ગુજરાતમાં માવઠું થતાં ખેડૂતો ચિંતિત, દિવાળી પર ક્યાં વરસાદ પડી શકે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગુજરાતમાં આ વર્ષે છેક ઉનાળા પહેલાંથી કમોસમી વરસાદ પડી રહ્યો હતો. ચોમાસા પહેલાં રાજ્યમાં બિપરજોય વાવાઝોડાને કારણે ભારે વરસાદ પડ્યો હતો.

ત્યારબાદ શરૂ થયેલા ચોમાસામાં પ્રથમ મહિનામાં જ ગુજરાતમાં અતિભારે વરસાદ પડ્યો હતો.

એક જ મહિનામાં રાજ્યના અમુક વિસ્તારોમાં 100 ટકાથી પણ વધુ વરસાદ વરસી ગયો હતો પરંતુ ત્યારબાદ લગભગ દોઢ મહિના સુધી વરસાદ વરસ્યો ન હતો.

જેના કારણે રાજ્યમાં અનેક વિસ્તારોમાં ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું હતું.

રાજ્યમાં આમ તો ચોમાસાનો વિધિવત અંત થઈ ચૂક્યો છે પરંતુ ગઈ કાલે રાજ્યના અનેક વિસ્તારોમાં ફરીથી વરસાદ વરસ્યો છે.

દિવાળી સમયે ફરી વરસાદ થતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

ગુજરાતમાં ક્યાં વરસ્યો વરસાદ?

ગુજરાતમાં ગઈ કાલે હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી હતી.

હવામાન વિભાગે દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને ગીરસોમનાથ જેવા વિસ્તારોમાં વરસાદની આગાહી કરી હતી.

ગઈ કાલે વીસાવદર, તાલાલા, ગીરના વિસ્તારોમાં એક ઈંચ કરતાં પણ વધુ વરસાદ પડ્યો હતો.

દક્ષિણ ગુજરાતમાં પણ સાપુતારા, ડાંગના કેટલાક વિસ્તારોમાં ગઈ કાલે સાંજથી આજ સવાર સુધીમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો છે.

સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.

રાજ્યમાં દિવાળી સમયે જ માવઠું થતાં અનેક વિસ્તારોમાં ખેડૂતોના પાકને નુકસાન થાય તેવી સંભાવના છે.

હવામાન વિભાગે શું આગાહી કરી?

ગઈ કાલે દિલ્હી-એનસીઆરમાં પણ વરસાદ પડ્યો છે અને વાતાવરણ વાદળછાયું થઈ ગયું છે.

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આજે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સૂકું હવામાન રહેવાની સંભાવના છે.

તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદની સંભાવના રહેલી છે.

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જેમ કે પોરબંદર, વેરાવળ, જૂનાગઢ અને દરિયાકિનારાના વિસ્તારોમાં આજે છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આજે વાદળછાયું અથવા સૂકું વાતાવરણ રહેશે તેવું અનુમાન છે.

ત્યારબાદ આવનારા ચાર-પાંચ દિવસોમાં હવામાન સૂકું રહેશે તેવું હવામાન વિભાગે અનુમાન કર્યું છે.