રાજકોટના ચકચારી દિનેશ દક્ષિણી હત્યા કેસમાં ઉદ્યોગપતિ સમીર શાહ સહિત ત્રણને આજીવન કેદ, સરકારે કેવી રીતે કેસ પુરવાર કર્યો?

    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુરુવારે રાજકોટની ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ કોર્ટે 2016માં અમદાવાદના દિનેશ દક્ષિણીની થયેલ હત્યાના કેસમાં પોલીસ અધિકારી યોગેશકુમાર ભટ્ટ, રાજકોટના ઉદ્યોગપતિ સમીર શાહ અને શાહની ઑઇલ મીલના ચોકીદાર ક્રિપાલસિંહ ચુડાસમાને અપહરણ અને હત્યાના દોષી ઠેરવી જનમટીપની સજા કરી હતી.

જોકે, કોર્ટે સમીર શાહની ઑઇલ મીલના મૅનેજર સમીર ગાંધીને તાજના સાક્ષી બની ફરિયાદપક્ષના કેસને સમર્થન આપી મદદ કરવા બદલ માફી આપી દઈ છોડી મૂક્યા છે.

આ ઉપરાંત આ કેસના અન્ય પાંચ આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુક્યા છે.

રાજકોટના સેશન્સ જજ સંજીવકમલ શર્માની કોર્ટે ગુરુવારે ચુકાદો સંભળાવતા શાહ, ભટ્ટ અને ચુડાસમાને ભારતીય દંડ સંહિતાની કલમ 120-B(ગુનાહિત કાવતરું), 302(હત્યા), 364(કોઈ વ્યક્તિની હત્યા કરવાના ઇરાદે કરાયેલ અપહરણ), 341(કોઈને ગેરકાયદેસર ગોંધી રાખવું), 34(સમાન ઇરાદો પાર પાડવા અનેક વ્યક્તિઓએ આચરેલ કૃત્ય) વગેરે કલમો અંતર્ગત દોષિત જાહેર કર્યા.

કોર્ટે આ ત્રણેય દોષિતોને આજીવન કારાવાસની સજા કરવા ઉપરાંત દરેકને રૂપિયા 51,100નો દંડ પણ કર્યો.

નોંધનીય છે કે સમીર શાહ રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ છે અને રાજકોટની જાણીતી એવી રાજમોતી ઑઇલ ઇન્ડસ્ટ્રીઝના માલિક છે. રાજમોતી ઑઇલ ઇન્ડસ્ટ્રીઝ રાજકોટના ભાવનગર રોડ પર ઑઇલ મીલ ચલાવે છે અને રાજમોતી બ્રાન્ડ હેઠળ સિંગતેલનું વેચાણ કરે છે.

જયારે દિનેશ દક્ષિણીની 1 માર્ચ 2016ના રોજ હત્યા કરાઈ ત્યારે શાહ સૌરાષ્ટ્ર ઑઇલ મિલ્સ ઍસોસિયેશન(સોમા)ના પ્રમુખ પણ હતા. એ ઉપરાંત, તેઓ રાજકોટ ચૅમ્બર ઑફ કૉમેર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ પણ હતા.

શાહ સિવાયના અન્ય દોષિત યોગેશ ભટ્ટ ગુનો બન્યો એ વખતે ગુજરાત પોલીસમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરપદે(એએસઆઈ) હતા અને રાજકોટના 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનની બેડીપરા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા હતા.

ક્રિપાલસિંહ રાજમોતી ઑઇલ મીલ ખાતે ચોકીદાર તરીકે ફરજ બજાવતા હતા.

ઉદ્યોગપતિ, પોલીસ અધિકારી, ચોકીદારના હાથ કઈ રીતે લોહીથી ખરડાયા

સરકાર તરફે કોર્ટમાં પુરવાર કરાયલે કેસની વિગત અનુસાર 40 વર્ષના દિનેશ દક્ષિણી રાજમોતી ઑઇલ ઇન્ડસ્ટ્રીઝના અમદાવાદમાં કાલુપુર ખાતે આવેલ ડેપોના મૅનેજર હતા.

સરકારના કેસની વિગતો અનુસાર સમીર શાહના કહેવાથી રાજમોતી ઇન્ડસ્ટ્રીઝના હિસાબ વિભાગના મૅનેજર સમીર ગાંધી અને ચુડાસમા ગાંધીની કાર લઈ 28 ફેબ્રુઆરી, 2016ના રોજ અમદાવાદ રાજમોતી ઇન્ડસ્ટ્રીઝના કાલુપુર ખાતેના ડેપોએ ગયા.

તે વખતે ત્યાંના કર્મચારી ધર્મેન્દ્રભાઈ પટેલ, ત્રીકેસભાઈ ગુજ્જર અને કૈલાશભાઈ મારવાડી હાજર હતા.

આ ત્રણેય કર્મચારીઓને સાથે લઈ ગાંધી અને ચુડાસમા રાત્રે નવ વાગ્યાની આસપાસ દક્ષિણીના ઘરે પહોંચી ગયા જ્યાં ગાંધીએ દક્ષિણીને ધમકાવી, માર મારી રાજમોતી ઇન્ડસ્ટ્રીઝ સાથે છેતરપિંડી કરી હોવાનું લખાણ લખાવી લઈ તેમની કારમાં બેસાડી અપહરણ કરી રાજકોટ લઈ આવ્યા.

ફરિયાદપક્ષના કેસ અનુસાર આરોપીઓએ દક્ષિણીને રાજમોતી ઑઇલ મીલના એક ઓરડામાં ગોંધી રાખ્યા અને પૈસા કઢાવવા માટે સમીર શાહના કહેવાથી બૅઝબૉલની બૅટ વડે માર માર્યો. સંતોષકારક જવાબ ન મળતાં આરોપીઓ 01 માર્ચ, 2016ની સાંજે દક્ષિણીને ભાવનગર રોડ પર જ આવેલ બેડીપરા પોલીસ ચોકીએ લઈ ગયા, જ્યાં એએસઆઈ ભટ્ટે દક્ષિણી પાસેથી પૈસા કઢાવી આપવાના બદલામાં શાહ પાસેથી પાંચ લાખ રૂપિયા માંગ્યા અને દક્ષિણીને નેતરની સોટી વડે માર માર્યો.

દરમિયાન, દક્ષિણી પોલીસ ચોકીમાં જ બેભાન થઈ ઢળી પડતાં આરોપીઓ રાજમોતી ઑઇલ મિલમાંથી એક 'છોટા હાથી' લઈ આવ્યા અને પોલીસ ચોકીના અધિકારી એમ.સી. મારુના કહેવાથી દક્ષિણીને નજીકમાં આવેલ રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં ખસેડ્યા. પરંતુ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

મૃત્યુના બીજા દિવસે કરાયેલ પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં ખૂલ્યું કે દક્ષિણીના શરીર પર 47 ઇજાનાં નિશાન હતાં અને તેમનું મૃત્યુ ઈજાઓના કારણે લાગેલ આઘાત અને હેમરેજના કારણે થયું હતું.

દક્ષિણીના સાળા અશોકકુમાર ઠક્કરે આપેલ ફરિયાદના આધારે પોલીસે શાહ, ગાંધી, મારુ અને ભટ્ટ વિરુદ્ધ દક્ષિણીનું અપહરણ કરી, ગોંધી રાખી હત્યા કરવાનો ગુનો નોંધ્યો. આ કેસની તાપસ રાજકોટના પૂર્વ ઝોનના મદદનીશ પોલીસ કમિશનર બન્નો જોશીને સોંપાઈ હતી.

65-70 લાખની ઉઘરાણીમાં હત્યા

સરકારના કેસ અનુસાર દક્ષિણીએ રાજમોતી ઇન્ડસ્ટ્રીઝના કાલુપુર ડેપો ખાતેના વેપારના 65થી 70 લાખ રૂપિયા રાજમોતી ઇન્ડસ્ટ્રીઝને ન આપતા પોતાના અંગત ઉપયોગમાં લીધા હતા.

આ બાબતની જાણ સમીર શાહને થતા પૈસાની ઉઘરાણી કરવા માટે દક્ષિણીને રાજકોટ લઈ આવવા માટે તેમણે ગાંધી અને ચુડાસમાને અમદાવાદ મોકલ્યા. ચુકાદામાં ટાંક્યા અનુસાર દક્ષિણીનાં પત્ની પુષ્પાબહેન દક્ષિણીએ કોર્ટમાં જુબાની આપતાં કહ્યું કે 01 માર્ચ 2016ના સાંજે સાત વાગ્યે ગાંધીએ તેમને ફોન કરી તેમના પતિ સાથે વાત કરાવતા તેમના પતિએ કહેલું કે :

"સમીર ગાંધી, સમીરભાઈ શાહ તથા તેમના માણસો રાજકોટ મીલમાં મને બહુ જ મારે છે અને મને બેડીપરા પોલીસ ચોકીમાં પણ લઈ ગયા અને ત્યાં પણ મને પોલીસવાળા ખૂબ મારે છે. મને પોલીસ સ્ટેશને સમીરભાઈ ગાંધી લઈ ગયા છે, મને જાતે પૈસાની સગવડ કરવા અને કે ભાઈ કે મમ્મી-પપ્પા પાસેથી પૈસની સગવડ કરી આપવા કહ્યું છે, જો પૈસા નહીં ચૂકવવાની સ્થિતિમાં આ લોકો મને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે."

કેસની વિગત અનુસાર દક્ષિણીએ અગાઉ પણ રાજમોતી ઇન્ડસ્ટ્રીઇઝનાં નાણાંની ઉચાપત કર્યાનો શાહે આક્ષેપ કર્યો હતો, પરંતુ તેમને નોકરીમાં ચાલુ રાખી તેમના પગારમાંથી આ નાણાં વસૂલવાનું ચાલુ કર્યું હતું.

મહિનાઓ પછી શાહ, ભટ્ટ પકડાયા

ખૂનનો ગુનો નોંધાતા પોલીસે સમીર ગાંધીની 03 માર્ચ, 2016ના રોજ જ ધરપકડ કરી લીધી હતી. પરંતુ દક્ષિણીની હત્યા કરવાના ગુનામાં સમીર શાહનું પણ નામ આવતા મીલમાલિક શાહ ભૂગર્ભમાં ઊતરી ગયા હતા.

એ દરમિયાન તેમણે આગોતરા જમીનની અરજી કરી હતી. પરંતુ રાજકોટ શહેર પોલીસે છેવટે 13 મે, 2016ના રોજ તેમને રાજસ્થાનના જયપુરની એક હોટલમાંથી ઝડપી પડ્યા હતા.

તે બાદ 17 મે, 2016ના રોજ ચુડાસમાની પણ મોરબી રોડ પરથી ધરપકડ કરાઈ હતી.

તેના બે દિવસ બાદ ભટ્ટની પણ રાજકોટના ગ્રીનલૅન્ડ ચોકડી પરથી ધરપકડ કરાઈ હતી.

જોકે શાહ, ગાંધી અને ચુડાસમાને પાછળથી જામીન મળી ગયા હતા. પરંતુ, ભટ્ટ કેસની સુનાવણી ચાલી રહી હતી એ દરમિયાન જેલમાં જ હતા.

પોલીસે મારુ સામે પુરાવા ન હોવાનું દર્શાવી કોર્ટમાં તેમની વિરુદ્ધ આરોપનામું દાખલ કર્યું નહોતું. જયારે સમીર શાહ, સમીર ગાંધી, ક્રિપાલસિંહ ચુડાસમા, સંદીપકુમાર ગાંધી અને તેમના પિતા કીર્તિકુમાર શાંતિલાલ ગાંધી, ધર્મેન્દ્રભાઈ પટેલ, ત્રીકેશભાઈ ગુજ્જર, વિજયકુમાર સીંધવ તેમજ કૈલાશભાઈ મારવાડી વિરુદ્ધ આરોપનામું દાખલ કર્યું હતું.

કોર્ટમાં કેસ પેન્ડિંગ હતો તે દરમિયાન કિર્તીકુમારનું અવસાન થતાં તેમની સામે કાર્યવાહી પડતી મુકાઈ હતી.

સરકાર કેવી રીતે કેસ પુરવાર કરી શકી?

સરકારે કેસ પુરવાર કરવા 36 સાક્ષી અને 56 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. સરકારે આ કેસમાં દલીલ કરવા અમદાવાદના વકીલ ચેતન શાહને ખાસ સરકારી વકીલ તરીકે નીમ્યા.

કેસની સુનાવણી દરમિયાન પુષ્પાબહેન અને તેમના દીકરાએ આરોપીને ઓળખી બતાવ્યા. તેવી જ રીતે રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં દક્ષિણીનું પોસ્ટમૉર્ટમ કરનાર ડૉક્ટરોની ટીમનાં વડાં એવાં ડૉક્ટર હેતલ ક્યાડાએ કોર્ટને કહ્યું હતું કે દક્ષિણીના શરીર પર થયેલ ઈજાનાં નિશાન બૅઝબૉલના બૅટ જેવા બુઠ્ઠા હથિયારથી થઈ શકે છે અને તેવી ઈજાઓ માણસનું મૃત્યુ નિપજાવી શકે છે.

તેથી કોર્ટે માન્યું કે દક્ષિણીનું મૃત્યુ કુદરતી ન હતું, પરંતુ એક હત્યા હતી.

દરમિયાન 2022માં જેલમાં રહેલ સમીર ગાંધીએ તાજના સાક્ષી બનવા કોર્ટમાં અરજી કરી અને કોર્ટે તે ગ્રાહ્ય રાખી.

કોર્ટે ચુકાદામાં નોંધ્યું કે આવા પ્રકારના કેસમાં સામાન્ય રીતે આરોપીઓ નજરે જોનાર સાક્ષીઓ રહેવા દેતા નથી અને તેવા સંજોગોમાં તાજના સાક્ષીની જુબાની મહત્ત્વની બની રહે છે.

"ખાસ કરીને આ પ્રકારના કેસોમાં જ્યારે નજરે જોનાર સાક્ષી રહે નહીં તે માટેની પૂરતી તકેદારી આ પ્રકારનાં ગુનાઇત કૃત્ય કરનાર ગુનેગારો રાખતા હોય છે અને આ કેસમાં પણ એ પ્રકારનો પ્રયાસ થયેલો છે. આવા સંજોગોમાં કાયદાની જોગવાઈઓ અનુસાર. તાજના સાહેદની ભૂમિકા ગુનો પુરવાર કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે અને આ કેસમાં પણ આરોપી સમીર ઈશ્વરલાલ ગાંધીએ તેમને થયેલ પશ્ચાતાપ બાદ સદરહુ કામે આંક-290 વાળી અરજી નામદાર કોર્ટમાં રજૂ કરી ગુના બાબતે સત્ય હકીકતો રજૂ કરી હતી."

"ગાંધીની અરજી નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખી અને અચાનક તાજના સાક્ષી બનવા પાછળનું કારણ પૂછતાં આરોપીએ પોતે પાંચ વર્ષથી જેલમાં હતા, જ્યાં તેમણે ઘણાં ધાર્મિક પુસ્તકો વાંચ્યાં. તેમને તેમના કરેલા ગુના બાબતે અફસોસ, દુઃખ અને પસ્તાવો થયો હોવાની હકીકત જણાવી અને મૃતકના કુટુંબને ન્યાય મળે તે હેતુથી સ્વેચ્છાએજ કોઈ દબાણ વગર તાજના સાક્ષી બન્યા હોવાનું કહ્યું. તેથી કોર્ટ આરોપી સમીર ગાંધીને તાજના સાક્ષી તરીકે ગ્રાહ્ય રાખવા હુકમ કરેલ છે."

ગાંધીએ સરકારે જણાવેલ કેસની હકીકતોને સમર્થન આપ્યું અને ફરિયાદ પક્ષને તેમનો કેસ પુરવાર કરવામાં મદદ કરી. આથી, કોર્ટે ગાંધીને માફી આપી. એ સાથે જ કોર્ટે સંદીપકુમાર ગાંધી, ધર્મેન્દ્રભાઈ પટેલ, ત્રીકેશભાઈ ગુજ્જર, વિજયકુમાર સીંધવ તેમજ કૈલાશભાઈ મારવાડીને શંકાનો લાભ આપી છોડી મુક્યા.

આરોપીના વકીલ ધીરુભાઈ પીપળિયાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે તેઓ સેશન્સ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારશે.

પીપળિયાએ કહ્યું, "સેશન્સ કોર્ટે તેની સજા ફરમાવતા ચુકાદા માટે તાજના સાક્ષી સમીર ગાંધીની જુબાની પર વધારે પડતો આધાર રાખ્યો છે, જયારે હકીકતમાં તેની જુબાની માની શકાય અને ગ્રાહ્ય રાખી શકાય તેવી નથી. કારણ કે છેક પાંચ વરસ પછી તાજના સાક્ષી બનવાનું તેમને કેમ સૂઝ્યું એ બાબતે તેમની પાસે કોઈ સ્પષ્ટ જવાબ નથી. અમે સેશન્સ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારીશું,"

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.