બળાત્કારનો આરોપી વૉશિંગ મશીનને કારણે કેવી રીતે પકડાયો?

    • લેેખક, જોએલ ગુઈન્ટો
    • પદ, બીબીસી ન્યૂઝ

દક્ષિણ કોરિયાની એક હાઇકોર્ટે બળાત્કાર સહિતના જાતીય ગુનાઓ માટે 24 વર્ષીય એક પુરુષની સજાને માન્ય રાખી છે.

બળાત્કાર સમયે વૉશિંગ મશીનની સપાટી પર તેનું પ્રતિબિંબ પડ્યું હતું, જેથી સીસીટીવી કૅમેરામાં એ ઘટના ઝડપાઈ ગઈ. સીસીટીવીના એ ફૂટેજના આધારે કોર્ટે સજા કરી છે.

બળાત્કાર પીડિતા દ્વારા સોંપવામાં આવેલા સીસીટીવી વિડિયોમાં અપરાધની ઘટના જોઈ શકાતી નહોતી. પરંતુ તપાસકર્તાઓએ વૉશિંગ મશીનના દરવાજા પર પ્રતિબિંબ જોયું ત્યારે સાબિતી મળી ગઈ.

આ વ્યક્તિ પર અગાઉ પણ અન્ય ગુનાઓ માટે આરોપ મૂકવામાં આવ્યો હતો, જેમાં તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ પર શંકાસ્પદ બળાત્કાર અને સગીર સાથે સેક્સનો સમાવેશ થાય છે એવું અહેવાલમાં જણાવાયું છે.

મુક્તિ પછી પણ સાત વર્ષ સુધી પગમાં ટૅગ પહેરવા પડશે

અસલમાં આ ગુનેગારને નવેમ્બરમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને આઠ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. પરંતુ તેણે આ ચુકાદા સામે અપીલ કરી હતી. ત્યારપછી હાઈકોર્ટે તેને સાત વર્ષની સજા સંભળાવી હતી અને કહ્યું હતું કે તેણે એક પીડિત યુવતી સાથે સમાધાન કર્યું હતું.

આ માણસે તેની મુક્તિ પછી સાત વર્ષ સુધી પગની ઘૂંટીમાં ટૅગ પહેરવા પડશે. આ ઉપરાંત તે સાત વર્ષ સુધી બાળકો, કિશોરો અને અપંગ લોકો માટેની ફેસિલિટીમાં કામ નહીં કરી શકે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.