કર્ણાટક ચૂંટણી : કોણ છે કૉંગ્રેસના મુખ્ય મંત્રીપદના દાવેદાર 'ડીકે' શિવકુમાર?

ઇમેજ સ્રોત, @DKShivakumar
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
શનિવારે જાહેર થયેલાં કર્ણાટક વિધાનસભા ચૂંટણીનાં પરિણામોમાં 224 બેઠકોમાંથી કૉંગ્રેસને 136 બેઠકો પર વિજય સાથે સ્પષ્ટ બહુમત મળી છે, જ્યારે સત્તાધારી ભારતીય જનતા પક્ષ (ભાજપ) 65 બેઠકો પર વિજય સાથે ચૂંટણીમાં પરાજિત થયો છે. છેલ્લા લગભગ ચાર દાયકાથી કર્ણાટકમાં દર પાંચ વર્ષે સરકાર બદલવાનું વલણ રહ્યું છે.
ઍક્ઝિટ પોલનાં અનુમાનો મુજબનાં પરિણામોનો શ્રેય વિશ્લેષકોના એક વર્ગ દ્વારા ડીકે શિવકુમારને આપવામાં આવે છે. જેઓ કર્ણાટક પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ છે.
લગભગ 1500 કરોડની સંપત્તિ ધરાવતા ડીકે શિવકુમાર કનકપુરાની બેઠક પરથી ઉમેદવાર હતા, જેઓ પોતાની પરંપરાગત બેઠક પરથી નોંધપાત્ર બહુમતીથી વિજયી બન્યા છે.
તેઓ ન કેવળ કર્ણાટક કૉંગ્રેસ માટે પરંતુ અન્ય રાજ્યોમાં પણ 'રિસોર્ટ પોલિટિક્સ'ના નિષ્ણાત છે અને તેમને પાર્ટીના સંકટહર્તા તરીકે જોવામાં આવે છે.
જો ભાજપ દ્વારા 'ઑપરેશન લોટસ' હાથ ધરવામાં આવે તો તેનો તોડ ડીકે શિવકુમાર જ હશે. એક તબક્કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભાજપના આ પ્રકારના અભિયાનને તેમણે નિષ્ફળ બનાવ્યા હતા.
ડોડાલાહાલ્લી કૅમ્પેગૌડા શિવકુમાર નજીકના લોકોમાં 'ડીકે' તરીકે ઓળખાય છે.
'ગમે તેટલા નારા લગાવો, હું કોઈથી ડરતો નથી. એકલો આવ્યો છું અને એકલો જવાનો છું.' આ તેમનું પ્રિય વાક્ય છે.
જ્યોતિરાદિત્ય સિંધિયા અને હેમંતા બિશ્વા શર્મા જેવા ક્ષત્રપો કૉંગ્રેસ છોડી ગયા છે, ત્યારે ડીકે શિવકુમાર કેન્દ્રીય એજન્સીઓના અનેક કેસ છતાં તેઓ તૂટ્યા નથી અને પાર્ટી પ્રત્યેની તેમની નિષ્ઠા અડગ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે વર્ષ 2017માં ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી સમયે કૉંગ્રેસના ધારાસભ્યોને બૅંગલુરુ પાસેના એક રિસોર્ટમાં સંગઠિત રાખ્યા હતા. તેમણે મોદી-શાહ સામે પડવાનું જોખમ લીધું હતું.
કૉંગ્રેસને બહુમતી મળશે તો નવા ચૂંટાયેલા ધારાસભ્યોને સંગઠિત રાખવાની જવાબદારી ડીકે શિવકુમાર ઉપર હશે. જેઓ પાર્ટીના મુખ્ય મંત્રીપદના દાવેદાર હશે. જેમને પૂર્વ મુખ્ય મંત્રી સિદ્ધારમૈયા અને એમ.બી. પાટીલ તરફથી સ્પર્ધા મળી શકે છે.
ચૂંટણી ઍફિડેવિટની વિગતો પ્રમાણે, તેમની સામે ડીકે શિવકુમાર સામે 19 કેસ ચાલી રહ્યા છે. જેમાં ઈડી, સીબીઆઈ અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના કેસનો સમાવેશ થાય છે.

સ્લિપર પહેરતા સૌથી ધનિક ઉમેદવાર

ઇમેજ સ્રોત, @DKShivakumar
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વર્ષ 2018માં ડીકે શિવકુમમારની સંપત્તિ રૂ. 840 કરોડ હતી, જે 2023માં વધીને એક હજાર ચારસો 18 કરોડ પર પહોંચી ગઈ હતી.
આમ ગત પાંચ વર્ષ દરમિયાન તેમની સંપત્તિમાં લગભગ 68 ટકા જેટલો વધારો થયો હતો. 2013માં તેમની સંપત્તિ 251 કરોડ આસપાસ હતી. તેઓ રિયલ ઍસ્ટેટ, ખાણકામ અને શિક્ષણ જેવાં ક્ષેત્રોમાં આર્થિક હિતો ધરાવે છે.
પ્રારંભિક દોઢેક વર્ષ દરમિયાન કૉંગ્રેસ પાર્ટી રાજ્યમાં સરકારમાં હતી. એ પછી તેમની સામે ઈડી (ઍન્ફોર્સમૅન્ટ ડાયરેક્ટરેટ), સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન) અને આઈટી (ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ) જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યા હતા. એમનાં પુત્રીને પણ ઈડી દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.
ખુદ શિવકુમારે દિલ્હીની કુખ્યાત તિહાર જેલમાં પણ દિવસો વીતાવ્યા છે. ડીકે શિવકુમાર સામે ભ્રષ્ટાચાર, ગેરકાયદેસર ખાણકામ, સરકારી જમીન પર દબાણ અને કરચોરી જેવા આરોપ પણ લાગેલા છે.
શિવકુમાર પોતાની પરંપરાગત કનકપુરા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ સિદ્ધારમૈયા સરકારમાં મંત્રી હતા. તેઓ અગાઉ આઠ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને આ તેમનો નવમો વિજય હશે.
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મતદાન પછી શિવકુમારે કૉંગ્રેસના લગભગ 40 જેટલા ઉમેદવારોને કોલ કર્યા હતા. જેને સંભવિત ધારાસભ્યોને સલામતસ્થળે ખસેડવાની કવાયત તરીકે જોવામાં આવે છે. તેઓ વોકાલિગ્ગા સમુદાયના દિગ્ગજ નેતા છે અને સમુદાયના ધારાસભ્યોના વિજયની ટકાવારી પણ તેમના ભાગ્યનો ફેંસલો કરશે.
જો આવું થશે, તો પાર્ટી દ્વારા ધારાસભ્યોને રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને છત્તીસગઢ જેવાં કૉંગ્રેસશાસિત રાજ્યના કોઈ રિસોર્ટમાં ખસેડવામાં આવે તેવી શક્યતા નકારી ન શકાય. જેથી કરીને શાસકપક્ષનું સમર્થન મળી રહે.
જાણકારોનું માનવું છે કે જો કૉંગ્રેસને 136 વધુ બેઠક મળી છે ત્યારે સિદ્ધારમૈયા પણ પ્રબળ દાવેદાર હશે અને ફ્લૉર મૅનેજમૅન્ટમાં પ્રવીણ ગણાતા ડીકે શિવકુમાર પણ દાવેદાર બની શકે છે.
જાણકારોના કહેવા પ્રમાણે, ધરાતલ પર યોજના અને સંપર્ક, સખત મહેનત અને આર્થિક તાકત તેમનાં હથિયાર છે. અબજોની સંપત્તિ હોવા છતાં તેઓ જાહેરમાં હવાઈ સ્લીપર પહેરેલા જોવા મળી જશે. સંતાનોને ખાતર તેમણે મંત્રી બન્યા બાદ શૈક્ષણિક ડિગ્રી મેળવી હતી.
શિવકુમાર જ્યોતિષશાસ્ત્રમાં શ્રદ્ધા ધરાવે છે. તેમની નજીકની એક વ્યક્તિએ અગાઉ બીબીસી સાથે વાત કરતા કહ્યું હતું, "ડીકે શાંત છતાં મહત્ત્વાકાંક્ષી સ્વભાવ ધરાવે છે. તેઓ મુખ્ય મંત્રી બનવાની મહત્ત્વાકાંક્ષા ધરાવે છે અને આ ખુરશી મેળવવા માટે બનતા પ્રયાસો કરશે. તેમનો દૃઢ વિશ્વાસ છે કે તેમના નસીબમાં કર્ણાટકના સીએમ બનવાનું લખાયેલું છે."
1985માં બૅંગલુરુ ગ્રામીણની સથાનૂર બેઠક ઉપર તેમણે એચડી દેવેગૌડા સામે ચૂંટણી લડી હતી અને આ માટે પોતાની જમીન પણ ગીરવે મૂકી હતી. પ્રતિષ્ઠાની એ લડાઈમાં તેમનો પરાજય થયો હતો. પાંચ વર્ષ પછી કૉંગ્રેસે તેમને ટિકિટ ન આપી તો તેમણે ચૂંટણીજંગમાં અપક્ષ ઝંપલાવ્યું અને દેવેગૌડા સામે પરાજયનું વેર પણ લીધું. વર્ષો પછી આ જ બેઠક પરથી એચડી દેવેગૌડાના પુત્ર એચડી કુમારસ્વામીને પણ તેમણે પરાજય આપ્યો હતો.
જ્યારે કૉંગ્રેસે ડીકે શિવકુમારના પરંપરાગત હરીફ દેવેગૌડા પરિવાર સાથે મળીને કર્ણાટકમાં યુતિ સરકાર બનાવવાનું નક્કી કર્યું, ત્યારે શિસ્તબદ્ધ કાર્યકર્તાની જેમ કેન્દ્રીય નેતૃત્વના નિર્ણયનો સ્વીકાર કર્યો.

મોદી-શાહને માત

ઇમેજ સ્રોત, Getty Images
સામાન્ય રીતે રાજ્યસભાની ચૂંટણી નિરસ માનવામાં આવે છે, કારણ કે મતસંખ્યા અગાઉથી સ્પષ્ટ હોવાથી કયા પક્ષના કેટલા ઉમેદવાર જીતશે તેનો કયાસ સરળતાથી કાઢી શકાય છે, પરંતુ 2016 પછી રાજ્યસભાની કેટલીક ચૂંટણીઓ વેબસિરીઝ જેવી રોમાંચક અને રસપ્રદ બની રહી છે.
આવી જ એક ચૂંટણી ઑગસ્ટ-2017માં યોજાયેલી ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી હતી. મતસંખ્યાના આધારે ભાજપના બે અને કૉંગ્રેસના એક ઉમેદવાર જીતે તેમ હતા.
ભાજપે પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને મેદાનમાં ઉતાર્યાં હતાં, જ્યારે કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના સલાહકાર અને વિશ્વાસુ અહમદ પટેલ ત્રીજા ઉમેદવાર હતા.
જોકે, ભાજપસમર્થિત બળવંતસિંહ રાજપૂત સ્વરૂપે ચોથા ઉમેદવારની ઍન્ટ્રી થઈ હતી. જેઓ કૉંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાના વેવાઈ થાય. વાઘેલા જૂથના મનાતા છ ધારાસભ્યોએ ચૂંટણી પહેલાં રાજીનામાં ધરી દીધાં હતાં એટલે આ અંધાધૂંધી પાછળ તેમનો દોરીસંચાર હોવાની અટકળો વહેતી થઈ હતી.
ગુજરાત વિધાનસભામાં મતદાન કરવા પહોંચેલા કૉંગ્રેસના 40થી વધુ ધારાસભ્ય બૅંગલુરુ ખાતેના ઇગલટન રિસોર્ટથી પરત ફર્યા હતા, જ્યાં તેમણે ડીકે શિવકુમારની મહેમાનગતિ માણી હતી. આમાંથી અમુકને શિવકુમાર તેમના યુવા કૉંગ્રેસના દિવસોથી વ્યક્તિગત રીતે ઓળખતા હતા.
ધારાસભ્યો તૂટે નહીં અને સંગઠિત રાખી શકાય તે માટે તેમને કૉંગ્રેસશાસિત કર્ણાટક મોકલી દેવામાં આવ્યા હતા. જ્યાં તેમની 'સુરક્ષાની જવાબદારી' સિંચાઈ મંત્રી ડીકે શિવકુમારને સોંપી હતી, જેની પાછળ તેમનો સંચાલનશક્તિનો ઇતિહાસ જવાબદાર હતો.
2002માં મહારાષ્ટ્રના તત્કાલીન કૉંગ્રેસી મુખ્ય મંત્રી વિલાસરાવ દેશમુખ (ફિલ્મઅભિનેતા રિતેશ દેશમુખના પિતા તથા જેનેલિયા ડિસોઝાના સસરા) સરકાર સામે અવિશ્વાસનો મત આવ્યો, ત્યારે તેમને બૅંગલુરુ ખસેડવામાં આવ્યા હતા. એ સમયે એસએમ ક્રિષ્ના સરકારમાં મંત્રી શિવકુમારે આ જવાબદારી સુપેરે બજાવી હતી.
ચૂંટણીમાં શાહ, ઈરાની અને પટેલનો વિજય થયો હતો. જ્યારે રાજપૂતનો પરાજય થયો હતો, જેમને આગળ જતાં ગુજરાત સરકારના નિગમનું અધ્યક્ષપદ આપીને સાચવી લેવામાં આવ્યા હતા.
રાજ્યસભાની એ ચૂંટણી પછી તેમની સામે કેન્દ્રીય એજન્સીઓના અનેક નવા કેસ દાખલ થયા અને રેલો તેમના પરિવાર સુધી પણ પહોંચ્યો હતો.

પૉઝિટિવ-નૅગેટિવનું સમન્વય

ઇમેજ સ્રોત, @DKShivakumar
છેલ્લા દોઢેક વર્ષ દરમિયાન ભાજપ દ્વારા હિજાબ, હલાલ અને ટીપુ સુલતાન જેવા મુદ્દા ઉઠાવ્યા હતા. ભાજપ દ્વારા ચૂંટણી સમયે ડબલ એંજિન સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રોડશો ઉપર આધાર રાખ્યો હતો.
જ્યારે શિવકુમારના નેતૃત્વમાં કૉંગ્રેસે છેલ્લા દોઢેક વર્ષ દરમિયાન ભાજપ સરકાર ઉપર '40 ટકા ભ્રષ્ટાચાર'ના આરોપને પકડી રાખ્યા હતા.
કૉંગ્રેસે તેના ચૂંટણીઢંઢેરામાં બજરંગદળ અને પીએફઆઈની (પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા) ઉપર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ચૂંટણીસભાઓમાં 'બજરંગબલી કી જય'ના નારા લગાવીને આ તેને ચૂંટણીનો મુદ્દો બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
ચૂંટણી પહેલાં ડીકે શિવકુમાર હનુમાન મંદિરના દર્શન કર્યા હતા અને ભાજપના મુદ્દાને ન્યૂટ્રલાઇઝ કરવાનો પ્રયાસ કર્યો હતો.
બીજી બાજુ, કૉંગ્રેસે પરિવારની મહિલાને માસિક રૂ. બે હજાર, 200 યુનિટ નિઃશુલ્ક વીજળી, કર્ણાટક અને બૅંગલુરુની બસસેવામાં મહિલાઓને મફત પ્રવાસના પાસ, 10 કિલો ચોખા, ગ્રૅજ્યુએટ બેરોજગારોને રૂ. ત્રણ હજાર અને ડિપ્લોમાધારકોને રૂ. 1500નું બેરોજગારી ભથ્થું આપવામાં આવશે.
મતદાન પછી અને ચૂંટણીપરિણામો પહેલાં ડીકે શિવકુમારે એકદમ વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કે, 'કૉંગ્રેસ સરકાર બનાવશે અને તેનો કોઈ બેકઅપ પ્લાન નથી. ઍક્ઝિટ પોલ કરતાં અમને અમારા આકલન ઉપર વિશ્વાસ છે.'
ડીકે શિવકુમાર સામે અનેક કેસ ચાલી રહ્યાં છે. 1989 પછી એક પણ ચૂંટણી નહીં હારેલા શિવકુમાર માટે એક પણ કાયદાકીય લડાઈમાં પરાજય તેમની ચૂંટણીલક્ષી રાજકીય કારકિર્દીને ડામાડોળ કરી શકે છે.














