You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાન આર્મીને ‘આતંકી’ કહેનારાં વકીલ ઇમાન મઝારી-હાઝીર કોણ છે?
- લેેખક, ફરહત જાવેદ
- પદ, બીબીસી ઉર્દૂ
પાકિસ્તાનમાં આર્મીને ‘આતંકી’ કહેનારાં અગ્રણી માનવાધિકાર કાર્યકર્તા ઇમાન મઝારી-હાઝીરની ફરી વાર ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે તેમને જામીન પર મુક્ત કર્યા બાદ ફરી તેમની ધરપકડ કરવામાં આવી છે.
સોમવારે રાત્રે ઇમાન મઝારી-હાઝીર જામીન પર મુક્ત થવાનાં હતાં, પરંતુ એ પહેલા જ ફરીથી એક બીજા ટેરરિઝમ કેસમાં તેમની અટકાયત કરી લેવાઈ.
એક સપ્તાહ પહેલાં તેમને અટકાયતમાં લેવાયાં હતાં. કેમકે, તેમના નિવેદનની વ્યાપકપણે ટીકા થઈ હતી.
પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની ધરપકડ પછી ટોળાંએ મે મહિનામાં મિલિટરી ઠેકાણાં પર જઈને વિરોધપ્રદર્શનો યોજ્યાં બાદ કાર્યવાહી કડક કરી દેવાઈ હોવાનું નિષ્ણાતો માને છે.
વરિષ્ઠ પત્રકાર સિરીલ અલમેડાએ બીબીસીને જણાવ્યું, “9મેની ઘટના સામે કંઈક વધારે પડતી જ પ્રતિક્રિયા જોવા મળી હતી, અને મિલિટરી સત્તાધિશો એ જરાય નથી ઇચ્છતા કે, ઇમરાન ખાનની પાકિસ્તાન તહેરીક-એ-ઇન્સાફ પાર્ટી મામલે વધુ ધ્યાન આપી રહી છે એવું દેખાય. આથી હવે તેઓ સમાજના અન્ય લોકોને પણ ટાર્ગેટ કરી રહ્યા છે."
મઝારી-હાઝીર સામેના બીજા કેસનો આધાર હજુ સુધી સ્પષ્ટ નથી. વીડિયોમાં દેખાય છે કે ઇસ્લામાબાદમાં આદિયાલા જેલ બહારથી તેમની ધરપકડ થઈ રહી છે. અહીં તેઓ જ્યુડિશિયલ રિમાન્ડ પર હતાં.
તેમના વકીલ ઝૈનબ જુનેજાએ કહ્યું કે પોલીસે ફરિયાદની કૉપી અથવા ધરપકડ માટેનું વૉરંટ પણ નથી આપ્યું.
તેમણે બીબીસીને કહ્યું, “તેમણે અમને માત્ર એટલું જ કહ્યું કે તેમની સામે એક બીજા પોલીસ સ્ટેશનમાં પણ કેસ છે. પોલીસ તેમને 24 કલાકમાં કોર્ટમાં હાજર કરશે. અમને નથી ખબર તેમની કયા કેસમાં ધરપકડ થઈ છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મઝારીએ શું કહ્યું હતું?
તાજેતરનાં સપ્તાહોમાં પીટીઆઈ પાર્ટીના કેટલાક સભ્યો જેમને જામીન મળ્યા હતા, તેમની પણ ફરી ધરપકડ થઈ હતી.
ઇસ્લામાબાદમાં 18મી ઑગસ્ટે માનવાધિકાર જૂથ પશ્તૂન તહાફૂઝ મૂવમૅન્ટની રેલીના બે દિવસ પછી મઝારીની ધરપકડ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં તેઓ ભાષણ આપતાં જોવા મળે છે. જેમાં તેઓ પાકિસ્તાનના સૈન્ય પર અપહરણના આરોપો લગાવી તેની ભારે ટીકા કરે છે. જોકે આર્મીએ આ આરોપોનું ખંડન કર્યું છે.
તેમણે રેલીમાં કહ્યું હતું, “તમને એવી રીતે રોકવામાં આવે છે, જાણે કે તમે આતંકવાદી છો, પણ આતંકવાદી તો (પાકિસ્તાનના લશ્કરી વડામથક) જીએચક્યૂમાં બેઠા છે.”
તેમને કસ્ટડીમાં લેવાયાં તે પૂર્વે તેમણે ટ્વિટર (ઍક્સ પ્લૅટફૉર્મ) પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે કોઈ અજાણી વ્યક્તિએ તેમના ઘરના સુરક્ષા કૅમેરા તોડી નાખ્યા છે અને ઘરનો દરવાજો કૂદીને અંદર આવ્યા છે.
તેમનાં માતા શીરિન મઝારીનો આક્ષેપ છે કે સુરક્ષા અધિકારીઓએ કાયદાની પ્રક્રિયાનો છેદ ઉડાવી દીધો છે.
ઇમરાન ખાન સરકારમાં શીરિન મઝારી માનવાધિકાર મંત્રાલયનાં મંત્રી રહી ચૂક્યાં છે. તેમણે ટ્વિટર પર પોસ્ટ કરી હતી કે પોલીસ તેમના ઘરમાં ઘૂસી ગઈ અને તેમની દીકરીના રૂમમાં તોડફોડ કરી. ફોન તથા લેપટોપ લઈ લીધાં અને બળજબરીથી તેને દૂર લઈ ગયા.
બીજા દિવસે બીબીસીએ કહ્યું, “તેમણે તેણે પહેરેલો નાઇટ ડ્રેસ પણ બદલવા ન દીધો.”
પીટીએમ જૂથના સહસ્થાપક અલી વઝીર તથા પૂર્વ ધારાશાસ્ત્રીની પણ ઇસ્લામાબાદમાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
બાદમાં તે બંનેને રાજદ્રોહ અને આતંકવાદી સંબંધિત કાયદા હેઠળ આતંકવિરોધી કોર્ટમાં હાજર કરાયાં હતાં. પોલીસે તેમની સામે દેશવિરોધી કુપ્રચાર કરવાના આરોપ લગાવ્યા છે.
જેલમાં લઈ જવાતાં પહેલાં મઝારીનાં માતા તેમની તરફ ધસી જઈને તેમને ભેટતાં નજરે પડ્યાં હતાં.
‘નિંદ્ય કૃત્ય’
સૂચના પ્રસારણ મંત્રાલયના મંત્રી મુર્તઝા સોલાંગીએ બીબીસીને જણાવ્યું કે, મઝારીનું ભાષણ ‘નિંદનિય કૃત્ય’ હતું.
“હું આવા ભાષણનાં પરિણામો પણ કલ્પી ન શકું. પાકિસ્તાન એક ન્યુક્લિયર પાવર ધરાવતો દેશ છે. તમે એવું કેવી રીતે કહી શકો કે આર્મીના ચીફ કે કમાન્ડર જે હેડક્વાર્ટરમાં બેઠા છે, તેઓ આતંકવાદી ગતિવિધિમાં સામેલ છે?”
પરંતુ ઘણા નિરીક્ષકો માને છે કે, આર્મીની ટીકા કરતા અવાજોને ડામવાના મોટા અભિયાનના ભાગરૂપે આવી ધરપકડો કરવામાં આવી રહી છે.
હ્યુમન રાઇટ્સ વૉચે તેના નિવેદનમાં ગત ગુરુવારે આ ધરપકડને અવાજ કે વિરોધ ડામવાનું પગલું ગણાવ્યું હતું અને નિર્ધારિત કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન થાય એ વાત પર ભાર મૂક્યો હતો.
તેમાં એવું પણ કહ્યું છે કે, “પાકિસ્તાની સરકાર ઇમાન મઝારી અને અન્યોને પકડવા માટે આંતકવિરોધી કાયદાનો ઉપયોગ કરી રહી છે. વિરોધ ડામવા માટે તેઓ આ કાયદાનો દુરુપયોગ કરી રહ્યા છે. સરકારે નિર્ધારિત પ્રક્રિયાઓનું પાલન કરવું જોઈએ.”
સોશિયલ મીડિયા પર પણ યુઝર્સે તીવ્ર પ્રતિક્રિયાઓ આપી છે.
નિદા કિરમાણી જેઓ માનવાધિકાર કાર્યકર્તા અને સમાજશાસ્ત્રનાં પ્રોફેસર છે તેમણે આ ધરપકડને એક ‘અત્યંત કડક પગલું’ ગણાવ્યું છે.
તેમણે કહ્યું કે, “મઝારી અને વઝીર બંનેએ વાણી સ્વાતંત્ર્યનો ઉપયોગ કર્યો હોવાથી તેમને અયોગ્ય રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે.”
તેમણે બીબીસીને કહ્યું, “મને જરા પણ આશ્ચર્ય નથી થયું.” મઝારને જામીન મળ્યા પછી તરત જ ફરી ધરપકડ થઈ એ વિશે તેઓ કહી રહ્યાં હતાં.
“સુરક્ષાની દૃષ્ટિએ અતિરેક કરતી સરકાર ખૂબ જ પાગલ થઈ ગઈ છે અને હાલ અસુરક્ષિત અનુભવી રહી છે. જેથી તેઓ માનવાધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. વિરોધ માટેની સહિષ્ણુતા પહેલાથી જ ઓછી છે જે હવે તો અસ્તિત્ત્વમાં જ નથી.”
અલમેડા કહે છે કે પાકિસ્તાનમાં હાલ સ્થિતિ પહેલાં કરતાં ખૂબ જ વિકટ છે.
અન્યોની જેમ તેઓ પણ માને છે કે બલૂચિસ્તાન પ્રાંત અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રશાસિત ટ્રાઇબલ વિસ્તારોમાં વિરોધ (પ્રતિકાર)ને ડામવા જે યુક્તિઓ અજમાવવામાં આવે છે એનો હવે શહેરોમાં પણ ઉપયોગ થઈ રહ્યો છે.
પાકિસ્તાનની રાજનીતિમાં છેલ્લાં બે વર્ષ અત્યંત સંકટગ્રસ્ત રહ્યાં છે. તેમાં આર્થિક અસ્થિરતા તથા વધતાં સુરક્ષા જોખમો પણ જોવાં મળ્યાં.
આ સંકટો વચ્ચે સ્થિરતા સામે તેઓ મીટ માંડીને બેઠાં છે. પરંતુ પાનખર (શિયાળા)માં ચૂંટણીઓ આવવાની હતી તે હવે મોકૂફ રહે એવી શક્યતા દેખાઈ રહી છે. જેથી પાકિસ્તાનના લોકતંત્રના ભાવિ વિશે ઘણા લોકોને ચિંતા છે.