો આવેદન કરી રહ્યા ચે. આ એક મિશ્રિત પરિસ્થિતિનો સંકેત આપે છે. હા, સારી પરિસ્થિતિ પણ ઊભી થઈ છે પરંતુ એટલી પણ સારી સ્થિતિ નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુનિવર્સિટી ઑફ શિકાગોના પ્રોફેસર રાજને બ્લૂમબર્ગને એક ઇન્ટરવ્યૂ પણ આપ્યો છે જેમાં તેમણે કહ્યું હતું કે ચૂંટણી પછી ભારતમાં જે પણ નવી સરકાર આવે તેણે શિક્ષણ અને સ્કિલ ઉપર ગંભીરતાથી ધ્યાન આપવું જોઈએ.
રાજને કહ્યું હતું કે શિક્ષણ અને સ્કિલ વગર ભારત યુવા વસ્તીનો ફાયદો ઉઠાવી નહીં શકે.
તેમણે કહ્યું કે, "એક અબજ 40 કરોડની વસ્તીવાળા દેશમાં 30થી નીચેની ઉંમરવાળા લોકોની સંખ્યા અડધાથી વધુ છે. જે દાવાઓને વધારી-વધારીને રજૂ કરવામાં આવી રહ્યા છે તેમના પર ભરોસો કરવો એ એક મોટી ભૂલ હશે. ભારતના રાજનેતાઓ ઇચ્છે છે કે લોકો આ દાવાઓ પર ભરોસો કરે અને એવો માહોલ તૈયાર થઈ જાય કે લોકો એ વાત પર ભરોસો કરવા લાગે કે તેઓ ફરીથી સરકાર બનાવી રહ્યા છે."
પીએમ મોદીના લક્ષ્યને નકાર્યું

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વડા પ્રધાન મોદીએ લક્ષ્ય રાખ્યું છે કે ભારતને 2047 સુધીમાં વિકસિત દેશ બનાવવો છે. પરંતુ રઘુરામ રાજન આ લક્ષ્યને નકારે છે.
રાજન કહે છે કે આ વાત બહુ તાર્કિક નથી કારણ કે ભારતના વિદ્યાર્થીઓનો મોટો ભાગ ઉચ્ચ શિક્ષણ હાંસલ કરી શકતો નથી અને વચ્ચે જ ભણવાનું છોડી દે છે. આવા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ મોટી છે.
રાજને કહ્યું કે, "આપણી શ્રમશક્તિ વધી રહી છે પરંતુ તેનો ફાયદો ત્યારે જ મળી શકશે જ્યારે લોકોને સારો રોજગાર મળશે. ભારત માટે સૌથી અગત્યનું એ છે કે તે શ્રમશક્તિને રોજગાર આપવામાં આવે નવી રોજગારીનું સર્જન થાય."
રાજને ભારતના સ્કૂલનાં બાળકોની વાંચનક્ષમતા પર પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે ગ્રેડ-થ્રીના 20.5 ટકા બાળકો જ ગ્રેડ-ટુના પાઠ વાંચી શકે છે.
રાજને કહ્યું કે ભારતનો સાક્ષરતા દર વિયેતનામ જેવા એશિયન દેશો કરતાં પણ ઓછો છે. તેમણે કહ્યું કે આવા આંકડાઓ આપણને નિરાશ કરે છે. માનવ સંસાધનમાં ગુણવત્તાનો અભાવ આપણને દાયકાઓ પાછળ ધકેલી રહ્યો છે.
રઘુરામ રાજને કહ્યું કે ભારતે હજુ પણ આઠ ટકાનો ટકાઉ વિકાસ દર હાંસલ કરવા માટે ઘણું કરવાની જરૂર છે. આ આંકડાઓ ભારતની અર્થવ્યવસ્થા વિશે જે અપેક્ષાઓ રાખવામાં આવી રહી હતી તેમાં નિરાશા પેદા કરે છે.
‘ચિપના ઉત્પાદન કરતાં શિક્ષણ અગત્યનું’

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં ઝડપથી થઈ રહેલા વિસ્તારનો ફાયદો ઉઠાવવા માટે વિદેશી રોકાણકારો ભારત તરફ આવી રહ્યા છે.
આ વાતને ધ્યાનમાં રાખતા હાલની સરકારનું અનુમાન છે કે આગામી નાણાકીય વર્ષમાં વૃદ્ધિદર 7 ટકાથી વધી જશે. તેના કારણે ભારત દુનિયામાં સૌથી ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થા બની રહી છે.
રાજન કહે છે કે મોદી સરકાર ઉચ્ચ શિક્ષણનું વાર્ષિક બજેટ વધારવાને બદલે ચિપ ઉત્પાદનમાં સબસિડી પર વધુ ખર્ચ કરવાની નીતિ અપનાવી રહી છે. તે દર્શાવે છે કે તેઓ ખોટા રસ્તે ચાલી રહ્યા છે.
સેમિકન્ડક્ટકરના વેપારને ભારતમાં ચલાવવા માટે 760 અબજ ડૉલરની સબસિડી આપવામાં આવી છે જયારે ઉચ્ચ શિક્ષણ માટે 476 અબજ રૂપિયા બજેટમાં ફાળવવામાં આવ્યા છે.
રાજને કહ્યું કે શિક્ષણ વ્યવસ્થાને સુધારવાના કામને બદલે ચિપ ઉત્પાદન જેવા હાઈ પ્રોફાઇલ પ્રોજેક્ટ્સ પર સરકારનું ધ્યાન વધુ છે. જ્યારે હકીકતમાં તેમણે આ ઉદ્યોગો માટે પ્રશિક્ષિત ઍન્જિનિયરો પેદા કરવાની વધારે જરૂર છે.
તેમણે કહ્યું છે કે, "મને ચિંતા એ વાતની છે કે આપણે પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ એક મોટા અને મહાન રાષ્ટ્ર બનવાની મહત્ત્વાકાંક્ષા તરફ નિર્દેશ કરે છે. જેમ કે, ચિપ મેન્યુફેક્ચરિંગનો પ્રોજેક્ટ. સાથે જ આપણે એ મૂળ વસ્તુઓને છોડી રહ્યા છીએ જે એક ટકાઉ ચિપ ઉત્પાદન ઉદ્યોગમાં યોગદાન આપે છે."
રાજ્યોને નિયંત્રણ આપવાની વકીલાત

ઇમેજ સ્રોત, ANI
રઘુરામ રાજન શિકાગો યુનિવર્સિટીના બૂથ સ્કૂલ ઑફ બિઝનેસમાં ફાઇનાન્સના પ્રોફેસર છે અને વૈશ્વિક અર્થતંત્રના જાણીતા વિવેચક છે. સાથે જ તેઓ ભારતની નીતિઓને લઈને ખુલીને સ્પષ્ટપણે બોલતા રહ્યા છે.
ભારતીય રિઝર્વ બૅન્કના ગવર્નર તરીકેનો તેમનો કાર્યકાળ 2016માં પૂરો થયો હતો. ત્યારબાદ તેઓ ફરીથી અધ્યાપનક્ષેત્રમાં ગયા હતા.
તાજેતરમાં તેમનું 'બ્રૅકિંગ ધ મૉલ્ડઃ રિઇમેજિનિંગ ઇન્ડિયાઝ ઇકોનૉમિક ફ્યુચર' નામનું પુસ્તક પ્રકાશિત થયું છે જેમાં તેઓ સહ-લેખક છે. તેમણે લિંક્ડઇન પર એક વીડિયો દ્વારા ભારતના વિકાસ અંગેના તેમના વિઝનને પણ શેર કર્યું છે.
શિક્ષણમાં સુધારો કરવા ઉપરાંત રાજને વહીવટીતંત્રને અનેક નીતિઓને પ્રાથમિકતા આપવા જણાવ્યું છે, જેમાં અસમાનતા ઘટાડવા અને શ્રમ આધારિત ઉત્પાદનમાં વધારો કરવાનો સમાવેશ પણ થાય છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતની શાસન વ્યવસ્થા ખૂબ જ સેન્ટ્રલાઇઝડ્ છે અને આવી પરિસ્થિતિમાં રાજ્યોને નિયંત્રણ આપવાથી વિકાસની પ્રક્રિયામાં સુધારો કરવામાં મદદ મળશે.
રાજને કહે છે કે 'આપણે વ્યવહારિક અભિગમની જરૂર છે.'
ચીનના ભૂતપૂર્વ નેતા ડેંગ શિયાઓપિંગના નિવેદનને ટાંકીને રાજને કહ્યું કે જો ભારત ચીન પાસેથી કોઈ એક વસ્તુ શીખી શકે તો તે એ હોવું જોઈએ કે 'બિલાડી કાળી છે કે સફેદ છે તેનાથી કોઈ ફરક પડતો નથી, મહત્વનું એ છે કે તે ઉંદરને પકડે છે કે નહીં?
જિયાઓપિંગને ચીનનો આર્થિક કાયાકલ્પ કરનારા નેતા માનવામાં આવે છે.
મોદી સરકારની ટીકા કરતા રહ્યા છે રઘુરામ રાજન

ઇમેજ સ્રોત, Getty Images
આ પહેલીવાર નથી કે રઘુરામ રાજને મોદી સરકાર પર નિશાન તાક્યું છે. આ પહેલાં પણ તેઓ મોદી સરકારના કથિત બહુસંખ્યકવાદના રાજકારણને લઈને ટીકા કરતા રહ્યા છે.
ઑક્ટોબર 2019માં રાજને કહ્યું હતું કે બહુમતીવાદ અને નિરંકુશતાને કારણે દેશ અંધકારમાં જશે અને અસ્થિરતા વધશે.
રાજને કહ્યું હતું કે ભારતની અર્થવ્યવસ્થામાં વૃદ્ધિદર ટકાઉ નથી અને લોકપ્રિય નીતિઓને કારણે ખતરો છે કે અર્થવ્યવસ્થા ક્યાંક લેટિન અમેરિકી દેશો જેવી ન થઈ જાય.
રઘુરામ રાજને ભારતીય અર્થવ્યવસ્થામાં સુસ્તી માટે નોટબંધી અને જીએસટીને જવાબદાર ઠેરવ્યા હતા. અમેરિકાની બ્રૉન યુનિવર્સિટીમાં ઓપી જિંદાલ લૅક્ચરમાં રાજને કહ્યું હતું કે સરકાર પર પ્રોત્સાહક પૅકેજને કારણે ઘણું દબાણ છે.
રઘુરામ રાજન આઇએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી પણ રહ્યા છે. રાજને ભારતીય અર્થવ્યવસ્થામાં આવેલી અડચણો માટે મોદી સરકારમાં તમામ શક્તિઓ કેન્દ્રીકૃત હોવાની વાતને જવાબદાર ઠેરવી હતી.
તેમણે કહ્યું હતું કે, “મોદીએ તેમના પ્રથમ કાર્યકાળમાં અર્થવ્યવસ્થા માટે કંઈ સારું કર્યું નથી કારણ કે આ સરકારમાં તમામ સત્તાઓ એક જગ્યાએ કેન્દ્રિત હતી. આવી પરિસ્થિતિમાં સરકાર પાસે અર્થવ્યવસ્થાને લઈને કોઈ વિઝન ન હતું. મંત્રીઓ પાસે કોઈ સત્તા ન હતી. અધિકારીઓ નિર્ણય લેવાને લઈને બહુ ઇચ્છુક ન હતા. ગંભીર સુધારા માટે તેમની પાસે કોઈ વિચાર ન હતો.”
રાજને કહ્યું હતું કે, “વરિષ્ઠ અધિકારીઓને પણ કોઈ પુરાવા વિના અટકાયતમાં લેવામાં આવ્યા હતા. મને એ વાતનું દુ:ખ છે કે પૂર્વ નાણામંત્રીને કોઈ પણ જાતની તપાસ વિના કેટલાંક અઠવાડિયા સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા. સંસ્થાઓની નબળાઈને કારણે સરકારો નિરંકુશ બની જવાની સંભાવના રહે છે. 1971માં ઈન્દિરા ગાંધીના સમયમાં આવું હતું અને હવે 2019માં મોદીના સમયમાં આવું છે.”
ત્યારબાદ રઘુરામ રાજનની ટીકાનો જવાબ આપતા ભાજપના વિદેશ બાબતોના વડા વિજય ચૌથાઈવાલેએ ટ્વીટ કર્યું હતું કે, "આરબીઆઈના ભૂતપૂર્વ વડાએ સરકાર ચલાવી અને દેશે દસ વર્ષ ગુમાવી દીધા. મોદીનો આભાર કે ભારત આ ભૂલનું પુનરાવર્તન હવે નહીં કરે."
ચૌથાઈવાલેએ પોતાના ટ્વીટમાં મનમોહનસિંહનું નામ લીધા વગર નિશાન સાધ્યું હતું કારણ કે પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ પણ આરબીઆઈના ગવર્નર હતા અને 2004થી 2014 સુધી ભારતના વડા પ્રધાન હતા.












