કર્ણાટક ચૂંટણી : બજરંગદળ મુદ્દે વિવાદ શું છે અને તેની સ્થાપના કેમ કરાઈ હતી?

બજરંગદળનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી ગુજરાતી

કર્ણાટક રાજ્યની ચૂંટણીમાં બજરંગદળના નામને પ્રચારનો મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે.

આ મામલાની શરૂઆત ત્યારે થઈ જ્યારે કૉંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં વચન આપ્યું કે જો કર્ણાટકમાં તેઓ સત્તા પર આવશે તો સમાજમાં નફરત ફેલાવવાનું કામ કરતાં સંગઠનો બજરંગદળ અને પીએફઆઈ પર પ્રતિબંધ મૂકશે.

કૉંગ્રેસના આ વાયદાને લઈને કર્ણાટકની રાજનીતિ ચરમસીમાએ પહોંચી ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હવે ચૂંટણીપ્રચારમાં બજરંગબલીનું નામ લઈ રહ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ મામલે કૉંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું, “કૉંગ્રેસને રામ અને બજરંગબલી એમ બંને સામે વાંધો છે.”

વડા પ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકમાં રેલીઓ કરી રહ્યા છે. એક રેલીમાં તેમણે કહ્યું, “ભૂતકાળમાં તેમણે ભગવાન રામને તાળામાં બંધ કર્યા હતા. તેમની સામે તેમને વાંધો હતો. હવે આ લોકો એ લોકોને તાળામાં બંધ કરવા માગે છે જેઓ બજરંગબલીનું નામ લે છે.”

કૉંગ્રેસના ઘોષણાપત્રમાં બજરંગદળ પર પ્રતિબંધના વચનને તેમણે ‘આતંકીઓ’ના પ્રત્યે તુષ્ટિકરણની નીતિ સમાન ગણાવ્યું.

બજરંગદળનો ઇતિહાસ

કર્ણાટક ચૂંટણી, બજરંગ દળ અને રાજકારણ

બજરંગદળનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, કર્ણાટકના હોસપેટમાં બીજી મેના રોજ ચૂંટણીની રેલીમાં ઉપસ્થિત વડા પ્રધાન નરેન્દ્ર મોદી

જાણકારો કહે છે કે કર્ણાટકમાં ચૂંટણી ધ્રુવીકરણ પર કેન્દ્રિત થઈ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં આ મુદ્દો જોરશોરથી ઉઠાવી રહ્યા છે ત્યાં બજરંગદળના કાર્યકર્તાઓએ કર્ણાટકમાં કૉંગ્રેસ સામે ઠેરઠેર પ્રદર્શન કર્યું છે.

ન માત્ર તેમણે પ્રદર્શન કર્યું પરંતુ બજરંગદળના કાર્યકર્તાઓએ કૉંગ્રેસના ઘોષણાપત્રની પ્રત પણ બાળી હતી. આ ઉપરાંત તેમણે વિરોધના ભાગરૂપે કર્ણાટકનાં વિવિધ મંદિરોમાં હનુમાનચાલીસાનો પાઠ પણ કર્યો હતો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મનાય છે કે કર્ણાટકમાં આવેલા હમ્પી પાસે અંજનાદ્રિ પર્વત છે. માન્યતા છે કે હનુમાનજીનો જન્મ આ પર્વત પર થયો હતો. એવું પણ માનવામાં આવે છે કે આ પર્વત જ્યાં છે તે પહેલાં કિષ્કિંધા રાજ્યનો હિસ્સો હતો. કિષ્કિંધા રાજ્યનો ઉલ્લેખ રામાયણમાં જોવા મળે છે. તેમાં થયેલા ઉલ્લેખ અનુસાર તે વાલી અને સુગ્રીવના રાજ્યની રાજધાની હતું.

તો વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે બીબીસી ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં કહ્યું, “આતંકની પોષક કૉંગ્રેસના તમામ પડકારોનો બજરંગદળ જવાબ આપશે.”

“કૉંગ્રેસનું આ ઘોષણાપત્ર કર્ણાટકમાં તેની કબર ખોદવાનું કામ કરશે. પ્રબળ વિરોધને જોતા કૉંગ્રેસના નેતાઓએ પીછેહઠ કરવી પડી છે”

જાણકારો કહે છે કે કૉંગ્રેસે શા માટે બજરંગદળ પર પ્રતિબંધની વાત કરી તે ખબર પડતી નથી, કારણ કે તે લોકો થરથર કાંપે તેવું સંગઠન નથી. જાણકારો એમ પણ કહે છે કે ખુદ ભાજપ જ ઇચ્છે છે કે આ સંગઠન મર્યાદામાં રહે.

રાજકીય વિશ્લેષક અદિતિ ફડનીસ કહે છે, “બજરંગદળની બજરંગબલી સાથે સરખામણીનો વિવાદ તો મૂર્ખતા છે. બજરંગદળના કાર્યકર્તાઓ બજરંગબલીના અવતાર છે શું? ભાજપનાં દિવંગત નેતા સુષમા સ્વરાજે કહ્યું હતું કે શ્રીરામ સેને સંગઠન પર પ્રતિબંધ મૂકવો જોઈએ. તો શું એવું કહેવાય કે ભાજપ શ્રીરામ પર પ્રતિબંધ મૂકવા માગે છે. નહીં.”

હવે ત્યારે જોઈએ કે કર્ણાટક ચૂંટણીમાં પ્રચાર, વાદ-વિવાદ અને તીખી રાજનીતિનો મુદ્દો બનેલું બજરંગદળ શું છે? અને બજરંગદળની રચના ક્યારે થઈ હતી?

બજરંગદળનો ઇતિહાસ

બજરંગદળની સ્થાપના શા માટે કરવામાં આવી?

બજરંગદળનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

39 વર્ષ પહેલાં બજરંગદળની સ્થાપના કરવામાં આવી હતી.

વિશ્વ હિન્દુ પરિષદની વેબસાઇટ અનુસાર બજરંગદળની સ્થાપના 8 ઑક્ટોબર, 1984માં અયોધ્યામાં કરવામાં આવી.

વીએચપીની વેબસાઇટમાં જણાવ્યા પ્રમાણે “શ્રીરામ જાનકી રથ યાત્રા” જ્યારે અયોધ્યાથી કાઢવામાં આવી રહી હતી ત્યારે તત્કાલીન ઉત્તર પ્રદેશ સરકારે તેને સુરક્ષા આપવાની ના પાડી હતી. તે સમયે સાધુ-સંતોના આહ્વાન પર વિશ્વ હિન્દુ પરિષદે કેટલાક યુવાનોને યાત્રાની સુરક્ષાની જવાબદારી આપી. સંતોના કહેવા પ્રમાણે ‘શ્રીરામના કામમાં બજરંગબલી હંમેશા તત્પર રહેતા હતા’, તેથી જે યુવાનોએ યાત્રાની સુરક્ષા સંભાળી તેમના દળને ‘બજરંગદળ’ એવું નામ આપવામાં આવ્યું.

આ જ પ્રકારે યુવતીઓના સંગઠનની પણ વિશ્વ હિન્દુ પરિષદને અનિવાર્યતા લાગી. તેથી 15 વર્ષથી 35 વર્ષની યુવતીઓ માટે તેમણે દુર્ગાવાહિની સંગઠનની સ્થાપના કરી.

વીએચપીની વેબસાઇટ અનુસાર બજરંગદળની સ્થાપના કોઈ અન્ય સંગઠનોના વિરોધમાં નહીં પરંતુ હિન્દુઓને પડકાર આપનારાં અસામાજિક તત્ત્વોથી રક્ષા કરવા માટે થઈ હતી.

વિનય કટિયાર બજરંગદળના પહેલા પ્રમુખ હતા. ત્યારબાદ તેઓ ભાજપમાં સામેલ થઈ ગયા અને સાંસદ પણ બન્યા. વિનય કટિયારે રામમંદિર આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. 1992માં બાબરી મસ્જિદ તોડવામાં આવી ત્યારબાદ તત્કાલીન નરસિમ્હા રાવની સરકારે બજરંગદળ સહિત પાંચ સંગઠનો પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જોકે છ મહિનામાં તે હઠી ગયો હતો.

વિનોદ બંસલ કહે છે, “મંદિરો, સંતો, હિન્દુઓની સુરક્ષા અને ધર્માંતરણ તથા ‘લવજેહાદ’ સામે લડાઈ લડવા બજરંગદળ કટિબદ્ધ છે.”

અદિતિ ફડનીસ કહે છે, “રામમંદિર આંદોલન દરમિયાન રામ-રોટી યાત્રામાં બજરંગદળનો ભરપૂર ઉપયોગ થયો. એવા કોઈ પુરાવા નથી પરંતુ મનાય છે બાબરી તૂટી તે વેળા અને ત્યારબાદ બજરંગદળના કાર્યકર્તાઓની જે પ્રકારની ભૂમિકા હતી તેનાથી તેનો ઉદય થયો."

બજરંગદળનો ઇતિહાસ

વિચારધારા અને ઍજેન્ડા

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, DIVYAKANT SOLANKI/EPA-EFE/REX/SHUTTERSTOCK

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

જાણકારો કહે છે કે રામમંદિર આંદોલનમાં યુવાનોને સામેલ કરવા અને તેમની ભાગીદારી વધારવા માટે જ વિશ્વ હિન્દુ પરિષદે તેને મહત્ત્વ આપ્યું.

વીએચપીની વેબસાઇટ અનુસાર બજરંગદળના સ્થાનિક યુવા નેતાઓને અયોધ્યાથી રવાના થનારી યાત્રાની સુરક્ષાની જવાબદારી સોંપાઈ હતી. પરંતુ દેશભરમાંથી બજરંગદળમાં જોડાયેલા યુવાનોને તેમણે રામજન્મભૂમિ આંદોલનનાં કામોમાં સક્રિય કરવાનો ભાર સોંપ્યો.

1993માં બજરંગદળનું અખિલ ભારતીય સંગઠનાત્મક સ્વરૂપ નક્કી કરવામાં આવ્યું. દેશના લગભગ તમામ પ્રાંતોમાં બજરંગદળની શાખાઓ ખોલવામાં આવી. આજે દેશભરમાં બજરંગદળ સક્રિય છે.

વિશ્વ હિન્દુ પરિષદ માને છે કે બજરંગદળ હિન્દુ ધર્મ, હિન્દુ માનકોની સુરક્ષા, શાશ્વત હિન્દુ જીવનમૂલ્યોનું સંરક્ષણ, રાષ્ટ્રીય સુરક્ષાના ઉદ્દેશ્ય સાથે કામ કરે છે.

આ સંગઠન પ્રખર હિન્દુવાદી સંગઠન છે. તેનું સૂત્રવાક્ય સેવા, સંસ્કૃતિ અને સુરક્ષા છે. પણ બજરંગદળ તેનાં અનેક કામોને લઈને વિવાદોમાં પણ છે.

બજરંગદળનો દાવો છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં યુવાનોમાં તે લોકપ્રિય છે. બજરંગદળનો એ પણ દાવો છે કે વર્તમાનમાં તેના લગભગ 27 લાખ સભ્યો છે. બજરંગદળ પોતાના અખાડાઓ પણ ચલાવે છે. તેના દાવા પ્રમાણે દેશભરમાં તેના લગભગ 2500 અખાડા ચાલી રહ્યા છે.

વિનોદ બંસલ કહે છે, “અમે અત્યાર સુધીમાં 86 લાખ ગૌવંશને કતલખાને જતા બચાવ્યા છે. હજારો હિન્દુ યુવતીને લવજેહાદનો શિકાર થતી હોય તેમાંથી બચાવી છે. 5 લાખ વૃક્ષો વાવ્યાં છે. દર વર્ષે 1 લાખ બૉટલ રક્તનું દાન કરીએ છીએ. અમારી બીજી પણ ઘણી પ્રવૃત્તિઓ છે.”

જોકે કેટલાંક વર્ષો પહેલાં ઉત્તર પ્રદેશમાં આત્મરક્ષા કૅમ્પો યોજવાને લઈને વિવાદો પણ થયા હતા. જેમાં ભાગ લેનારા સેંકડો યુવાનોને પ્રશિક્ષિત કરવા માટે ભગવાં કપડાંમાં પ્રશિક્ષકોની ટીમ તહેનાત હતી અને તેમનો દાવો હતો કે આ અભ્યાસ ‘દુશ્મન’ને ટક્કર આપવા માટે છે.

જોકે જાણકારો કહે છે કે ભાજપ તેને પરોક્ષ રીતે ટેકો આપે છે પણ પ્રત્યક્ષ નહીં, કારણ કે કદાચ તેને ખબર છે કે તેમની કટ્ટરતાને કારણે તેને નુકસાન થઈ શકે છે.

અદિતિ ફડનીસ કહે છે, “જો ભાજપ તેને પૂરું સમર્થન આપતો હોત તો મોદી સરકારના મોટા ભાગના મંત્રીઓ બજરંગદળમાંથી હોત. પરંતુ આવું નથી.”

બજરંગદળનો ઇતિહાસ

બજરંગદળના વિવાદો

બજરંગદળનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હૈદરાબાદમાં વેલેન્ટાઇન ડેનો વિરોધ કરતા બજરંગદળના કાર્યકર્તા

બજરંગદળની સક્રિયતા કેટલાક વિવાદો પણ લઈને આવી છે. ધર્મપરિવર્તન, લવજેહાદ, સ્કૂલ અને કૉલેજોમાં હિજાબનો વિવાદ, ત્રિશૂલ દીક્ષા, મુસ્લિમો-ખ્રિસ્તીઓ પર હુમલાઓ વગેરે મામલે પણ બજરંગદળના કેટલાક કાર્યકર્તાઓનું નામ ઊછળતું રહ્યું છે.

વર્ષ 2008માં મેંગલુરુમાં ચર્ચોમાં થયેલા હુમલામાં બજરંગદળ સામેલ હોવાના આરોપો લાગી ચૂક્યા છે. ચર્ચો પર હુમલા ત્યારે થયા જ્યારે ભાજપ કર્ણાટકમાં પહેલી વાર સત્તામાં આવ્યો હતો.

ઉપરાંત ગૌરક્ષાના નામે ડરાવવા-ધમકાવવાના આરોપો પણ બજરંગદળના કેટલાક કાર્યકર્તાઓ પર લાગી ચૂક્યા છે. બજરંગદળના કેટલાક કાર્યકર્તાઓ પર કર્ણાટકમાં યુવક-યુવતીઓ દ્વારા બહાર એકલા ફરવા મામલે કથિત રીતે મૉરલ પોલિસિંગના બહાને મારપીટનો આરોપ પણ લાગી ચૂક્યો છે.

કર્ણાટકમાં ગત વર્ષે સ્કૂલ-કૉલેજોમાં હિજાબ પહેરવાની માગને લઈને જે આંદોલન થયું હતું તેમાં બજરંગદળે તેનો ખૂલીને વિરોધ કર્યો હતો. દરમિયાન કેટલાક કટ્ટરપંથીઓએ બજરંગદળના એક કાર્યકર્તાની ધોળે દિવસે હત્યા કરી નાખી હતી. આ કાર્યકર્તાનું નામ હર્ષા હતું અને તેમની ઉંમર 28 વર્ષની હતી.

ઓડિશામાં ઑસ્ટ્રેલિયન મિશનરી ગ્રેહામ સ્ટેન્સ અને તેમના બે પુત્રોની હત્યામાં પણ હિન્દુ સંગઠન બજરંગદળના સભ્ય રવિંદરકુમાર પાલ ઉર્ફે દારાસિંહને દોષિત ઠેરવ્યા હતા અને તેમને મોતની સજા સંભળાવાઈ હતી.

બજરંગદળનો આરોપ હતો કે "તેઓ કુષ્ઠરોગીની સેવા કરવાની આડમાં ગરીબ આદિવાસીનું ધર્મપરિવર્તન કરાવતા હતા."

જોકે બાદમાં આ મામલે તપાસ કરનારા વાધવા કમિશને પોતાના રિપોર્ટમાં આ આરોપોને ખોટા ગણાવ્યા હતા.

વિનોદ બંસલ આ વિવાદો પર કહે છે, “અમને પડી નથી કે કોણ અમારી સામે ફરિયાદ કરે છે કે કોણ અમને ફસાવવાનો પ્રયત્ન કરે છે. બજરંગદળ ધર્મ, રાષ્ટ્ર અને સમાજની સેવા કરવાનું કામ કરે છે.”

બજરંગદળનો ઇતિહાસ

મુસ્લિમો અને ખ્રિસ્તીઓ પર હુમલા

બજરંગદળનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇન્ડિયા ટુડેના અહેવાલ પ્રમાણે 1 એપ્રિલ, 2022ના રોજ કર્ણાટકના શિવમોગા જિલ્લામાં કથિત રીતે એક મુસ્લિમ મિટ વેપારી પર હુમલા કરવાના આરોપમાં બજરંગદળના પાંચ કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી.

18 જાન્યુઆરી, 2022ના રોજ ગડગ જિલ્લામાં 20 વર્ષીય મુસ્લિમ યુવક પર હુમલામાં બજરંગદળના સભ્યો હોવાનું સામે આવ્યું હતું. આ હુમલામાં મુસ્લિમ શખસનું મોત થયું હતું.

1 એપ્રિલ, 2021ના રોજ બૅંગલુરુમાં બજરંગદળના સભ્યોએ કથિત રીતે એક હિન્દુ યુવતી સાથે સફર કરી રહેલા મુસ્લિમ યુવક પર હુમલો કર્યો હતો. પોલીસે આ મામલે બજરંગદળના ચાર કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી.

સપ્ટેમ્બર 2008ના રોજ તટીય કર્ણાટકમાં ચર્ચો પર હુમલા થયા હતા. આ ઘટનાની તપાસ તત્કાલીન મુખ્ય મંત્રી બી. એસ. યેદિયુરપ્પાએ એક સમિતિને સોંપી હતી. 2009માં આ સમિતિએ તેના રિપોર્ટમાં બજરંગદળની સંડોવણી મામલે ઇશારો કર્યો હતો. રિપોર્ટમાં મૅંગલુરુ ક્ષેત્રમાં ચર્ચો પર થયેલા હુમલાની જવાબદારી બજરંગદળના કાર્યકર્તાઓએ લીધી હોવાનો ઉલ્લેખ હતો.

28 નવેમ્બર, 2021ના રોજ બજરંગદળના કાર્યકર્તાઓને બેલૂર ટાઉનમાં ખ્રિસ્તીઓની પ્રાર્થના સભાને અવરોધવાનો પ્રયાસ કર્યો હતો. બજરંગદળના કાર્યકર્તાઓનો આરોપ હતો કે અહીં લોકોનું ધર્મપરિવર્તન કરાવાઈ રહ્યું હતું.

19 મે, 2023ના રોજ મૂડુબેલેમાં એક ખ્રિસ્તી ચર્ચમાં બજરંગદળના કાર્યકર્તાઓએ હુમલો કર્યો હતો. જેમાં સાત લોકો ઘાયલ થયા હતા. બજરંગદળનો આરોપ હતો કે અહીં ધર્મપરિવર્તન કરવામાં આવી રહ્યું હતું.

આ સિવાય 1 જૂન, 2018ના દિવસે બેલ્લારી પોલીસે કથિત રીતે ગેરકાયદેસર ઢોરોને કસાઈખાને લઈ જતા એક શખસની શંકાસ્પદ મોત મામલે બજરંગદળના ત્રણ કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી.

પત્રકાર અને લેખક ધીરેન્દ્ર ઝા લાંબા સમયથી હિન્દુત્વવાદી વિચારધારાની વધતી પકડ પર સંશોધન કરી રહ્યા છે.

તેમના પુસ્તક “શેડો આર્મીઝ ફ્રિંજ ઑર્ગનાઇઝેશન્સ ઍન્ડ ફૂટ સોલ્જર્સ ઑફ હિન્દુત્વ”માં તેઓ લખે છે કે છેલ્લા ત્રણ દાયકાથી ભારતમાં હિન્દુત્વની રાજનીતિ મજબૂત થઈ છે. હિન્દુત્વ બ્રાન્ડ રાજનીતિની નવી દિશા છે અને ન માત્ર ભાજપ પરંતુ તેની સાથે કામ કરતાં અન્ય સંગઠનો પણ મહત્ત્વની ભૂમિકામાં આવી ગયાં છે.

ધીરેન્દ્ર ઝા બીબીસી સંવાદદાતા ફૈસલ મોહમ્મદ સાથે વાતચીતમાં જણાવે છે, “મહદંશે લોકોને આ પસંદ નથી કે વેલેન્ટાઇન ડેના દિવસે કોઈ તેમની સાથે મારપીટ કરે. પબમાં જઈને ઘમાલ કરે અને લોકોને ડરાવે-ધમકાવે.”

તેઓ કહે છે કે લોકો ભાજપને વોટ આપે છે, બજરંગદળને નહીં.

બજરંગદળનો ઇતિહાસ

ગુજરાતમાં પણ બજરંગદળના વિવાદો

બજરંગદળનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમદાવાદમાં ત્રિશુલ દિક્ષાની તૈયારી કરતા બજરંગદળના કાર્યકર્તા

એક સમયે બજરંગદળના નેતા બાબુભાઈ પટેલ કે જે બાબુ બજરંગીના નામે ઓળખાતા હતા. બાબુ બજરંગીએ આખા દેશમાં પહેલી વાર ગુજરાતમાં વેલેન્ટાઇન ડેના દિવસે બગીચામાં સાથે બેઠેલાં યુવક-યુવતીઓ વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું.

તેઓ દર વેલેન્ટાઇન ડેના દિવસે લાઠી લઈને તેમની સેના સાથે નીકળતા હતા અને ઝાડી પાછળ કે વૃક્ષો પાછળ બેઠેલા યુવક-યુવતીઓને ભગાડતા હતા.

રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલે આ વિશે જાણકારી આપતા કહ્યું હતું, “બાબુ બજરંગીએ હિન્દુ યુવતી જો કોઈ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરીને ભાગી જતી ત્યારે તેઓ આવા કપલની પાછળ જતા અને યુવતીને ઘરે પરત લઈને આવતા હતા.”

“તેમના માટે તેમણે એક અલગથી નવચેતન નામનું ટ્રસ્ટ પણ બનાવ્યું હતું. આવી યુવતીનું બ્રેન વૉશ કરવાનું અને તેનું કાઉન્સેલિંગ કરવાનું કામ પણ તેઓ કરતા. તદુપરાંત તેઓ આવી યુવતીનાં ફરી લગ્ન કરી તેમને રિહેબિલેટ કરવાનું કામ પણ કરતા.”

વિવિધ મીડિયા અહેવાલ કહે છે તે પ્રમાણે હાલમાં જ 14 ફેબ્રુઆરી, 2023ના રોજ બજરંગદળના કાર્યકર્તાઓએ ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં વેલેન્ટાઇન ડે મનાવતા યુવક-યુવતીઓને ધમકાવ્યા હતા. આ કાર્યકર્તાઓ હાથમાં લાકડીઓ અને ધોકા લઈને ગાર્ડનમાં પહોંચ્યા હતા.

4 ઑક્ટોબર, 2022ના રોજ નવરાત્રી દરમિયાન સુરતમાં બજરંગદળના કાર્યકર્તાઓએ ગરબાના કાર્યક્રમમાં મુસ્લિમ બાઉન્સરને લઈને હોબાળો કર્યો હતો.

અમદાવાદમાં સિંઘુભવન ખાતે આવેલા એક પાર્ટી પ્લૉટમાં ગરબા રમવા આવેલા એક મુસ્લિમ યુવક પર હુમલો કરવાનો બજરંગદળના કાર્યકર્તા પર આરોપ મુકાયો હતો.

ગુજરાતમાં શાહરુખ ખાનની પઠાણ ફિલ્મના રિલીઝના વિરોધમાં પણ બજરંગદળના કાર્યકર્તાઓ આગળ હતા. તેમણે 4 જાન્યુઆરી, 2023ના રોજ અમદાવાદના આલ્ફા વન મૉલમાં પઠાણ ફિલ્મનો વિરોધ કરતા તોડફોડ પણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે એવું કહ્યું હતું કે દેશની તિજોરી પર પહેલો હક લઘુમતીઓનો છે. બજરંગદળના કાર્યકર્તાઓ તેનો વિરોધ કરી રહ્યા હતા.

26 ડિસેમ્બર, 2022ના રોજ વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં કથિત નમાઝ પઢવાનો એક વીડિયો વાઇરલ થયો હતો. તેના વિરુદ્ધમાં વીએચપી અને બજરંગદળના કાર્યકર્તાઓએ હનુમાનચાલીસાના પાઠ કરતા વાઇસ-ચાન્સેલરની ઑફિસે હોબાળો કર્યો હતો.

21 એપ્રિલ, 2022ના રોજ હિન્દુ તરફી પોસ્ટ મૂકવાના મામલે બજરંગદળના એક કાર્યકર્તા પર સુરતમાં જીવલેણ હુમલો થતા વાતાવરણ તંગ બની ગયું હતું.

આ ઉપરાંત બજરંગદળ દ્વારા કાર્યકર્તાઓને ત્રિશૂલ દીક્ષા આપવા મામલે પણ ગુજરાતમાં વારંવાર વિવાદો થતા રહે છે.

બજરંગદળનો ઇતિહાસ
બજરંગદળનો ઇતિહાસ