વડોદરાના સાવલીથી ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેંચતા શું કહ્યું?

ઇમેજ સ્રોત, Ketan Inamdar/FB
મંગળવારે સવારે વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ બપોરે પાછું ખેંચી લીધું હતું.
રાજીનામું આપતા કેતન ઇનામદારે આરોપ લગાવ્યો હતો કે જૂના કાર્યકર્તાઓની પક્ષમાં અવગણના થાય છે.
જોકે બપોરે કેતન ઇનામદારે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી સાથે મીડિયા સમક્ષ વાત કરતાં કહ્યું , 'મેં મારું રાજીનામું પરત ખેંચ્યું છે. મારી વાત મારા અંતરઆત્માના અવાજની અને જૂના કાર્યકર્તાઓના માનની હતી જે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલને જણાવી દીધી છે. તેઓ તેનું નિરાકરણ લાવ્યા છે.'
તેમણે કહ્યું કે, "જ્યારે મારા રાજીનામાની વાત પ્રદેશના મોવડીઓ, મુખ્ય મંત્રીથી લઈને પ્રભારી મંત્રીઓને અને અમારા આગેવાનોને થઈ ત્યારે મને એમણે મારા અંતરઆત્માની વાત પૂછી. મેં તેમને મારી વેદના કહી."
તેમણે કહ્યું કે તેમને પક્ષમાંથી સકારાત્મક જવાબ મળ્યો છે અને તેમને સમસ્યાનું નિરાકરણ લાવવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે.
અગાઉ વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને તેમણે કરેલા ઇમેલમાં 'અંતરઆત્માના અવાજને માન' આપીને રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું.
સ્થાનિક મીડિયા સાથે વાત કરતાં ઇનામદારે ભાજપમાં જૂના કાર્યકરોની અવગણના થઈ રહી હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું, "મેં દરેક જગ્યાએ પક્ષમાં મારી વાત મૂકી હતી. ભાજપ પક્ષ કાર્યકર્તાઓ થકી જ મજબૂત બન્યો છે. તો આટલા જૂના કાર્યકર્તાઓની પક્ષમાં અવગણના કેમ થાય છે?"
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આ અવાજ એકલો કેતન ઇનામદારનો અવાજ નથી, ભાજપના તમામ જૂના કાર્યકર્તાઓનો અવાજ છે. ભાજપનો પરિવાર મોટો થાય એ સારી વાત છે પણ પક્ષના જૂના કાર્યકર્તાઓએ જે ભોગ આપ્યો છે તેની અવગણના થાય છે એ બરાબર નથી.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે ભાજપ પક્ષ પહેલેથી જ મજબૂત છે, અન્ય પક્ષના નેતાઓ આવે અને તેનાથી એ મજબૂત થાય એ સંપૂર્ણ સત્ય નથી.
આ પહેલાં વડોદરાનાં પૂર્વ મેયર જ્યોતિબહેન પંડ્યાએ પણ રાજીનામું આપ્યું હતું અને તેમણે વડોદરા લોકસભાની બેઠક પર રંજનબહેન ભટ્ટને ટિકિટ મળતાં અણગમો વ્યક્ત કર્યો હતો.
જોકે, કેતન ઇનામદારે એ વાતને નકારી હતી કે તેમને રંજનબહેન ભટ્ટને ટિકિટ મળી તેની સામે વાંધો છે. તેમણે રંજનબહેન ભટ્ટને સંપૂર્ણ સમર્થન આપવાની વાત કહી હતી.
કનુભાઈ કળસરિયાએ કહ્યું, ‘ભાજપમાં જવા માટે મારું મન માનતું નથી’

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/AFP VIA GETTY IMAGES
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
છેલ્લા કેટલાક દિવસોથી મહુવાના પૂર્વ ધારાસભ્ય ડૉ. કનુભાઈ કળસરિયા ભાજપમાં જોડાશે એવી ચર્ચાઓ સતત ચાલી રહી હતી.
જોકે, સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર તેમણે ખુદ આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે.
સોશિયલ મીડિયા પર તેમણે તળાજાના મણાર ગામની સભામાં કરેલું નિવેદન વાઇરલ થઈ રહ્યું છે.
આ સભામાં તેઓ કહે છે કે, “ભાજપના મોટા નેતાઓ મારા ઘરે આવીને વાટાઘાટો કરી ગયા છે. અત્યારનો માહોલ એવો છે કે લોકો મને કહી રહ્યા છે કે આવો મોકો મળે તો જતો ન કરાય. પણ મારું મન પહેલાં પણ માનતું ન હતું, અત્યારે પણ માનતું નથી અને ભવિષ્યમાં પણ માનશે નહીં. જો ખેડૂતોનું ભલું થવાની શક્યતા હોત તો મેં હજુ પણ જવાનું વિચાર્યું હોત.”
તેમણે કહ્યું હતું કે, “બધા પક્ષોમાં હું જઈને આવ્યો. મને એમ હતું કે કોઇક પક્ષમાં કંઇક સારું હશે. પણ બહારથી સારું દેખાય, અંદર જઈએ તો બધા સરખા લાગે.”
અહીં ઉલ્લેખનીય છે કે કનુભાઈ કળસરિયા ઘણા લાંબા સમય સુધી ભાજપના સભ્ય રહ્યા છે અને 1998માં તેઓ ભાવનગર હેઠળ આવતી મહુવા વિધાનસભા બેઠક પરથી પ્રથમ વખત ચૂંટાયા હતા.
ત્યારબાદ 2002 અને 2007માં પણ તેમને ભાજપની ટિકિટ મળી હતી અને તેઓ ચૂંટાયા હતા. બંને વખતે તેમને સારી સરસાઈથી જીત મળી હતી.
પછી તેઓ આમ આદમી પાર્ટીમાં અને કૉંગ્રેસમાં પણ જોડાયા હતા. ભાવનગર બેઠક પરથી તેઓ આપના ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણી પણ લડી ચૂક્યા છે. કૉંગ્રેસમાંથી તેમણે થોડા સમય પહેલા જ રાજીનામું આપ્યું હતું.
મોદી સરકારના મંત્રીમંડળમાંથી પશુપતિકુમાર પારસનું રાજીનામું

ઇમેજ સ્રોત, ANI
બિહારમાં લોકસભા ચૂંટણીને લઇને બેઠકોની વહેંચણીમાં એક પણ સીટ ન મળવાને કારણે નારાજ કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રી પશુપતિકુમાર પારસે મંત્રીપદેથી રાજીનામું આપી દીધું છે.
તેમણે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, “વ્યક્તિગત રૂપે મારી સાથે અન્યાય થયો છે. જેના કારણે હું ભારત સરકારના મંત્રીપદેથી રાજીનામું આપું છું.”
જોકે, તેમણે કહ્યું હતું કે પીએમ મોદી આજે પણ એક મોટા નેતા છે, પરંતુ વ્યક્તિગત રૂપે મારી સાથે અન્યાય થયો છે. તેના કારણે હું રાજીનામું આપું છું.
તેઓ હવે આગળ શું કરશે તે અંગે તેમણે માહિતી આપી નથી.
આરજેડી નેતા શિવાનંદ તિવારીએ કહ્યું કે, “પશુપતિકુમાર પારસને એ ખોટી ધારણા હતી કે તેઓ રામવિલાસ પાસવાનના ઉત્તરાધિકારી છે, પરંતુ તેમને ખ્યાલ હોવો જોઈએ કે ઉત્તરાધિકારી પુત્ર હોય છે, ભાઈ નહીં.”
બિહારના ઉપમુખ્યમંત્રી વિજયકુમાર સિંહાએ કહ્યું કે, “પશુપતિ પારસે રાહ જોવી જોઇએ. એનડીએ તેમનું સન્માન જાળવશે.”
અહીં ઉલ્લેખનીય છે કે એનડીએ ગઠબંધન હેઠળ ભાજપે બિહારની 40માંથી પાંચ બેઠકો ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટીને લડવા આપી છે પરંતુ પશુપતિકુમાર પારસને એકપણ બેઠક આપી નથી.
પશુપતિ પારસ રામવિલાસ પાસવાનના પક્ષ લોક જનશક્તિ પાર્ટીમાં હતા પરંતુ પછી ચિરાગ પાસવાન સાથે ખટરાગ થતા તેમણે રાષ્ટ્રીય લોક જનશક્તિ પક્ષ બનાવ્યો હતો અને એનડીએમાં જોડાઈ ગયા હતા. જોકે, પછીથી ચિરાગ પાસવાન પણ એનડીએમાં જોડાઈ ગયા હતા.
રોહિત શર્માની જગ્યા લીધા બાદ હાર્દિક પંડ્યાએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
મુંબઈ ઈન્ડિયન્સના નવા કૅપ્ટન હાર્દિક પંડ્યાએ પહેલીવાર પોતાની કૅપ્ટનશિપ પર મૌન તોડ્યું છે.
હાર્દિક પંડ્યાએ ટીમની પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે, “મારી અને મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ કૅપ્ટન રોહિત શર્મા વચ્ચે કોઈ અસહજતાની ભાવના હશે તેવું લાગતું નથી.”
ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન રોહિત શર્મા આઇપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમની કૅપ્ટનશિપ કરી રહ્યા હતા.
આ સિઝનમાં આ જવાબદારી હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી છે, જેઓ ગુજરાત ટાઇટન્સના કૅપ્ટન હતા. એટલે કે, હાર્દિક પંડ્યા રોહિત શર્માની જગ્યા લેવા જઈ રહ્યા છે, જેને લઈને અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી હતી.
આ તમામ ઊઠી રહેલા પ્રશ્નો પર પોતાનું મૌન તોડતા પંડ્યાએ કહ્યું હતું કે આમાં કોઈ નવી વાત નથી કારણ કે રોહિત શર્મા તેની મદદ માટે હંમેશાં હાજર રહેશે.
તેમણે કહ્યું, "રોહિત શર્મા ભારતીય ટીમના કૅપ્ટન છે, જે મારા માટે મદદરૂપ સાબિત થશે. આ ટીમે જે કંઈ હાંસલ કર્યું છે તે તેમની કૅપ્ટનશિપમાં જ મળ્યું છે, હું તો માત્ર તેને આગળ લઈ જઈ શકું છું. મેં મારી આખી કારકિર્દી તેમની કૅપ્ટનશિપમાં રમી છે અને હું જાણું છું કે તેઓ હંમેશાં મારા માટે ઉભા રહેશે."
રશિયામાં પુતિનની જીત વિશે પશ્ચિમી દેશોએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
રશિયા સાથે ક્રાઇમિયાના જોડાણને 10 વર્ષ પૂરા થયાની ઉજવણીમાં ભાગ લઈ રહેલા રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ઘટનાને બિરદાવી હતી.
તેમણે કહ્યું હતું કે ક્રાઇમિયા રશિયા સાથે જોડાયું અને પછી રશિયા સાથે હાથમાં હાથ પરોવીને આગળ વધી રહ્યું છે.
પુતિન મૉસ્કોના રેડ સ્ક્વેર ખાતે ચૂંટણીમાં જીત મળ્યા બાદ હજારો લોકોને સંબોધી રહ્યા હતા. જોકે, આ ચૂંટણીની પશ્ચિમી દેશોની સરકારોએ નિંદા કરી હતી.
યુનાઇટેડ કિંગડમના વિદેશ સચિવ લૉર્ડ કૅમેરોને કહ્યું હતું કે, “એવી ચૂંટણી કે જેમાં વિપક્ષના સભ્યોને ચૂંટણીમાં ભાગ જ ન લેવા દેવામાં આવ્યો હોય એ દર્શાવે છે કે પુતિનના શાસનમાં લોકોને કઈ રીતે દબાવવામાં આવી રહ્યા છે.”
તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે યુક્રેનના કબ્જે કરેલા ભાગમાં પણ ચૂંટણીઓનું રશિયાએ આયોજન કર્યું હતું જે ખુલ્લેઆમ યુએનના ચાર્ટર અને યુક્રેનની સંપ્રભુતાનું ઉલ્લંઘન છે.
જર્મનીએ આ ચૂંટણીને ‘સ્યૂડો ઇલેક્શન’ ગણાવી હતી તો અમેરિકાએ તેને ‘અપારદર્શી’ ગણાવી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે ક્રાઇમિયાના આ દ્વીપકલ્પને રશિયા સાથે 2014માં જોડવામાં આવ્યો હતો. આ ઘટના યુક્રેન પર રશિયાના સંપૂર્ણ આક્રમણ અને તેના ડૉનેત્સ્ક, લુહાન્સ્ક, ખેરસન અને ઝાપોરિઝિયા પ્રદેશોને જપ્ત કર્યાના આઠ વર્ષ પહેલા બની હતી.
પુતિને કહ્યું હતું કે આ ચાર પ્રદેશોનું રશિયા સાથેનું જોડાણ એ ક્રાઇમિયાના જોડાણ કરતાં પણ વધુ પીડાદાયક નીવડ્યું છે.












